ઇન્ડોનેશિયા

મલયેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. ઇન્ડોનેશિયા Indos – એટલે Indian (હિંદી) અને Nesos એટલે Island (ટાપુનો) શબ્દ, બે ગ્રીક શબ્દોનો બનેલો છે. ઇન્ડોનેશિયાને ‘હિંદેશિયા’ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશ સત્તરમી સદીમાં ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે પણ જાણીતો હતો. દુનિયાની ત્રીજી સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.

આ ટાપુઓનો વિસ્તાર 6o ઉત્તર અક્ષાંશથી 11o દક્ષિણ અક્ષાંશ અને 95o પૂર્વ રેખાંશથી 141o પૂર્વ રેખાંશ વચ્ચે છે. આ ટાપુઓના સમૂહનો કુલ વિસ્તાર 51,72,822 ચોરસ કિમી. છે. એમાંથી 32,68,253 ચોરસ કિમી. જળવિસ્તાર છે અને તેનો 19,04,569 ચોરસ કિમી.નો ભૂમિવિસ્તાર છે. ઇન્ડોનેશિયાના 13,677 નાનામોટા ટાપુઓ વિષુવવૃત્ત આસપાસ ચાપના આકારે 5,280 કિમી.ની લંબાઈમાં અને 2,080 કિમી.ની પહોળાઈમાં વિસ્તરેલા છે. આ ટાપુઓમાંથી ફક્ત 6,044 ટાપુઓ ઉપર જ માનવવસવાટ છે.

ઇન્ડોનેશિયાના ટાપુસમૂહને નીચેના ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે :

(1) સુન્દાના મોટા ટાપુઓ : એમાં જાવા (યવદ્વીપ) મદુરા, સુમાત્રા (સુવર્ણદ્વીપ), બોર્નિયો (કાલિમન્થન) અને સેલિબિસ(શૂલવેષી)નો સમાવેશ થાય છે. આ ટાપુઓ ઇન્ડોનેશિયાનો 71 % ભૂમિવિસ્તાર રોકે છે.

(2) સુન્દાના નાના ટાપુઓ અથવા નુસા ટેન્ગારા : આમાં બાલી, લૉમ્બોક, શુમ્બાવા, સુમ્બા ફ્લોર્સ, ઍલોર, સાવુ, રોટી અને તિમોર ટાપુઓનો સમાવેશ થાય છે. આ ટાપુઓનો કુલ ભૂમિવિસ્તાર 3.86 % જેટલો છે.

ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયા

(3) મોલુક્કાસ અથવા મલુકુ ટાપુઓ : એમાં હલમહેરા, ટેરનેટ, ટીંડોર, મોટી, માકીઆન, મોરોટાઈ, બાટ્જન, ઓબી, સેરામ, એમ્બોન, બાંદા, કાઈ, અરુ, ટાનિમ્બાર, બાબાર અને વેટાર ટાપુઓનો સમાવેશ થાય છે. કુલ ભૂમિવિસ્તારના 3.81 % ભૂમિ આ વિભાગ રોકે છે.

(4) વેસ્ટ ઇરિયન : એની આસપાસ વાઇગેઓ, બાએક, મિસુલ, જાપેન વગેરે ટાપુઓ આવેલા છે, તે ઇન્ડોનેશિયાનો લગભગ 22.16 % ભૂમિવિસ્તાર રોકે છે. તેનો વિસ્તાર 4,12,781 ચોકિમી. છે.

ઇન્ડોનેશિયાની મલયેશિયા અને ઑસ્ટ્રેલિયન ન્યૂગિની સાથે આંતરરાષ્ટ્રીય સરહદો મળે છે. પહેલાં આ ટાપુસમૂહના મોટા ભાગ ઉપર હોલૅન્ડવાસીઓનો અધિકાર હતો; તેથી જ સત્તરમી સદીમાં આ ભાગ ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાતો હતો.

ભૂસ્તરીય રચના મુજબ ઇન્ડોનેશિયા જૂના સુન્દા પ્લૅટફૉર્મનો ભાગ છે, જેની દક્ષિણ બાજુની બહારની ચાપ નવા ગેડ પર્વતોની બનેલી છે. સુન્દા પ્લૅટફૉર્મનો ઘણોખરો ભાગ ડૂબી જવાથી સુન્દા છાજલી ઉપર સમુદ્ર લહેરાય છે. ઇન્ડોનેશિયાનો બોર્નિયો અને તેની દક્ષિણ અને પશ્ચિમનો ભાગ જેમાં પૂર્વ સુમાત્રાનો સમાવેશ થાય છે તે સુન્દા છાજલીનો બહાર દેખાતો જૂનો ભાગ છે. સાહુલ છાજલીનો પ્રાચીન ભાગ વેસ્ટ ઇરિયનની દક્ષિણે આવેલો છે. આ સુન્દા પ્લૅટફૉર્મના જૂના પર્વતો સમુદ્રની સપાટી ઉપર અંદરની ચાપમાં ટાપુઓ રૂપે વિસ્તરેલા છે. કાલિમંથન બંકા અને બિલિટોન ટાપુઓ આ પ્રકારનું ગેડ પર્વતનું બંધારણ ધરાવે છે. સામાન્ય રીતે અહીં ગ્રૅનાઇટ ખડકો જોવા મળે છે, તેમાંથી કલાઈ મળે છે.

ઇન્ડોનેશિયાના સુન્દા પ્લૅટફૉર્મ અને જૂના ગેડ પર્વતોવાળા પ્રાચીન ભાગને ઘેરતી બહારની નવી ગેડ પર્વતમાળાની ચાપ જાણે સમુદ્રમાંથી સીધી ઊંચકાઈને બહાર આવેલી હોય એમ જણાય છે. આ નવી ગેડ પર્વતમાળાઓમાં લંબ રૂપે સક્રિય અને સુષુપ્ત જ્વાળામુખીઓ આવેલા છે. એમાં 2,700 મીટરથી ઊંચાં અનેક શિખરો આવેલાં છે. સુમાત્રાનું પાદાંગ પાસેનું કેરીન્ટજી શિખર 3745.2 મીટર અને લોમ્બોકનું રિન્દજાની શિખર 3667.2 મીટર ઊંચાઈ ધરાવે છે. આ ઇન્ડોનેશિયાનાં સર્વોચ્ચ શિખરો છે. સુમાત્રામાં માઉન્ટ લ્યુસર, જાવામાં માઉન્ટ ગેડે, માઉન્ટ ક્વી, માઉન્ટ કેલુદ, માઉન્ટ સેમરૂ અને માઉન્ટ રાઉંગ; શૂલવેષીમાં માઉન્ટ લૉમ્પો બાટાંગ; બાલીમાં માઉન્ટ બાટુરા અને માઉન્ટ અગુંગ; સુમ્બાવામાં માઉન્ટ ટામ્બોરા વગેરે ઊંચાં શિખરો છે.

ઇન્ડોનેશિયામાં લગભગ 400 જ્વાળામુખીઓ છે. તેમાં 100 જેટલા આજે પણ સક્રિય છે. પૂર્વ જાવાનો માઉન્ટ સેમેરુ સક્રિય જ્વાળામુખી છે. સુન્દાની સામુદ્રધુનીમાં આવેલા ક્રાકાટોઆ ટાપુ પરનો જ્વાળામુખી ખૂબ પ્રખ્યાત છે. ઈ. સ. 1883માં ભયંકર વિસ્ફોટના પરિણામે ટાપુનો 2/3 ભાગ ડૂબી ગયો છે. કહેવાય છે કે એનો અવાજ ઑસ્ટ્રેલિયામાં પણ સંભળાયો હતો. આ પ્રસ્ફોટને કારણે સમુદ્રમાં ખૂબ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં અને કિનારે વસતા 36,000 જેટલા માણસો ડૂબી ગયા હતા. ગેડ પર્વતમાળાના નવા પ્રદેશમાં જોવા મળતી જ્વાળામુખીની ક્રિયા પૃથ્વીના પોપડાના નબળા ભાગની અસ્થિરતા સૂચવે છે, જ્વાળામુખીની ક્રિયા વિનાશક છે પણ ખવાણની ક્રિયાથી લાવાની ઉત્તમ કાળી જમીનો નિર્માણ પામી છે.

ઇન્ડોનેશિયામાં ઊંચાં મેદાનો, નદીખીણનાં મેદાનો અને કિનારાનાં મેદાનો જોવા મળે છે. ઊંચાં મેદાનો કોઈ વખતે જ્વાળામુખી પર્વતોનાં મુખ હશે, તેમાં પાણી ભરાતાં સરોવર બન્યાં હશે, અને તે કાંપથી પુરાતાં મેદાન બન્યાં હશે. ખીણો મેદાન રૂપે જોવા મળે છે. કિનારાનાં સપાટ મેદાનો સમુદ્રની સપાટીથી બહુ ઊંચાં હોતાં નથી. આ મેદાનોમાં દલદલ પંકભૂમિના વિશાળ દુર્ગમ વિસ્તારો આવેલા છે. જાવામાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ કિનારે આવેલાં મેદાનો ખૂબ ફળદ્રૂપ છે. જાવાની ઉત્તરપૂર્વમાં આવેલો મદુરા ટાપુ સપાટ અને ફળદ્રૂપ ભૂમિ ધરાવતો હોવાથી વધુ વસ્તીવાળો છે. શૂલવેષી વધુ ડુંગરાળ ટાપુ હોવાથી ત્યાં સમુદ્રકિનારે અને નદીખીણોમાં સાંકડાં મેદાનો આવેલાં છે. કાલિમંથન અને પશ્ચિમ ઇરિયનમાં વિશાળ મેદાનો છે. અહીં જંગલો અને પંકભૂમિ આવેલ છે.

