લીલ

બહુ થોડા અપવાદો બાદ કરતાં પાણીમાં વસવાટ ધરાવતો ક્લૉરોફિલયુક્ત એકાંગી વનસ્પતિસમૂહ. આ વનસ્પતિઓના દેહનું મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદન થયેલું હોતું નથી તેમજ તેઓમાં પેશીય આયોજન પણ જોવા મળતું નથી. વનસ્પતિઓના આ પ્રકારના દેહને ‘સુકાય’ (thallus) કહે છે. તેઓમાં વિવિધ પોષકદ્રવ્યોના વહન માટેનાં તત્વોના અભાવને લીધે તેઓ અવાહક પેશીધારી છે. લિંગી પ્રજનનાંગો એકકોષી અને વંધ્ય આવરણરહિત હોય છે. અથવા બહુકોષી હોય તો પ્રત્યેક કોષ જન્યુ (gamete) ઉત્પન્ન કરે છે. આ વનસ્પતિઓમાં ફલન બાદ યુગ્મનજ દ્વારા ભ્રૂણનિર્માણ થતું નથી.

લીલ મુખ્યત્વે મીઠા કે ખારા પાણીમાં થાય છે. મીઠા પાણીમાં થતાં સ્વરૂપો તળાવો, સરોવરો, ધીમેથી વહેતાં ઝરણાંઓ અને જલસંગ્રહાલયોમાં મુક્તપણે તરતી સ્થિતિમાં કે છીછરા પાણીમાં તળિયે સ્થાપિત સ્થિતિમાં થાય છે. કેટલીક ભૌમિક લીલ ભેજવાળી મૃદામાં, વૃક્ષ, દીવાલ કે ખડકોની છાંયડાવાળી ભેજયુક્ત બાજુઓ ઉપર થાય છે. કેટલીક જાતિઓ પરરોહી (epiphyte) કે અધિજંતુક (epizoic) હોય છે. બહુ ઓછી લીલ ફૂગના સાહચર્ય-(association)માં થાય છે. કેટલાંક લીલ-સ્વરૂપો અંતર્જીવી (endophyte) હોય છે. બહુ ઓછી લીલ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ સાથે સહજીવી સંબંધ સ્થાપીને રહે છે. લીલનાં દરિયાઈ સ્વરૂપો દરિયાઈ અપતૃણ (sea weeds) તરીકે થાય છે. દરિયાના કે તળાવના કિનારે તળિયાના છીછરા પાણીમાં સ્થાપિત સ્થિતિમાં થતી લીલને ‘નિતલસ્થ’ (benthic) લીલ કહે છે.

લીલના સુકાયના આયોજનમાં પુષ્કળ પ્રમાણમાં વૈવિધ્ય જોવા મળે છે. તેનાં સૌથી સરળ સ્વરૂપો ચલિત કે અચલિત અને એકકોષી હોય છે; દા. ત., ક્લેમિડોમોનાસ, ક્લોરેલા. ઘણી જાતિઓમાં કોષો સમૂહમાં ગોઠવાઈને વસાહત (colony) બનાવે છે. તેઓ વિવિધ સ્વરૂપો ધારણ કરી પોલા ગોલક, ચપટા બિંબ કે તંતુમાં ફેરવાય છે. તંતુમય પ્રકારો સામાન્યત: બહુકોષી હોય છે. તેઓ અશાખી કે બહુશાખી હોય છે. અથવા મોટા કદનું ઉચ્ચ કક્ષાનું સુકાયનું આયોજન ધરાવે છે. કેટલાંક બહુકોષી સ્વરૂપોમાં કોષો વાનસ્પતિક અને પ્રાજનનિક (reproductive)  એમ – બંને કાર્યો કરે છે; જ્યારે અન્ય સ્વરૂપોમાં વિશિષ્ટ પ્રજનનકોષો અથવા અંગોનો વિકાસ થાય છે. મોટાભાગની દરિયાઈ લીલમાં ઉચ્ચ કક્ષાનું વિભેદન થયેલું હોય છે અને તે ઘણું મોટું કદ ધરાવે છે. તે પૈકી કેટલીક દરિયાઈ લીલ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની જેમ મૂળ, પ્રકાંડ અને પર્ણો સાથે સામ્ય દર્શાવતો સુકાય ધરાવે છે. કેટલીક વિષમતંતુક (heterotrichous) લીલનો સુકાય ભૂપ્રસારી તંત્ર (prostrate-system) અને ઊર્ધ્વતંત્ર(erect-system)નો બનેલો હોય છે.

આકૃતિ 1 : લીલના સુકાયના પ્રકારો : (અ) દ્વિકશાધારી એકકોષી; દા. ત., ક્લેમિડોમોનાસ; (આ) અચલિત એકકોષી; દા. ત., ગ્લિઓકેપ્સા; (ઇ) ચલિત વસાહત સ્વરૂપ; દા. ત., વૉલવૉક્ષ; (ઈ) અચલિત એકસ્તરમાં ગોઠવાયેલ વસાહત; દા. ત., સિનેડેસ્મસ;  (ઉ) અશાખી તંતુમય; દા. ત., એનાબીના; (ઊ) કૂટશાખી, દા.ત., સાઇટોનિમા; (ઋ) જાલાકાર સ્વરૂપ; દા. ત., હાઇડ્રોડિક્ટિયોન.

આકૃતિ 2 : લીલના સુકાયના પ્રકારો : (અ) જન્યુધાનીઓ સહિતનો સંકોષી શાખિત તંતુમય; દા. ત., વૉઉકેરિયા; (આ) શાખિત તંતુમય; દા. ત., ક્લેડોફોરા; (ઇ) બહુનાલીય (polysiphonous) સ્થિતિ દર્શાવતો પૉલિસાઇફોનિયાનો સુકાય; (ઈ) કોલિયો કીટીનો ભૂપ્રસારી (prostrate) તંત્ર દર્શાવતો સુકાય; (ઉ) અલ્વાનો પત્રમય સુકાય; (ઊ) લેમિનારિયાનો જટિલ સુકાય.

