સિર ક્રીક સીમા-વિસ્તાર

January, 2008

સિર ક્રીક સીમાવિસ્તાર : ભારતની પશ્ચિમે કચ્છની સીમાનો છેલ્લો સત્તાવાર થાંભલો નં. 1175 (જે લખપતની બરાબર સામે આવેલો છે.), ત્યાંથી પશ્ચિમે 322 કિમી. લાંબી પટ્ટી ધરાવતી જમીનની સરહદ અને 99 કિમી. સુધી એટલે કે સિર ક્રીકના મુખ સુધીનો ખાડી-વિસ્તાર.

કચ્છના રાજા અને સિંધ પ્રાંત વચ્ચે 1913માં કરાર થયા પછી થાંભલા ઊભા કરાયા હતા. જી. પિલર્સ તરીકે ઓળખાતા તે ચાલીસ થાંભલા આજે પણ મોજૂદ છે. આ અંગે સમજૂતી થયાનો દસ્તાવેજી ઇતિહાસ છે. લખપત તાલુકાના કોટેશ્વર નજીકથી આ વિસ્તાર શરૂ થાય છે. સંખ્યાબંધ અટપટી ખાડીઓ(ક્રીક)ને કારણે આ વિસ્તાર ભૌગોલિક રીતે વિશિષ્ટ પ્રકારનો છે. ક્યાંક ચેરિયાનાં વન, ક્યાંક કાદવવાળી જમીન, ક્યાંક છીછરું પાણી તો ક્યાંક ઊંડું પાણી. આ કાદવ અને ભીનાશવાળી જમીનના કારણે ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ આ અંગે કોઈ મતભેદ નહોતા; પરંતુ સ્પષ્ટ આંકણી થઈ ન હોવાથી પાકિસ્તાનની નજર આ ક્રીક-વિસ્તારો પર રહે છે. કોટેશ્વર નજીકની કોરી ક્રીક, પડાણ ક્રીક, પબુવારી ક્રીક વગેરે અનેક ક્રીક અને પશ્ચિમે છેક છેવાડે સિર ક્રીક છે. ક્રીક અને દરિયાકાંઠાના વિસ્તારોના પેટાળમાં તેલ મળવાની શક્યતાઓને પગલે આ વિસ્તારને પાકિસ્તાને વિવાદનો વિષય બનાવ્યો છે.

સિર ક્રીક

કચ્છનું આખું રણ એ ભારતની જમીન છે. 1965ના ભારત-પાક યુદ્ધ પૂર્વે પાકિસ્તાને આક્રમણ કરી આ વિસ્તારના છાડબેટ સહિતનો ભાગ દબાવી દીધો હતો અને તેને અંગે વિવાદ ઊભો કર્યો હતો. ત્યારબાદ કચ્છના રણના ઘણા વિસ્તારો અંગે વિવાદ ઊભા કર્યા. એથી સમગ્ર ઘટના આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલ સમક્ષ રજૂ થઈ. ટ્રિબ્યૂનલ સમક્ષ પાકિસ્તાને કચ્છના અડધોઅડધ રણ પર દાવો કર્યો. બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ 19 ફેબ્રુઆરી, 1968ના રોજ ટ્રિબ્યૂનલે ચુકાદો આપ્યો, જેમાં 90 ટકા રણ કચ્છની હકૂમત હેઠળ એટલે કે ભારતનો વિસ્તાર હોવાનું સ્વીકાર્યું અને એ રીતે ભારતની રજૂઆત ઘણે અંશે માન્ય રાખી. પણ તેના 10 ટકા ભાગ પર પાકિસ્તાનનો દાવો માન્ય રાખ્યો. આ ગુમાવેલા 10 ટકા હિસ્સામાં છાડબેટ વિસ્તાર ભારતે ગુમાવ્યો. છાડબેટની ઘાસિયા જમીન ઉચ્ચ ગુણવત્તાનું ઘાસ પેદા કરે છે, જેનો સંગ્રહ કચ્છના દુષ્કાળો તથા આકરા ઉનાળામાં ઉપયોગી પુરવાર થતો તે આ ચુકાદાથી કચ્છે ગુમાવવાનો વારો આવ્યો. આ મુદ્દા પર ત્યારબાદ કચ્છ સત્યાગ્રહ થયો. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધવેળા આ વિસ્તાર ભારતે ફરી જીતી લીધો; પરંતુ સિમલા મંત્રણાને પગલે તે પાકિસ્તાનને પરત કર્યો.

અખંડ હિંદુસ્તાનના વિભાજન બાદ લાંબા ગાળા સુધી આ વિસ્તાર અંગે કોઈ વિવાદ નહોતો તો બીજી તરફ આ ખાડીના વિસ્તારોની ધરતીના પેટાળમાં તેલ મળવાની શક્યતાઓને પગલે પાકિસ્તાન કૃત્રિમ દાવા ઊભા કરી તે વિસ્તારો હડપી લેવા ઇચ્છે છે.

