લુબિત્શ, અર્ન્સ્ટ

January, 2004

લુબિત્શ, અર્ન્સ્ટ (જ. 18 જાન્યુઆરી 1892, બર્લિન, જર્મની; અ. 30 નવેમ્બર 1947, અમેરિકા) : ચલચિત્રનિર્માતા, દિગ્દર્શક અને પટકથાલેખક. હાસ્ય અને પ્રણયથી માંડીને લગભગ તમામ પ્રકારનાં ચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન કરનાર અર્ન્સ્ટ લુબિત્શે કારકિર્દીના પ્રારંભે કેટલાંક ચિત્રોમાં અભિનય પણ કર્યો હતો. મૂક અને સવાક બંને પ્રકારનાં ચિત્રો બનાવી ચૂકેલા લુબિત્શનું આ ક્ષેત્રે ખૂબ મોટું અને નોંધપાત્ર પ્રદાન છે.

અર્ન્સ્ટ લુબિત્શ

નાટકોમાં અભિનય કરીને કારકિર્દી શરૂ કરનાર લુબિત્શે 1912માં ચલચિત્રક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. લઘુ હાસ્યચિત્રોની શ્રેણીમાં તેમણે કામ શરૂ કર્યું હતું; પણ થોડા જ સમયમાં તેઓ આ ચિત્રો માટે પટકથા પણ લખવા માંડ્યા અને દિગ્દર્શન પણ કરવા માંડ્યા. 1916માં નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા તરીકે તેમનું પ્રથમ ચિત્ર હતું Als Ich Tot War. પણ પછી તેમણે ચિત્રોનું માત્ર દિગ્દર્શન કરવાનું પસંદ કર્યું, તેમાં અભિનય ન કર્યો. પ્રારંભે જ પોલા નેગ્રી અભિનીત તેમનાં બે ચિત્રો ‘ધી આઇઝ ઑવ્ ધ મમ્મી’ અને ‘જિપ્સી બ્લડ’નાં સમીક્ષકોએ ભરપૂર વખાણ કર્યાં. 1920 સુધીમાં તો ઐતિહાસિક કથાવસ્તુની નાટકીય રજૂઆત કરવામાં તેમને ખૂબ નામના મળી ગઈ. ‘પેશન’, ‘ડિસેપ્શન’ જેવાં તેમનાં વખણાયેલાં ચિત્રોની સાથોસાથ તેઓ લઘુચિત્રો પણ બનાવતા રહ્યા. 1923માં લુબિત્શ અમેરિકા આવ્યા અને મેરી પિકફૉર્ડને લઈને બનેલા એક ચિત્ર ‘રોશિટા’નું દિગ્દર્શન કર્યા પછી અમેરિકામાં જ વસી ગયા. અહીં તેમણે પ્રારંભ કર્યો હાસ્યચિત્રોની શ્રેણીથી. ‘ધ મેરેજ સર્કલ’, ‘ફોરબિડન પૅરેડાઇઝ’, ‘લેડી વિન્ડરમેરાઝ ફેન’, ‘સો ધિસ ઇઝ પૅરિસ’ અને ‘ધ સ્ટુડન્ટ પ્રિન્સ’ વગેરે આ શ્રેણીનાં તમામ હાસ્યચિત્રો મૂક હતાં. એ પછી તેમણે સવાક ચિત્રો પર હાથ અજમાવ્યો. ‘ધ લવ પરેડ’ અને ‘મૉન્ટ કાર્લો’ જેવાં સંગીતપ્રધાન ચિત્રોએ તેમની ખ્યાતિમાં ઑર વધારો કર્યો. 1930 અને 1940ના દસકામાં તેમણે ઘણાં નોંધપાત્ર ચિત્રો બનાવ્યાં. તેમાં તેમનું શ્રેષ્ઠ ગણાતું ચિત્ર ‘ટુ બી ઑર નૉટ ટુ બી’ પણ એક હતું. આ હાસ્યચિત્ર જોઈને ઘણાંને આઘાત લાગ્યો હતો, કારણ કે નાઝીઓના સકંજામાંથી ભાગી છૂટતા કેટલાક પોલૅન્ડવાસીઓના પ્રયાસોને તેમણે હળવી શૈલીમાં રજૂ કર્યા હતા. તેમનાં આખરી વર્ષોમાં નાદુરસ્ત તબિયતને કારણે તેઓ સક્રિય રહી શક્યા નહોતા. તેમનાં બે ચિત્રો ‘એ રૉયલ સ્કૅન્ડલ’ અને ‘ધૅટ લેડી ઇન એર્માઇન’ને ઑટ્ટો પ્રેમિન્ગરે પૂરાં કર્યાં હતાં. ‘ધ પેટ્રિયટ’ના નિર્માતા અને દિગ્દર્શક તરીકે, ‘ધ સાઇલન્ટ લેફ્ટનન્ટ’ના નિર્માતા તરીકે તથા ‘ધ લવ પરેડ’, ‘વન અવર વિથ યૂ’ ચિત્રોના દિગ્દર્શક તરીકે અને ‘હેવન કૅન વેઇટ’ના નિર્માતા અને દિગ્દર્શક તરીકે તેમને ઑસ્કારનાં નામાંકન મળ્યાં હતાં તથા 1946માં માનદ ઑસ્કાર ઍવૉર્ડ પણ મળ્યો હતો.

હરસુખ થાનકી