લીલના સુકાયના કોષોની સંરચના મૂળભૂત રીતે બે પ્રકારની હોય છે : (1) આદિકોષકેન્દ્રી (prokaryotic) અને (2) સુકોષકેન્દ્રી (eukaryotic). નીલહરિત લીલ (cyanophytes) આદિકોષકેન્દ્રી હોય છે અને તે સિવાયની બધી લીલ સુકોષકેન્દ્રી હોય છે. નીલહરિત લીલની કોષદીવાલમાં વિશિષ્ટ સામર્થ્ય-ઘટક (strengthening component) મ્યુકોપેપ્ટાઇડ હોય છે, જે અન્ય લીલની દીવાલમાં હોતું નથી. કેન્દ્રક-કાય (nuclear-body) બનાવતું DNA તંતુકોનું બનેલું હોય છે. આ તંતુકો સમગ્ર કોષરસમાં પ્રસરેલા હોય છે અથવા કોષના મધ્યભાગમાં એકત્રિત થયા હોય છે. કેન્દ્રક-કાય અને કોષરસને અલગ કરતો કોષકેન્દ્રપટલ જોવા મળતો નથી. આ આદિકોષકેન્દ્રનું સમસૂત્રીભાજન (mitosis) દ્વારા વિભાજન થતું નથી અને વિભાજન દરમિયાન કોષપટ્ટિકા (cell plate) બનતી નથી. ક્લૉરોફિલ પ્રકાશસંશ્લેષી પટલિકાઓ અથવા થાયલેકૉઇડ સાથે સંબદ્ધ હોય છે. આ પટલિકાઓ પરિરસ(periplasm)માં સમાંતર સ્તરો સ્વરૂપે કે સમગ્ર કોષરસમાં જાલ સ્વરૂપે વિસ્તરેલી હોય છે. તેઓ ગ્રેના(grana)માં સંગઠિત થયેલી હોતી નથી. આમ હરિતકણનો અભાવ હોય છે. અન્ય પટલમય અંગિકાઓ, જેવી કે કણાભસૂત્ર (mitochondrion), ગૉલ્ગીસંકુલ (golgi-complex), અંત:કોષરસજાળ (endoplasmicreticulum) વગેરેનો અભાવ હોય છે. રિબોઝોમ કોષરસમાં વીખરાયેલાં હોય છે.

આકૃતિ 3 : લીલના વિવિધ વર્ગોમાં કશાઓ : (અ), (આ) અને (ઇ) ક્લૉરોફાઇસી, (ઈ) ઝેન્થોફાઇસી, (ઉ) બેસિલારિયોફાઇસી, (ઊ) ફિયોફાઇસી.

નીલહરિત લીલ સિવાયની લીલના કોષો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જેવું જ સુકોષકેન્દ્રી આયોજન ધરાવે છે. કોષકેન્દ્ર અને કોષરસને અલગ કરતો કોષકેન્દ્રપટલ જોવા મળે છે. કોષવિભાજન સમસૂત્રીભાજન દ્વારા થાય છે અને તે સમયે કોષપટ્ટિકાનું નિર્માણ થાય છે. કોષરસમાં હરિતકણો, કણાભસૂત્રો, ગૉલ્ગીસંકુલો અને અંત:કોષરસજાળ જેવી પટલમય અંગિકાઓ જોવા મળે છે.

લીલના સુકાયનો રંગ વિશિષ્ટ રંજકદ્રવ્યોની હાજરીને લીધે હોય છે. લીલનો પ્રત્યેક વિભાગ આ રંજકદ્રવ્યોનું ચોક્કસ સંયોજન અને લાક્ષણિક રંગ ધરાવે છે. લીલમાં કુલ ચાર પ્રકારનાં રંજકદ્રવ્યો હોય છે. જેમાં 5 પ્રકારનાં ક્લૉરોફિલ, 20 પ્રકારનાં ઝેન્થોફિલ, 5 પ્રકારનાં કૅરોટિન અને 7 પ્રકારનાં ફાઇકોબિલિનનો સમાવેશ થાય છે. ક્લૉરોફિલ–a (C55H72O5N4Mg) બધી જ લીલમાં જોવા મળે છે. ક્લૉરોફિલ–a અને b (C55H70O6N4Mg), ક્લૉરોફાઇટા (હરિત લીલ), યુગ્લિનોફાઇટા અને કારોફાઇટા વિભાગોમાં, ક્લૉરોફિલ–c બેસિલારિયોફાઇટા, પાયરોફાઇટા અને ફિયોફાઇટા (બદામી લીલ) વિભાગોમાં, ક્લૉરોફિલ–d, ર્હોડોફાઇટા (લાલ લીલ) વિભાગમાં અને ક્લૉરોફિલ–e ઝેન્થોફાઇટા (પીળી હરિત લીલ) વિભાગમાં જોવા મળે છે.

કૅરોટિનૉઇડ પીળાં, નારંગી, લાલ અને બદામી રંજકદ્રવ્યો છે. નારંગી પીળાં રંજકદ્રવ્યો કૅરોટિન (C40H56) અને પીળાં કે બદામી રંજકદ્રવ્યો ઝેન્થોફિલ (C40H56O2) છે. B–કૅરોટિન મોટાભાગની લીલમાં હોય છે. સાઇફોનેલીસ, ક્રિપ્ટોફાઇટા અને કેટલીક રહોડોફાઇટામાં તેનું વિસ્થાપન કૅરોટિન-a દ્વારા થાય છે. કારોફાઇટામાં B-કૅરોટિનને બદલે Y-કૅરોટિન અને લાઇકોપિન હોય છે. બેસિલારિયોફાઇટામાં B-કૅરોટિન અને e-કૅરોટિન હોય છે.

ફ્યુકોઝેન્થિન (C40H60O6) પ્રકારનું ઝેન્થોફિલ ફિયોફાઇટા વિભાગનું લાક્ષણિક રંજકદ્રવ્ય છે, જે સુકાઈને બદામી રંગ આપે છે. ડાયેટમમાં પણ ફ્યુકોઝેન્થિન અને ડાયેટોઝેન્થિન જેવાં ઝેન્થોફિલ હોય છે. પેરિડિનિન પાયરોફાઇટામાં, મિક્સોઝેન્થિન સાયનોફાઇટામાં, ટેરાઝેન્થિન ર્હોડોફાઇટામાં અને ઍન્થેરેઝેન્થિન યુગ્લિનોફાઇટામાં હોય છે.

ફાઇકોબિલિન ગ્લોબ્યુલિન પ્રોટીન સાથે જોડાયેલાં ટેટ્રાપાયરોલિક જલદ્રાવ્ય સંયોજનો છે. તેના સાત પ્રકારો પૈકી ફાઇકોઇરિથ્રિન (લાલ રંજકદ્રવ્ય) અને ફાઇકોસાયનિન (ભૂરું રંજકદ્રવ્ય) બંને રહોડોફાઇટા અને સાયનોફાઇટા વિભાગમાં જોવા મળે છે. રહોડોફાઇટામાં તેઓ γ–પ્રકારનાં અને સાયનોફાઇટામાં c-પ્રકારનાં હોય છે. એલોફાયકોસાયનિન માત્ર સાયનોફાઇટામાં જ હોય છે.

લીલના ચલિતકોષો સૂક્ષ્મ, જીવરસીય ચાબુક જેવી રચનાઓ ધરાવે છે, જેમને કશા (flagella) કહે છે. પ્રત્યેક કશાના તલસ્થ ભાગે રસસ્તર(plasma membrane)ની નીચે આવેલી કણિકામય રચનાને તલસ્થકણિકા (blepharoplast) કહે છે. આ કશાઓ બે પ્રકારની હોય છે : (1) પ્રતોદ (whiplash) કે અગ્રસૂત્રી (acronematic) અને (2) કૂર્ચ (tinsel) કે સર્વસૂત્રી (pantonematic). પ્રતોદ કશા લીસી સપાટી ધરાવે છે. કૂર્ચ કશાના અક્ષ ઉપર સૂક્ષ્મ પાતળા રોમ ઊભી હરોળમાં ગોઠવાયેલાં હોય છે. કૂર્ચ કશા યુગ્લિનોફાઇટા અને પાયરોફાઇટામાં રોમની એક હરોળ અને ક્રાઇસોફાઇટા અને ફિયોફાઇટામાં બે હરોળ ધરાવે છે.

