લીમા રોઝ, વી. શ્રીમતી પૂર્ણી

January, 2004

લીમા રોઝ, વી. શ્રીમતી પૂર્ણી (જ. 7 મે 1947, તાંજાવુર, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર, રેડિયો-પ્રોગ્રામર, નિર્માત્રી અને લેખિકા. તેઓ તમિલનાડુ કૅથલિક પ્રેસ ઍસોસિયેશનનાં (1976થી) અને ઇન્ડિયન કૅથલિક પ્રેસ ઍસોસિયેશનનાં (1978થી) સભ્ય રહ્યાં છે.

તેમણે 4 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અગ્નિ અંબુગલ’ (1992); ‘વિદિયાલુક્કુ વેગુ તૂરામિલ્લઈ’ (1998)  તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે; જ્યારે ‘વેળવેન્નમ્ વેલ્વી’ (1994) અને ‘પતૈગલ’ (1998) તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે.

તેમણે સંખ્યાબંધ રેડિયોનાટકો રચ્યાં છે અને તેમનું નિર્માણ કર્યું છે. તેમણે રચેલાં ગીતો કૅસેટોમાં સ્વરબદ્ધ કરાયાં છે. તેમણે સાંસ્કૃતિક ડેલિગેશનનાં સભ્ય તરીકે ફ્રાન્સ અને ઇટાલીનો પ્રવાસ ખેડ્યો છે.

તેમને સાહિત્યિક પ્રદાન બદલ તમિળ કલાઈ સેલ્વી ઍવૉર્ડ તથા અન્ય ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા