સિરસા : હરિયાણા રાજ્યમાં પશ્ચિમ તરફના છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 14´થી 29° 59´ ઉ. અ. અને 74° 27´થી 75° 18´ પૂ. રે. વચ્ચેનો 4,277 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ પંજાબ રાજ્ય, પૂર્વમાં હિસાર જિલ્લો તથા દક્ષિણ, નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ રાજસ્થાનની સીમા આવેલાં છે. જિલ્લામથક સિરસા જિલ્લાના મધ્યભાગથી અગ્નિકોણ તરફ આવેલું છે.

ભૂપૃષ્ઠ : સિરસા જિલ્લો મેદાની પ્રકારનું સમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે. આ જિલ્લામાં અનામત જંગલો નથી. રાજસ્થાનનું રણ નજીક હોવાથી અહીં આબોહવા ગરમ અને સૂકી રહે છે. વરસાદનું પ્રમાણ તદ્દન ઓછું રહે છે. ઘગ્ગર અહીંની એકમાત્ર નદી છે, કેટલાક તેને થરના રણમાં લુપ્ત થયેલી સરસ્વતી તરીકે પણ ઘટાવે છે. જ્યારે પણ ઘગ્ગરમાં પૂર આવે ત્યારે તેના ઊભરાવાથી અહીં ઓટુ નામનું એક સરોવર બની રહે છે.

સિરસા

ખેતી-પશુપાલન : વરસાદની અછત રહેતી હોવાથી નહેરો દ્વારા સિંચાઈ ઉપલબ્ધ કરવામાં આવે છે, તેથી ધાન્યપાકો તથા કપાસની ખેતી થાય છે. હરિયાણામાં થતા કપાસ પૈકી 33 % કપાસ આ જિલ્લો પકવે છે. ધાન્યપાકોમાં મુખ્યત્વે ઘઉં અને ચણાનું વાવેતર થાય છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં, બકરાં અને ઊંટ જેવાં પાલતુ પશુઓ જોવા મળે છે.

ઉદ્યોગો-વેપાર : જિલ્લાના મોટાભાગના ઉદ્યોગો કૃષિપેદાશો આધારિત છે. આ જિલ્લામાં આટાની, દાળની અને ચોખા છડવાની મિલો તથા કૃષિસાધનો બનાવતા એકમો આવેલા છે. અહીં ઉદ્યોગક્ષેત્રે માનવશ્રમ અને બુદ્ધિનો ઉપયોગ કરવા માટે ઘણી ઊજળી તકો છે. સિરસા, રાનિયા, કલાનવાલી, એલેનાબાદ અને મંડી દાબવાલી ખાતે ઔદ્યોગિક એકમો કેન્દ્રિત થયેલા છે તથા આશરે 80થી વધુ કારખાનાં કાર્યરત છે, તે પૈકી ખાદ્યપ્રક્રમણનાં આશરે 21 અને કાપડ-ઉદ્યોગનાં આશરે 51 જેટલાં કારખાનાં છે. આ ઉપરાંત લાકડાના વહેરમાંથી બનાવાતાં કડક પાટિયાં, હાડકાંનો ભૂકો, ખાદ્યતેલ, ઊની ધાબળા, સૂતર, સ્ટવ, ગૅલ્વૅનાઇઝ્ડ ડોલ, પોલાદ-લોખંડનું રાચરચીલું, કૃષિઓજારો, સૂરોખાર અને કાગળની પેદાશો તૈયાર કરતા નાના પાયા પરના ઘણા એકમો તથા હાથસાળનું કાપડ અને મીણબત્તીઓના ગૃહઉદ્યોગો પણ આવેલા છે.

સિરસા, રાનિયા, મંડી દાબવાલી અને કલાનવાલી ખાતે રૂની ગાંસડીઓ, કૃષિઓજારો, ચોખાનું ઉત્પાદન લેવાય છે તથા ચોખાની નિકાસ અને લોખંડ-પોલાદની આયાત થાય છે.