લીલ પોષણની દૃષ્ટિએ સ્વપોષી (autotrophic) હોય છે અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વિવિધ કાર્બનિક પોષકતત્વોનું નિર્માણ કરે છે. ક્લૉરોફાઇટા અને કારોફાઇટા વિભાગમાં ખોરાકસંગ્રહ સામાન્ય સ્ટાર્ચ-સ્વરૂપે, સાયનોફાઇટામાં સાયનોફાઇસિયન સ્ટાર્ચ-સ્વરૂપે અને રહોડોફાઇટામાં ફ્લોરિડિયન સ્ટાર્ચ-સ્વરૂપે થાય છે. લીલમાં અન્ય ત્રણ પૉલિસૅકેરાઇડ સ્વરૂપે ખોરાકસંગ્રહ થાય છે. તે પૈકી ફિયોફાઇટામાં લેમિનેરિન સ્વરૂપે, યુગ્લિનૉઇડોમાં પૅરામાયલોન સ્વરૂપે અને ઝેન્થોફાઇટા બેસિલારિયોફાઇટા અને ક્રાઇસોફાયટામાં લ્યુકોસિન સ્વરૂપે ખોરાકસંગ્રહ થાય છે. સાયનોફાઇસિન પ્રકારનું પ્રોટીનયુક્ત સંયોજન માત્ર સાયનોફાઇટામાં જોવા મળે છે. મેનિટોલ ફિયોફાઇટા ઉપરાંત થોડીક રહોડોફાઇટાની જાતિઓમાં પણ હોય છે. ઝેન્થોફાઇટા, બેસિલારિયોફાઇટા અને ક્રાઇસોફાઇટાના કોષોમાં તૈલી બિંદુઓ સ્વરૂપે પણ ખોરાકસંગ્રહ થાય છે.

લીલમાં પ્રજનનના મુખ્ય બે પ્રકારો જોવા મળે છે : (1) અલિંગી પ્રજનન અને (2) લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન મુખ્યત્વે બીજાણુનિર્માણ દ્વારા થાય છે. લીલમાં ચલિત અને કશાધારી બીજાણુઓને ચલબીજાણુઓ (zoospores) કહે છે, અચલિત અને કશાવિહીન બીજાણુઓને અચલબીજાણુઓ (aplanospores) કહે છે. ક્લૉરેલા જેવી લીલમાં અચલબીજાણુનો આકાર માતૃકોષ જેવો જ હોવાથી તેને સ્વબીજાણુ (autospore) કહે છે. શુષ્ક પર્યાવરણીય સ્થિતિમાં લીલના અચલબીજાણુઓની ફરતે જાડી દીવાલનું નિર્માણ થાય છે. આ પ્રકારનાં બીજાણુઓને સુપ્તબીજાણુઓ (hypnos-pores) કહે છે. કેટલીક લીલમાં ગુણન(multiplication)ને બદલે ચિરકાલિકતા(perennation)ના હેતુ માટે વિશ્રામી બીજાણુઓ (akinetes) ઉત્પન્ન થાય છે. જેમાં મૂળભૂત માતૃકોષદીવાલ બીજાણુની દીવાલ તરીકે વર્તે છે અને અત્યંત જાડી બની શુષ્કતાનો અવરોધ કરે છે. સાયનોફાઇટામાં અને pithophora અને cladophora જેવી હરિત લીલમાં વિશ્રામી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. Dermocarpa જેવી કેટલીક નીલહરિત લીલમાં અચલિત અંતબીજાણુઓ (endospores) ઉદભવે છે. Chamocarpaમાં બહિર્બીજાણુઓ(exospores)નું નિર્માણ થાય છે.

આકૃતિ 4 : લીલમાં બીજાણુઓના પ્રકારો અને વાનસ્પતિક પ્રજનન : (અ) સિન્કોકોકસમાં દ્વિભાજન; (આ) ગ્લિયોટ્રાઇકિયામાં વિશ્રામી બીજાણુ અને અભિકોષ; (ઇ) ડર્મોકાર્પામાં અંત:બીજાણુ; (ઈઈ) કેમિસાઇફોનમાં બહિર્બીજાણુ-નિર્માણ; (ઉ) સિલિન્ડ્રોસ્પર્મમાં અપખંડન; (ઊ) માઇક્રોસ્પોરામાં અચલ બીજાણુઓ.

બદામી લીલમાં ચતુર્બીજાણુઓ (tetraspores) તરીકે જાણીતા અચલિત બીજાણુઓ ચતુર્બીજાણુધાની (tetrasporangium) નામના વિશિષ્ટ કોષમાં ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અર્ધસૂત્રીબીજાણુઓ (meiospores) પ્રકારના છે. લાલ લીલમાં બીજાણુજનક દ્વારા  ચતુર્બીજાણુઓ ઉત્પન્ન થાય છે. તેમના અંકુરણથી એકગુણિત (haploid) અવસ્થા ઉદભવે છે; દા. ત., Polysiphonia, Batrechospermumમાં સૂત્રાવસ્થા (chantransia) અવસ્થા દરમિયાન અચલિત એકબીજાણુઓ (monospores), એકબીજાણુધાની(monosporangium)માં ઉત્પન્ન થાય છે.

દ્વિભાજન (fission), અપખંડન (fragmentation), આગંતુક (adventitious) શાખાઓ અને ગ્રંથિલ(tuber)નું નિર્માણ લીલમાં જોવા મળતી વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ છે.

લિંગી પ્રજનન દરમિયાન બે વિશિષ્ટ જન્યુકોષો(gametes)નો સંયોગ થાય છે, જેને ફલન (fertilization) કહે છે. ફલનને પરિણામે ઉદભવતા કોષને યુગ્મનજ (zygote) કહે છે. સામાન્ય રીતે યુગ્મનજના અંકુરણ પૂર્વે અર્ધસૂત્રીભાજન (meiosis) થાય છે. યુગ્મનજ દ્વિગુણિત (diploid) રચના છે. નીલહરિત લીલમાં લિંગ પ્રજનનનો અભાવ હોય છે. લિંગી પ્રજનનના મુખ્ય બે પ્રકારો છે : (1) સમયુગ્મન (isogamy) અને (2) વિષમયુગ્મન (heterogamy).

સમયુગ્મન સૌથી આદ્ય અને સૌથી સરળ પ્રકારનું લિંગી પ્રજનન છે. આ પ્રકારના પ્રજનન દરમિયાન કદ અને બાહ્યાકારકીય (morphologically) રીતે સમાન જન્યુઓનો સંયોગ થાય છે. આવા જન્યુઓને સમજન્યુઓ (isogametes) કહે છે. સામાન્યત: તેઓ નગ્ન અને ચલિત હોય છે. સમયુગ્મન પ્રકારનું લિંગી પ્રજનન દાખવતી લીલ એકગૃહી (monoecious) હોય છે. જોકે યુલોથ્રિક્સ દ્વિગૃહી (dioecious) છે.

