લુબા (બાલુબા) : ઝાયરના અગ્નિ વિસ્તારના બાન્ટુ ભાષા બોલતા આફ્રિકન લોકોનો સમુદાય. કિવુથી શરૂ કરીને, શાબામાં થઈને જતાં, કાસાઈ-ઑરિયેન્ટલ સુધીના મોટા વિસ્તારમાં લુબા લોકો પ્રસર્યા છે. ‘લુબા’ એટલે જાતભાતની ટોળકીઓનાં અનેક કુટુંબોનાં વિધવિધ જૂથ; જોકે તેમની ભાષા-બોલીઓ એકમેકની ઘણી નજીક છે. સમાન સાંસ્કૃતિક વારસાને લીધે તેમનાં લક્ષણો સમાન હોય તેવાં લાગે છે. સોળમી સદીમાં તેમનો રાજકીય ઇતિહાસ શરૂ થાય છે. સત્તરમી સદીથી શરૂ કરીને લુબા સામ્રાજ્ય ધીમે ધીમે તૂટતું ગયું છે. તેમના ત્રણ પેટાવિભાગો નોંધપાત્ર છે : કાટાંગાનું લુબા-શાકાજી જૂથ, કાસાઈનું લુબા-બેમ્બુ જૂથ અને ઉત્તર કાટાંગા અને દક્ષિણ કિવુનું લુબા-હેમ્બા જૂથ. ઐતિહાસિક, ભાષાકીય અને સાંસ્કૃતિક સંદર્ભમાં ત્રણેય જૂથો કૉંગોન લોકો સાથે સંકળાયેલાં છે. શાંકાજી જૂથનું પગેરું છેક લુંડાના સ્થાપકો સુધી નીકળે છે.

પહેલાં લુબા લોકો ઘાસવાળાં બીડનાં મેદાનો અને જંગલોમાં રહેતા. શિકાર, ખોરાકનો સંચય અને મકાઈ(કસાવા)ની ખેતી તેમની મુખ્ય પ્રવૃત્તિ હતી. ગણતરીનાં ઢોરઢાંખર પણ તેઓ રાખતા. તેમનાં ગામડાં એક જ શેરીનાં બનેલાં હતાં. તેમનાં ઘરો વાસ્તવમાં શેરીની સામસામેની બે હરોળમાં માથે ચોરસ આકારનાં છાપરાંવાળી ઝૂંપડીઓનાં હતાં. કૉંગો નદી અને તેની મુખ્ય શાખાઓમાં તેઓ માછીમારીમાં રચ્યાપચ્યા રહેતા. સોળમી અને સત્તરમી સદીમાં લુબા લોકો પર સર્વસત્તાધીશ મુખી (મુલોખે) રાજ કરતો. તેના વડપણ હેઠળ નાના નાના મુખીઓ રહેતા. આ બધા પોતપોતાની રીતે એકમેકથી સ્વતંત્ર હતા. સામ્રાજ્ય અસ્ત પામ્યા પછી લુબા પ્રજા નાના નાના પણ સ્વતંત્ર સરદારો નીચે વહેંચાઈ ગઈ છે. લુબાના છોકરાઓને સુન્નત અને છોકરીઓને પ્રજનનક્ષમ અવસ્થાએ પહોંચ્યાની વિધિ કરાવવામાં આવે છે. તેમના રીતરિવાજોનો સંદર્ભ શિકાર, જાદુ અને દવાદારૂ સાથે સંકળાયેલો જોવા મળે છે. જગતનો વ્યવહાર સર્વસત્તાધીશ દેવને અધીન છે તેવી તેમની પ્રબળ માન્યતા છે. પૂર્વજોની અને પ્રાકૃતિક તત્વોની તેઓ પૂજા કરે છે. લુબા પ્રજામાં પેઢીદરપેઢી મહાકાવ્ય ગવાતું આવે છે. શાંકાજી અને હેંબાની કબીલા કાષ્ઠકલામાં નિપુણ ગણાય છે. લાકડાને ઘડીને ઈશ્વર, પ્રાણી વગેરેને તેઓ માનવ-આકાર અથવા વ્યક્તિત્વ આપે છે. ઔપચારિક વિધિ માટે કુહાડીઓ અને ઓશીકા જેવી કલાકૃતિઓ બનાવવામાં તેઓ નિપુણ છે. ઓગણીસમી સદીમાં અંગ્રેજોએ તે બધા પ્રદેશો જીતી લઈને પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં.

વિ. પ્ર. ત્રિવેદી