પરિવહન : સિરસા ઉત્તર રેલવિભાગના બથિંડા હિસાર રેલમાર્ગ પર આવેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 10 સિરસામાંથી પસાર થાય છે. જિલ્લાનાં આશરે 311 (97.5 %) જેટલાં ગામો પાકા માર્ગોથી જોડાયેલાં છે.

પ્રવાસન : હરિયાણા રાજ્ય સરકારે પ્રવાસન-ઉદ્યોગના વિકાસ માટે માર્ગો, વિહારધામો, હોટેલો, મોટેલો અને રેસ્ટોરાં જેવી વિવિધ પ્રકારની સગવડો ઊભી કરી છે. જિલ્લામાં ત્રણ પ્રવાસી વિહારધામો વિકસાવવામાં આવ્યાં છે. તે પૈકીના કલાતિતર અને શિકારા નામનાં બે વિહારધામો બથિંડા-ગંગાનગર ધોરી માર્ગ પર અબૂબશહેર ખાતે તથા અસાખેડા ખાતે આવેલાં છે. હરિયાણા-રાજસ્થાન-પંજાબની સરહદને ત્રિભેટે ભાખરા નહેર અને રાજસ્થાન નહેર પસાર થાય છે અને થરનું રણ જ્યાંથી શરૂ થાય છે ત્યાં આવેલું કલાતિતરનું વિહારધામ મોટેલ, રેસ્ટોરાં, મદ્યવેચાણકેન્દ્ર અને નૌકાવિહારની સુવિધાઓ ધરાવે છે. અસાખેડાનું લઘુવિહારધામ હરિયાણાના ગ્રામીણ વિસ્તારના લોકોને માટે ભોજનની તેમજ રહેવાની સગવડ ધરાવે છે. સિરસા ખાતેનું સુરખાબનું વિહારધામ 10 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. અહીં અલ્પાહારની તથા મદ્યવેચાણકેન્દ્રની સગવડ છે. આ ઉપરાંત વારતહેવારે મેળા અને ઉત્સવો યોજાતા રહે છે.

વસ્તી : 2001 મુજબ જિલ્લાની વસ્તી આશરે 11,11,012 જેટલી છે. તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. હિન્દુઓ 70 %, શીખ 25 % તથા 5 % અન્ય ધર્મોના લોકો વસે છે. અહીંની મુખ્ય ભાષા હિન્દી છે. સાક્ષરતાનું પ્રમાણ લગભગ 46 % જેટલું છે. જિલ્લામાં ચાર ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે. જિલ્લાનાં 180 જેટલાં ગામોમાં તબીબી સેવાની સગવડો છે. જિલ્લાને વહીવટી સરળતા માટે 4 તાલુકા અને 7 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 4 નગરો અને 323 (4 વસ્તીવિહીન) ગામડાં છે.

ઇતિહાસ : હિસારથી વાયવ્યમાં 82 કિમી.ને અંતરે ઘગ્ગરના સૂકા ભાઠાથી ઉત્તર તરફ તથા ઉત્તર રેલવિભાગના બથિંડા-હિસાર રેલમાર્ગથી દક્ષિણે 75 કિમી. અંતરે આવેલું સિરસા ઘણું પ્રાચીન નગર હોવાનું કહેવાય છે. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ ‘અષ્ટાધ્યાયી’માં તેનો ‘શૈરીષક’ તરીકે ઉલ્લેખ મળે છે; ‘શૈરીષક’ શબ્દ આ વિસ્તારમાં વધુ પડતાં જોવા મળતાં ઍકેશિયા સ્પેસિયોઝા (શિરીષ) વૃક્ષો પરથી ઊતરી આવ્યો હોવાનું મનાય છે. કનિંગહામના મંતવ્ય મુજબ, આ શહેરનું જૂનું નામ ‘શીર્ષપત્તન’ હોવાનું કહેવાય છે; પરંતુ તે તો મધ્યયુગનું પ્રચલિત નામ છે. આ રીતે જોતાં, ઈ. પૂ. છઠ્ઠી સદીમાં થઈ ગયેલા પાણિનિના સમય સુધી તો તે ‘શૈરીષક’ હતું. પાંડવ નકુલે જીતેલા સ્થળ તરીકે મહાભારતમાં તે વર્ણવાયેલું છે.

