સિધિ (Sidhi) : મધ્ય પ્રદેશના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 45´થી 23° 45´ ઉ. અ. અને 81° 10´થી 83° 00´ પૂ. રે. વચ્ચેનો 10,256 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં રેવા, ઈશાન અને પૂર્વમાં ઉત્તરપ્રદેશનો મિરઝાપુર જિલ્લો, દક્ષિણે સરગુજા જિલ્લો, પશ્ચિમે શાહડોલ જિલ્લો તથા વાયવ્યમાં સતના અને રેવા જિલ્લા આવેલા છે. આ જિલ્લો પૂર્વમાં પહોળા અને પશ્ચિમમાં સાંકડા ચતુષ્કોણ આકારનો છે. જિલ્લામથક સિધિ જિલ્લાની ઉત્તરમાં આવેલું છે.
સિધિ
ભૂપૃષ્ઠ : આ જિલ્લો બાઘેલખંડ ઉચ્ચપ્રદેશ પર તથા કૈમૂરના દક્ષિણી સમુત્પ્રપાતોની દક્ષિણે આવેલો છે. કૈમૂર હારમાળાનું વિસ્તરણ અહીં રેવા જિલ્લા સાથે સરહદ રચે છે. જિલ્લાના ઉત્તર ભાગમાં સોન નદી કૈમૂરની ભેખડોને સમાંતર વહે છે. કૈમૂરની ભેખડો અને સોન નદી વચ્ચે ખીણોથી છેદાયેલી, સાંકડી, ફળદ્રૂપ ભૂમિપટ્ટી આવેલી છે. આ ખીણભાગોમાં રામપુર, ચૂરહટ, ઘોઘરાડ અને સિહાવલ ગામો આવેલાં છે. આ પટ્ટીને વીંધતી નાની ટેકરીઓની એક હાર ચાલી જાય છે. અહીંની મોટાભાગની ટેકરીઓ અન્યોન્ય પૂર્વ-પશ્ચિમ સમાંતર ગોઠવાયેલી છે. ટેકરીઓની અંદરના ભાગોમાં પણ નાના નાના મેદાની ભાગો આવેલા છે. નદીઓની વહનદિશા ઉત્તર તરફ હોવાથી જિલ્લાના ભૂપૃષ્ઠનો ઢોળાવ પણ ઉત્તર તરફનો છે. રાજ્યના પાંચ મોટા જંગલવિસ્તારોમાં સિધિ જિલ્લાના જંગલનો સમાવેશ થાય છે. અહીં સાલ અને વાંસનાં જંગલો આવેલાં છે.
જળપરિવાહ : કૈમૂર હારમાળાને સમાંતર વહેતી સોન અહીંની મુખ્ય નદી છે. આ ઉપરાંત ગોપદ, બનાસ, રિહાન્દ તેમજ અન્ય સહાયક નદીઓ આ જિલ્લામાંથી પસાર થાય છે; તે આગળ જતાં ઉત્તર તરફ ગંગા નદીને મળે છે.
ખેતી–પશુપાલન : આ જિલ્લો ખેતીપ્રધાન હોઈ જિલ્લાની વસ્તીના 80 % લોકો (ખેડૂતો/ખેતમજૂરો) ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. ડાંગર, ઘઉં, જવ, મકાઈ, જુવાર અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત અહીં ચણા, તુવેર જેવા કઠોળ તથા તલ અને અળસી જેવાં તેલીબિયાંની ખેતી પણ થાય છે. કૂવા સિંચાઈનો મુખ્ય સ્રોત છે. ગાયો અહીંનું મુખ્ય પશુધન છે. લોકો મરઘાં-બતકાં પણ પાળે છે. પશુઓ માટે 14 પશુદવાખાનાં તથા 43 પશુચિકિત્સાકેન્દ્રો છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લામાં લાકડાં વહેરવાની મિલો સિવાય અન્ય કોઈ પણ જાતના ઉદ્યોગો વિકસ્યા નથી. જિલ્લામાંથી કોઈ પણ ચીજવસ્તુઓની નિકાસ થતી નથી, માત્ર ખાંડની આયાત થાય છે.
પરિવહન-પ્રવાસન : સિધિ આ જિલ્લાનું મુખ્ય વહીવટી મથક હોવાથી તે તાલુકામથકો તેમજ આજુબાજુના જિલ્લાઓ જોડે પાકા રસ્તાઓથી સંકળાયેલું છે. અહીં 786 કિમી.ના પાકા અને 976 કિમી.ના કાચા રસ્તા આવેલા છે.
જિલ્લામાં કોઈ જોવાલાયક સ્થળો નથી. સિધિ નજીક ઉત્તરમાં વન્યજીવન અભયારણ્ય બનાવાયું છે. વારતહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે. મકરસંક્રાંતિ, વસંતપંચમી, શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, હોળી, દિવાળી જેવા તહેવારો લોકો ઊજવે છે.
