સિદ્દીકી રશીદ અહમદ

January, 2008

સિદ્દીકી, રશીદ અહમદ (. 24 સપ્ટેમ્બર 1892, મેરીહુ, જિ. જૌનપુર, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂના વિદ્વાન, વિવેચક અને નિબંધકાર. જૌનપુર અને એમ. એ. ઓ. કૉલેજ, અલીગઢ ખાતે શિક્ષણ લીધા પછી, જૌનપુર કોર્ટ ખાતે વકીલાત કર્યા બાદ અલીગઢ ખાતે અરબી અને ઉર્દૂના શિક્ષક બન્યા. 1954માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ એ જ યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગના પ્રાધ્યાપક નિમાયા અને 1958માં તે વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા.

તેમની કૃતિ ‘ગાલિબ કી શખ્શિયત ઔર શેર’ને 1971ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમનાં અન્ય પ્રકાશનોમાં ‘ખાનદાન’ (હાસ્યરસિક રચના, 1940); ‘માઝમિને રશીદ’ (1941); ‘તાન્ઝિયત-ઓ-મુઝાકત’ (હાસ્યરસનો ઇતિહાસ); ‘શેખ નિયાઝી : ઝાકિર સાહેબ’ (1946); ‘હમ્નફસાને રાફિયા’ (રેખાચિત્રો); ‘આસુફિયા બયાની મેરી’ (સ્મૃતિચિત્રો) તથા ‘અઝિઝાને નદવા કે નામ’ છે.

તેમણે વિનોદરસિક નિબંધો અને ચરિત્રાત્મક રેખાચિત્રોના ક્ષેત્રે તેમના પ્રદાન દ્વારા નવી ક્ષિતિજો ઉઘાડી. તેમણે ઉર્દૂ સાહિત્યિક વિશ્વમાં પ્રગલ્ભ પાંડિત્ય અને અનુપમ ગદ્યશૈલી માટે નામના મેળવી. ઉર્દૂ સાહિત્યમાં તેમણે કરેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ભારતના રાષ્ટ્રપતિએ તેમને ‘પદ્મશ્રી’ના ઇલકાબથી સન્માનિત કર્યા હતા.

તેઓ વિવિધ ખ્યાલો તથા વિભાવનાઓની સહોપસ્થિતિ વડે હાસ્ય નિષ્પન્ન કરે છે. આ રીતે તેઓ સમાજમાંનાં સ્વીકાર્ય મૂલ્યોની અસમાનતા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમના ઠઠ્ઠાવિનોદમાં તેઓ સર્જનાત્મકતા દાખવે છે અને પ્રશિષ્ટ કવિઓની પંક્તિઓનો ઘણી વાર તો વિડંબન-કાવ્ય રૂપે અર્થસાધક ઉપયોગ કરે છે. તેમની સાહિત્યિક વિવેચનામાં મૂળભૂત માનવમૂલ્યોનું જતન કરવાની અને તેમને સુઢ કરવાની ચિંતા છતી થાય છે. તેઓ પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક સમન્વય પર ભાર મૂકે છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ગાલિબ કી શખ્શિયત ઔર શેર’ અમર ઉર્દૂ કવિનો વિવેચનાત્મક અભ્યાસ છે. તેમાંની તેમની ઊંડી સમજદારી અને શ્રેષ્ઠ શૈલીના કારણે ઉર્દૂ સાહિત્યમાં તેમનું પ્રદાન વિશિષ્ટ રહ્યું છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા