સાલેતોર, બી. એ. (ડૉ.) (જ. 1902; અ. 1963) : ભારતના જાણીતા ઇતિહાસકાર. તેમનું આખું નામ ભાસ્કર આનંદ સાલેતોર હતું. તેમણે શાળા અને કૉલેજનો અભ્યાસ મેંગલોરમાં કર્યો હતો. તેમણે ચેન્નાઈ(મદ્રાસ)માંથી બી.ટી. અને સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈથી એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે 1931માં લંડન યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં અને જર્મન યુનિવર્સિટી ઑવ્ જીસેનમાંથી 1933માં રાજ્યશાસ્ત્રમાં – એમ ડૉક્ટરેટની બે ડિગ્રીઓ મેળવી હતી. અંગ્રેજી અને જર્મન ઉપરાંત તેઓ કેટલીક ભારતીય ભાષાઓ જાણતા હતા. તેમણે રેવરન્ડ હેરાસ અને ડૉ. એલ. ડી. બાર્નેટ જેવા પ્રસિદ્ધ શિક્ષકો પાસે શિક્ષણ મેળવ્યું હતું. સંશોધન વાસ્તે તેઓ પરિશ્રમ કરતા. તેમણે આશરે બાર પુસ્તકો અને ભારતીય ઇતિહાસનાં વિવિધ પાસાંઓ વિશેના લગભગ સો લેખો લખ્યાં છે, જે તેમના ઇતિહાસવિષયક તલસ્પર્શી જ્ઞાનનો પુરાવો પૂરો પાડે છે. તેમનું અંગત પુસ્તકાલય કીમતી અપ્રાપ્ય પુસ્તકો ધરાવતું હતું. નિવૃત્તિ બાદ, એક વર્ષ પછી તેઓ અવસાન પામ્યા ત્યારે તેઓ ઘણી નોંધો તથા સંખ્યાબંધ પુસ્તકો અધૂરાં મૂકતા ગયા હતા.
યુનિવર્સિટી ઑવ્ લંડનમાં તેમણે કરેલ પીએચ.ડી.ની થીસિસ ‘સોશિયલ ઍન્ડ પૉલિટિકલ લાઇફ ઇન ધ વિજયનગર એમ્પાયર’ બે ગ્રંથોમાં પ્રગટ થઈ છે. સામાજિક ઇતિહાસના અભ્યાસ વાસ્તે અભિલેખોનો ઉપયોગ કરનાર તેઓ પ્રથમ વિદ્વાન હતા. હવે યુવાન સંશોધકો, તેમને અનુસરે છે. તેમણે લંડનમાં આ સંશોધન કરતાં કન્નડ ભાષાના સ્રોતોનો પણ ઉપયોગ કર્યો છે.
તેઓ બૉમ્બે એજ્યુકેશનલ સર્વિસમાં અને પુણે તથા અમદાવાદની ગુજરાત કૉલેજમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના પ્રોફેસર હતા ત્યારે આ પુસ્તકો લખ્યાં હતાં. તે પછી તેઓ નૅશનલ આર્કાઇવ્ઝના ડિરેક્ટર હતા ત્યારે તેમણે ‘ફૉર્ટ વિલિયમ-ઇન્ડિયા હાઉસ કૉરસ્પૉન્ડન્સ વૉલ્યુમ 9’નું સંપાદન કર્યું. તે પછી ધારવાડમાં ઇતિહાસના પ્રોફેસર અને વિભાગીય અધ્યક્ષ તથા કનનડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિર્દેશક તરીકે તેમણે કૌટિલ્ય અને પંચતંત્ર પર આધારિત રાજકીય ઇતિહાસના બે ગ્રંથો ‘ઇન્ડિયાઝ ડિપ્લૉમૅટિક રિલેશન્સ વિથ ધ વેસ્ટ’ અને ‘ઇન્ડિયાઝ ડિપ્લૉમૅટિક રિલેશન્સ વિથ ધ ઈસ્ટ’ પ્રગટ કર્યા. તેમનું છેલ્લું પુસ્તક ‘ઍન્શિયન્ટ ઇન્ડિયન પૉલિટિકલ થૉટ ઍન્ડ ઇન્સ્ટિટ્યૂશન્સ’ તેમના અવસાનના થોડા સમય પહેલાં 1963માં પ્રગટ થયું. ઉત્તમ ગણાતા, સાતસો પૃષ્ઠના આ ગ્રંથમાં તેમણે ઍરિસ્ટોટલ, કૌટિલ્ય વગેરે પ્રાચીન ચિંતકોનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. કૌટિલ્ય માટે તેમને ઘણો ઊંચો અભિપ્રાય હતો.
