લી, યુઆન ત્સે (Lee, Yuan Tseh) [જ. 29 નવેમ્બર 1936, સીન-ચુ, તાઇવાન (પીપલ્સ રિપબ્લિક ઑવ્ ચાઇના)] : રસાયણશાસ્ત્રમાં પ્રક્રિયા-ગતિકી (reaction dynamics) નામના નવા ક્ષેત્રમાં સંશોધન બદલ 1986ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તાઇવાનીઝ–અમેરિકન રસાયણવિદ.

યુઆન ત્સે લી

શરૂઆતમાં તાઇવાનમાં શિક્ષણ લીધા બાદ તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી 1965માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે પદવી પછીનું સંશોધનકાર્ય હાર્વર્ડ યુનિવર્સિટી અને બર્કલીમાં કર્યું અને ત્યારબાદ 1968થી 1974 સુધી યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં અધ્યાપનકાર્ય કર્યું. 1974માં તેઓ અમેરિકન નાગરિક બન્યા અને શિકાગોથી બર્કલી પહોંચ્યા અને કૅલિફૉર્નિયાની બર્કલી યુનિવર્સિટીમાં રસાયણ વિભાગના વડા બન્યા. ત્યાં તેમણે પોતાનું સંશોધન ચાલુ રાખ્યું.

પોસ્ટ-ડૉક્ટરલ સંશોધક તરીકે લીએ હર્ષબાખની ‘ક્રૉસ્ડ મોલેક્યુલર બીમ ટૅકનિક’ પર પ્રયોગો કરી તેને આગળ વિકસાવી. આ ટૅકનિકમાં અણુઓના પુંજ(beam)ને નિયંત્રિત સંજોગોમાં પારધ્વનિક (supersonic) ઝડપે ભેગા કરી જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય તે સમયની ઘટનાઓનું વિગતવાર અવલોકન થઈ શકે છે. લીએ હર્ષબાખની ટૅકનિકમાં સુધારો કરી તેમાં દળ સ્પેક્ટ્રમિકી(mass spectroscopy)ને દાખલ કરી કે જેથી સંકીર્ણ કાર્બનિક સંયોજનો સાથે ઑક્સિજન અને ફ્લોરિન જેવા પરમાણુઓની પ્રક્રિયામાંથી પરિણમતી નીપજોને ઓળખી શકાય. લી અને હર્ષબાખે શૂન્યાવકાશમાં પુંજમાં વ્યક્તિગત અણુઓ ઉત્પન્ન કરી, તેમની વચ્ચે અથડામણ કરાવી, અણુઓ વચ્ચે થતી પારસ્પરિક પ્રક્રિયાઓ પર નવો પ્રકાશ પાડ્યો છે. પ્રક્રિયા-ગતિકી ઉપરના તેમના સંશોધન બદલ લી, ડડ્લી હર્ષબાખ અને જૉન ચાર્લ્સ પોલાન્યીને 1986ના વર્ષનો રસાયણશાસ્ત્ર વિષય માટેનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો છે.

જ. પો. ત્રિવેદી