સિરમોર : હિમાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 30° 22´ 30´´થી 31° 01´ 20´´ ઉ. અ. અને 77° 01´ 12´´થી 77° 49´ 40´´ પૂ. રે. વચ્ચેનો 2,825 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની પૂર્વ-પશ્ચિમ મહત્તમ લંબાઈ 77 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ પહોળાઈ 80 કિમી. જેટલી છે. તેની ઉત્તરે સિમલા, પૂર્વમાં યમુના નદી અને તેની પેલી પાર ઉત્તરાંચલ રાજ્ય, દક્ષિણ અને પશ્ચિમમાં હરિયાણાનો અંબાલા જિલ્લો તથા વાયવ્યમાં સોલન જિલ્લો આવેલા છે. જિલ્લામથક નહાન જિલ્લાની નૈર્ઋત્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : ભૌગોલિક દૃષ્ટિએ આ જિલ્લાના ત્રણ વિભાગો પાડી શકાય છે : (1) ગિરી નદીની આ પારનો વિસ્તાર, (2) ગિરી નદીની પેલી પારનો વિસ્તાર, (3) દૂનની ખીણ. પ્રથમ બે વિભાગોમાં વાયવ્ય-અગ્નિ દિશામાં પથરાયેલી શિવાલિકની પર્વતીય હારમાળાઓ આવેલી છે. આ પર્વતમાળાઓમાં સર્વોચ્ચ સ્થળ 3,595 મીટરની ઊંચાઈ ધરાવે છે.

જંગલો : ઓછી ઊંચાઈવાળા ભાગોમાં ઝાડવાં-ઝાંખરાં, સાલ અને વાંસનાં જંગલો આવેલાં છે; જ્યારે વધુ ઊંચાઈએ ઓક, સ્પ્રુસ, ફર, પાઇન અને દેવદારનાં જંગલો છે. અહીંનાં જંગલોમાંથી મેળવાતાં લાકડાં અને પાટડા મેદાનોના પ્રદેશોમાં ઊંચી કિંમતે વેચાય છે. ચીલ અને પાઇનમાંથી રાળ મેળવાય છે. ભાબરના પ્રદેશમાં ઘાસ ઊગી નીકળે છે.

શિવાલિક હારમાળા આ જિલ્લાના કુલ વિસ્તારનો લગભગ 95 % ભાગ આવરી લે છે. ખનિજસંપત્તિની ષ્ટિએ આ જિલ્લો સમૃદ્ધ છે. અહીં ચિરોડી, બેરાઇટ અને ચૂનાખડકો તેમજ રેતી, માટી તથા અન્ય પથ્થરો પણ મળે છે. ચૂનાખડકોને કારણે સિમેન્ટનું પુષ્કળ ઉત્પાદન લેવાય છે.

સિરમોર

જળપરિવાહ : ગિરી આ જિલ્લાની મોટી નદી ગણાય છે. ગિરી નદીની એક તરફ શિવાલિક હારમાળા અને બીજી તરફ મસૂરી હારમાળા આવેલી છે. આ નદી જિલ્લાની અગ્નિ સીમા પર યમુનાને મળે છે. જિલ્લાની પૂર્વ સરહદ પરથી યમુના નદી વહે છે, આ ઉપરાંત માર્કંડ નદી અને જલાલ નદી અહીંની નાની નદીઓ છે.

ખેતી : આ જિલ્લાની જમીનો રેતાળ અને માટીવાળી છે. મકાઈ અહીંનો મુખ્ય કૃષિપાક છે. ઘઉં, વટાણા, ટામેટાં અને બટાટા તથા આદું અને હળદર અહીંના અન્ય પાકો છે. દૂનની ખીણમાં શેરડી અને ડાંગરનો પાક લેવાય છે. સફરજન, અખરોટ, નારંગી, કાગદી લીંબુ તથા રાસબરી પણ ઉગાડાય છે. અહીં બાગાયતી ખેતીને હવે વધુ મહત્ત્વ અપાય છે.

પશુપાલન : ખેતી પછી પશુપાલનનો વ્યવસાય બીજા ક્રમે આવે છે. આ જિલ્લાના ઘણાખરા લોકો ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, ડુક્કર અને ટટ્ટુ પાળે છે. કિન્નૌર અને ચંબા જિલ્લાના લોકો ગાયો, ભેંસો તથા ઘેટાં-બકરાંને લઈને દૂનની ખીણમાં ચરાવવા અહીં આવે છે. દુધાળાં ઢોરને કારણે અહીં દૂધની ડેરીઓનો વિકાસ થયો છે અને દૂધની જાળવણી માટે શીતાગારો તૈયાર કરાયાં છે.