સાલેતોરના લખેલા ‘મેઇન કરન્ટ્સ ઇન ધ ઍન્શિયન્ટ હિસ્ટરી ઑવ્ ગુજરાત’ અને ‘કર્ણાટકાઝ ટ્રાન્સીઝ-ઓશનિક કૉન્ટેક્ટ્સ’ આ બંને ગ્રંથો નાના પરંતુ ધ્યાનાકર્ષક છે. પ્રથમ ગ્રંથમાં તેમણે ગુજરાત અને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ખાલી રહેલ સમયગાળા પૂરવાના પ્રયાસો કર્યા છે. તેમાં તેમણે ગુજરાત અને ભારતના બે મહાન સપૂતો મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ઉદય અને સિદ્ધિઓ માટેનાં ઐતિહાસિક પરિબળોનું વિશ્ર્લેષણ કર્યું છે. ઉદારતા, વિવેક, સહિષ્ણુતા, વ્યવહારકુશળતા અને અહિંસા સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકોના લાક્ષણિક સદગુણો છે, જેમનું સાલેતોરે ઐતિહાસિક વારસા તરીકે અર્થઘટન કર્યું છે. વિદેશીઓના સતત ધસારાએ ગુજરાતીઓને સહિષ્ણુ બનાવ્યા છે. જૈન ધર્મની પ્રાચીન પરંપરાએ સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિના સમયથી ઊંડાં મૂળ ઘાલ્યાં છે.
સંશોધન કરવામાં તેઓ અતિપરિશ્રમ કરતા. તેઓ હંમેશાં ઉત્કીર્ણ લેખો અને મૂળ સ્રોતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરતા. તે સ્રોતોના મૂળ લખાણને, સહેજ પણ ફેરફાર કર્યા વિના રજૂ કરતા. વિજયનગર વિશેના તેમના ગ્રંથોની સંદર્ભસૂચિનાં 55 પૃષ્ઠોમાં એક હજારથી વધુ ગ્રંથો અને લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના છેલ્લા ગ્રંથ ‘ઍન્શિયન્ટ ઇન્ડિયન પૉલિટિકલ થૉટ ઍન્ડ ઇન્સ્ટિટ્યૂશન્સ’ની નેવું પૃષ્ઠોમાં કરેલી નોંધો વિવિધ સ્રોતોના સ્વતંત્ર અભ્યાસ ઉપર પ્રકાશ પાડે છે. સાલેતોરના ગ્રંથો વાંચ્યા પછી વિદ્વાનો નિશ્ચિત સિદ્ધાંતો સ્વીકારતા પહેલાં, પુનર્વિચારણા કરવા પ્રેરાય છે. તેમના સંશોધનકાર્ય દરમિયાન અનેક અભિલેખો અને સાહિત્યિક ગ્રંથો પ્રકાશમાં આવ્યા છે.
સાલેતોર એક સારા વક્તા હતા. તેમનું શિક્ષણકાર્ય ચીલાચાલુ ન હતું; પરંતુ અભ્યાસના વિષયની બહાર જઈને પણ ઉદાહરણો સહિત, રમૂજ કરાવતા.
હિટલર સત્તા પર આવ્યો ત્યારે તેઓ જર્મનીમાં હતા. તેઓ કહેતા કે તેમના અધ્યાપકને કેવી રીતે સૌપ્રથમ જેલમાં પૂરવામાં આવ્યા હતા. સાલેતોર હિટલરની જાહેર સભાઓમાં હાજર રહ્યા હતા. તે સભાઓ કેવી નાટકીય અને ઉત્તેજિત કરનારી હતી, તે તેઓ જણાવતા. કોઈ પણ દેશે લશ્કરી અને ભૌતિક તાકાત વિકસાવવી જોઈએ – તે બાબતને તેઓ ઘણું મહત્વ આપતા. તેઓ પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાનું અનુસંધાન જાળવીને રાષ્ટ્રને ખૂબ મજબૂત અને તાકાતવાન બનાવવા પર ભાર મૂકતા.
જયકુમાર ર. શુક્લ