મધ્યયુગ (ઇતિહાસ)

January, 2002

મધ્યયુગ (ઇતિહાસ)

ઇતિહાસમાં નિર્બળ રાજાશાહી અને પ્રબળ સામંતશાહીનો સમય. પ્રાચીન યુગમાંથી મધ્યયુગ પ્રતિનું પ્રયાણ પ્રત્યેક દેશમાં એક જ સમયે અને એકીસાથે થયેલું નથી. દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે તે જુદા જુદા સમયે થયું છે. રાજાશાહી નિર્બળ બની અને સામંતશાહી પ્રબળ બની ત્યારથી મધ્યયુગનો આરંભ થયો ગણાય. યુરોપ તથા મોટાભાગના પાશ્ચાત્ય દેશોમાં તેનો આરંભ પાંચમા સૈકામાં પશ્ચિમી રોમન સામ્રાજ્યના પતનની સાથે થયો. ભારત સહિત ઘણાખરા પૂર્વીય દેશોમાં લગભગ આઠમા સૈકામાં રાજાશાહી શક્તિહીન બનતાં, સબળ સામંતોના ઉદભવ સહિત મધ્યયુગનો પ્રારંભ થયો. પંદરમી સદીમાં યુરોપમાં નવજાગૃતિનાં પરિબળો વિકાસ પામતાં, ત્યાં આધુનિક યુગની શરૂઆત થઈ, જ્યારે ભારત સહિત મોટાભાગના એશિયાઈ દેશોમાં આધુનિક યુગનો આરંભ અઢારમી સદીના અંતમાં, સામંતશાહીથી પ્રભાવિત રાજાશાહીના અસ્ત સાથે થયો હતો.

યુરોપ

પશ્ચિમી રોમન સામ્રાજ્ય પાંચમી સદીમાં જંગલી જાતિઓનાં આક્રમણોને કારણે તૂટી પડતાં, યુરોપમાં નાનાં નાનાં રાજ્યો સર્જાયાં; જે પ્રજાને શાંતિ અને સલામતી આપવામાં નિષ્ફળ નીવડ્યાં. તેથી વેપારવાણિજ્ય તથા ઉદ્યોગધંધા પડી ભાંગ્યાં, લૂંટફાટ અને ચાંચિયાગીરીનું જોર વધ્યું તથા રાજકીય અવ્યવસ્થા ફેલાઈ. સંસ્કૃતિની અવનતિ થઈ. આ પરિસ્થિતિ અગિયારમા સૈકા પર્યંત ચાલુ રહી. તેથી લગભગ 500 વર્ષના આ સમયગાળાને યુરોપનો અંધકારયુગ કહે છે. અપવાદરૂપે આ સમયમાં ફ્રાન્સના મહાન રાજા શાર્લમૅન (ઈ. સ. 768–814) અને ઇંગ્લૅન્ડના મહાન સુધારક રાજવી એડવર્ડ (ઈ. સ. 871–901) અનુક્રમે યુરોપ તથા ઇંગ્લૅન્ડમાં રાજકીય શાંતિ અને સલામતી સ્થાપવામાં તથા કેટલાક સુધારા કરવામાં સફળ થયા હતા. આ અપવાદ સિવાય, આ સમય દરમિયાન એકંદરે વ્યાપેલી અરાજકતા તથા સામાજિક અવ્યવસ્થાને કારણે તે અંધકારયુગ ગણાય છે. આ સંજોગોમાં સામંતશાહી પ્રથાનો ઉદભવ થયો.

શાર્લમૅનના અવસાન (ઈ. સ. 814) બાદ તેના ત્રણ પુત્રોએ તેના સામ્રાજ્યને વહેંચી લીધું. એકને ફ્રાન્સ, બીજાને જર્મની અને ત્રીજાને ઇટાલીનું રાજ્ય મળ્યું. તેઓ નિર્બળ હોવાથી પોતાની સત્તા ટકાવવા માટે તેમને જમીનદાર વર્ગના ટેકાની જરૂર પડી. તેમણે ચોક્કસ શરતો સાથે જમીનદારોને પોતાની ઘણી જમીનો આપી. આમાંથી સામંતશાહી પ્રથા ઉદભવી. યુરોપનાં ઘણાખરાં રાજ્યોમાં ક્રમશ: આ પદ્ધતિ પ્રચલિત બની. ઇંગ્લૅન્ડના વિજેતા વિલિયમે અગિયારમી સદીમાં સામંતશાહીની શરૂઆત કરી. આ સમય દરમિયાન પોપ અને ખ્રિસ્તી દેવળનો પણ રાજ્ય અને સમાજ ઉપર પ્રભાવ હતો. તેથી ખ્રિસ્તી પાદરીઓનો ટેકો મેળવવા રાજાઓએ તેમને પણ જમીનો આપી; તેથી તેમનો પણ પ્રભાવક વર્ગ ઉદભવ્યો. એ રીતે સામંતશાહી એ મધ્યયુગનું વિશિષ્ટ લક્ષણ હતું. તેમાં અસમર્થ રાજા રાજ્યનું આક્રમણોથી રક્ષણ કરવા તથા શાંતિ અને સલામતી સ્થાપવા પોતાના સરદારો, અધિકારીઓ તથા પાદરીઓને જાગીરો આપતો. જાગીરો મેળવનાર વર્ગ સામંત કે જાગીરદાર કહેવાતો. તેઓ પોતાની જાગીરોનો સ્વતંત્ર રીતે વહીવટ કરતા તથા પ્રજાને રક્ષણ અને ન્યાય આપવાની પણ વ્યવસ્થા કરતા. તેના બદલામાં તેઓ રાજાનું નામનું સાર્વભૌમત્વ સ્વીકારતા અને તેને વફાદાર રહેવાના તથા તેની સેવા કરવાના સોગંદ લેતા. સામંત નક્કી કરેલી રકમ રાજાને વાર્ષિક ખંડણી પેટે આપતો. તે જરૂર પડ્યે રાજાને લશ્કરી તથા અન્ય મદદ કરતો. રાજ્યના ઉત્સવો તથા રાજાનાં દીકરા-દીકરીના લગ્નપ્રસંગોએ તે કીમતી ભેટ આપતો અને વર્ષમાં એક-બે વાર દરબારમાં ઉપસ્થિત રહેતો.