ઇન્ડોનેશિયાની નદીઓ એશિયા, અમેરિકા અને યુરોપની નદીઓ કરતાં નાની છે. નદીઓ ખૂબ કાંપ ખેંચી લાવે છે. કેટલીક નદીઓ જળવ્યવહાર માટે ઉપયોગી છે. કાલિમન્થનની કાપુઆસ નદી 1136.17 કિમી. લાંબી છે. આ નદીના અમુક ભાગ તથા સુમાત્રાની મુસી, બાન્ટગહરી, ઇન્ટગિરિ અને કામ્પાર નદીઓ તથા પશ્ચિમ ઇરિયનની મામબેરામો અને દિગુલ નદીઓ જળવ્યવહાર માટે ઉપયોગી છે. સુમાત્રાની મુસી નદીમાં તો 10,000 ટનનાં જહાજો 128 કિમી. સુધી અંદર જઈ શકે છે.

ઇન્ડોનેશિયાના પર્વતોમાં અનેક સરોવરો આવેલાં છે. સુમાત્રામાં ટોબા, માનીન્દજાઉ અને સીંગકારક; શૂલવેષી ટાપુઓમાં ટેમ્પે, ટોવુટી, પોસો, મોટાના અને ટોન્ડાનો; પશ્ચિમ ઇરિયનમાં પીનિયા અને સેન્ટાની વગેરે મહત્વનાં સરોવરો છે. તાજા પાણીનાં આ સરોવરો મચ્છીમારી માટે ખૂબ મહત્વનાં છે.

આબોહવા : ઇન્ડોનેશિયા ઉષ્ણ કટિબંધમાં આવેલો છે અને વિષુવવૃત્ત મધ્યમાંથી પસાર થાય છે. તેથી અહીં વિષુવવૃત્ત પ્રકારની આબોહવા છે. વધારામાં અહીં વેગીલા મોસમી પવનોની અસર પણવર્તાય છે. સામાન્ય રીતે સમુદ્રની સપાટીએ લગભગ 23.88o સે.થી 29.44o સે. જેટલું તાપમાન હોય છે. પર્વતો ઉપર 4.44o સે.થી 21.11o સે. જેટલું તાપમાન હોય છે. હવામાં ભેજનું પ્રમાણ 97 % જેટલું ઊંચું જોવા મળે છે અને ભાગ્યે જ ભેજનું પ્રમાણ ઘટીને 75 %થી નીચે જાય છે; પરંતુ આબોહવાનો તફાવત ટાપુઓનાં સ્થાન અને ઊંચાઈ ઉપર અવલંબે છે. તાપમાનની માફક વરસાદમાં પણ તફાવત જોવા મળે છે; દા.ત., મધ્ય જાવાનો સરેરાશ વાર્ષિક વરસાદ 3,500 મિમી. છે. જ્યારે મધ્ય સેલિબિસનો વાર્ષિક સરેરાશ વરસાદ ફક્ત 575 મિમી. છે. ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં ઇન્ડોનેશિયાનો પ્રદેશ હોવાથી ઋતુઓનું વૈષમ્ય જોવાય છે. મેથી ઑક્ટોબર સૂકું હવામાન અને નવેમ્બરથી એપ્રિલના ગાળામાં ભેજવાળું હવામાન જોવા મળે છે. ભેજવાળી ઋતુમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સામાન્ય રીતે ભારે વરસાદ થાય છે. અહીંની સૂકી ઋતુમાં પણ વચ્ચે વચ્ચે વરસાદ પડી જાય છે. સૂકી ઋતુ બહુ ગરમ હોતી નથી કારણ કે અહીં દિવસમાં બે વખત પવનો દિશા બદલે છે. સવારે 10 વાગ્યા પછી સમુદ્ર તરફથી ભેજવાળા પવનની લહેરો વાય છે અને સાંજે પર્વતો તરફથી પવનની ઠંડી લહેરો આવે છે. વિષુવવૃત્તની નજીક હોવાને કારણે ઇન્ડોનેશિયામાં દિવસ-રાત્રિની લંબાઈ લગભગ સરખી હોય છે. શિયાળા અને ઉનાળાના તાપમાનમાં તફાવત થોડો રહે છે.

ઇન્ડોનેશિયાના 6o ઉત્તર અક્ષાંશથી 11o દક્ષિણ અક્ષાંશ વચ્ચે વિષુવવૃત્તની પાસેનાં સ્થાનો પર વિષુવવૃત્ત પ્રકારની આબોહવા જોવા મળે છે; પરંતુ દૂર જઈએ તેમ આબોહવા ઉપર બીજી અસરો જોવા મળે છે. કાલિમન્થનના પોન્ટિયાનક અને સુમાત્રાના પાડાંગમાં ઊંચું તાપમાન અને વધુ વરસાદ જોવા મળે છે. જાકાર્તાનું સરેરાશ વાર્ષિક તાપમાન 26.66o સે. જોવા મળે છે. જાકાર્તામાં અત્યાર સુધી વધુ ઊંચું તાપમાન 35.55o સે. અને ઓછામાં ઓછું તાપમાન 18.33o સે. નોંધાયું છે. જાકાર્તા અને બાંડુંગ વિષુવવૃત્ત પ્રકારની આબોહવાના વિસ્તારમાં હોવા છતાં સમુદ્રની સમધાત અસર તેના ઉપર છે.

એક લોકોત્સવની ઉજવણી પ્રસંગે પરંપરાગત વેશભૂષામાં સજ્જ ઇન્ડોનેશિયન મહિલાઓનું વૃન્દગાન

એક લોકોત્સવની ઉજવણી પ્રસંગે પરંપરાગત વેશભૂષામાં સજ્જ ઇન્ડોનેશિયન મહિલાઓનું વૃન્દગાન

અહીંના તાપમાન ઉપર સમુદ્રસપાટીથી ઊંચાઈની અસર પણ જોવા મળે છે. ઉષ્ણ કટિબંધનાં મેદાનોની ગરમીથી બચવા કેટલાક લોકો પહાડી પ્રદેશોમાં આવેલાં હવા ખાવાનાં મથકોમાં રહેવાનું પસંદ કરે છે. હવા ખાવાનું મથક બાંડુંગ 718.5 મીટર ઊંચાઈ પર આવેલું છે. અહીં વર્ષનું સરેરાશ તાપમાન 21.66o સે. જેટલું રહે છે, જ્યારે સમુદ્રની સપાટીથી 78 મીટરની ઊંચાઈએ આવેલા જાકાર્તામાં વર્ષનું સરેરાશ તાપમાન 26.11o સે. જેટલું રહે છે. ટોસારી અને ગેડે અનુક્રમે સમુદ્રની સપાટીથી 1766.4 મીટર અને 2974.2 મીટરની ઊંચાઈ ધરાવે છે. ટોસારીનું સરેરાશ વાર્ષિક તાપમાન 9.44o સે. છે. અહીંના કોઈ પણ ઊંચા સ્થાન પર ઉષ્ણતામાન ઠારબિંદુ જેટલું નીચું કદી જતું નથી. આ માટે ઇન્ડોનેશિયાની ચોતરફ ફેલાયેલા સમુદ્રની અસર કારણભૂત છે.

ઇન્ડોનેશિયામાં આખું વર્ષ ભારે વરસાદ થાય છે. પરંતુ વરસાદની માત્રા અને વરસાદના મહિનાઓમાં વૈવિધ્ય જોવા મળે છે. અહીં બે પ્રકારના કાયમી પવનોની અસર અમુક ભાગોમાં જોવા મળે છે. વરસના બે માસ સૂકા રહે છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન મોટા ભાગમાં વરસાદ પડે છે. 5o અક્ષાંશ સુધી 1800–3500 મિમી. અને અન્ય વિસ્તારમાં 1800 મિમી.થી ઓછો વરસાદ પડે છે.

વિષુવવૃત્ત રેખાની ઉત્તરમાં ઉત્તર-પૂર્વના વ્યાપારી પવનો અને દક્ષિણમાં દક્ષિણ-પૂર્વના વ્યાપારી પવનો ઉષ્ણ કટિબંધના સમુદ્રો પરથી આવે છે. આ ગરમ અને ભેજવાળા બે વાયુસમૂહો મળે છે તેને નિર્વાત વાયુપ્રદેશ અથવા ઉષ્ણ કટિબંધનો અગ્ર (front) કહે છે.

કુદરતી વનસ્પતિ : ઇન્ડોનેશિયાના ભૂમિવિસ્તારના 65 % ભાગ ઉપર જંગલો છવાયેલાં છે. જાવામાં વસ્તીનું ભારણ વધુ હોવાથી 27 % જમીન ઉપર જ જંગલો છે; જ્યારે કાલિમન્થનમાં 90 %, સુમાત્રામાં 77 % અને અન્ય ટાપુઓમાં લગભગ 60 %થી વધુ જમીન જંગલો હેઠળ છે.