ઉદ્યોગો : અગાઉના વખતમાં આ જિલ્લામાં ઉદ્યોગોનું પ્રમાણ તદ્દન ઓછું હતું. 1875માં રાજા સમશેરસિંગના શાસનકાળ વખતે અહીં નહાન ફાઉન્ડ્રી લિ. નામનો ઉદ્યોગ સ્થપાયેલો. 1964માં આ ઉદ્યોગ હિમાચલ પ્રદેશની સરકારે પોતાને હસ્તક લીધેલો. આ ઉદ્યોગમાં જુદી જુદી પેદાશો માટેનાં યાંત્રિક સાધનો બનાવાય છે. નહાનમાં બીજો એક જૂનો (1945) ઉદ્યોગ રેઝિન ઍન્ડ ટર્પેન્ટાઇન ફૅક્ટરીનો છે. રેઝિન-ટર્પેન્ટાઇન અહીંનાં ચીલનાં વૃક્ષોમાંથી મેળવાય છે. આ ઉદ્યોગ પણ 1957માં સરકારે પોતાને હસ્તક લીધેલો છે. સિમેન્ટ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયાએ અહીં રાજબાન ખાતે સિમેન્ટ ફૅક્ટરી નાખી છે. કન્યા-કેળવણી માટે સીવણની તાલીમસંસ્થા પણ છે. ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, રેડિયો/ટી.વી. મિકૅનિક, ડ્રાફ્ટ્સમૅન, વેલ્ડર જેવા વ્યવસાયલક્ષી અભ્યાસ કરાવતી સંસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. અહીંનાં પરંપરાગત કુટિરઉદ્યોગો ગ્રામીણ અર્થતંત્રને નિભાવે છે. તેમાં હાથસાળ-વણાટકામ તથા ટોપલી બનાવવાનું કામ ચાલે છે.

વેપાર : જિલ્લાનાં નહાન, પૌન્તાસાહિબ અને સરાહન નગરોમાં લાકડાનું રાચરચીલું અને ખાદ્યપાકોનું ઉત્પાદન લેવાય છે. ઘઉં, ચોખા તેમજ અન્ય ખાદ્ય ધાન્યો, શેરડીની નિકાસ તથા ખાંડ, કેરોસીન, કપડાં, દાગીના, હોઝિયરી, વાસણો, સિગારેટ, શાકભાજી તેમજ જરૂરી અનાજની આયાત કરવામાં આવે છે. સિરમોર જિલ્લો જૂના વખતમાં ક્યારેય વેપારી મથક તરીકે જાણીતો ન હતો; પરંતુ હવે સફરજન અને અન્ય ફળો ત્યાંના બજારમાં વેચાવાં શરૂ થયાં છે.

પરિવહન : આ જિલ્લામાં રેલમાર્ગની સુવિધા નથી. નજીકનું રેલમથક નહાનથી 60 કિમી. અંતરે આવેલું છે. જિલ્લામથક નહાન સડકમાર્ગો મારફતે સારી રીતે સંકળાયેલું છે. હરિયાણા અને ઉત્તરપ્રદેશ સાથે આ જિલ્લો ધોરી માર્ગોથી જોડાયેલો છે. બસો આ માર્ગો પર નિયમિત અવરજવર કરતી રહે છે. સડકમાર્ગોની લંબાઈ 1684 કિમી. જેટલી હતી તે નવા રસ્તાઓ ઉમેરાતાં વધી છે.

