લુધિયાનવી, હબીબુર રહેમાન (મૌલાના) (જ. 3 જુલાઈ 1892, લુધિયાણા; અ. 3 સપ્ટેમ્બર 1956) : ભારતના સ્વાતંત્ર્ય-સેનાની અને રાષ્ટ્રવાદી મુસ્લિમ આગેવાન.
તેમના પિતાનું નામ મૌલાના મુહમ્મદ ઝકરિયા હતું. તેમના પૂર્વજો 1857ના વિપ્લવમાં અંગ્રેજોની વિરુદ્ધમાં કામ કરીને જાણીતા થયા હતા. હબીબુરે લુધિયાણાના મદરેસામાં પારંપરિક ઇસ્લામી શિક્ષણ મેળવ્યું હતું. તે પછી તેમણે જલંધર, અમૃતસર તથા છેલ્લે દેવબંદમાં શિક્ષણ લીધું હતું. તેમનાં લગ્ન લુધિયાણાના ધર્મશાસ્ત્રી અબ્દુલ અઝીઝની પુત્રી બીબી શરાફત સાથે 1903માં થયાં હતાં.
તેમણે 1929માં અહરાર પક્ષ સ્થાપ્યો અને વાયવ્ય સરહદ પ્રાંત, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં તેને લોકપ્રિય બનાવ્યો. તેમણે કાશ્મીર, કપૂરથલા, બહાવલપુર, તથા કડિયાણમાં સવિનય કાનૂનભંગની ચળવળ ચલાવી. અહરાર પક્ષ ભારતમાં સૌથી વધારે ઉત્સાહી રાષ્ટ્રવાદી મુસ્લિમ સંગઠનોમાંનો એક હતો. આ પક્ષ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સાથે સહકારથી કામ કરતો હતો અને હબીબુર રહેમાન કૉંગ્રેસની બધી ચળવળોમાં ભાગ લેતા હતા. ભારતની સ્વતંત્રતાની ચળવળોમાં ભાગ લેવાને કારણે તેમણે બ્રિટિશ સરકારની જુદી જુદી જેલોમાં સાડા દસ વર્ષની સજા ભોગવી હતી.
રાષ્ટ્રવાદી ચળવળમાં સક્રિય ભાગ લેવાને કારણે હબીબુર જવાહરલાલ નહેરુ, રાજેન્દ્રપ્રસાદ, મૌલાના અબુલ કલામ આઝાદ, મુફતી કિફાયતુલ્લા, અતાઉલ્લાશાહ બુખારી વગેરેના નિકટના સંપર્કમાં આવ્યા હતા.
ઇસ્લામી ધર્મશાસ્ત્રોનો તેમના ઉપર ઘણો પ્રભાવ પડવાને કારણે તેઓ રૂઢિચુસ્ત મુસ્લિમનું જીવન જીવતા હતા. છતાં તેઓ સંકુચિત મનના અને ધર્માંધ માણસ નહોતા. સમાજપરિવર્તન તથા સામાન્ય માણસનું કલ્યાણ થાય તે વાસ્તે તેઓ સમાજવાદની તરફેણ કરતા હતા. ભારતમાં સરકારના ઇસ્લામી સ્વરૂપની તેઓ તરફેણ કરતા નહોતા. તેઓ માનતા હતા કે ભારતમાં લોકશાહી માળખામાં મુસ્લિમોના અધિકારો પણ જાળવવામાં આવશે. તેમના મતાનુસાર ભારત હિંદુઓ કે મુસલમાનોનું નહિ, પરંતુ તેની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર લોકોનું છે. તેઓ માનતા હતા કે ‘ઇસ્લામ ખતરે મેં હૈ’ એવી બૂમો પાડવી નિરર્થક છે. વાસ્તવમાં આવાં સૂત્રો જ મુસ્લિમ આમ જનતાને ગેરમાર્ગે દોરી જાય છે. તેઓ ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા અને એકતાના પ્રખર હિમાયતી તથા પાકિસ્તાનના વિચારના સખત વિરોધી હતા. તેઓ કહેતા કે વસ્તીની વાસ્તવિક ફેરબદલી વિના પાકિસ્તાનના વિચારનો અમલ કરવાથી ભારતમાં ફરી વાર મુસ્લિમો લઘુમતીમાં આવશે. તેમના મતાનુસાર પોતાની તાકાત તથા ભોગ આપવાથી જ ઇસ્લામનું રક્ષણ થઈ શકે.
1937ની ચૂંટણીઓ પહેલાં તથા પછી પંજાબમાં કૉંગ્રેસના નેતાઓએ સિદ્ધાંતવિહીન અને અયોગ્ય પદ્ધતિઓ અપનાવી, તેનાથી હબીબુર નારાજ થયા હતા. પોતે સ્વમાની વ્યક્તિ હોવાથી, આવી ગેરરીતિઓ કરવામાં આવે છતાં શાંત રહેવું અને સહન કરવું તેમને માટે અસંભવ હતું. તેને કારણે ઘણા દેશભક્તો કૉંગ્રેસમાંથી જતા રહ્યા. કૉંગ્રેસે જે રીતે રાષ્ટ્રવાદી મુસ્લિમોની અવગણના કરી અને રાષ્ટ્રવાદી ચળવળના વિરોધીઓ તથા કોમવાદીઓને સંતોષવાના પ્રયાસો કર્યા તેની તેમણે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
શીખોને મનાવી લેવા માટે નહેરુ અહેવાલને બાજુએ મૂકી દેવો તથા હિંદુ-મુસ્લિમ એકતાની ભૂમિકા તૈયાર કર્યા વિના ગોળમેજી પરિષદમાં હાજરી આપવા બદલ તેમણે ગાંધીજીની સખત ટીકા કરી હતી. તેઓ માનતા હતા કે 1937ની ચૂંટણીઓમાં કૉંગ્રેસને મળેલા વિજયને કારણે કેટલાક કૉંગ્રેસી નેતાઓ અભિમાની બની ગયા હતા, તેઓ બીજાઓ પ્રત્યે ધિક્કાર સેવવા લાગ્યા હતા.
હબીબુરના અભિપ્રાય મુજબ, કોમવાદી હિંદુઓએ ગંભીર ભૂલો કરી હોવા છતાં, મુસ્લિમોએ કૉંગ્રેસ છોડી દેવી જોઈએ નહિ, કે જેથી સ્વાતંત્ર્યચળવળમાં ભાગ ન લેવા બદલ કોઈ તેમને દોષ દઈ શકે નહિ. તેઓ માનતા હતા કે હિંદુઓ તથા મુસ્લિમો બંનેની આર્થિક જરૂરિયાતોને અગ્રતાક્રમ આપવો જોઈએ. તેઓ સમાજવાદના ચુસ્ત હિમાયતી હતા અને માનતા હતા કે તેનાથી ભારતીય સમાજની અનેક મુશ્કેલીઓ દૂર થશે.
લુધિયાણામાં 1924માં એક રાષ્ટ્રવાદી ઉર્દૂ સાપ્તાહિક ‘અનીસ’ શરૂ કરવામાં તેમણે સહાય કરી હતી અને તેમાં અનેક રાજકીય લેખો લખ્યા હતા. આ સાપ્તાહિકના બ્રિટિશ-વિરોધી વલણને લીધે તેને બંધ કરવું પડ્યું હતું. તેઓ ધાર્મિક મુસલમાન હોવા છતાં સમાજવાદી અને પ્રખર રાષ્ટ્રવાદી હતા.
જયકુમાર ર. શુક્લ