આખું વર્ષ જ્યાં ઊંચું તાપમાન હોય છે અને વધુ વરસાદ પડે છે એવા ભાગોમાં ઉષ્ણ કટિબંધનાં સતત લીલાં જંગલો જોવા મળે છે. જંગલો સાફ કરવામાં આવ્યાં નથી એવા ભાગોમાં ઊંચાં ઘટાટોપવાળાં નિત્ય લીલાં વૃક્ષો આજે પણ જોવા મળે છે. જ્યાં થોડાક મહિના સૂકા હોય છે ત્યાં ખુલ્લાં મોસમી જંગલો જોવા મળે છે. આ જંગલોમાં મૅહોગની, સાગ, યુકેલિપ્ટસ, નેતર, રબર, તાડ, સિંકોના, અબનૂસ, રોઝવૂડ, વાંસ વગેરે મુખ્ય વૃક્ષો થાય છે. અહીં સુમાત્રા, જાવા અને અન્ય ટાપુઓનાં પંકભૂમિનાં ક્ષેત્રોમાં ચેર (Mangrove) જંગલો જોવા મળે છે.

પ્રાણીઓ : ઇન્ડોનેશિયામાં હાથી, વાઘ, વાંદરા, ગેંડા, ઉરાંગઉટાન, અજગર, મગર, મહાકાય કાચીંડા, વિવિધરંગી પક્ષીઓ અને જંતુઓ જોવા મળે છે. એશિયા અને ઑસ્ટ્રેલિયા બંને ખંડોનાં પ્રાણી અને પક્ષીઓ અહીં જોવા મળે છે.

ખેતી : ઇન્ડોનેશિયાનું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર છે. અહીંના 67 % લોકો ખેતીની પ્રવૃત્તિમાં રોકાયેલા છે. ઇન્ડોનેશિયામાં જાવા વગેરેની લાવારસની કાળી જમીન ખૂબ ફળદ્રૂપ છે, જ્યારે સુમાત્રા, બોર્નિયો, સેલિબિસ અને પશ્ચિમ ઇરિયનમાં જ્વાળામુખી વિનાના પ્રદેશની જમીનો સાધારણ ફળદ્રૂપ છે.

જાવાની 26 % જમીન ઉપર ડાંગરની ઘનિષ્ઠ ખેતી થાય છે. આ સિંચિત ડાંગરનાં ખેતરો બહુ કાળજીપૂર્વક ખેડીને ચોખાના બે પાક લેવાય છે.

સુમાત્રામાં ખેતી હેઠળનો વિસ્તાર જાવા કરતાં ઓછો હોવા છતાં અહીં ખેતરો મોટાં છે. અહીં રબર, તાડ, મરી અને બીજા પાકોની બગીચાખેતી (plantation) થાય છે. જાવામાં વસ્તીના ભારણને લીધે ખેતરોનું કદ નાનું હોય છે. મોટા ભાગની ખેતી આજીવિકા માટે હોય છે. અહીં કુલ ખેતીની જમીનના ફક્ત 4.7 % જમીન ઉપર જ રોકડિયા પાક આપતી બગીચાખેતી થાય છે.

ધાન્ય પાકો : ડાંગરની ખેતી અહીં બે પ્રકારે થાય છે. નીચા મેદાનના વિસ્તારોમાં ડાંગરની તરતી ખેતી થાય છે, જ્યારે પહાડી ઢોળાવોની લાવાની જમીનોમાં ડાંગરની સૂકી ખેતી થાય છે. દુનિયામાં વધુ ડાંગર પકવતા દેશોમાં ઇન્ડોનેશિયાનું સ્થાન પાંચમું છે. બીજા ધાન્ય પાકો શક્કરિયાં, રતાળુ, કસાવા અને સોયાબીન છે.

રોકડિયા પાકો : ડચ લોકોના શાસન દરમિયાન ઇન્ડોનેશિયા શેરડી અને ખાંડના મોટા ઉત્પાદક દેશ તરીકે જાણીતો હતો; પરંતુ હાલ વધુ વસ્તીને કારણે ખાંડની આયાત થાય છે. અહીં રબરનું ઘણું ઉત્પાદન થાય છે. 1942થી 1950ના ગાળામાં ઇન્ડોનેશિયા રબરનો મોટો ઉત્પાદક દેશ હતો. મલયેશિયા પછી રબરના ઉત્પાદનમાં તેનો બીજો ક્રમ છે. હાલમાં રબરનું ઉત્પાદન 1390 મે. ટન કરતાં પણ વધુ છે. બીજો મહત્વનો રોકડિયો પાક નાળિયેર છે. તે મુખ્યત્વે કાલિમન્થન, શૂલવેષી અને અન્ય નાના ટાપુઓમાં થાય છે. ઇન્ડોનેશિયા દુનિયાનો કોપરાં ઉત્પન્ન કરતો બીજા નંબરનો દેશ છે. કોપરાંનું ઉત્પાદન 1,100 મે. ટન કરતાં વધુ થાય છે. તેલ આપતા તાડની ખેતી મોટા ભાગે સુમાત્રામાં થતી જોવા મળે છે. આ સિવાય બીજા રોકડિયા પાકોમાં કૉફી, મરી, જાયફળ, સોપારી, ચા, સિંકોના તથા તમાકુ છે.

ખાણઉદ્યોગ : ઇન્ડોનેશિયામાં મૅંગેનીઝ, નિકલ, બૉક્સાઇટ, સોનું, સીસું, ચાંદી, ફૉસ્ફેટ, ગંધક, કલાઈ, કોલસા અને ખનિજતેલની સંપત્તિ હોવા છતાં ખાણ-ઉદ્યોગનો વિકાસ ઓછો થયો છે. ઇન્ડોનેશિયાના 5 % ભૂમિવિસ્તારની જ ભૂસ્તરીય મોજણી થઈ છે. મૂડી અને તકનીકી કૌશલ્યના અભાવે ખાણ-ઉદ્યોગનો વિકાસ ઓછો થયો છે. બંકા, બિલિટોન અને સિંગાપુરની દક્ષિણે આવેલા રહિયો ટાપુઓમાં કલાઈ મળે છે. ઇન્ડોનેશિયાના અર્થતંત્રમાં પેટ્રોલિયમનો ફાળો સારો એવો છે. નિકલ, તાંબું અને બૉક્સાઇટનો જથ્થો કાલિમંથન, શૂલવેષી અને પશ્ચિમ ઇરિયનમાં આવેલો છે.

ઉદ્યોગો : અહીં ભારે ઉદ્યોગો ખાસ નથી. જાકાર્તા, સુરાબાયા, સુમેરાંગ અને એમ્બોઇનામાં જહાજોનું બાંધકામ અને સમારકામ થાય છે. પશ્ચિમ જાવામાં ગાફટ પાસે ગંધકનો ઍસિડ બનાવવાનો ઉદ્યોગ છે. ઇન્ડોનેશિયા રાસાયણિક ખાતરો (ફૉસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ) અને પાકના સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ(ડી.ડી.ટી., ઍલ્ડ્રિન વગેરે)નું ઉત્પાદન કરે છે. રાસાયણિક ખાતરોનું ઉત્પાદન અહીં લગભગ 70,38,000 મે. ટન છે.

કાપડ-ઉદ્યોગમાં અહીં લગભગ ત્રણ અબજ મીટર કાપડનું વાર્ષિક ઉત્પાદન થાય છે. સિમેન્ટમાં અને કાગળના ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઉદ્યોગો સુમાત્રા અને જાવાના શહેરી વિસ્તારોમાં જ કેન્દ્રિત છે.

ગૃહઉદ્યોગો અહીં પ્રાચીન કાળથી જ વિકાસ પામેલા છે. કાપડ ઉપરનું બાટિક છાપકામ અહીં ખૂબ મહત્વનો ગૃહઉદ્યોગ છે. તે છાપકામ આખી દુનિયામાં પ્રખ્યાત છે.

વસ્તી : સ્વતંત્રતા મેળવ્યા પછી 1961માં પહેલી જ વાર આ દેશમાં વસ્તીગણતરી (લગભગ 9 કરોડ 70 લાખ) થઈ હતી. 2010માં ઇન્ડોનેશિયાની વસ્તી 23 કરોડ 57 લાખ જેટલી હતી.

ઈ. સ. પૂ. લગભગ 5 લાખ વર્ષ પહેલાંના પ્રાચીન જાવામૅનની ખોપરી અને અન્ય અવશેષો જાવામાંથી મળી આવ્યા છે. કેટલાક લોકો પ્રાચીન નેગ્રીટો જાતિમાંથી ઊતરી આવેલા છે. ઇન્ડોનેશિયામાંના મોટા ભાગના લોકો મલય જાતિના છે. ચીનાઓ મૉંગોલોઇડ જાતિના છે. તેમની વસ્તી 30 લાખ આસપાસ છે. યુરોપીય પ્રજા પૈકી ઘણા લોકોએ સ્થળાંતર કર્યું છે. ભારતમાંના ગુજરાત, ઓરિસા (કલિંગ) અને તમિળનાડુમાંથી જાવા, સુમાત્રા અને બાલીના ટાપુઓના કિનારાના પ્રદેશમાં કેટલાક ભારતીયો ઈસુની પહેલી સદીથી દસમી સદી દરમિયાન આવીને વસ્યા હતા. તેઓ બધા કલિંગા તરીકે ઓળખાતા હતા. આથી કલિંગવાસીઓનું વધુ પ્રમાણ હશે તેમ સૂચવાય છે. ડચ લોકોએ સામ્રાજ્ય જમાવ્યું તે સાથે પોર્ટુગીઝો અને અંગ્રેજોએ તીમોર અને એમ્બોનમાં તેમની કોઠી નાખી હતી. અંગ્રેજ વેપારીઓની કતલ થતાં તેઓએ એમ્બોન છોડ્યું હતું, જ્યારે તીમોર ઉપર ઇન્ડોનેશિયાએ ચઢાઈ કરી જીતી લીધું હતું.

