કેલ્વિન, મેલ્વિન (જ. 8 એપ્રિલ 1911, સેન્ટ પૉલ, મિનેસોટા, યુ. એસ.; અ. 8 જાન્યુઆરી 1997, બર્કલી, કૅલિફૉર્નિયા) : અમેરિકન જીવરસાયણજ્ઞ અને નોબેલ પુરસ્કારવિજેતા. 1931માં મિશિગન કૉલેજ ઑવ્ માઇનિંગમાંથી બૅચલર ઑવ્ સાયન્સની અને 1935માં મિનેસોટા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ઇંગ્લૅન્ડમાં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં બે વર્ષ માટે (1935-37) રૉકફેલર ફાઉન્ડેશન તરફથી ફેલો તરીકે કાર્ય કર્યું. 1937માં બર્કલીમાં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં જોડાયા અને 1946માં લૉરેન્સ રેડિયેશન પ્રયોગશાળામાં બાયોઓર્ગેનિક કેમિસ્ટ્રી જીવવિજ્ઞાન વિભાગના નિયામક નિમાયા.
1971માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિમાયા. પ્રકાશસંશ્લેષણના પ્રક્રિયાપથની શોધ માટે તેમને 1961માં રસાયણશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આમાં તેમણે 14Cનો ઉપયોગ કર્યો. કાર્બોહાઇડ્રેટના ચયાપચયમાં ફૉસ્ફોગ્લિસેરિક ઍસિડ બને છે અને તેને પ્રકાશસંશ્લેષણ સાથે સંબંધ છે તે પરથી આ કાર્ય કરવામાં તેમને વધુ સરળતા મળી. વિકિરણ રસાયણ (radiation chemistry), કાર્બનિક કિલેટ સંયોજનો અને જીવઉત્પત્તિ (origin of life) પર પણ તેમણે સંશોધન કર્યું છે. 1970 અને 1980 દરમિયાન અવકાશ-જીવવિજ્ઞાનને લગતી સંશોધન-પરિયોજના, પ્રકાશસંશ્લેષણ માટેની પ્રયુક્તિઓ (devices) અને શુષ્ક આબોહવાનાં વૃક્ષો જેમાંથી રબર અને તેલ મેળવી શકાય તેના વિકાસ માટે કાર્ય કરી રહેલા છે. બેસહામ સાથે તેમણે ‘ધ ફોટો સિન્થેસિસ ઑવ્ કાર્બન કમ્પાઉન્ડ્ઝ’ (1962) અને ‘કેમિકલ ઇવોલ્યૂશન’ (1969) પુસ્તકો લખ્યાં છે.
વાસુદેવ યાજ્ઞિક