આ જાગીરદારો કે સામંતો પોતાની વિશાળ જાગીરોનો વહીવટ જાતે ન કરી શકે તો તેઓ ઉપસામંતો રાખતા. સામંતો અને ઉપસામંતો વચ્ચેના સંબંધો રાજા અને સામંતો જેવા જ હતા. આ પદ્ધતિ વ્યવસ્થિત થતાં, સામંતો શહેરમાં કિલ્લાવાળા મહેલોમાં રહેવા લાગ્યા. તેમને ઉપજાગીરદારો કે ઉપસામંતો પાસેથી મળતી નિશ્ચિત રકમમાંથી રાજાને ચોક્કસ રકમ આપતા. બાકીની રકમ પોતાના વૈભવ-વિલાસમાં ખર્ચતા. ઉપજાગીરદાર ગામડાંની જમીન ખેડૂતોને ભાડાપેટે અમુક શરતોથી ખેડવા આપતો અને ખેડૂત પોતાની સહાય માટે ખેતમજૂર કે દાસ રાખતો. દાસને ભાગે કાળી મજૂરી કરવાની આવતી અને તેના બદલામાં તે માંડ માંડ પેટ પૂરતું ખાવાનું મેળવતો. આ પ્રથામાં સૌથી ઊંચું સ્થાન રાજાનું અને સૌથી નીચું સ્થાન ખેતમજૂર–દાસનું હતું. આ પ્રથા સબળ દ્વારા નિર્બળોનું રક્ષણ અને નિર્બળો દ્વારા સબળની સેવાના સિદ્ધાંત પર રચાયેલી હતી. આ પ્રથા ચડતાઊતરતા દરજ્જા અને વર્ગો પર રચાયેલી હતી.

પ્રબળ કેન્દ્રીય સરકારના અભાવે વ્યાપેલી અરાજકતા તથા અશાંતિને દૂર કરીને સામંતશાહીએ શાંતિ અને વ્યવસ્થા સ્થાપી. તેણે લોકજીવનને સલામત અને સ્થિર બનાવ્યું; તેથી આર્થિક ઉન્નતિ સધાઈ, નવાં નગરોનું નિર્માણ થયું તથા વેપાર-વાણિજ્યનો વિકાસ થયો. સામંતશાહીએ જંગલી લોકોનાં આક્રમણો અટકાવ્યાં અને રાજાઓની આપખુદીને અંકુશમાં રાખી. તેણે યુરોપમાંથી ગુલામી નાબૂદ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આ પ્રથાએ શિક્ષણસાહિત્ય તથા કલાસ્થાપત્યને પ્રોત્સાહન આપ્યું. આ પદ્ધતિથી સ્થાનિક ભાષાઓ, સ્ત્રીસન્માનની ભાવના અને દાન-ધર્મની વૃત્તિનો વિકાસ થયો. યુવાનોની વીરતાને ઉત્તેજન મળ્યું, વ્યક્તિ-સ્વાતંત્ર્યની ભાવના ખીલી અને સ્થાનિક સ્વરાજ્યની શરૂઆત થઈ. સામંતશાહીથી રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાના ભોગે પોતાના પ્રદેશો વધારવા સામંતો વચ્ચે વારંવાર સંઘર્ષો થતા. આ પ્રથાએ વર્ગભેદ તથા ઊંચનીચના ભેદભાવોને ઉત્તેજન આપ્યું. સામંતો વિલાસી જીવન જીવતા, જ્યારે ખેતમજૂરો અત્યંત ગરીબીમાં સબડતા. આમ આ પ્રથાથી અતિવૈભવ અને અતિગરીબાઈ જેવાં સામાજિક અનિષ્ટો પ્રસર્યાં.

રોમન સામ્રાજ્યના પતન બાદ વ્યાપેલા અંધકાર-યુગમાં કેટલાંક પ્રાચીન નગરો નાશ પામ્યાં. રાજકીય અંધાધૂંધી તથા લૂંટફાટને કારણે કેટલાંક શહેરોનું પતન થયું. જંગલી લોકોના હુમલાથી પણ નગરો નાશ પામ્યાં; પરંતુ દશમી-અગિયારમી સદીમાં યુરોપમાં સામંતશાહી સ્થિર થવાથી શાંતિ અને સલામતી આવી. પરિણામે રાજધાનીઓ તથા ધોરી રાજમાર્ગો પર વેપાર-ઉદ્યોગનાં કેન્દ્રો બન્યાં, સમુદ્રકાંઠે સગવડો મળવાથી અને જૂનાં રોમન નગરોને સ્થાને નવાં નગરોનું નિર્માણ થયું. ઇટાલીમાં રોમ, નેપલ્સ, ફ્લોરેન્સ, જિનોઆ, વેનિસ વગેરે; ફ્રાન્સમાં પૅરિસ, માર્સેલ્સ તથા લિયૉન્સ; જર્મનીમાં હૅમ્બર્ગ, મ્યુનિચ, કોલોન અને ડૅન્ઝિગ તથા ઇંગ્લૅન્ડમાં લંડન વગેરે મહત્વનાં શહેરો વિકાસ પામ્યાં. પૂર્વ યુરોપમાં પોલૅન્ડ, હંગેરી, ચેકોસ્લોવાકિયા વગેરેમાં નવાં શહેરો ઉદભવ્યાં. આ સમયનાં મોટાભાગનાં શહેરોમાં રસ્તાઓ સાંકડા અને ગલીઓ નાની હતી. પાણીની વ્યવસ્થા અપૂરતી હતી. ગટરવ્યવસ્થા ન હતી. વળી આ નગરો મોટાં ગામડાં જેવાં હતાં. નવાં નગરોને સામંતો તથા ધર્મગુરુઓનું રક્ષણ મળતાં, ત્યાં ઉદ્યોગધંધા તથા વેપારવાણિજ્યનો વિકાસ થયો. વેનિસ અને જિનોઆ સમુદ્ર તથા જમીનમાર્ગ પરનાં વેપારનાં પ્રખ્યાત કેન્દ્રો બન્યાં. વેપારીઓ પૂર્વના દેશોમાંથી સસ્તા ભાવે માલ લાવીને યુરોપનાં બજારોમાં મોંઘા ભાવે વેચતા. તેમાંથી ધનિકવર્ગ ઊભો થયો.