આકૃતિ 5 : લીલમાં લિંગી પ્રજનન : (અ) અ1–અ5 :યુલોથ્રિક્સમાં સમયુગ્મનની અવસ્થાઓ; (આ) આ1–આ3 : સ્પાયરોગાયરામાં અકશીય (non-flagellate) સમજન્યુઓ દ્વારા થતું સમયુગ્મન; (ઇ) ઇ1–ઇ4 : ક્લેમિડોમોનાસ બ્રાઉનીમાં વિષમયુગ્મન; (ઈ) ઈ1–ઈ3 : ઉડોગોનિયમમાં અંડયુગ્મન.

વિષમયુગ્મન સમયુગ્મન કરતાં વધારે પ્રગતિશીલ (advanced) લિંગી પ્રજનન છે, જે દરમિયાન અસમાન જન્યુઓનો સંયોગ થાય છે. વિષમયુગ્મનના બે પ્રકારો પાડવામાં આવ્યા છે : (1) અસમયુગ્મન (anisogamy) અને (2) અંડયુગ્મન (oogamy).

અસમયુગ્મન પ્રકારના પ્રજનનમાં મોટો જન્યુ પ્રમાણમાં નિષ્ક્રિય (ઓછો ચલિત) હોય છે, જેને માદાજન્યુ કહે છે; જ્યારે નાનો જન્યુ અત્યંત સક્રિય હોય છે; દા.ત., chlamydomonas braunii.

અંડયુગ્મન સૌથી ઉચ્ચ કક્ષાનું લિંગી પ્રજનન છે. માદા લિંગીપ્રજનનાંગ મોટું, ગોળ કે અંડાકાર હોય છે, જેને અંડધાની (oogonium) કહે છે અને નર-પ્રજનનાંગ કદમાં નાનું હોય છે, જેને પુંધાની (antheridium) કહે છે. અંડધાનીમાં સામાન્યત: એક જ અંડકોષ ઉત્પન્ન થાય છે, જે પુષ્કળ પ્રમાણમાં સંગૃહીત ખોરાક ધરાવે છે અને તે અચલિત હોય છે. પુંધાનીમાં ઉદભવતા ચલપુંજન્યુઓ અત્યંત નાના અને ચલિત હોય છે અને તેઓમાં ખોરાકનો સંગ્રહ થતો નથી.

લાલ લીલમાં અત્યંત વિશિષ્ટ પ્રકારનું અંડયુગ્મન જોવા મળે છે. પુંજન્યુ અચલિત કશાવિહીન અને ગોળાકાર હોય છે અને તેને અચલ પુંજન્યુ (spermatium) કહે છે. પ્રત્યેક પુંધાનીમાંથી એક જ અચલ પુંજન્યુ ઉત્પન્ન થાય છે. તેઓ પાણીના પ્રવાહ સાથે તણાઈને માદા પ્રજનનાંગ ફલધાની(carpogonium)ના નલિકાકાર-આદાનસૂત્ર (trichogyme) નામના ભાગના સંપર્કમાં આવે છે. આદાનસૂત્ર અને અચલ પુંજન્યુની દીવાલો દ્રવતાં અચલ પુંજન્યુનું કોષકેન્દ્ર નીચેની તરફ પ્રસરણ પામી ફલધાનીના તલસ્થ ફૂલેલા ભાગમાં રહેલા માદા કોષકેન્દ્ર સાથે સંયોજાઈને યુગ્મનજ બનાવે છે, જે દ્વિગુણિત ફળબીજાણુજનક (carposporophyte) અવસ્થા ઉત્પન્ન કરે છે. Batrechospermumનો યુગ્મનજ અર્ધસૂત્રીભાજન દ્વારા વિભાજન પામતો હોવાથી તેની ફળબીજાણુજનક અવસ્થા એકગુણિત હોય છે.

આકૃતિ 6 : લીલમાં વિવિધ પ્રકારનાં જીવનચક્ર : (અ) એકગુણિતક; દા. ત., સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ અને ઉડોગોનિયમ; (આ) દ્વિગુણિતક; દા. ત., ફ્યુકસ, સરગાસમ; (ઇ) દ્વિગુણિત-એકગુણિતક; દા. ત., એક્ટોકાર્પસ, લેમિનારિયા; (ઈ) દ્વિઅવસ્થા-એકવિધજીવી; દા. ત., નેમેલિયોન; (ઉ) ત્રિઅવસ્થા-એકવિધજીવી; દા. ત., બેટ્રેકોસ્પર્મમ; (ઊ) ત્રિઅવસ્થા-દ્વિવિધજીવી; દા. ત., પૉલિસાઇફોનિયા.

યુગ્મનજથી શરૂ કરી અનુગામી પેઢીના યુગ્મજનના નિર્માણ સુધી વનસ્પતિ શ્રેણીબદ્ધ ઘટનાઓના ચક્રમાંથી પસાર થાય છે, જેને જીવનચક્ર કહે છે. લિંગી પ્રજનન કરતી લીલમાં પાંચ પ્રકારનાં જીવનચક્રો જોવાં મળે છે : (1) એકગુણિતક (haplontic) જીવનચક્ર, (2) દ્વિગુણિતક (diplontic) જીવનચક્ર, (3) દ્વિગુણિત-એકગુણિતક (diplohaplontic) જીવનચક્ર, (4) એકવિધજીવી (haplobiontic) જીવનચક્ર અને (5) દ્વિવિધજીવી (diplobiontic) જીવનચક્ર.

એકગુણિતક જીવનચક્રમાં લીલમાં એકગુણિત કે જન્યુજનક (gametophyte) અવસ્થા મુખ્ય હોય છે. એકગુણિત જન્યુકોષોના સંયોગથી દ્વિગુણિત યુગ્મનજ બને છે. યુગ્મનજના અંકુરણ દરમિયાન યુગ્મકીય અર્ધસૂત્રીભાજન (zygotic meiosis) દ્વારા ચાર અર્ધસૂત્રીબીજાણુઓ ઉત્પન્ન થાય છે. તેમના અંકુરણથી જન્યુજનક અવસ્થા વિકાસ પામે છે. મોટાભાગની હરિત લીલ, કારોફાઇટા અને લાલ લીલમાં Bangiaમાં આ પ્રકારનું જીવનચક્ર જોવા મળે છે.

દ્વિગુણિતક પ્રકારનું જીવનચક્ર બેસિલારિયોફાઇટા, હરિત લીલમાં સાઇફોનેલીસ, સાઇફોનોક્લેડિયેલીસ અને ડેસિક્લેડિયેલીસની કેટલીક જાતિઓમાં અને બદામી હરિત લીલના ફ્યુકેલ્સ ગોત્રમાં જોવા મળે છે. આ લીલમાં દ્વિગુણિત અવસ્થા કે બીજાણુજનક (sporophyte) મુખ્ય છે. જન્યુધાનીઓમાં જન્યુઓના નિર્માણ-સમયે અર્ધસૂત્રીભાજન થાય છે. જન્યુઓના જ માત્ર એકગુણિત કોષોનું પ્રતિનિધિત્વ દર્શાવે છે.