હિન્દુ અને બૌદ્ધ ધર્મની અસરને કારણે જ હિન્દુ અને બૌદ્ધ ધર્મ તથા સંસ્કૃતિ પ્રાચીન કાળમાં ઇન્ડોનેશિયામાં ફેલાયાં હતાં. જાવાના નાગલગ નામના શહેર પાસે ટેકરી પર આવેલો બોરોબુદુરનો બૌદ્ધ સ્તૂપ સાતમી સદીનો છે અને તેનું સ્થાપત્ય ભારતીય અસર સૂચવે છે. બાલી ટાપુ ઉપર હિંદુ સંસ્કૃતિની અસર આજે પણ ખૂબ જોવા મળે છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ અને કૃષ્ણનાં મંદિરો છે. ચાર વર્ણોની વ્યવસ્થા અને બ્રાહ્મણવર્ગ હજી અહીં બાલીમાં જોવા મળે છે. રામાયણ અને મહાભારતનાં જાવી ભાષામાં લખાયેલાં રૂપાંતરો ઉપરથી નાટકો હાલ પણ ભજવાય છે. સંસ્કૃત ભાષામાં લખાયેલ હજારો શિલાલેખો તથા તામ્રપત્રો, લોકોનાં અને સ્થળોનાં નામ ભારતીય અસર સૂચવે છે. ત્યાંની ભાષામાં ઘણા સંસ્કૃત અને તમિળ શબ્દો છે.

અરબ વેપારીઓ દ્વારા અહીં ચૌદમી અને પંદરમી સદીથી ઇસ્લામ ધર્મનો ફેલાવો થયો છે. આજે અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે.

વાહનવ્યવહાર : ડચ શાસન વખતે ડચ જહાજી સેવાઓ ઇન્ડોનેશિયાના એકબીજા ટાપુઓ વચ્ચે નિયમિત ચાલતી હતી. સ્વાતંત્ર્ય પછી જહાજી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરાયું છે. બેલાવન, પાલેમબાંગ, બન્જારમાસીન અને સુરાબાયાનાં બંદરો વિકસાવાયાં છે. જાકાર્તા ઇન્ડોનેશિયાનું મુખ્ય બંદર છે. દેશનો 70 %થી 80 % જેટલો વેપાર આ બંદરેથી થાય છે.

ઇન્ડોનેશિયામાં રસ્તાઓની હાલત ઘણી ખરાબ છે. ઇન્ડોનેશિયાના કોઈ પણ ટાપુ કરતાં જાવામાં વધુ રસ્તાઓ છે. રસ્તાઓની લંબાઈ 21,000 કિમી. છે, જ્યારે રસ્તાઓની કુલ લંબાઈ 3,42,700 કિમી. છે.

દેશમાં રેલમાર્ગની પરિસ્થિતિ પણ સારી નથી. દેશના જાવા ટાપુમાં 464 કિમી. રેલમાર્ગો છે, જ્યારે સુમાત્રામાં 2,000 કિમી. રેલમાર્ગો છે. આમાં વધારો થઈને કુલ રેલમાર્ગોની લંબાઈ 7,189 કિમી. છે.

જાકાર્તા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. સિંગાપુરથી ઑસ્ટ્રેલિયા જતાં હવાઈ જહાજો માટે જાકાર્તા જ ઉતરાણ માટેનું મહત્વનું મથક છે. ઇન્ડોનેશિયા સરકારની ગરુડ ઍરલાઇનની સેવાઓ જાકાર્તા, મનીલા, બૅંગકોક, સિંગાપુર, હૉંગકૉંગ, ટોકિયો અને એમ્સ્ટર્ડૅમ વચ્ચે વ્યાપક રીતે ફેલાયેલી છે. જાકાર્તા દેશના અન્ય ભાગો સાથે હવાઈ માર્ગે જોડાયેલ છે.

પૂર્વ અને પશ્ચિમના દેશો તરફ જતાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગે તે જોડાયેલું છે. અહીંથી રબર, ચા, કોપરાં, મરી, કોપરેલ, લવિંગ, ઇલાયચી વગેરે યુ.એસ., બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ચીન, અરબસ્તાન, કૅનેડા, જાપાન વગેરે દેશોમાં નિકાસ થાય છે. પેટ્રોલિયમની નિકાસ જાપાન, ઑસ્ટ્રેલિયા વગેરેમાં થાય છે. સુતરાઉ કાપડ, સૂતરના દોરા, યંત્રો, અનાજ, સિગારેટ, ખાતર, વાહનવ્યવહારની સાધનસામગ્રી વગેરે ચીજવસ્તુઓ ભારત, જાપાન, ચીન, ફ્રાંસ, ઑસ્ટ્રેલિયા, પ. જર્મની, ઇટાલી વગેરે દેશોમાંથી અહીં આયાત કરવામાં આવે છે.

ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા જાવાના ઉત્તર-પશ્ચિમ કિનારે આવેલું છે. ઈ. સ. 1619માં ડચ લોકોએ બટેવિયાને મલાક્કાની સામુદ્રધુનીની દક્ષિણમાં એનું ઉત્તમ સ્થાન જોઈ વેપારી મથક તરીકે તેને પસંદ કર્યું હતું. જાકાર્તા જિલિવુંગ નદીના મુખ ઉપર આવેલું છે. જાકાર્તા અગ્નિ એશિયાનું મોટું શહેર છે. આજે તેની કુલ વસ્તી લગભગ 83.9 (2010) લાખ જેટલી છે. સિંગાપુર કરતાં વ્યાપારમાં જાકાર્તાનું ઓછું મહત્ત્વ છે. જાકાર્તામાં ઉદ્યોગોનો વિકાસ પણ સારો થયો છે. તેલનિતારણ ઉદ્યોગ, રબર અને રબરનો માલસામાન બનાવવાનો ઉદ્યોગ, લાકડાં વહેરવાની મિલો, પોલાદ-ઉદ્યોગ, જહાજોનું સમારકામ કરવાનો ઉદ્યોગ તથા બીજા કેટલાક ઉદ્યોગો અહીં આવેલા છે. જાવા ટાપુના અન્ય ભાગો રસ્તાઓ અને રેલમાર્ગોથી જાકાર્તા શહેર સાથે જોડાયેલા છે.

સુન્દા વિભાગના મોટા ટાપુઓની વિગત નીચે મુજબ છે :

જાવા (યવદ્વીપ)

જાવા લગભગ 960 કિમી.ની લંબાઈમાં અને 96-160 કિમી.ની પહોળાઈમાં વિસ્તરેલો છે.

ભૂપૃષ્ઠ : જાવાની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ પર્વતમાળાઓ વિસ્તરેલી છે. આ પર્વતમાળાઓ કેટલીક જગ્યાએ છેક કિનારા સુધી જાય છે. અહીં ઘણા જ્વાળામુખી પર્વતો છે. એમાંથી 14 જ્વાળામુખી પર્વતો તો 3,000 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવે છે. સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત સુમેરુ 3,600 મીટરની ઊંચાઈ ધરાવે છે. બીજા 44 જ્વાળામુખી પર્વતો 300 મીટરથી 3,000 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. એમાંથી 35 જેટલા જ્વાળામુખી સક્રિય છે. અહીંની 2/3 જેટલી નદીઓ ઉત્તર તરફ વહે છે. 537.6 કિમી. લાંબી સોલો નદી અહીંની સૌથી મોટી નદી છે. જ્વાળામુખીની રાખ પવન અને નદીઓ દ્વારા જમીન પર પથરાવાથી કેટલાક ભૂમિવિસ્તારો ફળદ્રૂપ બન્યા છે. આ ફળદ્રૂપ વિસ્તારોની વચ્ચે વચ્ચે ચૂનાના ખડકાળ ભૂમિભાગો આવેલા છે. જાવાની ઉત્તર-પૂર્વમાં આવેલો મદુરા ટાપુ 160 કિમી. લાંબો અને 38.4 કિમી. પહોળો છે. આ ટાપુનો ઊંચો ભાગ 450 મીટર ઊંચાઈ ધરાવે છે.

ભૌગોલિક પ્રદેશો : જાવાને ચાર ભૌગોલિક પ્રદેશોમાં વહેંચી શકાય : (1) ઉત્તર કિનારાનું કાંપનું મેદાન, (2) ઊંચાણ-નીચાણવાળા તળેટીના વિસ્તારો, (3) મધ્યનો જ્વાળામુખીનો પટ્ટો, (4) દક્ષિણનો ઉચ્ચપ્રદેશ અને કિનારાનાં મેદાનો.