બારમી-તેરમી સદીમાં યુરોપમાં વેપારઉદ્યોગનો ખૂબ વિકાસ થતાં તથા આંતરરાષ્ટ્રીય વેપાર વધવાથી તેના યોગ્ય સંચાલન વાસ્તે, વેપારી અને કારીગરોના સંઘો સ્થપાયા. મહાજન સંઘોએ પોતાના સભ્યો માટે નિયમો ઘડ્યા તથા વેપારના વિકાસ માટે આવશ્યક પગલાં લીધાં. તેઓ માલસામાનના રક્ષણ માટે ચોકિયાત દળ તથા આંતરિક ઝઘડા પતાવવા પોતાની અદાલતો રાખતા. કારીગરોમાં વણકરો, ભઠિયારા, કસાઈઓ, દારૂ બનાવનારા, લુહાર, સુથાર, કંસારા વગેરેના સંઘો સ્થપાયા હતા. આ સંઘો કામના કલાકો, પગાર વગેરે અંગેની શરતો વેપારી મહાજનો પાસે સ્વીકારાવતા. વેપારી અને કારીગરોના સંઘો સહકાર અને સમજૂતીથી કામ કરતા હતા.

ચૌદમી સદીના અંત સુધીમાં યુરોપનો વેપાર પરાકાષ્ઠાએ પહોંચ્યો. તેના પરિણામે, યુરોપમાં ધનિકવર્ગ ઊભો થયો. તેઓ સામંતોને વિવિધ પ્રસંગે મોટી રકમો ધીરતા અને તેમની જમીન ગીરો રાખતા. તેથી સામંતશાહી નબળી પડી. તેમનું વર્ચસ્ ઘટ્યું. નવી રાજાશાહીને પણ વેપારીઓ નાણાં ધીરતા. આમ સામંતશાહીને નિર્બળ બનાવવામાં તથા રાજાશાહીને પુન:સ્થાપિત કરવામાં વેપારીવર્ગે મહત્વનો ભાગ ભજવ્યો. તેમણે સંપત્તિને લીધે સાહિત્ય, શિક્ષણ, કલાસ્થાપત્ય વગેરેને પ્રોત્સાહન આપ્યું, જેણે યુરોપમાં નવજાગૃતિ તથા ધર્મસુધારણાનાં પરિબળોને પેદા કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું.

મધ્યયુગનો ખાસ ધ્યાનાકર્ષક બનાવ ધર્મયુદ્ધોનો છે. ઈ. સ. 1096થી 1276 સુધી લગભગ બે સદી પર્યંત મુસલમાનો અને ખ્રિસ્તીઓ વચ્ચે પૅલેસ્ટાઇનનું જેરૂસલેમ કબજે કરવા માટે આઠ ધર્મયુદ્ધો ખેલાયાં. બે સદીઓનાં યુદ્ધો પછી પણ જેરૂસલેમ ખ્રિસ્તીઓના કબજામાં આવી શક્યું નહિ. આ યુદ્ધોને કારણે સામંતશાહી નિર્બળ બની, નવો વેપારીવર્ગ અસ્તિત્વમાં આવ્યો, પૂર્વ અને પશ્ચિમના દેશોના વેપારને ઉત્તેજન મળ્યું, ખ્રિસ્તી ધર્મના વડા પોપનું મહત્વ વધ્યું અને ખ્રિસ્તી ધર્મનું આંતરરાષ્ટ્રીય સંગઠન સધાયું.

મધ્યયુગીન યુરોપની મુખ્ય લાક્ષણિકતા એ સામંતશાહી રાજ્ય-વ્યવસ્થા હતી. સામંતો પોતાના પ્રદેશોનો વહીવટ કરતા, તેમાંથી મહેસૂલ ઉઘરાવતા, ત્યાં શાંતિ અને સલામતી સ્થાપતા તથા ન્યાય આપતા. તેઓ પોતાના પ્રદેશો વધારવા વારંવાર લડાઈઓ કરતા. તેઓ કિલ્લાઓ બાંધવા, સૈનિકો રાખવા તથા વિલાસી જીવન જીવવા પુષ્કળ ખર્ચ કરતા. તેથી તેઓ દેવાદાર થયા અને તેમણે જાગીરો વેચવી પડી. તેમાંથી ચૌદમી સદીને અંતે યુરોપમાં રાજાશાહીની પુન:સ્થાપના થઈ અને સામંતશાહી અસ્ત પામી. મધ્યયુગીન યુરોપમાં સમાજના ચાર વર્ગો હતા : (1) સામંતો, (2) ધર્મગુરુઓ, (3) વેપારીઓ, મોટા ખેડૂતો અને કારીગરો તથા (4) ખેતમજૂરો અને ગુલામો. દસમી–અગિયારમી સદીમાં સામંતો તથા ધર્મગુરુઓ પ્રબળ હોવાથી તેઓ નીચલા વર્ગોનું આર્થિક શોષણ કરતા હતા. સામંતો વિશાળ કિલ્લાવાળા ભવ્ય મહેલોમાં રહેતા હતા, કીમતી પોશાક પહેરતા હતા તથા વિલાસી જીવન જીવવા અઢળક ખર્ચ કરતા હતા. એ સાથે તેઓ સ્ત્રી-સન્માનની ભાવના પણ ધરાવતા હતા, સુભટોને આશ્રય આપતા હતા અને દાનપુણ્ય પણ કરતા હતા. ધર્મગુરુઓ સદાચારી અને સાદું જીવન જીવવાને બદલે અનાચારી, આડંબરી અને વિલાસી જીવન જીવતા હતા. તેઓ ધર્મને બદલે વહેમોને પોષતા હતા. ધર્મયુદ્ધો કરાવવામાં તેમનો મુખ્ય ફાળો હતો. વેપારીવર્ગનો, તેરમી સદીમાં ઉદય થતાં સામંતો અને ધર્મગુરુઓનું મહત્વ ઘટ્યું.

