લુમિયેર બંધુઓ : લુમિયેર ઑગુસ્તે (જ. 1862; અ. 1954) અને લુમિયેર ઝાં લૂઈ (જ. 1864; અ. 1948). ફોટોકેમિસ્ટ્રીમાં કરેલા સંશોધન-કાર્યને લીધે ખ્યાતનામ બનેલ રસાયણશાસ્ત્રીઓ.
લુમિયેર બંધુઓ બેઝાનસોન (Besancon), ફ્રાન્સમાં જન્મ્યા હતા. બંને ભાઈઓ આખી જિંદગી સાથે રહીને સંશોધન કરતા રહ્યા. 1895માં તેમણે સિનિમૅટોગ્રાફની શોધ કરી. ફિલ્મકૅમેરા, પ્રિન્ટર અને પ્રોજેક્ટરનો તેમાં સમન્વય કરવામાં આવેલો હોય છે. શરૂઆતમાં કેટલીક ફિલ્મો સિનિમૅટોગ્રાફ વડે તૈયાર કરીને પ્રેક્ષકોને બતાવેલી હતી. 1904માં લુમિયેર બંધુઓએ સીધેસીધી રંગીન ફોટોગ્રાફિક પ્રક્રિયાયુક્ત ઑટોક્રોમ પ્લેટની પેટન્ટ કરાવી.
આ પ્રોજેક્ટર પ્રતિ સેકન્ડે 16 ફ્રેમના હિસાબે કાર્ય કરે છે. તેને આધારે પૅરિસમાં પ્રથમ સિનેમા બતાવવામાં આવી. રોજબરોજની ઘટનાઓને આધારે શૉટ્સ લેવામાં આવતા હતા; જેમ કે, કારખાનામાંથી નીકળતા કારીગરોના જૂથનાં ર્દશ્યો 1895માં લીધાં હતાં. આવાં વિવિધ દૃશ્યો ઝડપી લેવામાં આવતાં.
તે જ વર્ષે જગતની પ્રથમ કાલ્પનિક (fiction) ફિલ્મ તૈયાર કરવામાં આવી. 1900થી તેનું ઉત્પાદન છોડી દેવામાં આવ્યું હતું.
પ્રહલાદ છ. પટેલ