ઈ. સ. 200-300ના ગાળામાં બૌદ્ધલેખ દિવ્યવદનમાં કુણાલ વિશેની વાતમાં આ સ્થળના નામનો ઉલ્લેખ મળે છે. તે પછીનાં એક હજાર વર્ષ બાદ જૈન સાહિત્યના પુરાતન પ્રબંધ સંગ્રહ(ઈ. સ. 1234-1294) (વિ. સં. 1290-1350)માં પણ તેનો ઉલ્લેખ છે.

અનુશ્રુતિમાં આ નગરનો ઉત્પત્તિ-ઇતિહાસ રાજા સારસ સાથે સંકળાયેલો હોવાનું જણાય છે. તેણે 1400 વર્ષ પહેલાં આશરે 5 કિમી.ના ઘેરાવામાં નૈર્ઋત્યમાં બાંધેલા કિલ્લા સહિત આ સ્થળનું નિર્માણ કર્યું હોવાનું ગણાય છે. આશરે 5મી કે 6ઠ્ઠી સદીના એક રાજા માટે રચાયેલા અઢાર શ્લોકો પૈકીના છેલ્લા પાંચ શ્લોકોનો શિલાલેખ મળેલો છે તથા યૌધેયો અને કુશાણોના સિક્કા પણ મળ્યા છે. પુરાતત્ત્વના આ પુરાવાનાં સંશોધનો નગરની પ્રાચીનતાને પુરવાર કરે છે. આ ઉપરાંત આ સ્થળની આજુબાજુ પણ બીજા ઘણા પ્રાચીન ટેકરા મળી આવ્યા છે. મળી આવેલા સિક્કા અને મધ્યયુગના પ્રારંભનાં શિલ્પો સ્થળના નામનો ઉલ્લેખ કરી જાય છે. મધ્યયુગમાં આ સ્થળ ‘સરસુતિ’ નામથી ઓળખાતું હતું. ઘગ્ગરનો પટ અહીં આવેલો હતો. અહીં નેતર ઊગી નીકળતું હતું. મહમ્મદ ગઝનીના પુત્ર સુલતાન મસૂદનાં દળોએ અહીંના કિલ્લાની બહારની ખાઈને પૂરી દીધેલી. કેટલાક લોકો એમ પણ કહે છે કે પૃથ્વીરાજ ચૌહાણ મોહમ્મદ ઘોરીના હાથે હાર્યા પછી 1192માં આ સ્થળ નજીક પકડાયેલો. વાસફ(Wassaf)માં ઉલ્લેખ મળે છે કે 14મી સદીમાં ઉત્તર ભારતનાં અગત્યનાં શહેરોમાં આ નગરની પણ ગણના થતી હતી. તે પછીથી તીમૂરે તેનો કબજો લીધેલો. શેરશાહના વખતમાં અમુક સમય માટે બિકાનેરના રાવ કલ્યાણસિંહને જોધપુરના રાવે અહીંથી કાઢી મૂકેલો. 18મી સદીમાં આ સ્થળ ભટ્ટીઓના હસ્તક ગયેલું. 1783માં અહીં ભયંકર દુકાળ પડેલો. 1818માં તે અંગ્રેજોને હસ્તક ગયું, તે પછી 1838માં કૅપ્ટન થૉર્સબીએ આજનું સિરસા તૈયાર કરાવેલું. 1858થી 1884 દરમિયાન તે જિલ્લામથક પણ રહેલું. ભારત સ્વતંત્ર થયા બાદ હરિયાણા રાજ્યની રચના થતાં તેને જિલ્લા તરીકે દરજ્જો મળેલો છે.

ગિરીશભાઈ પંડ્યા