સ્ત્રીઓની સ્થિતિ સંતોષકારક ન હતી. પૂર્વના દેશો સાથેનો સંપર્ક વધ્યા બાદ, યુરોપના લોકોનાં ખોરાક, પીણાં, પોશાક, અલંકાર, રીતભાત, મનોરંજન વગેરેમાં ગણનાપાત્ર ફેરફાર થયો. લૂંટફાટ અને ચોરીના બનાવો બનતા હતા. ઘોડેસવારો વચ્ચે દ્વંદ્વયુદ્ધો અને મલ્લયુદ્ધો વારંવાર થતાં હતાં. સામંતો વખતોવખત નૃત્ય-સંગીત તથા ભોજન-સમારંભોના કાર્યક્રમો ગોઠવતા હતા. ખ્રિસ્તી દેવળોમાં ધાર્મિક ઉત્સવો ઊજવાતા હતા. શીતળા, કૉલેરા, ટાઇફૉઇડ જેવા રોગચાળા અવારનવાર ફાટી નીકળતા હતા અને તેમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામતા હતા.

સામંતો અને ધર્મગુરુઓ તેમની વિશાળ જમીનો ખેડૂતો તથા ખેતમજૂરો પાસે ખેડાવતા હતા. ખેતીનાં સાધનો જૂની ઢબનાં અને ખેતી પુરાણી પદ્ધતિથી થતી હોવાથી પાક ઓછો ઊતરતો હતો. ખેતમજૂરોને ઘણો પરિશ્રમ કરવા છતાં વળતર ઓછું મળતું હતું. ખાતરનો ઉપયોગ, વૈજ્ઞાનિક પદ્ધતિ વગેરેનો અભાવ હતો. ઘણી જમીન પડતર પડી રહેતી હતી. વારંવાર દુષ્કાળો પડતા હતા. કુલ વસ્તીના 85 ટકા જેટલા લોકો ગામડાંમાં રહેતા હતા અને ખેતીને સંબંધિત વ્યવસાયો કરતા હતા. આ સમય દરમિયાન ઉદ્યોગધંધા અને વેપારવાણિજ્યનો વિકાસ થયો તથા નવાં નગરો ઉત્પાદન અને વેચાણનાં મુખ્ય કેન્દ્રો બન્યાં. આંતરરાજ્ય વેપારનાં મહત્ત્વનાં કેન્દ્રો તરીકે વિકસેલાં વેનિસ તથા જિનોઆ શહેરોમાં એશિયાના દેશોમાંથી સંખ્યાબંધ ચીજો આયાત થતી હતી. તેથી નવો શ્રીમંત વેપારીવર્ગ ઉદભવ્યો. ચલણ તરીકે સિક્કાનો ઉપયોગ શરૂ થવાથી વેપાર-વાણિજ્યને પ્રોત્સાહન મળ્યું. નવા દરિયાઈ અને જમીનમાર્ગો શોધાયાથી આંતરદેશીય વ્યાપાર વિકસ્યો. તેથી શ્રીમંતોની સંખ્યા વધી. તેમનો સમાજ અને સરકાર ઉપર પ્રભાવ સ્થપાયો. સામંતો અને પાદરીઓનું વર્ચસ્ ઘટ્યું. શ્રીમંતો દ્વારા સાહિત્ય, કલા અને શિક્ષણને ઉત્તેજન મળતાં નવજાગૃતિનાં બીજ વવાયાં. આ યુગમાં થયેલ સાહિત્ય, કલા અને શિક્ષણના વિકાસે નવજાગૃતિ અને ધર્મસુધારણાની પૂર્વભૂમિકા તૈયાર કરી. ધર્મગુરુઓના મઠો તથા સામંતોના કિલ્લાઓમાં અને વેપારીસંઘો દ્વારા પ્રાદેશિક ભાષામાં પ્રાથમિક શિક્ષણ અપાતું હતું. તેમાં વાચન, લેખન, ગણિત, વ્યાકરણ અને સંગીતનું શિક્ષણ મુખ્ય હતું. વ્યાવસાયિક સંઘો દ્વારા ચાલતી તાલીમી શાળાઓમાં ધંધાદારી શિક્ષણ આપવામાં આવતું હતું. આ યુગમાં યુરોપમાં કેટલીક પ્રસિદ્ધ વિદ્યાપીઠો સ્થપાઈ હતી. સ્પેનમાં કૉર્ડોવાની આરબ વિદ્યાપીઠ યુરોપમાં મધ્યયુગમાં સ્થપાયેલી સૌપ્રથમ વિદ્યાપીઠ હતી. યુરોપ જ્યારે અજ્ઞાન અને કલહમાં રાચતું હતું તે સમયે આ વિદ્યાપીઠે પશ્ચિમી વિશ્વ સમક્ષ વિદ્યા અને સંસ્કૃતિની જ્યોત જલતી રાખી હતી. બારમી સદીમાં પૅરિસના વિદ્વાનોના સંઘે પૅરિસ વિદ્યાપીઠ સ્થાપી હતી. તેમાં ધર્મ, તત્વજ્ઞાન, વ્યાકરણ, કાનૂન, દવાશાસ્ત્ર સહિત વિવિધ વિદ્યાકલાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું. ઇંગ્લૅન્ડમાં બારમા સૈકામાં ઑક્સફર્ડ અને તેરમા સૈકામાં કેમ્બ્રિજ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી. ચૌદમા-પંદરમા સૈકામાં જર્મની, ઇટાલી, સ્પેન વગેરે દેશોમાં પણ યુનિવર્સિટીઓ શરૂ થઈ હતી.