દ્વિગુણિત-એકગુણિતક પ્રકારનું જીવનચક્ર હરિત લીલના અલ્વેલીસ અને ક્લેડોફોરેલીસ ગોત્રમાં અને બદામી લીલમાં Ectocarpus અને Dictyotaમાં જોવા મળે છે. અહીં એકગુણિત અને દ્વિગુણિત અવસ્થા એકાંતરે ગોઠવાયેલી હોય છે. દ્વિગુણિત અવસ્થા અર્ધસૂત્રીબીજાણુઓ ઉત્પન્ન કરે છે. તેમના અંકુરણથી એકગુણિત અવસ્થાનું નિર્માણ થાય છે. એકગુણિત અવસ્થા દ્વારા ઉદભવતા જન્યુઓના સંયોગથી દ્વિગુણિત યુગ્મનજ ઉત્પન્ન થાય છે. યુગ્મનજના અંકુરણથી દ્વિગુણિત અવસ્થાનો વિકાસ થાય છે. આ પ્રકારના જીવનચક્રના બે પ્રકારો છે : (1) સમરૂપી (isomorphic) દ્વિગુણિત-એકગુણિતક જીવનચક્ર દર્શાવતી લીલમાં દ્વિગુણિત અને એકગુણિત અવસ્થાઓ બાહ્યાકારવિદ્યાની દૃષ્ટિએ સમાન હોય છે અને તેઓમાં બીજાણુકીય અર્ધસૂત્રીભાજન જોવા મળે છે; દા. ત., અલ્વેલીસ, ક્લેડોફોરેલીસ, ઍક્ટોકાર્પેલીસ, ડિક્ટિયેલીસ અને લાલ લીલ. વિષમરૂપી દ્વિગુણિત-એકગુણિતક જીવનચક્ર દર્શાવતી લીલમાં દ્વિગુણિત અને એકગુણિત અવસ્થાઓ બાહ્યાકારવિદ્યાની દૃષ્ટિએ અસમાન હોય છે. બદામી લીલના લેમિનારિયેલીસ અને ડેસ્મેરેસ્ટિયેલીસ ગોત્રમાં દ્વિગુણિત અવસ્થા પ્રભાવી હોય છે, જ્યારે એકગુણિત અવસ્થા તુલનામાં નાની હોય છે. Cutlaria અને Urospora લીલમાં એકગુણિત અવસ્થા પ્રભાવી અને દ્વિગુણિત અવસ્થા નાની હોય છે.

એકવિધજીવી જીવનચક્ર Nemalion જેવી ઘણી આદ્ય લાલ લીલમાં દ્વિગુણિત યુગ્મનજ અર્ધસૂત્રીભાજનથી વિભાજાઈ ટૂંકા, શાખિત તંતુઓનું નિર્માણ કરે છે; જે જન્યુજનક પર પરોપજીવી એકગુણિત ફળબીજાણુજનક બનાવે છે. તેની ટોચ ઉપર રહેલા કોષો ફળબીજાણુધાની તરીકે વર્તી એકગુણિત ફળબીજાણુઓ ઉત્પન્ન કરે છે. આ ફળબીજાણુના અંકુરણથી જન્યુજનક અવસ્થા ઉદભવે છે. આમ, આ પ્રકારના જીવનચક્રમાં માત્ર યુગ્મનજ દ્વિગુણિત રચના છે અને બે અસમાન દૈહિક અવસ્થાઓ – મુક્તજીવી જન્યુજનક અને પરોપજીવી ફળબીજાણુજનક એકગુણિત અવસ્થાઓ છે. આ પ્રકારના જીવનચક્રને દ્વિ-અવસ્થા (diphasic) એકવિધજીવી જીવનચક્ર કહે છે.  Batrechospermumમાં એકગુણિત ફળબીજાણુઓ અંકુરણ પામી નાની સૂત્રાવસ્થા ઉત્પન્ન કરે છે; જે એકબીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. સૂત્રાવસ્થા ઉપરથી અમુક સમય પછી સામાન્ય જન્યુજનક ઉત્પન્ન થાય છે. આમ, અહીં ત્રણ એકગુણિત અવસ્થાઓ (સામાન્ય જન્યુજનક, ફળબીજાણુજનક અને સૂત્રાવસ્થા) જોવા મળતી હોવાથી તેને ત્રિઅવસ્થા (triphasic) એકવિધજીવી જીવનચક્ર કહે છે.

દ્વિવિધજીવી જીવનચક્ર લાલ લીલની ફલોરિડી શ્રેણીની ઘણી જાતિઓમાં જોવા મળે છે, જેમનો ફળબીજાણુજનક દ્વિગુણિત હોય છે અને તે સામાન્ય જન્યુજનક સાથે જોડાયેલ રહે છે. આ ફળબીજાણુજનક દ્વિગુણિત ફળબીજાણુઓ ઉત્પન્ન કરે છે. આ ફળબીજાણુના અંકુરણથી મુક્તજીવી ચતુર્બીજાણુજનક (tetrasporophyte) ઉદભવે છે. આ ચતુર્બીજાણુજનક દ્વિગુણિત અવસ્થા છે અને પરિપક્વતાએ તે ચતુર્બીજાણુધાનીઓ ઉત્પન્ન કરે છે. ચતુર્બીજાણુધાનીનું દ્વિગુણિત કોષકેન્દ્ર અર્ધસૂત્રીભાજનથી વિભાજાઈ ચાર એકગુણિત ચતુર્બીજાણુઓનું નિર્માણ કરે છે. ચતુર્બીજાણુના અંકુરણથી મુક્તજીવી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે. જન્યુજનક અવસ્થા ઉપર ઉત્પન્ન થતા જન્યુકોષોના સંયોગથી દ્વિગુણિત યુગ્મનજ બને છે. યુગ્મનજના અંકુરણથી દ્વિગુણિત ફળબીજાણુજનક ઉત્પન્ન થાય છે. આ પ્રકારના જીવનચક્રમાં એક જન્યુજનક અને બે બીજાણુજનક અવસ્થાઓ ગોઠવાયેલી હોવાથી તેને ત્રિઅવસ્થા (triphasic) દ્વિવિધજીવી જીવનચક્ર કહે છે; દા. ત., polysiphonia.