પ્રવાસન : નહાન, સિરમોરી તાલ, મજરા, રાજગઢ, હરિપુર, જૈતક, પૌન્તાસાહિબ, ત્રિલોકપુર, સરાહન, ચૂરપાર્ક અને રેણુકા જેવાં પ્રવાસી-સ્થળો અહીં આવેલાં છે. વારતહેવારે ઉત્સવોની ઉજવણી થાય છે તથા મેળા ભરાય છે. લોકો તેમાં આનંદથી ભાગ લે છે અને માણે છે. તેમાં બિસુના તહેવારો, ગુગા નવમી (ભાદરવા સુદ 9), અથોન (અષાઢ), માઘી, હોળી, દિવાળી, દશેરા વગેરે ઊજવાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 3,80,000 જેટલી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ લગભગ 55 % અને 45 % જેટલું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 66 % અને 34 % જેટલું છે. અહીં હિન્દુઓની વસ્તી વિશેષ છે; જ્યારે મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને શીખ લોકોની વસ્તી ઓછી છે. હિન્દી અને પહાડી અહીંની મુખ્ય ભાષાઓ છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 42 % જેટલું છે. નહાન ખાતે એક સરકારી કૉલેજ છે. નહાન, પૌન્તાસાહિબ અને સરાહનમાં શાળાઓનું પ્રમાણ સારું છે. અહીંનાં આશરે 26 % જેટલાં ગામોમાં તબીબી સુવિધાની વ્યવસ્થા છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને 10 તાલુકા અને 5 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 4 નગરો અને 968 (3 વસ્તી વિનાનાં) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : સિરમોર દેશી રાજ્ય હતું. ઈ. સ.ની 11મી સદીમાં જેસલમેરના રાજા ઉગરસેને તેના પુત્ર શોભા રાવલને સિરમોર પર શાસન કરવા મોકલ્યો. તેણે ત્યાં વિજય મેળવીને પોતાનું રાજ્ય સ્થાપ્યું અને રાજબનમાં પાટનગર રાખ્યું. તેણે ‘સુબન્સ પરકાશ’નો ખિતાબ ધારણ કર્યો, ત્યારથી સિરમોરના રાજાઓ ‘પરકાશ’ કહેવાતા હતા. તેણે ત્યાં ચાર વર્ષ રાજ્ય કર્યું. આ રાજ્યનો સંપૂર્ણ ઇતિહાસ પ્રાપ્ત થતો નથી. ઈ. સ. 1108થી 1117 સુધી મલ્હી પરકાશે ત્યાં રાજ્ય કર્યું. તે ધાર્મિક તથા દાનવીર શાસક હતો. તેણે શ્રીનગરના રાજા સામે લડાઈ કરીને માલ્દાનો કિલ્લો કબજે કર્યો. તેના વારસ ઉદિત પરકાશે 1121થી 1127 સુધી રાજ્ય કર્યું. તેણે પાટનગર બદલીને કાલ્સીમાં રાખ્યું. ઈ. સ. 1149થી 1158 સુધી સોમર પરકાશે સિરમોર પર રાજ્ય કર્યું. તેણે કિઓન્થલ રાજ્યનો રાતેશનો કિલ્લો જીતીને ત્યાં પાટનગર ખસેડ્યું. તેનો વારસ સૂરજ પરકાશ 1158માં ગાદીએ બેઠો અને 1169 પર્યન્ત તેણે શાસન કર્યું. તે પાટનગર બદલીને કાલ્સીમાં લઈ ગયો. તેથી તેની પ્રજાએ તેની સામે બળવો કર્યો અને કિલ્લાનું રક્ષણ કરતાં તેની પુત્રી મરણ પામી. આ સમાચાર જાણીને સૂરજ પરકાશે પોતે જઈને બળવાખોરોને દબાવી દીધા અને જુબ્બલ, બલસાણ, કુમ્હારસેન, ઘોન્દ, સહરી, થિયોગ વગેરેના ઠાકુરોને હરાવી ખંડણી આપવાની ફરજ પાડી.

ઈ. સ. 1342માં જગત પરકાશ ગાદીએ બેઠો અને તેણે 1356 સુધી શાસન કર્યું. શાસન કરવાની તેની અણઆવડતને લીધે ઠાકુરોએ તેની સામે બળવો કર્યો. ઈ. સ. 1356માં તેના પુત્ર વીર પરકાશનો રાજ્યાભિષેક થયો. તે શક્તિશાળી રાજા હતો. તેણે ઠાકુરોનો બળવો કચડી નાખ્યો અને હાટકોતીમાં નવો કિલ્લો બંધાવ્યો.

ભારત સ્વતંત્ર થયા બાદ, 15મી એપ્રિલ, 1948ના રોજ સિરમોરના રાજ્યનું હિમાચલ પ્રદેશમાં વિલીનીકરણ થયું અને તેને અલગ જિલ્લો બનાવવામાં આવ્યો.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