આ સમયે ભાષાસાહિત્યનો પણ વિકાસ થયો હતો. સામંતો અને ધર્મગુરુઓએ તેને પણ ઉત્તેજન આપ્યું હતું. લૅટિન સહિત અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, સ્પૅનિશ વગેરે પ્રાદેશિક ભાષાઓનું ખેડાણ થયું. શરૂમાં લૅટિનમાં અને તે પછી પ્રાદેશિક ભાષાઓમાં સાહિત્યની રચનાઓ થઈ. સામંતોએ પરાક્રમો વર્ણવતી વાર્તાઓના લેખનને ઉત્તેજન આપ્યું. આ ઉપરાંત પ્રાર્થના-ગીતો, ઊર્મિકાવ્યો, પ્રેમશૌર્ય-મિશ્રિત રોમૅન્ટિક વાર્તાઓ, બાઇબલની કથાઓ પર આધારિત ધાર્મિક-સામાજિક નાટકો લખાયાં. ગ્રીક, રોમન તથા અરબી કૃતિઓના અનુવાદો પણ થયા. ફ્રેન્ચ પાદરી સુગેરે બારમી સદીમાં લૂઈ છઠ્ઠા અને લૂઈ સાતમાના સમયનો અને ખ્રિસ્તી મઠોનો ઇતિહાસ લખ્યો. જર્મન બિશપ ઑટોએ વિશ્વનો ઇતિહાસ તથા સમ્રાટ ફ્રેડ્રિક બાર્બારોઝાનું જીવનચરિત્ર લખ્યાં. તેરમી સદીના મહાન ફિલસૂફ અને લેખક રૉજર બેકને તેના ગ્રંથમાં વૈજ્ઞાનિક સંશોધનો તથા યાંત્રિક સાધનોનો નિર્દેશ કર્યો. ઇટાલીનો દાન્તે તેરમી–ચૌદમી સદીનો મહાકવિ અને ફિલસૂફ હતો. તેણે લખેલ ‘ડિવાઇન કૉમેડી’ નામની રચના સત્યોથી ભરપૂર, વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ છે. આ ઉપરાંત પેટ્રાર્ક, ચૉસર, બોકાશિયો, એરિસોલર્સ, મેલોરી વગેરે ચૌદમી સદીના મહાન લેખકો હતા. ઇટાલીના પેટ્રાર્કે (ઈ. સ. 1304–74) મધ્યયુગના રૂઢિગત આચારવિચાર તથા દંભ પર પ્રહારો કરીને નવા યુગનાં બીજ વાવ્યાં. ઇટાલીના બોકાશિયોએ વાર્તાઓ ચિત્રશૈલીમાં રજૂ કરીને ગ્રીક સાહિત્યને લોકભોગ્ય બનાવ્યું. તેના ‘ડેકેમેરોન’ નામના નવલિકા-સંગ્રહે ઇટાલીમાં નવજાગૃતિના વિચારો ફેલાવ્યા. ઇંગ્લૅન્ડના ચૉસરે (ઈ. સ. 1340–1400) અંગ્રેજીમાં નવી પદ્ધતિથી કાવ્યો લખીને અંગ્રેજી પદ્યના પિતાનું બિરુદ મેળવ્યું. મધ્યયુગમાં વિજ્ઞાનની ખાસ પ્રગતિ થઈ નહિ; છતાં ગણિત, વૈદકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જ્યોતિષ તથા ભૂમિતિમાં થોડી પ્રગતિ થઈ હતી. અંગ્રેજ લેખક રૉજર બેકને પોતાના ગ્રંથમાં મોટર, આગબોટ, વિમાન વગેરેની કલ્પના કરેલી છે. એ રીતે બેકન પોતાના યુગથી આશરે અઢીસો વર્ષ આગળ હતો. આ યુગમાં છાપખાનાની તથા દારૂગોળો, કાચ, હોકાયંત્ર, કાગળ વગેરેની શોધ થઈ હતી.

મધ્યયુગના યુરોપે સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, ભરતકામ વગેરે કલાઓમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો. આ સમયે રોમન તથા ગૉથિક શૈલીનાં અનેક ખ્રિસ્તી દેવળો બંધાયાં. તેમાં અદભુત ચિત્રકામ અને શિલ્પકામ કરવામાં આવ્યું છે. અગિયારમી–બારમી સદીમાં ઇટાલી–જર્મનીમાં રોમન શૈલીનાં અને ફ્રાન્સમાં ગૉથિક શૈલીનાં દેવળો બંધાયાં. તે પછી સમગ્ર યુરોપમાં એવાં બાંધકામો થયાં. ઢળતા મિનારા સાથેનું પીસાનું દેવળ રોમન શૈલીના દેવળનું ઉત્તમ ઉદાહરણ છે. ઇટાલીમાં ગિયોટો નામનો જાણીતો ચિત્રકાર થઈ ગયો. સંગીતકલાને દેવળ તરફથી ઉત્તેજન આપવામાં આવતું. યુરોપનાં લોકગીતો આ યુગમાં ઉદભવ્યાં હતાં. વીણા, વાંસળી વગેરે વાજિંત્રો પ્રચલિત હતાં. યુરોપના મધ્યયુગને આધુનિક યુગની ઉષા પ્રગટાવનાર યુગ તરીકે ઘટાવી શકાય. આફ્રિકા અને અમેરિકાના ઇતિહાસમાં કોઈ પણ સમયગાળો મધ્યયુગ ગણાતો નથી.

એશિયા

એશિયામાં ચંગીઝખાનથી શરૂ કરીને તિમૂર લંગ સુધીનો એટલે બારમીથી ચૌદમી સદી સુધીનો કાળ મધ્યયુગનો સમય ગણાય; જ્યારે ભારતમાં આઠમી સદીથી અઢારમી સદી સુધીના સમયને મધ્યયુગ કહી શકાય. એશિયામાં ચંગીઝખાન તથા કુબલાઇખાનના સામ્રાજ્યે તથા ભારતમાં રાજપૂત, દિલ્હીના સુલતાનો, મુઘલો તથા મરાઠાઓના સામ્રાજ્યે મધ્યયુગની સંસ્કૃતિમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે.

