કૅલ્વિનવાદ

January, 2008

કૅલ્વિનવાદ : યુરોપમાં પ્રવર્તેલ ધર્મસુધારણાના આંદોલનનું એક સ્વરૂપ. ‘લ્યૂથરવાદ’ તથા ‘ઝ્વિંગલીવાદ’(ઝુરિકના પાદરી હુલડ્રિચ ઝ્વિંગલી; 1484-1531)ના એક વિકલ્પ તરીકે અને પ્રૉટેસ્ટન્ટ પંથના એક ફાંટારૂપે ‘કૅલ્વિનવાદ’ પણ તત્કાલીન સ્વિટ્ઝર્લૅન્ડમાં ધર્મસુધારણાનું જે આંદોલન શરૂ થયેલું તેમાં એક મહત્વનું બળ કે પાસું હતો. આ વાદના પ્રેરક હતા ફ્રાન્સના વતની જ્હૉન કૅલ્વિન (1509થી 1564). બિશપ પિતાના ધાર્મિક સંસ્કારો તેમને વારસામાં મળેલા. તેમણે પૅરિસ તથા અન્ય વિદ્યાપીઠોમાં લૅટિન, ધર્મશાસ્ત્ર તથા કાયદાનો અભ્યાસ કર્યો તથા ગ્રીસ અને રોમના મહાન ચિંતકોની કૃતિઓનું ઊંડું અધ્યયન કર્યું. પ્રચલિત રૂઢિચુસ્ત ધર્મ પ્રત્યે તેમને અણગમો હોઈ તેમણે ‘માનવવાદ’ને અનુમોદન આપ્યું. તે ધાર્મિક ગેરરીતિઓ પર પ્રહાર કરતા હોઈ ફ્રાન્સમાં તેમને નાસ્તિક જાહેર કરી તેમના માથા માટે ઇનામ પણ જાહેર કરવામાં આવેલું. તેમણે સાદગી અને સેવાનો સિદ્ધાંત સ્વીકાર્યો હતો. ‘માત્ર ઈસુમાં શ્રદ્ધા દ્વારા જ ન્યાય’નો લ્યૂથરનો સિદ્ધાંત તેમણે અપનાવ્યો. તેમણે કદી પૈસાની ખેવના કરી નહોતી. પોપના આદેશથી તેમને દેશનિકાલ કરવામાં આવ્યા (1538), કારણ કે તેમણે ચર્ચ પર રાજ્યનું પ્રભુત્વ રહે તથા તેની આંતરિક બાબતમાં રાજ્યનું વર્ચસ્ રહે એ વાતને ટેકો આપ્યો. ધાર્મિક તથા આર્થિક ક્ષેત્રે ક્રાન્તિ કરવાની તેમની ઇચ્છા હતી. પરંતુ તેમનામાં પણ સમય જતાં અસહિષ્ણુતા તથા વહેમો પ્રવેશ્યા. એને પરિણામે તેમણે ઘણા વિરોધીઓનો શિરચ્છેદ કરાવ્યો. તેમનું પુસ્તક ‘ધ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ક્રિશ્ચિયન રિલિજિયન’ ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનું મહત્વનું પુસ્તક મનાય છે. તેનાં ઘણાં ભાષાન્તરો પણ થયાં છે. અલબત્ત પોપવિરોધી પ્રચલિત લખાણો હોઈ તેના પર પૅરિસમાં પ્રતિબંધ મૂકવામાં આવેલો અને તે પુસ્તકની નકલો મેળવી બાળી મૂકવામાં આવેલી.

પ્રૉટેસ્ટન્ટ પંથની વિદ્વત્તાયુક્ત રજૂઆત ‘કૅલ્વિનવાદ’ની આધારશિલા ગણાય છે. આ વાદનો પાયાનો સિદ્ધાંત એ હતો કે ઈશ્વર પ્રત્યેક માનવીનું ભાવિ તેના જન્મ પહેલાં જ નક્કી કરી નાખે છે (ડૉક્ટ્રિન ઑવ્ પ્રિ-ડેસ્ટિનેશન); માનવી પોતાનાં કાર્યો દ્વારા પોતાને માટે નક્કી થયેલા ‘મોક્ષ’ કે ‘નરક’ને બદલાવી શકતો નથી; અને ઈશ્વરે પોતે જેને માટે મોક્ષ નક્કી કર્યો હશે તેને સારાં કર્મો માટે તે પોતે જ અંતરમાં પ્રેરણા આપશે. લ્યૂથરવાદ કરતાં આ વાદમાં લોકશાહીનું આન્તર-રાષ્ટ્રીય સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તેમાં રહસ્યમય માન્યતાઓને બદલે તર્કબદ્ધતા પર વધુ ભાર મુકાયો છે. આ વાદમાં તે સમયના આર્થિક પ્રવાહો જોડે સુસંગત રહી કરકસરને સદગુણ અને પ્રતિષ્ઠાને નૈતિક તાકાતનું પ્રતીક માનેલ છે. પરિણામે ફ્રાન્સમાં તેમને મધ્યમ વર્ગના લોકોનો સારો ટેકો મળ્યો. હોલૅન્ડમાં પણ તેનો ફેલાવો થયો. સ્કૉટલૅન્ડમાં પાછળથી તે ‘પ્રેસ્બિટેરિયન પંથ’ તરીકે પ્રચાર પામ્યો.

જૂનો તથા નવો કરાર ‘ઈશ્વરપ્રેરિત’ હોવાથી તેનો પ્રત્યેક શબ્દ સનાતન અને સત્ય છે અને તેને અનુસરીએ નહિ તો પરિણામે અધર્મની વૃદ્ધિ થાય છે એમ તે માનતા. તે માત્ર ‘બૅપ્ટિઝમ’ અને મૃત્યુ વખતનો સંસ્કાર એમ બે જ ખ્રિસ્તી સંસ્કારમાં માને છે; માણસનાં પાપો પોપ કે ચર્ચના આદેશથી ધોવાઈ જાય છે એમ માનવા તે તૈયાર નથી. ચર્ચનું કામ માણસને ધર્મના માર્ગે દોરવાનું છે, વહેમોમાં વૃદ્ધિ કરવાનું નહિ. તમામ ખ્રિસ્તીઓ ઈસુના આદેશનું પાલન કરવા બંધાયેલા છે. ડૉ. રાધાકૃષ્ણનના મતે કૅલ્વિનનો ઉપજાવેલો ઈશ્વર-નિર્મિતિવાદ ત્રુટિયુક્ત જણાય છે; કારણ કે ઈશ્વરના માનીતા લોકો ગમે તે કરે તોયે તરી જવાના; અને અળખામણા લોકો ગમે તેટલું પુણ્ય કરે તોયે ઘોર નરકમાં જવાના, આવું મંતવ્ય ઈશ્વરના મનસ્વીપણાના ખ્યાલને રજૂ કરે છે. શું બુદ્ધિ સ્વીકારી શકે એવો (આ સિદ્ધાંત સિવાય) કોઈ અન્ય ખુલાસો ઈશ્વર અને મનુષ્ય વચ્ચેના સંબંધ પરત્વે ન હોઈ શકે ? એવો સવાલ ડૉ. રાધાકૃષ્ણને પૂછ્યો છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