(1) ઉત્તર કિનારાનું કાંપનું મેદાન : આ ઉત્તર કિનારાના ફળદ્રૂપ કાંપના મેદાનમાં જાવાની મુખ્ય નદીઓ વહે છે. તેમાં સોલો અને બ્રાન્ટાસ નદીઓ મહત્વની છે. ત્યાં ખેતીમાં ક્યારીની ડાંગર અને નાળિયેરી વધુ થાય છે. મધ્ય ભાગમાં શેરડી અને કૉફીની ખેતી થાય છે.

(2) ઊંચાણનીચાણવાળા તળેટીના વિસ્તારો : ઉત્તર કિનારાના મેદાન અને મધ્યના જ્વાળામુખીના પટ્ટા વચ્ચે તળેટીનો વિસ્તાર આવેલો છે. અહીં રેતીખડકો, મૃદખડકો તથા અન્ય પ્રસ્તર-ખડકો ધરાવતા ગેડ પર્વતોના તળેટીના ઢોળાવ-વિસ્તારો આવેલા છે. આ પ્રદેશ પહેલાં જંગલોથી છવાયેલો હતો, પરંતુ તે પછી વસ્તી વધતી ગઈ તેમ તેમ જંગલો સાફ થતાં ગયાં. હવે આ ઢોળાવો ઉપર ડાંગર અને રબરની સારી ખેતી થાય છે. ઉત્તરનાં મેદાનો અને તળેટીના વિસ્તારોની વચ્ચે જાવામાં ખનિજ તેલક્ષેત્રો આવેલાં છે.

(3) મધ્યનો જ્વાળામુખીનો પટ્ટો : આ પટ્ટામાં જાવાના સક્રિય, સુષુપ્ત તથા મૃત એવા ઘણા જ્વાળામુખી આવેલા છે. પૂર્વ જાવાનો 378 મીટર ઊંચો સુમેરુ જ્વાળામુખી થોડાં વર્ષો પહેલાં જ સક્રિય બન્યો હતો. મધ્ય જાવામાં આવેલો 2,865 મીટર ઊંચો મેરાપી જ્વાળામુખી વારંવાર વિસ્ફોટ પામે છે. અહીંની લાવામાંથી બનેલી જમીન ખેતી માટે ઉત્તમ ગણાય છે. માટે જ અહીં 1,800 મીટરની ઊંચાઈ સુધી ચોખાનાં ખેતરો જોવા મળે છે. ઉત્તરમાં વહેતી સુરકાર્તા, સોલો, બ્રાન્ટાસ વગેરે નદીઓના સાંકડા ખીણપ્રદેશોની પશ્ચિમે ચા, રબર અને તાડ, મધ્યમાં શેરડી અને રબર તથા પૂર્વમાં કૉફી અને શેરડીની ખેતી થાય છે. અહીં બાન્ડુંગ, સુરકાર્તા, માલંગ અને કેદીરી જેવાં મોટાં શહેરો આવેલાં છે.

(4) દક્ષિણનો ઉચ્ચપ્રદેશ અને કિનારાનાં મેદાનો : જ્વાળામુખી પટ્ટાની દક્ષિણે ખરબચડા ગેડ પર્વતનો પ્રદેશ, છેક દક્ષિણ કિનારાનાં મેદાનો સુધી, અનેક ટેકરીઓ, ઉચ્ચ પ્રદેશો અને કાર્સ્ટ પ્રદેશના સ્વરૂપે જોવા મળે છે. અહીંની ટૂંકી અને વેગીલી નદીઓ હિંદી મહાસાગરમાં પડે છે. દક્ષિણના કાર્સ્ટ પ્રદેશમાં ચૂનાની ગુફાઓ અને ભૂગર્ભ નદીઓ જોવા મળે છે. અહીંના રેતાળ કિનારે નાળિયેરીનાં વૃક્ષો છે. મૅંગેનીઝ અને લોખંડનાં ક્ષેત્રો પણ અહીં આવેલાં છે. આ કિનારો વેપારી માર્ગોથી દૂર પડતો હોવાથી અહીં મોટાં બંદરો કે શહેરોનો વિકાસ થયો નથી.

આબોહવા : સમગ્ર જાવામાં વાર્ષિક સરેરાશ તાપમાન 25.55o સે. થી 26.66o સે. જેટલું રહે છે. ઉત્તર કિનારાના પ્રદેશો અને પર્વતોની ઊંચાઈવાળા ભાગોનું તાપમાન ઓછું જોવા મળે છે. જાકાર્તાનું મહત્તમ સરેરાશ તાપમાન 35.55o સે. છે અને લઘુતમ સરેરાશ તાપમાન 18.88o સે. છે. 1,710 મીટરની ઊંચાઈએ આવેલ ટોસારીનું મહત્તમ સરેરાશ તાપમાન 21.66o સે. અને લઘુતમ સરેરાશ તાપમાન 18.88o સે. હોય છે.

જાવામાં ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વના મોસમી પવનો વરસાદ લાવે છે. ઉત્તર-પશ્ચિમના મોસમી પવનોને કારણે ડિસેમ્બરથી માર્ચ સુધી ઉત્તર કિનારે સારો વરસાદ થાય છે. દક્ષિણ કિનારે દક્ષિણ-પૂર્વના મોસમી પવનો એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન થોડો વરસાદ આપે છે. આ વખતે બીજે બધે સૂકી ઋતુ પ્રવર્તે છે, અહીં વરસાદનું વૈવિધ્ય ઘણું જોવા મળે છે. સરેરાશ વાર્ષિક વરસાદ બોગોરમાં 4,150 મિમી., જાકાર્તામાં 1,775 મિમી. અને ઍસેમ્બાગસમાં 875 મિમી. નોંધાયો છે. આ વરસાદના વૈવિધ્યની અસર તેની ખેતી પર પણ જોવા મળે છે.

ભૂમિવપરાશ : જાવામાં ડચ લોકોના શાસનકાળથી આજીવિકાની ખેતીને રોકડિયા પાક આપતી બગીચાની ખેતી (plantation) કરતાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે. ટેકરીઓના ઢોળાવો ઉપર ડાંગરની સૂકી ખેતી થાય છે. અહીં શેરડી, ચા, સોયાબીન, મરી, કૉફી, કાપોકની ખેતી થાય છે. કિનારે તાડ અને નાળિયેરી જોવા મળે છે. મચ્છીમારી પણ મહત્વનો ઉદ્યોગ છે.

પ્રાચીન બુદ્ધમંદિર, બોરોબુદુર

પ્રાચીન બુદ્ધમંદિર, બોરોબુદુર

જાવા અને મદીરામાંથી સાગનું ઇમારતી લાકડું નિકાસ થાય છે. જાવામાં સોનું, મૅંગેનીઝ, સીસું, ગંધક અને ફૉસ્ફેટ ખનિજો મળે છે.

વસ્તી : જાવામાં આશરે 14.5 કરોડ (2015) જેટલી વસ્તી છે. ઇન્ડોનેશિયાની લગભગ 33 % જેટલી વસ્તી એકલા જાવામાં જ છે.

સુમાત્રા (સુવર્ણદ્વીપ)

સુમાત્રાનો મોટો ટાપુ 1,760 કિમી. લાંબો અને લગભગ 400 કિમી. પહોળો છે. વિષુવવૃત્ત રેખા આ ટાપુને લગભગ બે સરખા વિભાગોમાં વહેંચે છે.

ભૂપૃષ્ઠ : આ ટાપુના પશ્ચિમ કિનારે ઊંચી પર્વતમાળા આવેલી છે. તેનાં લગભગ 90 જેટલાં જ્વાળામુખી-શિખરો તો 1,500 મીટરથી 3,600 મીટરની ઊંચાઈ ધરાવે છે. એમાંથી બારેક જ્વાળામુખી સક્રિય ગણાય છે. દેશના પૂર્વ કિનારાના 2/3 વિસ્તારમાં સપાટ કાંપનો મેદાની ભાગ આવેલો છે. આ વિસ્તારનો કેટલોક ભાગ ચેરનાં ગીચ જંગલો ધરાવે છે. પૂર્વ કિનારા તરફ મલાક્કાની ખાડી આવેલી છે. પશ્ચિમ કિનારે સાંકડું મેદાન છે. આ કિનારા પાસે કેટલાક ટાપુઓ આવેલા છે. આ પર્વતમાળાના ઉત્તર તરફના ભાગમાં બાટકની ઉચ્ચભૂમિમાં સુમાત્રાનું પ્રખ્યાત ટોબા સરોવર આવેલું છે. આ સરોવર સમુદ્રની સપાટીથી 900 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ સરોવર 80 કિમી. લાંબું છે.

અહીંની કેટલીક નદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. હારી નદી અહીંની એક મોટી નદી છે.

ભૌગોલિક પ્રદેશો : સુમાત્રા મુખ્યત્વે ચાર ભૌગોલિક પ્રદેશોમાં વહેંચાયેલું છે : (1) પશ્ચિમ કિનારાની સાંકડી મેદાનપટ્ટી, (2) પશ્ચિમ કિનારાની મુખ્ય પર્વતમાળા, (3) પૂર્વના તળેટી-વિસ્તારો, (4) પૂર્વ કિનારાનું વિશાળ મેદાન.