મૉંગોલિયાનો ચંગીઝખાન (ઈ. સ. 1162–1227) મૉંગોલ જાતિનો એક અજોડ વિજેતા અને મહાન સેનાપતિ હતો. મૉંગોલ જાતિ ગોપ પ્રજા હતી. ખેતી તથા પશુપાલન તેમના મુખ્ય વ્યવસાય હતા. ચંગીઝના પિતા તેના બાળપણમાં મરણ પામ્યા હોવાથી તે પોતાના પુરુષાર્થ અને બુદ્ધિબળથી આગળ વધ્યો. તેનાં પરાક્રમોની કદર કરીને, તેની એકાવન વર્ષની વયે મૉંગોલોની સભાએ તેને મહાન ખાન તરીકે પસંદ કર્યો; ત્યારે તે અનુભવી અને કસાયેલો સેનાપતિ (સરદાર) હતો. તેણે તંબૂમાં વસતી અર્ધજંગલી જેવી મૉંગોલ જાતિને લોખંડી લશ્કરી શિસ્ત શીખવી. તેણે મૉંગોલોનું શિસ્તબદ્ધ લશ્કર તૈયાર કર્યા બાદ દીર્ઘર્દષ્ટિપૂર્વક આક્રમણોનું આયોજન કરીને એશિયાના વિશાળ પ્રદેશો જીતી લીધા. તેણે ચીનના વિશાળ કિન સામ્રાજ્યને હરાવી તેનું પાટનગર બેજિંગ કબજે કર્યું. તેણે કોરિયા, ઉત્તર ભારત, ઈરાન, પૂર્વ એશિયા તથા યુરોપના કેટલાક પ્રદેશો જીતી લીધા. તેથી મધ્યયુગના મહાન સેનાપતિ તરીકે તે પ્રખ્યાત થયો. તેની અસાધારણ બુદ્ધિપ્રતિભા તેની શાસન-વ્યવસ્થામાં ર્દષ્ટિગોચર થાય છે. સામ્રાજ્યના દૂર દૂરના વિસ્તારોનો સંપર્ક જાળવવા તેણે કાર્યક્ષમ જાસૂસી વ્યવસ્થા ગોઠવી હતી. તેનું લશ્કરી તંત્ર પણ અનેક બાબતોમાં નોંધપાત્ર હતું. તેણે નિયમિત ટપાલ-વ્યવસ્થા શરૂ કરી હતી. તે જ્ઞાન મેળવવા ઉત્સુક હતો અને વિદ્વાનોનું સન્માન કરતો હતો. તેના વિશાળ સામ્રાજ્યમાં વસતા વિવિધ જાતિના લોકો શિક્ષિત થાય તે માટે તેણે આગ્રહ સેવ્યો હતો. તેણે જુદા જુદા ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દાખવી. તેણે એક કાયદાસંગ્રહ પણ તૈયાર કરાવ્યો. વહીવટી સંગઠન, શિસ્ત, ધાર્મિક સહિષ્ણુતા અને વિદ્યા પ્રત્યેનો આદર તેના જીવનની મહત્વની બાબતો હતી. તેનું સામ્રાજ્ય દુનિયામાં સૌથી મોટું હતું. તેના વિજયોને કારણે એશિયા અને યુરોપના દેશો વચ્ચે વેપાર શરૂ થયો તથા સાંસ્કારિક સંબંધોના વિકાસ માટેની અનુકૂળતા ઊભી થઈ. માર્કો પોલોનો પ્રવાસ એ આ પ્રકારની પ્રવૃત્તિનું નોંધપાત્ર ઉદાહરણ છે. વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યા પછી પણ તેણે વતનપ્રેમ તથા ગ્રામજીવન પ્રત્યેની પ્રીતિને લીધે કારાકોરમમાં જ પાટનગર રાખ્યું હતું. ચંગીઝખાનના અવસાન પછી ઓગતાઇખાન અને મંગુખાન સામ્રાજ્યના શાસકો થયા. મંગુખાનના મૃત્યુ બાદ કુબલાઇખાન (1259–1294) મહાન ખાન થયો. અગાઉ તે ચીનનો સૂબો હોવાથી ત્યાંની સભ્યતાથી પ્રભાવિત થયેલ હતો. તેણે કારાકોરમથી બેજિંગ રાજધાની બદલી. તેના સમયમાં મૉંગોલ સામ્રાજ્યની પ્રતિષ્ઠા સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. માર્કો પોલોએ તેના પ્રવાસવર્ણનમાં તેના વિશે પુષ્કળ માહિતી આપી છે. તેણે સમસ્ત ચીન જીતી લીધું. તેના વિજયોમાં સંહાર તથા ઘાતકીપણું ભાગ્યે જ હતું. તેણે મ્યાનમાર (બર્મા), અન્નામ અને કંબોડિયાના ઘણાખરા પ્રદેશો જીતી લીધા હતા. આ દરમિયાન હુલાકુખાનની સરદારી હેઠળ મધ્યપૂર્વમાં ઈરાન, મેસોપોટેમિયા (ઇરાક) અને સીરિયાના મુસ્લિમ શાસકો પર વિજયો મેળવ્યા હતા. જીતેલા લોકોને અંકુશમાં રાખવા હુલાકુખાને લોકો પર જુલમ ગુજાર્યો અને બગદાદમાં લાખો માણસોની કતલ કરવામાં આવી. કુબલાઇખાને યુઆન વંશની સ્થાપના કરી. તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છતાં ધાર્મિક સહિષ્ણુતા રાખીને અન્ય ધર્મોના સંતોનું સન્માન કર્યું. તેના શાસનકાળમાં ચીની સંસ્કૃતિનો સર્વાંગી વિકાસ થયો. તેના વિશાળ સામ્રાજ્યમાં શાંતિ, સલામતી અને આબાદી હતી. તેણે ટપાલની વ્યવસ્થા કરી, વિદ્યા અને કળાને ઉત્તેજન આપ્યું. કાગળના નાણાનું ચલણ શરૂ કર્યું તથા અનાજના સંગ્રહ માટે વખારો બંધાવી. તેના અવસાન પછી તેનું સામ્રાજ્ય (i) પૂર્વ યુરોપ, (ii) ચીન અને મૉંગોલિયા તથા (iii) મધ્ય એશિયા – એમ ત્રણ વિભાગોમાં વહેંચાઈ ગયું. ઇટાલીના વેનિસ શહેરનો માર્કો પોલો ચીન ગયો હતો. કુબલાઇખાને તેની એક પ્રાંતના સૂબા તરીકે નિમણૂક કરી. તેણે પ્રાંતનો ઘણો સારો વહીવટ કર્યો. તે પછી માર્કો પોલો ખાનની સર્વોચ્ચ સમિતિનો સભ્ય પણ બન્યો. વેનિસ પાછા ફર્યા બાદ તેણે પોતાનો પ્રવાસગ્રંથ લખ્યો. તેમાંથી ચીન, સિયામ, જાવા, સુમાત્રા, શ્રીલંકા, દક્ષિણ ભારત વગેરે એશિયાના દેશોની ઘણી રસપ્રદ માહિતી મળે છે. તેના પુસ્તકે અનેક સાહસિક નાવિકોને સમુદ્રના નવા માર્ગો શોધવાની પ્રેરણા આપી હતી. તિમૂર લંગ (1336–1405) તુર્કસ્તાનમાં રહેતા તુર્કોની ચગતાઈ જાતિનો સરદાર હતો. 1369માં તે સમરકંદનો સુલતાન બન્યો. તે પોતાને ચંગીઝખાનનો વંશજ માનતો હતો અને તેના જેવો બનવાની મહત્વાકાંક્ષા સેવતો હતો. તે અતિ ક્રૂર અને ઘાતકી હતો. તેણે તુર્કસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન, સીરિયા, એશિયા માઇનર વગેરે પ્રદેશો જીતી લીધા. તેણે 1398માં ભારત પર આક્રમણ કર્યું અને ભયંકર વિનાશ સર્જ્યો. દિલ્હીમાં તેણે લૂંટ કરી, મકાનોને આગ ચાંપી તથા અસંખ્ય માણસોની કતલ કરી. તેના મૃત્યુ બાદ તેનું સામ્રાજ્ય તૂટી પડ્યું.