આધુનિક લીલ-વિજ્ઞાનીઓ લીલને 11 વિભાગોમાં વર્ગીકૃત કરે છે. આ વર્ગીકરણ થોડાંક રૂપાંતરો સાથે આ પ્રમાણે છે :

વિભાગ 1 : સાયનોફાઇટા (નીલહરિત લીલ)
 વર્ગ : સાયનોફાઇસી
ગોત્ર : ક્રૂકોકેલીસ
કેમિસાઇફિનેલીસ
ઑસ્સિલેટોરિયેલીસ
નૉસ્ટોકેલીસ
સાયટોનિમેટેલીસ
સ્ટીગોનિમેટેલીસ
રિવ્યુલેરિયેલીસ
વિભાગ 2 : ક્લૉરોફાઇટા (હરિત લીલ)
 વર્ગ : ક્લૉરોફાઇસી
ગોત્ર : વૉલ્વોકેલીસ
ક્લૉરોકોકેલીસ
યુલોટ્રાઇકેલીસ
અલ્વેલીસ
ઉડોગોનિયેલીસ
ક્લૅડોફૉરેલીસ
કીટોફૉરેલીસ
ઝીગ્નિમેલીસ
સાઇફૉનેલીસ અથવા કોલર્પેલીસ
વિભાગ 3 : કારોફાઇટા (સ્ટોનવર્ટ)
 વર્ગ : કારોફાઇસી
ગોત્ર : કારેલીસ
વિભાગ 4 : યુગ્લિનોફાઇટા (યુગ્લિનૉઇડ)
વર્ગ : યુગ્લિનોફાઇસી
ગોત્ર : યુગ્લિનેલીસ
વિભાગ 5 : પાયરોફાઇટા
વર્ગ : ડેસ્મોફાઇસી
ડિનોફાઇસી
વિભાગ 6 : ઝેન્થોફાઇટા (પીળી હરિત લીલ)
વર્ગ : ઝેન્થોફાઇસી
ગોત્ર : હીટરોસાઇફોનેલીસ
વિભાગ 7 : બેસિલારિયોફાઇટા (ડાયેટમ)
વર્ગ : બેસિલારિયોફાઇસી (ડાયેટમ્સ)
વિભાગ 8 : ક્રાઇસોફાઇટા (સોનેરીબદામી લીલ)
વિભાગ 9 : ક્રિપ્ટોફાઇટા
વિભાગ 10 : ફિયોફાઇટા (બદામી લીલ)
વર્ગ : આઇસોજનરેટી
ગોત્ર : ઍક્ટોકાર્પેલીસ
ડીક્ટિયૉટેલીસ
વર્ગ : હીટરોજનરેટી
ગોત્ર : લેમિનારિયેલીસ
વર્ગ : સાયક્લોસ્પોરી
ગોત્ર : ફ્યુકેલીસ
વિભાગ 11 : રહોડોફાઇટા (લાલ લીલ)
વર્ગ : રહોડોફાઇસી
ઉપવર્ગ : બૅન્ગોઇડી
ગોત્ર : બૅન્ગિયેલીસ
ઉપવર્ગ : ફ્લોરિડી
ગોત્ર : નેમેલિયોનેલીસ
સિરામિયેલીસ

લીલ કૃષિવિદ્યા અને ઔદ્યોગિક ક્ષેત્રે અગત્ય ધરાવે છે. વળી તેનો ખોરાક, ચારો અને ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે. લીલ ઘણી વ્યાપારિક નીપજોના સ્રોત તરીકે ઉપયોગી છે. તે પૈકી અગર-અગર, કેરેજિનિન, આલ્જિનિક ઍસિડ અને ડાયટોમાઇટ મુખ્ય છે. જાપાનમાં અગર-અગરનો મુખ્ય સ્રોત Gelidium, Gracilaria અને Gigartina જેવી લાલ હરિત લીલના સુકાયો છે. Camphytaephora, Eucheuma, Hypnea, Ahnfeltia અને Furcellaria જેવી અન્ય લાલ લીલનો આ હેતુ માટે ઉપયોગ થાય છે. અગર-અગર કોષદીવાલમાં આવેલા સેલ્યુલોઝ સાથે સંગ્રહાયેલો શ્લેષ્મી પદાર્થ છે. તે ગેલેક્ટોઝ અને સલ્ફેટ ધરાવતો નાઇટ્રોજન-મુક્ત ઘટ્ટરસ (gel) છે. તેનું ગલનબિંદુ 32.2° સે.થી 37.7° સે. હોય છે. નીચા તાપમાને તે ઘન સ્વરૂપમાં ફેરવાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે રેચક તરીકે, પેશીસંવર્ધન(tissue-culture)માં માધ્યમ તરીકે; જામ-જેલી, પુડિંગ, માંસ-માછલીના શીતનમાં; સૌંદર્ય-પ્રસાધનો, ચર્મ અને વસ્ત્રઉદ્યોગોમાં અને ઔષધો બનાવવામાં થાય છે. તે ડેરી-ઉદ્યોગમાં પાયસીકારક (emulsifier) તરીકે ઉપયોગી છે.

આલ્જિનિક ઍસિડ Ascophyllum, Laminaria, Lessonia, Ecklonia, Macrocystis અને Eisenia જેવી દરિયાઈ લીલમાંથી મેળવવામાં આવે છે. આલ્જિન આ લીલની પ્રાથમિક કોષદીવાલ અને મધ્યપટલ(middle lamella)માં થતો એક કલિલ (colloid) પદાર્થ [(C6H8O6)n] છે. આલ્જિનિક ઍસિડના કૅલ્શિયમના દ્રાવ્ય ક્ષારને આલ્જિન કહે છે. આ આલ્જિનેટનો અન્ન-ઉદ્યોગ અને સૌંદર્ય-પ્રસાધનમાં પ્રગાઢક (thickening agent) તરીકે, વસ્ત્ર-ઉદ્યોગમાં પ્રિન્ટિંગ પેસ્ટ તરીકે અને પ્લાસ્ટિક અને કૃત્રિમ રેસાઓના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. તે રબર-ઉદ્યોગમાં અને ક્ષીર(latex)ના ઉત્પાદનમાં ઉપયોગી છે. આલ્જિનેટ મીઠાઈ-ઉદ્યોગમાં, ચૉકલેટ, દવાની કૅપ્સ્યૂલ, બૅક્ટેરિયલ ગાળક (filter) તરીકે; રંગ, આઇસક્રીમ, પાઉડર અને દાંતની છાપ બનાવવામાં ઉપયોગી છે.

Chondrus crispus અને Gigartina જેવી, લાલ-હરિત લીલમાંથી કેરેજિનિન મેળવવામાં આવે છે. તે કોષદીવાલમાં આવેલો શ્લેષ્મી પૉલિસૅકેરાઇડ છે. તેનો ઉપયોગ અન્ન, વસ્ત્ર, ઔષધ, ચર્મ અને આલ્કોહૉલ ઉદ્યોગોમાં થાય છે. તે પાયસ(emulsion)ના સ્થાયીકારક (stabilizer) તરીકે અને કફની સારવારમાં ઉપયોગી છે. તેનો ટૂથપેસ્ટ, ગંધનાશક (deodorant), સૌંદર્યપ્રસાધન અને રંગોના ઘટક તરીકે ઉપયોગ થાય છે. તે વ્રણ-ચિકિત્સા (ulcer therapy) અને રુધિરવાહિનીઓના રોગોમાં ઉપયોગી છે. તેનો ચૉકલેટ, સૉસ, સીરપ અને જેલીની બનાવટમાં ઉપયોગ થાય છે.