(1) પશ્ચિમ કિનારાની સાંકડી મેદાનપટ્ટી : હિંદી મહાસાગર અને સુમાત્રાની મુખ્ય પર્વતમાળાની વચ્ચે સાંકડું મેદાન આવેલું છે. આ મેદાનની નજીક સમુદ્રમાં ટાપુઓની હારમાળા ફેલાયેલી છે. મેરાપી જ્વાળામુખીની ભસ્મથી અહીંની ફળદ્રૂપ જમીનોમાં ડાંગર, નાળિયેરી અને કૉફીની ખેતી સારી થાય છે. અહીં સોનું અને કોલસો થોડા પ્રમાણમાં છે.

(2) પશ્ચિમ કિનારાની મુખ્ય પર્વતમાળા : સુમાત્રાની આ સમાંતર પર્વતમાળાઓ ઉત્તરમાં પહોળી અને મધ્યમાં સાંકડી છે. એમાં ઉત્તરમાં અચેહ અને બાટાકની ઉચ્ચભૂમિના પ્રદેશો આવેલા છે. મધ્યમાંના સાંકડા ભાગમાં મેનાંગ કાબાઉ પર્વતો છે. દક્ષિણમાં બારીસાન પર્વતમાળાઓ આવેલી છે. મોટા ભાગની પર્વતમાળાઓની ઊંચાઈ 1,800 મીટરથી વધુ છે. 3745.2 મીટર ઊંચાઈ ધરાવતું કેરીન્ટજીનું શિખર અહીંનું સૌથી ઊંચું શિખર છે. બાટાકના ઉચ્ચપ્રદેશમાં સુંદર ટોબા સરોવર છે. દેશવિદેશથી નવપરિણીત સ્ત્રીપુરુષો અહીં સહેલગાહે આવતાં હોવાથી ટોબા સરોવરને મધુરજની સરોવર પણ કહે છે.

(3) પૂર્વના તળેટીવિસ્તારો : પૂર્વનાં મેદાનો અને મુખ્ય પર્વતમાળાની વચ્ચેના તળેટીના વિસ્તારોમાં રબરના નાના-મોટા બગીચા આવેલા છે. ખનિજતેલ અહીંના પ્રસ્તર ખડકોના સ્તરોમાંથી મળે છે. આ દેશનું 50 % પેટ્રોલિયમ સુમાત્રામાં પાલેમબાંગ, જામ્બી, પેકાન બારુ અને મેડાન જિલ્લાઓમાંથી મળે છે.

(4) પૂર્વ કિનારાનું વિશાળ મેદાન : સુમાત્રાના આ પહોળા મેદાનમાં કાંપની જમીનો, જ્વાળામુખીની જમીનો અને કળણવાળી જમીનો આવેલી છે. ઉત્તર-પશ્ર્ચિમમાં મેદાનની આસપાસ ઉસ્ટકુસ્ટ અને અચેહનાં ખૂબ ફળદ્રૂપ મેદાનો છે. અહીં ડાંગર, તમાકુ, નાળિયેરી, મરીમસાલા અને રબરની ખેતી થાય છે. આ નદીઓનાં મુખ નજીક વ્યાપક ભેજવાળા વિસ્તારો છે. તેમાંના કેટલાક તો 256 કિમી. જેટલા પહોળા છે. સમુદ્રની ભરતીનાં મોજાંથી એ ઊભરાય છે. અહીં મૅન્ગ્રોવનાં જંગલો છે.

આબોહવા : સુમાત્રા ટાપુની આબોહવા ગરમ અને ભેજવાળી છે. માર્ચ, એપ્રિલ અને મેના ગરમ મહિનાઓમાં નીચા મેદાનના ભાગોમાં 26.66o સે. સરેરાશ તાપમાન રહે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી અહીંના ઠંડા મહિનાઓ છે. સુમાત્રાની પશ્ચિમ કિનારાની પર્વતમાળાને કારણે ભેજવાળા પવનો આખું વર્ષ વરસાદ આપે છે.

ભૂમિ-વપરાશ : સુમાત્રાના ઘણાખરા ભાગમાં ઉષ્ણ કટિબંધનાં વર્ષા-જંગલો ફેલાયેલાં છે. આ જંગલોની વચ્ચે વચ્ચે ગૌણ જંગલો અને સવાના તૃણભૂમિના વિસ્તારો છે. અહીંના ખેડૂતો નાનાં ખેતરોમાં ડાંગર અને રબરની ખેતી કરે છે. ઉપરાંત નાળિયેરી, તમાકુ, કૉફી, ચા, મરી અને કાપોકની ખેતી પણ થાય છે.

સુમાત્રામાં ખનિજતેલનાં ક્ષેત્રો આવેલાં છે. અહીં સોના અને કોલસાનો પણ થોડો જથ્થો છે. બંકા અને બિલિટોનમાં કલાઈ મળે છે. સુમાત્રાની વસ્તી 5,85,57,211 (2020) છે.

બોર્નિયો (કાલિમન્થન)

ભૂપૃષ્ઠ : બોર્નિયો ટાપુના દક્ષિણના 2/3 વિસ્તારને ‘ઇન્ડોનેશિયાઈ-બોર્નિયો’ અથવા ‘કાલિમન્થન’ કહે છે. તે ડુંગરાળ ભૂમિ ધરાવે છે. એનાં ચાર શિખરો 1,800 મીટરની આજુબાજુની ઊંચાઈ ધરાવે છે. કાલિમન્થનના દક્ષિણ કિનારે નદીઓનો ત્રિકોણ પ્રદેશ આવેલ છે, જે પંકભૂમિપ્રદેશ છે. દક્ષિણમાં મુખ્ય નદી બારિટો છે. આંતરિક ભાગોમાં ઉષ્ણ કટિબંધનાં વર્ષા-જંગલો આવેલાં છે.

આબોહવા : અહીં સામાન્ય રીતે વાર્ષિક સરેરાશ તાપમાન 25.55o સે.થી 30o સે. જેટલું રહે છે. કોઈ કોઈ વાર 35.55o સે. સુધીનું ઊંચું તાપમાન પણ અનુભવાય છે. આખું વર્ષ ભારે વરસાદ થાય છે. વાર્ષિક સરેરાશ વરસાદ લગભગ 3,750 મિમી. પડે છે.

અહીં સમુદ્રકિનારે આવેલાં પાંચ શહેરો માત્ર 25,000 જેટલી વસ્તીવાળાં છે.

ગીચ વનસ્પતિ અને ઘેઘૂર વૃક્ષોની ભૂમિ  બોર્નિયો

ગીચ વનસ્પતિ અને ઘેઘૂર વૃક્ષોની ભૂમિ  બોર્નિયો

માછલી અને ચોખા અહીંનો મુખ્ય ખોરાક છે. ડાંગર ઉપરાંત સાગ વૃક્ષો પણ થાય છે. સમુદ્રકિનારાનાં અને નદીઓનાં મેદાનોમાં નાળિયેરી, રબર અને મરીની ખેતી થાય છે.

જાવામાંથી કુશળ ખેડૂતોને અહીં વસાવી તથા પંકભૂમિના વિસ્તારોની સુધારણા કરી તેને ડાંગર ખેતી હેઠળ લાવવાના પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે. જંગલોમાંથી ઘણું ઇમારતી લાકડું મળે છે. કિનારે માછલીઓ પકડવાના વ્યવસાયમાં કેટલાય લોકો રોકાયેલા છે. અહીં ખનિજતેલનાં ક્ષેત્રો આવેલાં છે.

વસ્તી : કાલિમન્થનની વસ્તી 1,13,31,558 (2010) જેટલી છે. ત્યાં દીઆકુ માનવભક્ષી માણસોની વસ્તી પણ છે.

સેલિબિસ (શૂલવેષી)

સેલિબિસ ઇન્ડોનેશિયાનો ત્રીજો મોટો ટાપુ છે. જાવા કરતાં પણ આ ટાપુ મોટો છે. તેનું ક્ષેત્રફળ લગભગ 1,91,671 ચોકિમી.નું છે. ચાર દ્વીપકલ્પો મધ્યમાં ભેગા મળવાથી આ ટાપુનો સ્વસ્તિક જેવો પરંતુ વિકૃત થઈ ગયેલો આકાર બન્યો છે.

આ ટાપુ ડુંગરાળ છે. કેટલાક પહાડી ભાગો 450 મીટરથી નીચા છે, જ્યારે બીજા કેટલાક પહાડી ભાગો 3,000 મીટરથી પણ ઊંચા છે. મધ્ય ભાગમાં કેટલાંક સરોવરો આવેલાં છે. સેલિબિસની બરાબર મધ્યમાં પોસો સરોવર છે. આ ટાપુનો ઘણોખરો ભાગ ઉષ્ણ કટિબંધનાં વર્ષા-જંગલોથી છવાયેલો છે.

આબોહવા : અહીં ગરમ અને ભેજવાળી આબોહવા છે. સરેરાશ તાપમાન 22.22o સે. અને 33o સે.ની વચ્ચે રહે છે. અહીં મહત્તમ તાપમાન 35.55o સે. અને લઘુતમ 18.88o સે. જોવા મળે છે. પર્વતો પર 15o સે. જેટલું તાપમાન જોવા મળે છે. વાર્ષિક સરેરાશ વરસાદ 2,750 મિમી. જેટલો થાય છે.

ભૂમિવપરાશ : કિનારાના ભાગોમાં અને નીચી નદીખીણોમાં ઘણીખરી વસ્તી જોવા મળે છે. થોડાક આદિમ જાતિના લોકોના વિસ્તારને બાદ કરતાં મોટા ભાગનો વિસ્તાર વસ્તી વગરનો છે.