ભારત

ભારતના મધ્યયુગના ચાર મોટા વિભાગો પાડી શકાય : (1) રજપૂત રાજાઓનો સમય (આઠમીથી બારમી સદી), (2) દિલ્હી સલ્તનતનો સમય (તેરમીથી પંદરમી સદી), (3) મુઘલ સામ્રાજ્યનો સમય (સોળમીથી સત્તરમી સદી), (4) મરાઠા સમય (અઢારમી સદી).

રજપૂત રાજાઓનો સમય : સમ્રાટ હર્ષવર્ધનના અવસાન (ઈ. સ. 647) બાદ ઉત્તર ભારતમાં અનેક રાજ્યો સ્થપાયાં. તેમાં કનોજના ગુર્જર-પ્રતિહારો તથા બંગાળના પાલવંશના રાજાઓ ઘણા શક્તિશાળી હતા. એવી રીતે દખ્ખણમાં વાતાપીની ચાલુક્ય વંશની સત્તાના અસ્ત પછી માલખેડના રાષ્ટ્રકૂટો વધારે પ્રબળ બન્યા. જ્યારે દૂર દક્ષિણમાં તાંજોરનું ચોલ અને મદુરાનું પાંડ્ય રાજ્ય મુખ્ય સત્તાઓ તરીકે વિકાસ પામ્યાં. ગુર્જર-પ્રતિહાર, પાલ તથા રાષ્ટ્રકૂટ રાજ્યો અંદરોઅંદરની વારંવારની લડાઈઓથી દસમી સદીના અંતે વિલીન થયાં. ગુર્જર-પ્રતિહાર સામ્રાજ્યના વિઘટનમાંથી ઉત્તર ભારતમાં અનેક રાજ્યો સ્થપાયાં. એ રાજ્યોએ મધ્યયુગના ઇતિહાસમાં મહત્વનો ભાગ ભજવ્યો. બંગાળમાં પાલવંશ પછી થયેલા સેન વંશના રાજાઓએ બારમી સદી સુધી પોતાની સત્તા સાચવી રાખી. દખ્ખણમાં રાષ્ટ્રકૂટો પછી કલ્યાણીના ચાલુક્યો શક્તિશાળી શાસકો બન્યા. દૂર દક્ષિણ ભારતમાં ચોલ વંશના રાજાઓએ બારમી સદી પર્યંત પોતાની સત્તા ટકાવી રાખી.

ઉત્તર ભારતમાં ગુર્જર-પ્રતિહાર સામ્રાજ્યના પતનના પરિણામે જે રજપૂત રાજ્યો સર્જાયાં તેમાં દિલ્હીના તોમરો (તુંવારો), શાકંભરીના ચૌહાણો, કનોજના ગાહડવાલો, માળવાના પરમારો, ગુજરાતના ચાલુક્યો (સોલંકી), બુંદેલખંડના ચંદેલો, ચેદીના કલચુરીઓ, મેવાડના ગોહિલો વગેરે મુખ્ય હતા. આ ઉપરાંત કાશ્મીર, નેપાળ, આસામ, ઓરિસા વગેરેનાં નાનાં રાજ્યો પણ સ્થપાયાં હતાં. દખ્ખણમાં દેવગિરિના યાદવો, કલ્યાણીના ચાલુક્યો, વારંગલના કાકતીયો અને દ્વારસમુદ્રના હોયસળોનાં અગ્રણી રાજ્યો હતાં. દક્ષિણમાં તાંજોરના ચોલ તથા મદુરાનાં પાંડ્ય રાજ્યો વચ્ચે સતત સંઘર્ષો થવા છતાં, તેમણે સાંસ્કૃતિક વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તોમરોએ ઈ. સ. 736માં ધિલ્લિકા(હાલના દિલ્હી)ની સ્થાપના કરી.