જાપાન પ્રતિવર્ષ બદામી લીલનાં દરિયાઈ અપતૃણોમાંથી 100 ટન જેટલું આયોડિન પ્રાપ્ત કરે છે. આ આયોડિનનો મુખ્ય સ્રોત Laminaria, Ecklonia, Fucus અને Eisenia નામની પ્રજાતિઓ છે. આ અપતૃણોમાંથી સોડિયમ અને પોટૅશિયમ પણ મળે છે. Rhodomela અને Polysiphonia નામની લાલ-હરિત લીલ બ્રોમીનનો સ્રોત ગણાય છે.

જાપાનમાં લાલ લીલ Gloeopettis furcataમાંથી ‘ફ્યુનોરી’ ગુંદર બનાવવામાં આવે છે. તેનો કાગળ અને કાપડના છિદ્રપૂરક દ્રવ્ય (sizing material) અને આસંજક (adhesive) તરીકે ઉપયોગ થાય છે.

ડાયટોમાઇટ સમુદ્રને તળિયે લાખો વર્ષ પૂર્વે એકત્રિત થયેલ અશ્મીભૂત ડાયેટમની સિલિકાયુક્ત કોષદીવાલો દ્વારા બનતો ખડક જેવો નિક્ષેપ છે અને કેટલેક સ્થળે આ નિક્ષેપ હજારો મીટરના થરનો બનેલો હોય છે. આ ડાયેટોમીય નિક્ષેપોનું વિશ્વના કેટલાક ભાગોમાં ઉત્ખનન કરવામાં આવે છે. આ નિક્ષેપોના ઘણા વ્યાપારિક ઉપયોગો છે. તે સફેદ રંગનો, દૃઢ છતાં પોચો અને હલકો, છિદ્રિષ્ઠ અને અદ્રાવ્ય પદાર્થ છે. તે અપઘર્ષક (abrasive) અને રાસાયણિક દૃષ્ટિએ નિષ્ક્રિય, અદાહ્ય (fireproof) અને અત્યંત અવશોષક (absorbent) છે. આ ગુણધર્મો તેલ અને ખાંડ-ઉદ્યોગમાં ગાળક અને દ્રાવકોના સ્વચ્છક (cleansing agent) તરીકે ઉપયોગી છે. તેનો રેફ્રિજરેટર, બૉઇલર, ગરમ અને ઠંડી નળીઓ તેમજ પોલાં લાદીનાં નળિયાંના રોધન(insulation)માં ઉપયોગ થાય છે; જેથી ધ્વનિરોધી (sound-proof) અને તાપમાન અચળ રાખતા ઓરડાઓ બનાવી શકાય છે. તે સંક્ષારક (corrosive) રાસાયણિક પ્રવાહીઓના સંકુલનમાં (packing), ધાતુઓની પૉલિશ, ભઠ્ઠીઓના રોધક તરીકે, ડાયનેમાઇટના ઉત્પાદનમાં, ટૂથપાઉડર, વિરંજક (bleaching) પાઉડર, કૉંક્રીટ અને રબરના પ્રબલક (reinforcing agent) તરીકે, સિલ્વર પૉલિશ, દારૂ અને કાગળ-ઉદ્યોગમાં અને મોટર-ગાડીના આધાર તરીકે ઉપયોગી છે.

ભૌમિક લીલમાં નીલહરિત લીલ સૌથી મહત્વની છે. તેઓ નાઇટ્રોજનનું સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમના દ્વારા ભૂમિમાં ઉમેરાતાં ઉપયોગી નાઇટ્રોજનયુક્ત સંયોજનોને કારણે ભૂમિની ફળદ્રૂપતામાં વધારો થાય છે, જેથી કૃષિપાકોની વૃદ્ધિનો દર વધે છે. નાઇટોજનનું સ્થાપન કરતી નીલહરિત લીલમાં Oscillatoria Princeps, O. formosa અને Anabaena, Spirulina, Nostoc અને Cylindrospermumની જાતિઓનો સમાવેશ થાય છે. આ લીલનો ડાંગરનાં ખેતરોમાં જૈવ ખાતર તરીકે ઉપયોગ થાય છે. નીલહરિત લીલ ખુલ્લી ઍલ્કેલાઇન મૃદાની સુધારણામાં પણ ઉપયોગી છે. દરિયાઈ અપતૃણોનો, ખાસ કરીને મોટી બદામી-હરિત લીલ અને લાલ-હરિત લીલનો દરિયાકાંઠાના વિસ્તારોમાં કાર્બનિક ખાતરો તરીકે ઉપયોગ થાય છે.

Chlorella પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન CO2નો ઉપયોગ કરી પાણીમાં O2નું પ્રમાણ વધારે છે, જે માછલીઓ માટે અગત્યનું છે. તે ચયાપચય(metabolism)ની પ્રક્રિયા માટે ફૉસ્ફેટ અને નાઇટ્રેટ શોષે છે, જેથી જારકજીવી (aerobic) બૅક્ટેરિયા કાચા વાહિતમલ(sewage)નું વિઘટન કરી શકે છે.

અવકાશયાત્રામાં સૂક્ષ્મ એકકોષી લીલ જેવી કે chlorella pyrenoidosa અને synechococcusને સંભવિત ખોરાકના સ્રોત માટે સાથે લેવામાં આવે છે. તેઓ ઝડપથી વિભાજનો પામી શકે છે અને પ્રકાશસંશ્લેષણ દરમિયાન CO2નો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને પૂરતો O2 વધારાની નીપજ તરીકે ઉત્પન્ન કરે છે. તે મલ-મૂત્ર જેવાં માનવ ઉત્સર્ગદ્રવ્યોના વિઘટનમાં મદદ કરી પ્રોટીન-સંશ્લેષણ માટે નાઇટ્રોજનનો સ્રોત પૂરો પાડે છે.

લીલ માછલીઓ, જલીય ઉભયજીવીઓ, સસ્તનો અને અન્ય પ્રાણીઓનો ખોરાક છે. તે માનવખોરાક માટે પ્રોટીનના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. દરિયાકિનારે વસવાટ ધરાવતા લોકો દરિયાઈ અપતૃણોનો ખોરાક તરીકે સીધેસીધો ઉપયોગ કરે છે. ભારતમાં Spirogyra અને Oedogonium અને યુરોપમાં Ulva પ્રજાતિ આ બાબતે મહત્ત્વની પ્રજાતિઓ છે. બ્રાઝિલમાં Nostocની વસાહતો દ્વારા બાફીને ખાવામાં આવે છે. પૅસિફિકના દ્વીપકલ્પોમાં બદામી લીલ અને લાલ લીલના નાના ટુકડા કરી ખાસ પ્રકારની વાનગીઓમાં ઉમેરવામાં આવે છે. Laminariaના તરુણ વૃંતો (stipes), Alariaનાં બીજાણુપર્ણો, Durvillea, Porphyra, Rhodymenia palmata, Monostroma, Undaria, Sargassum, Caulerpa વગેરે લીલની જાતિઓ વિવિધ વાનગીઓ, સૂપ કે સલાડ તરીકે લેવામાં આવે છે. ચીન અને જાપાનમાં કેટલાંક દરિયાઈ અપતૃણોની ખેતી કરવામાં આવે છે. જાપાન દરરોજના ખોરાકમાં લગભગ 25 % જેટલો દરિયાઈ અપતૃણોનો ઉપયોગ કરે છે. લીલમાં પ્રોટીન, મેદ અને પ્રજીવકો ‘એ’, ‘બી’, ‘સી’ અને ‘ઇ’ પુષ્કળ પ્રમાણમાં હોય છે. Nitzschia નામના ડાયેટમમાં પ્રજીવક ‘એ’; Ulva, Enteromorpha, Laminaria, Alaria valida, Porphyra, Nereocystis અને Chondrus crispusમાં પ્રજીવક ‘બી’ અને ‘સી’ પુષ્કળ પ્રમાણમાં હોય છે.