વસ્તી : 2001 મુજબ જિલ્લાની વસ્તી 18,30,160 જેટલી છે, સ્ત્રી-પુરુષોનું પ્રમાણ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તી અનુક્રમે 93 % અને 7 % જેટલી છે. હિન્દુઓનું પ્રમાણ 95 % છે, જ્યારે બાકીના 5 %માં મુસ્લિમો, ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધ લોકોનો સમાવેશ થાય છે. જિલ્લામાં હિન્દી ભાષા બોલાય છે. અહીં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ તથા કૉલેજો, વ્યાવસાયિક તાલીમી સંસ્થાઓ હોવા છતાં સાક્ષરતાનું પ્રમાણ માત્ર 30 % જેટલું જ છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 9 તાલુકાઓ અને 8 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 1882 (60 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : આ જિલ્લામાં સમાવેલો ઘણોખરો પ્રદેશ ભાર અને બાલંદા મુખીઓની સત્તા હેઠળ હતો. આશરે ઈ. સ. 831માં નન્નુકની આગેવાની હેઠળ ચંદેલો પ્રસિદ્ધિમાં આવ્યા. નન્નુકે સ્થાનિક પ્રતીહાર સરદારને દૂર કર્યો અને છત્તરપુર પાસે (વર્તમાન બુંદેલખંડમાં) નાનું રાજ્ય સ્થાપ્યું. નવાગામ અને છત્તરપુર વચ્ચે આવેલા મહોબાનગરમાં તેનું પાટનગર હતું. તેણે ઈ. સ. 850 સુધી રાજ્ય કર્યું. આ વંશની સત્તા વાક્પતિ અને તેના પુત્રો જયશક્તિ અને વિજયશક્તિએ વધારી. ચંદેલોમાં યશોવર્મા, ધંગ, ગંડ વગેરે જાણીતા શાસકો થઈ ગયા. ગંડના અવસાન પછી તેનો પુત્ર વિદ્યાધર ગાદીએ આવ્યો. તેણે પરમાર વંશના ભોજને હરાવ્યો. તેના વારસ વિજયપાળે કલચુરિ ગાંગેયદેવને હરાવ્યો. આ વંશનો નોંધપાત્ર રાજા પરમર્દિદેવ કે પરમાલ (લગભગ ઈ. સ. 1165-1201) મદનવર્માનો પૌત્ર હતો. તેણે ચૌલુક્યો પાસેથી ભીલસા ઈ. સ. 1173 પછી જીતી લીધું. પૃથ્વીરાજ ચૌહાણે તેને સખત હાર આપી. મુસલમાનોના હુમલાને કારણે ઉત્તર ભારતમાં જે ફેરફારો થયા તેમાં સ્વતંત્રતાના રક્ષણ વાસ્તે ઝૂઝનાર માત્ર તે બાકી રહ્યો હતો. ઈ. સ. 1202માં કુત્બુદ્દીન અયબેકે કાલિંજરના ગઢને ઘેરી લીધો ત્યારે તેણે મજબૂત સામનો કર્યો હતો. આખરે પરમર્દિએ નાછૂટકે તુર્કોની સર્વોપરીતા સ્વીકારવાનો નિર્ણય કર્યો; પરંતુ મંત્રણા દરમિયાન તે અવસાન પામ્યો.
પરમર્દિદેવના પુત્ર ત્રૈલોક્યવર્મા(1205-1241)એ ઈ. સ. 1205માં કકડવા નજીક તુર્કી ફોજને હરાવી અને કાલિંજર સહિત પોતાના તમામ પ્રદેશો જીતી લીધા. તેણે બુંદેલખંડમાં આવેલું રેવા તથા ડાહલમંડલનાં કલચુરિ રાજ્ય પણ જીત્યાં હતાં. ત્રૈલોક્યવર્મા પછી તેનો પુત્ર વીરવર્મા પ્રથમ ઈ. સ. 1234ના અરસામાં ગાદીએ બેઠો. તેના પછી તેના પુત્રો ભોજવર્મા અને હમ્મીરવર્મા ગાદીએ બેઠા. અલાઉદ્દીન ખલજીએ તેમના રાજ્યનો ઘણો પ્રદેશ જીતી લીધો.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં સિધિ જિલ્લાનો ઘણો પ્રદેશ બારડી તહસિલ અને રેવા રાજ્યનો ભાગ હતો. 1911 અને 1921ની વચ્ચેના સમયગાળામાં ગોપદબનાસ નામની નવી તહસિલ રચવામાં આવી હતી. 1948માં વિંધ્યપ્રદેશ અને રેવાનાં રાજ્યોનું વિલીનીકરણ થયું, તેમાં આ પ્રદેશોનો સમાવેશ થયો.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