વાસ્તવમાં ગુજરાતના કચ્છ જિલ્લાનું લખપત નગર સરહદી નગર છે. તે પછીના સમુદ્રતટને જોડાઈને આવેલો દરિયાઈ પટ્ટીવિસ્તાર તે ખાડી-વિસ્તાર છે અને તેની છેલ્લી ખાડી સિર ક્રીક નામથી જાણીતી હોવાથી તે સિર ક્રીક સીમા-વિસ્તાર તરીકે ઓળખાય છે. આ સમગ્ર ખાડી કળણ-ભરેલી છે. આ કળણ-વિસ્તારનો એક કાંઠો ભારતને અડે છે તો બીજો પાકિસ્તાનને અડે છે. બે કાંઠાઓની વચ્ચે છે તે ખાડી-વિસ્તાર વાંકોચૂકો, પેચીદો અને 104.06 કિમી. લાંબો છે. ત્યાં સતત પેટ્રોલિંગ કરવાનું કામ દુષ્કર છે. બીજી તરફ વિઘાતક તત્ત્વો માટે સ્ફોટક પદાર્થો, ઘાતક શસ્ત્રો ઘુસાડવા માટે આ વિસ્તાર ભારે અનુકૂળ છે. પાકિસ્તાન ભારત તરફના કાંઠાને સરહદ ગણાવી આખી ખાડીને પોતાની સીમામાં લઈ લેવા તાકે છે; જ્યારે ભારત સરકાર મધ્ય-વહેણ(mid-stream)નો સિદ્ધાંત લાગુ પાડી ક્રીકની ખાડીના મધ્યભાગને સીમારેખા તરીકે ઓળખાવે છે. આમ આ ખાડીનો વિસ્તાર વિવાદાસ્પદ બન્યો છે. અહીં એક પ્રાકૃતિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવી આવશ્યક છે. ખાડીના વિસ્તારમાં દરિયાનાં ભરતી-ઓટને કારણે કાંઠાના તળ અવારનવાર બદલાય છે એથી કાંઠો જાણે આગળપાછળ થતો રહે છે. આ પ્રાકૃતિક ફેરફારોને કારણે સીમાંકનનો પ્રશ્ન વધુ પેચીદો બને છે. આમ સમયના વહેણ સાથે સિર ક્રીકનો વિસ્તાર વિવાદનો વિષય બન્યો છે અને દિનપ્રતિદિન વધુ ને વધુ સંવેદનશીલ બનતો જાય છે.

આ સંદર્ભમાં 1980ના દાયકાથી પાકિસ્તાને સિર ક્રીક વિસ્તાર બાબતે વાંધા ઉઠાવવા માંડ્યા. પરિણામે આ વિસ્તારનું સર્વેક્ષણ કરી વાટાઘાટો દ્વારા સીમાંકન નિશ્ચિત કરવું એવી સમજ બંને દેશોની સરકારોએ માન્ય રાખી. આથી જાન્યુઆરી, 2005માં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું, જેમાં ભારતીય ટીમમાં એડિશનલ સર્વેયર જનરલ મેજર ગોપાલરાવના નેતૃત્વ હેઠળ ટીમના સભ્યોએ કામ કર્યું. તેમનું આ સર્વેક્ષણ બે તબક્કે કરવામાં આવેલું. પહેલા તબક્કામાં ખાડી-વિસ્તારની આસપાસની જમીનનું સર્વેક્ષણ કરવામાં આવ્યું અને બીજા તબક્કે ખાડીની અંદરના જળવિસ્તારમાં સર્વેક્ષણ હાથ ધરાયું હતું. આ સર્વેક્ષણ છતાં પાકિસ્તાન તરફથી વારંવાર નવા નવા વાંધાઓ ઊભા કરાતા હોવાથી જાન્યુઆરી, 2007માં બ્રિગેડિયર પી. એસ. સમુદ્રના નેતૃત્વ હેઠળ એક મહિનો લાંબી ચાલનારી મોજણી હાથ ધરાઈ છે. ભારે ગુપ્તતા હેઠળ હાથ ધરાનાર આ વ્યૂહાત્મક મોજણી સરહદી ષ્ટિએ ઘણી નોંધપાત્ર છે. મોજણીનું આ કામ અત્યંત કપરું છે. રાત્રે અને સવારે કાતિલ ઠંડી, બપોરે આકરી ગરમી અને રણની રેતીમાંથી પરાવર્તિત થતા સૂર્યપ્રકાશથી અંજાઈ જતી આંખો – આ વિષમ પરિસ્થિતિ સૈનિકોને માટે ભારે કસોટીરૂપ બને છે.

આવી પરિસ્થિતિઓ વચ્ચે સીમા-રેખાંકનની કામગીરીમાં અત્યંત સાવધાની રાખવી પડે તેમ છે. આ વિવાદી વિસ્તારો અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘે (યુનો) એક ઠરાવ કર્યો છે, જે મુજબ 2009 સુધીમાં આ વિવાદનું નિવારણ ન થાય તો તેના પર બંને દેશોનો જે અધિકાર છે તે નાબૂદ થઈ જશે અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવ મુજબ સમગ્ર વિસ્તાર આંતરરાષ્ટ્રીય કબજા હેઠળ જતો રહેશે. આથી તેનો ત્વરિત ઉકેલ લાવવા બંને દેશો પ્રયત્નશીલ છે.

રક્ષા મ. વ્યાસ