આકૃતિ 7 : કેટલીક સામાન્ય ખાદ્ય લીલ : (અ) પોરફાઇરા; (આ) અલ્વા; (ઇ) એલારિયા; (ઈ) ક્લોરેલા; (ઉ) કોન્ડ્રસ

દરિયાઈ અપતૃણોનો પ્રાણીઓના ચારા તરીકે નૉર્વે, ફ્રાન્સ, યુ.એસ., ડેન્માર્ક, ઇંગ્લૅન્ડ વગેરે દેશોમાં ઉપયોગ થાય છે. Ascophyllum, Fucus અને Laminaria ઢોરોના ખાણ માટે અનુકૂળ ગણાય છે. ચીરેલા દરિયાઈ અપતૃણો સાથે મરઘાં-બતકાંના ઈંડાંની જરદી આપવાથી આયોડિન અને કૅરોટિનનું પ્રમાણ વધે છે અને મરઘાં-બતકાંની ઈંડાં મૂકવાની ક્ષમતામાં વધારો થાય છે. Macrocystisની જાતિ પ્રજીવક ‘એ’ અને ‘ઇ’ પુષ્કળ ધરાવે છે. ફ્રાન્સમાં લાલ લીલ–Rhodymeniaનો અને ચીનમાં Sargassum નામની બદામી હરિત લીલનો ઢોરોના ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Pelvetia જેવાં સૂકાં દરિયાઈ અપતૃણો ઢોરના ખોરાકની સાથે આપતાં તેમની દૂધઉત્પાદન-ક્ષમતા વધે છે.

દરિયાઈ અપતૃણોમાં આયોડિન પુષ્કળ હોવાથી ગલગંડ (goiter) માટેના ઔષધોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. Laminaria japonica અને L. religiosaમાં આયોડિન વિપુલ પ્રમાણમાં મળી આવે છે. Codium intricatum નામની હરિત લીલ અને Gelidium અને Grateloupia જેવી લાલ-હરિત લીલ આયોડિન સભર હોય છે. Chlorellaમાંથી ક્લૉરેલીન નામનું પ્રતિજૈવિક ઔષધ પ્રાપ્ત થાય છે, જે બૅક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે. Cladophora અને Lyngbyaના નિષ્કર્ષ વિષાણુરોધી (antiviral) ગુણધર્મો ધરાવે છે અને Pseudomonas અને Mycobacteriumની કેટલીક જાતોનો નાશ કરે છે. કારેલ્સ ગોત્ર ઇયળનાશક (larvicidal) ગુણધર્મો ધરાવે છે. અગર-અગર ગોળીઓ અને મલમોની બનાવટમાં અને રેચકો તરીકે વપરાતાં ઘણા પ્રકારનાં ઔષધો માટે આધાર તરીકે વપરાય છે. કૅરેજિનિન અને આલ્જિનિક ઍસિડ રુધિરના સ્કંદક (coagulant) તરીકે ઉપયોગી છે. Digenea, Codium, Alsidium અને Durvilleaના નિષ્કર્ષનો કૃમિહર (vermifuge) તરીકે ઉપયોગ થાય છે.

પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓ જેવાં બળતણ દરિયાઈ પર્યાવરણમાં રહેલાં કાર્બનિક દ્રવ્યોમાંથી ઉત્પન્ન થાય છે. દરિયાઈ સૂક્ષ્મ વનસ્પતિ-પ્લવકો (plant-planktons) સૂર્યપ્રકાશ ગ્રહી, પ્રકાશસંશ્લેષણ કરે છે અને કાર્બનિક પોષકદ્રવ્યો બનાવે છે. આ પોષકદ્રવ્યોનો દરિયાઈ પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃતદેહોમાંથી પ્રાપ્ત થતાં કાર્બનિક સંયોજનો સમુદ્રના તળિયે ક્રમશ: એકત્રિત થાય છે અને સ્થાનબદ્ધ (sedentary) પ્રક્રિયા દ્વારા દટાય છે. O2થી મુક્ત પર્યાવરણમાં આ સંયોજનોનું વિઘટન થતાં તેલ અને વાયુ ઉત્પન્ન થાય છે. તેલ સાથે સંકળાયેલો કુદરતી વાયુ મિથેન હોય છે.

વાહિતમલના ઉપચયન (oxidation) કુંડમાં chlomydomonas, chlorella અને euglena જેવી લીલના ઉપયોગ દ્વારા ગંધ મારતા ઉત્સર્ગ પદાર્થોનું ગંધવિહીન કીમતી ખાતરમાં રૂપાંતર થાય છે. આવા કુંડ લીલની વૃદ્ધિને ઉત્તેજે છે અને વાહિતમલમાં રહેલાં ખનિજ પોષકદ્રવ્યોનો ઉપયોગ કરી લીલ વિકાસ પામે છે. લીલ દ્વારા થતા ઝડપી પ્રકાશસંશ્લેષણને કારણે O2 પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, જેનો વાહિતમલના કાર્બનિક દ્રવ્યનું વિઘટન કરતાં સૂક્ષ્મજીવો દ્વારા ઉપયોગ થાય છે.

લીલ કેટલીક વાર તળાવ, સરોવરો કે સંગૃહાશયોમાં પુષ્કળ પ્રમાણમાં એકત્રિત થઈ પાણીની સપાટી ઉપર લીલું, ધૂંધળું પડ બનાવે છે; જેમને ‘વૉટર-બ્લૂમ’ કહે છે; જેથી તેવું પાણી ખરાબ વાસ અને તૈલી તેમજ માછલી જેવો સ્વાદ આપે છે અને પાણી પીવાલાયક રહેતું નથી. Microcystis અને Aphanizomenon જેવી નીલહરિત લીલ વિષાક્ત (toxic) પ્રોટીન ઉત્પન્ન કરે છે; જે માછલી, ઢોરો, ઘેટાં અને અન્ય પ્રાણીઓ માટે ઝેરી હોય છે.

જૈમિન વિ. જોશી

બળદેવભાઈ પટેલ