આજીવિકા અર્થે ડાંગરની ખેતી થાય છે. મકાઈ અને નાળિયેર તથા જંગલોમાંથી મળતાં ગુંદર અને નેતરની અહીંથી નિકાસ થાય છે. અહીં સોનું, નિકલ, લોખંડ અને ખનિજતેલ પણ મળી આવ્યાં છે.

અન્ય ટાપુઓ

સુન્દાના નાના ટાપુઓ પૈકી બાલી 141 કિમી. લાંબો અને 80 કિમી. પહોળો છે. બાલી તેનાં નૃત્યો અને હિંદુ સંસ્કૃતિ માટે જાણીતો છે. આ ટાપુની વસ્તી 43.6 લાખ (2019) છે. સુમ્બા અને સુમ્બાવા ટાપુઓનું અનુક્રમે 113 અને 155 ચોકિમી. ક્ષેત્રફળ છે. ફ્લોર્સ ટાપુ મોટો છે. એનું ક્ષેત્રફળ 17,087 ચોકિમી. છે. ભૂતકાળમાં પોર્ટુગીઝ તાબાના તિમોર ટાપુમાં, ઉપરના ટાપુઓનાં સતત લીલાં અને ખરાઉ વૃક્ષો કરતાં જુદાં યુકેલિપ્ટસનાં વૃક્ષો જોવા મળે છે. મોલુકકાસ ટાપુઓ, એમ્બોન અને ટરનેટ ટાપુઓ મસાલાના ટાપુઓ તરીકે જાણીતા હતા. આ બધા ટાપુઓમાં જ્વાળામુખી પર્વતો આવેલા છે અને મકાઈ, ડાંગર, પીપર, જામફળ, નાળિયેર, કૉફી, તમાકુ વગેરે થાય છે. ખેતી ઉપરાંત મત્સ્ય-ઉદ્યોગ મહત્વનો ઉદ્યોગ છે. અગાઉ પાપુઆ તરીકે ઓળખાતો પશ્ચિમ ઇરિયનનો ટાપુ ગીચ જંગલો અને પછાત અવસ્થામાં જીવતા લોકોથી ભરપૂર છે. તેનું ક્ષેત્રફળ 4,14,240 ચોકિમી. છે. શિકાર, મચ્છીમારી અને જંગલની પેદાશો એકઠી કરવાના ધંધાઓ ઉપરાંત ફરતી ખેતી (shifting cultivation) પણ થાય છે. આ ટાપુ 1963માં ડચ શાસનથી મુક્ત થયો હતો.

પ્રાચીન ઇતિહાસ

ઈ. સ.ની આરંભિક સદીઓમાં ત્યાં ભારતીય વસાહતો સ્થપાઈ હતી. એમાં કલિંગ તથા ગુજરાતનો વિપુલ ફાળો હતો. ચીની તવારીખ તથા જાવા અને બોર્નિયોમાં મળેલા શિલાલેખો જાવા, સુમાત્રા અને બોર્નિયોમાં એ સમયે ભારતીય ભાષા, લિપિ અને સંસ્કૃતિનો પ્રસાર થયો હોવાના પુરાવા આપે છે. ચોથીથી તેરમી સદીમાં સુમાત્રામાં શ્રીવિજય નામે મોટું રાજ્ય થયું. આઠમી સદીમાં શૈલેન્દ્ર નામે રાજવંશ સ્થપાયો. એના શિલાલેખ જાવામાં અને મલયેશિયામાં મળ્યા છે. ચીન અને ભારત વચ્ચેનો તેમજ મધ્યપૂર્વના દેશો સાથેનો વેપાર ઇન્ડોનેશિયા મારફત થતો હતો. નવમી સદીમાં સુવર્ણદ્વીપના રાજાએ નાલંદા મહાવિહારને ભૂમિદાન દીધેલું. અગિયારમી સદીમાં શૈલેન્દ્ર રાજ્ય પર દક્ષિણ ભારતના ચોલ રાજ્યે આક્રમણ કરેલું. મજાપહિતનું સામ્રાજ્ય તેરમી સદીમાં સ્થપાયું હતું. માતારામ, કડિરી અને મજાપહિત રાજ્યોના રાજાઓનાં નામ પણ ભારતીય ભાષાનાં છે. ઇન્ડોનેશિયામાં હિંદુ ધર્મ તથા બૌદ્ધ ધર્મનો વિપુલ પ્રસાર થયો હતો. ત્યાંના શિલ્પ તથા સ્થાપત્યના અવશેષો તેમજ ત્યાંનું પ્રાચીન સાહિત્ય એની સાક્ષી પૂરે છે. ‘બહાસા ઇન્ડોનેશિયા’ (ઇન્ડોનેશિયાની ભાષા)માં સંસ્કૃત, પ્રાકૃત અને તમિળ ભાષાઓના શબ્દોનો મોટી સંખ્યામાં સમાવેશ થયો છે. રામાયણ, મહાભારત ત્યાં લોકપ્રિય હતાં ને એમાંના પ્રસંગો પરથી ત્યાં અનેક કાવ્યો તથા નાટકો રચાયાં હતાં. પુરાણ, સ્મૃતિ, કર્મકાંડ, જ્યોતિષ, ઇતિહાસ, લોકકથાઓ, તંત્રકથાઓ વગેરેમાં પણ ભારતીય સાહિત્યની અસર પ્રવર્તતી હતી. હિંદુ મંદિરોમાં પ્રંબનનનું શૈવમંદિર અને લારા-જોંગરગનું મંદિર તથા બૌદ્ધ સ્તૂપોમાં બોરોબુદુરનો સ્તૂપ સુપ્રસિદ્ધ છે. હિંદુ દેવોમાં પ્રાધાન્ય શિવનું હતું. બોરોબુદુરના સ્તૂપને નવ મજલા છે ને એની અંદર સાતસો ઉપરાંત બુદ્ધપ્રતિમાઓ છે. સુમાત્રા, બોર્નિયો, સેલિબિસ અને બાલીમાં પણ ભારતીય શિલ્પકૃતિઓ મળી છે. પંદરમી સદીમાં જાવા, સુમાત્રા વગેરે ટાપુઓમાં મુસ્લિમ સત્તા સ્થપાઈ ને ત્યારથી ત્યાં ઇસ્લામ ધર્મ પ્રવર્ત્યો, પરંતુ બાલી ટાપુમાં ભારતીય ધર્મ તથા ભારતીય સંસ્કૃતિની પરંપરા અદ્યાપિપર્યંત વિદ્યમાન રહી છે. ઈસુની પહેલી સદી દરમિયાન અજીશક ગુજરાતથી ઇન્ડોનેશિયા ગયો હતો. ગુજરાતના સાહસિક વેપારીઓ મહાસાગરની મુસાફરીનું જોખમ ખેડી જાવા જેટલા દૂરના ટાપુમાં જઈ વસ્યા હતા. આથી કહેવત પડેલી કે ‘‘જે જાય જાવે, તે પાછો ના’વે; ને આવે તો પરિયાંનાં પરિયાં ચાવે એટલું ધન લાવે.’’ બોરોબુદુરના બૌદ્ધમંદિરની દીવાલ ઉપર ગુજરાતના સાહસવીરો અને તેમનાં વહાણની પ્રતિકૃતિ કંડારાયેલી છે.

પાટનગર જાકાર્તાનો એક રાજમાર્ગ

પાટનગર જાકાર્તાનો એક રાજમાર્ગ

ગરમ મસાલાના વેપારના નામે આર્થિક અને રાજકીય સત્તા સ્થાપવાની પોર્ટુગીઝ, સ્પૅનિશ, ફ્રેંચ, ડચ અને અંગ્રેજ પ્રજાની હરીફાઈમાં આ પ્રદેશમાં ડચ લોકો ફાવ્યા. તે માટે સ્થપાયેલી ડચ ઈસ્ટ ઇંડિયા કંપનીનો કબજો 1798માં ડચ સરકારે સંભાળી લીધો હતો. આ પ્રદેશ નેધરલૅંડ ઇંડિયા અથવા ડચ ઈસ્ટ ઇંડિઝ તરીકે પણ ઓળખાતો.

ડચ વેપારી કંપની અને પછીથી ડચ સરકારના વહીવટ દરમિયાન થયેલા આર્થિક શોષણના વિરોધમાં 1906માં બુડી ઉટોમો (ભવ્ય પ્રયત્ન) અને 1911માં સારિકેત ઇસ્લામ નામની રાષ્ટ્રીય જાગૃતિ લાવનારી સંસ્થાઓ સ્થપાઈ હતી. પછીથી 1927માં ડૉ. સુકર્ણો અને તેના સાથી મોહંમદ હાટાએ સ્થાપેલી ‘પાર્ટી નૅશનલ ઇન્ડોનેશિયા’-(પી. એન. આઈ. – રાષ્ટ્રીય પક્ષ)એ રાષ્ટ્રીય ચળવળને વેગવંતી બનાવી.

આ સમયે સુકર્ણોના અધ્યક્ષપદ હેઠળની પાર્ટી નૅશનલ ઇન્ડોનેશિયાએ પશ્ચિમવિરોધી કઠપૂતળી સરકાર રચી. 1945માં બીજા વિશ્વયુદ્ધને અંતે જાપાને શરણાગતિ સ્વીકારી ત્યારે પ્રમુખ સુકર્ણોએ દેશને સ્વતંત્ર પ્રજાસત્તાક ઘોષિત કર્યો, પરંતુ ડચ સરકારે બળજબરીપૂર્વક ત્યાં સાંસ્થાનિક શાસન સ્થાપ્યું તેમજ પોલીસપગલાં ભરી જાવા-સુમાત્રાના પ્રદેશો પરત મેળવ્યા. 1949માં અમેરિકાના દબાણ હેઠળ ડચ સરકાર (ન્યૂગિનીના વિસ્તાર સિવાય) સાર્વભૌમત્વની ફેરબદલી માટે તૈયાર થઈ અને 19 જાન્યુઆરી, 1949ના ઇન્ડોનેશિયા સ્વતંત્ર દેશ ઘોષિત થયો. ડૉ. સુકર્ણો તેના પ્રથમ પ્રમુખ અને હાટા પ્રથમ વડાપ્રધાન બન્યા. 27 ડિસેમ્બર, 1949માં તેનું સમવાયતંત્ર અસ્તિત્વમાં આવ્યું. ડચ સરકારે પણ ઇન્ડોનેશિયાના સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યને માન્યતા આપી.

1950માં પ્રમુખ સુકર્ણોએ સમવાયતંત્ર નાબૂદ કરી એકતંત્રી ઇન્ડોનેશિયન પ્રજાસત્તાકની ઘોષણા કરી. 1955માં પહેલી સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં મિશ્ર સરકારની રચના થઈ. તેના બાંડુંગ શહેરમાં આફ્રો-એશિયન પરિષદ મળી. 1959માં સુકર્ણોએ બંધારણ સમિતિ રદ કરી અને 1945માં રચાયેલું બંધારણ માન્ય રાખી તમામ સત્તા પોતાને હસ્તક લઈ લીધી. ગંભીર રાજકીય અસ્થિરતાની સ્થિતિ પેદા થતાં સુકર્ણોએ ઇન્ડોનેશિયામાં સત્તાવાદી ‘ગાઇડેડ ડેમૉક્રસી’ લાદી.

1963માં યુનોની મધ્યસ્થીને લીધે ન્યૂગિની ઇન્ડોનેશિયાનો ભાગ બન્યું. 1965માં સામ્યવાદીઓએ સરકાર તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. 1965-66માં સામ્યવાદીઓ અને લશ્કર વચ્ચે સંઘર્ષ થતાં જનરલ સુહાર્તોએ કટોકટી લાદી. મોટા પાયા પર સામ્યવાદીઓની કતલ કરવામાં આવી. 12 માર્ચ, 1966ના રોજ જનરલ સુહાર્તોએ સત્તા હસ્તગત કરી અને સુકર્ણોને માત્ર નામના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા. સામ્યવાદી પક્ષ ગેરકાયદેસર જાહેર થયો તેમજ અન્ય રાજકીય પક્ષો રદ કરવામાં આવ્યા. ફેબ્રુઆરી, 1967માં સુકર્ણો પ્રમુખપદેથી નિવૃત્ત થયા અને 1970માં તેમનું અવસાન થયું. 1968માં પાંચ વર્ષ માટે પ્રમુખ તરીકે સુહાર્તોની નિમણૂક કરવામાં આવી તેમજ નવા લશ્કરી શાસન હેઠળ ‘ન્યૂ ઑર્ડર’ની સ્થાપના કરવામાં આવી. ’73ની સામાન્ય ચૂંટણીમાં ફરીથી સુહાર્તો વિજયી નીવડ્યા. તે પછીની સામાન્ય ચૂંટણીઓથી તે છેક 1993ની ચૂંટણી સુધી સતત છઠ્ઠી મુદત માટે પ્રમુખ તરીકે સુહાર્તો ચૂંટાતા રહ્યા છે. રાજકીય મોકળાશ વધારવાની દિશામાં તેમણે 1991થી ‘ડેમોક્રસી ફોરમ’નો આરંભ કર્યો છે.

સતત ત્રણ દાયકા સુધી સુહાર્તો પ્રમુખપદે રહ્યા, પરંતુ આ વર્ષો દરમિયાન ઇન્ડોનેશિયા ભ્રષ્ટ શાસન, કુવહીવટ અને મોંઘવારીનો ભોગ બન્યું. આથી ત્રાસી ગયેલી પ્રજાએ સુહાર્તો વિરુદ્ધ બંડ પોકાર્યું, તેમની વિરુદ્ધ પ્રચંડ દેખાવો થયા અને તેમને સત્તા છોડવાની ફરજ પડી.

તે પછી તેમના અતિવિશ્વાસુ અને પીઠુ જેવા રાજકારણી હબીબને સત્તા સોંપવામાં આવી. આ દરમિયાન 1994માં સુકર્ણોની પુત્રી મેઘાવતી વિરોધ પક્ષનાં નેતા ચૂંટાયાં. 1996માં હરીફ જૂથોએ તેમને સરકારમાંથી બહાર કાઢી મૂક્યાં. ઇન્ડોનેશિયામાં વંશીય તોફાનો થયાં. લોકો શેરીઓમાં આવી ગયા, સંસદ ભવનને ઘેરાવ કર્યો અને સરકાર તૂટી પડી. 1999માં અબ્દુર રહેમાન વહીદની સરકારની રચના થઈ અને મેઘાવતીને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યાં. વહીદ સામે પણ અસંતોષ ફેલાયો તેમજ તે અતિશય બીમાર રહેતા હોવાથી સરકાર સંભાળી શકતા નહોતા. આથી જુલાઈ, 2001માં ત્યાંની સંસદે બીમાર પ્રમુખ વહીદને હઠાવી સુકર્ણોનાં પુત્રી મેઘાવતીને ઇન્ડોનેશિયાનું પ્રમુખપદ સુપરત કર્યું છે. 2004માં ડેમૉક્રૅટિક પાર્ટીના સુશીલો બામ્બેંગ યુધોયોનોને પ્રમુખ બનાવવામાં આવ્યા.

ઇન્ડોનેશિયાની સમગ્ર રાજકીય પ્રથા ‘Pancasila’ (વિચારણા) પર આધાર રાખે છે. તેમાં વિચારણા કર્યા બાદ નિર્ણયો અંગે સર્વસંમતિ સાધવામાં આવે છે. તેના ‘હાઉસ ઑવ્ રિપ્રેઝન્ટેટિવ’માં દર પાંચ વર્ષે 400 સભ્યો ચૂંટાય છે તેમજ 100 સભ્યો સશસ્ત્ર દળોમાંથી નિમણૂક દ્વારા સભ્યપદ મેળવે છે. ‘પીપલ્સ કન્સલટેટિવ ઍસેમ્બ્લી’માં સરકાર દ્વારા નિમાયેલા 500 સભ્યો હોય છે. આ ઘટકની બેઠક દર પાંચ વર્ષે મળે છે અને પ્રમુખને પસંદ કરે છે.

લશ્કર, કાયદા દ્વારા એક સંરક્ષણની અને બીજી રાજકીય અને સામાજિક જીવનનાં તમામ ક્ષેત્રોમાં ભાગીદારીની, એમ બેવડી ભૂમિકા નિભાવે છે. પ્રમુખ સુહાર્તોનું પ્રચંડ સમર્થક ગોલકર જૂથ છે જે અત્યંત શક્તિશાળી છે. આ ઉપરાંત અધિકૃત માન્યતા ધરાવતા બે રાજકીય પક્ષો છે, જેમાં યુનાઇટેડ ડેવલપમેંટ પાર્ટી (UDP) છે જે મુખ્યત્વે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે અને બીજી ઇન્ડોનેશિયન ડેમૉક્રેટિક પાર્ટી (IDP) છે જે મુખ્યત્વે રાષ્ટ્રવાદી ખ્રિસ્તીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

12 ઑક્ટોબર, 2002ના રોજ બાલી ટાપુ પર બે શક્તિશાળી બૉમ્બ ફાટ્યા. તેના પરિણામે 180થી વધુ માણસો મરણ પામ્યા અને આશરે 200 માણસો ઘવાયા. પાટનગર જાકાર્તામાં 5 ઑગસ્ટ, 2003ના રોજ ઉગ્રવાદી ઇસ્લામી જૂથે હુમલો કર્યો. 15 ઑગસ્ટ, 2005ના દિવસે એસી (Aceh) પ્રાંતના બળવાખોરો સાથે શાંતિના કરાર કરીને 3 દાયકાથી ચાલતા સંઘર્ષનો અંત આણ્યો. જૂન, 2007માં ઇસ્લામી આતંકવાદી જૂથ જેમા ઇસ્લામિયાના બે નેતાઓને પકડવામાં આવ્યા. એપ્રિલ, 2009માં ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રીય, પ્રાંતિક અને જિલ્લા-કક્ષાની ચૂંટણીઓ યોજવામાં આવી. ચૂંટણીઓ શાંતિમય વાતાવરણમાં યોજાઈ હતી. અગાઉની જેમ પ્રમુખ સુસિલો બામ્બેંગ યુધોયોનોની ડેમોક્રેટ પાર્ટીને બહુમતી મળી. 2011માં પણ યુધોયોનો સત્તા પર હતો.

મહેન્દ્ર રા. શાહ

નીતિન કોઠારી

શશિકાન્ત વિશ્વનાથ જાની

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

જયકુમાર ર. શુક્લ