રજપૂતોની વિશિષ્ટતાઓ : રજપૂતોએ ભારતના શરૂઆતના મધ્યયુગમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ શૌર્ય અને પ્રેમભાવનાના પ્રતીક સમાન હતા. તેઓ શૈવ કે વૈષ્ણવ ધર્મના હોવા છતાં ઉદાર અને સહિષ્ણુ હતા. તેમનામાં આતિથ્યભાવના ઊંચી હતી. તેઓ ગાય, બ્રાહ્મણ, સ્ત્રી, શરણાર્થી વગેરેનું રક્ષણ કરતા હતા. તેઓ યુદ્ધમાં દગો અને પીછેહઠ કરતા નહોતા. તેમણે આશરે પાંચ સદી પર્યંત (આઠમીથી બારમી સદી) ભારતમાં મુસ્લિમોની સત્તાના ફેલાવાને રોકીને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું. વફાદારી, ખાનદાની, ટેકીલાપણું અને સ્ત્રીસન્માનની ભાવના – એ તેમના મુખ્ય ગુણો હતા. તેઓ સાહિત્ય, શિક્ષણ તથા કલાઓને પ્રોત્સાહન આપતા હતા. માળવાના પરમાર, ગુજરાતના ચાલુક્ય, તાંજોરના ચોલ વગેરે રાજાઓએ લોકકલ્યાણનાં કાર્યો કર્યાં હતાં તથા ભવ્ય મંદિરો બંધાવ્યાં હતાં. યુદ્ધમાં જીતવાની આશા ન હોય તો તેઓ કેસરિયાં કરતા હતા તથા રજપૂતાણીઓ જૌહર કરતી હતી. રજપૂતાણીઓ ઘોડેસવારી કરતી, હથિયારો ધારણ કરતી અને યુદ્ધમાં પણ જતી હતી. આવા સદગુણો ધરાવતા રજપૂતોમાં કેટલીક ઊણપો પણ હતી. તેમનામાં સામંતપદ્ધતિ હોવાથી, તેમનાં રાજ્યો વિભાજિત થઈને નાનાં થઈ ગયાં. તેઓ માંહોમાંહે લડીને નિર્બળ થઈ ગયા હોવાથી મુસ્લિમોને સહેલાઈથી વિજયો મળી શક્યા. તેમનામાં કુલાભિમાન, વેરઝેર તથા દ્વેષભાવ હોવાથી તેમનામાં રાષ્ટ્રીય ભાવના વિકસી નહિ અને દેશમાં રાજકીય એકતા સ્થપાઈ નહિ. તેમનામાં વાડાબંધી અને જૂથબંધી વિકસી. તેમનામાં શિસ્ત, નેતૃત્વ અને વ્યૂહરચનાનો અભાવ હતો. પરિણામે મુસ્લિમોએ રજપૂત રાજાઓને એક પછી એક હરાવ્યા.

ઈ. સ. 712માં મોહમ્મદ-બિન-કાસિમે સિંધના હિન્દુ રાજા દાહિરને હરાવીને ત્યાં મુસ્લિમ સત્તા સ્થાપી, પરંતુ ઉત્તર ભારતના શૂરવીર રજપૂત રાજાઓના સખત સામનાને પરિણામે સિંધની મુસ્લિમ સત્તા લગભગ પાંચ સો વર્ષ સુધી આગળ વધી શકી નહિ. પરંતુ આરબોને ઉત્કૃષ્ટ ભારતીય સંસ્કૃતિથી લાભ થયો. તેમણે શૂન્ય અને દશાંશ- પદ્ધતિ, આંકડા, વિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર વગેરે વિકસિત વિદ્યાઓ ભારતીય વિદ્વાનો પાસેથી શીખીને તેનો યુરોપમાં ફેલાવો કર્યો. બગદાદના ખલીફા હારૂનર્-અલ રશીદે ભારતીય સંસ્કૃતિમાં ઊંડો રસ દાખવ્યો. અફઘાનિસ્તાનના ગઝના પ્રદેશના સુલતાન મહમૂદ ગઝનીએ ઈ. સ. 1000થી 1026 દરમિયાન ભારત ઉપર સત્તર આક્રમણો કર્યાં. તેણે પંજાબથી ગ્વાલિયર અને છેલ્લે સોમનાથ સુધીના પ્રદેશો, નગરો અને મંદિરો લૂંટીને પુષ્કળ ધન મેળવ્યું. તેનાં આક્રમણોની ભારત ઉપર કોઈ કાયમી અસર પડી નહિ, પરંતુ દેશે વિપુલ દ્રવ્ય, સોનું, ઝવેરાત વગેરે ગુમાવ્યું. મહમૂદ ગઝની સાથે ભારત આવેલા અલબિરૂની નામના મુસ્લિમ વિદ્વાને ભારતમાં સંસ્કૃત ભાષા શીખીને હિન્દુ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યા બાદ ‘તારીખે-હિન્દ’ નામે ગ્રંથ લખ્યો. તે તત્કાલીન હિન્દની પરિસ્થિતિ જાણવા માટે ઉપયોગી છે. ત્યારબાદ બારમી સદીમાં (ઈ. સ. 1175–1193) અફઘાનિસ્તાનના શિહાબુદ્દીન મોહમ્મદ ઘોરીએ ભારત ઉપર આક્રમણો કર્યાં. તેણે દિલ્હી–અજમેરના પૃથ્વીરાજ ચૌહાણ સામે પરાજય મેળવ્યા બાદ બીજે વર્ષે ઈ. સ. 1192માં તેને અને 1193માં કનોજના રાજા જયચંદ્ર રાઠોડને હરાવ્યા અને તે પછી બનારસ સુધીનો પ્રદેશ લૂંટ્યો. તેણે પાછા ફરતી વખતે ભારતીય પ્રદેશોનો વહીવટ કુત્બુદ્દીન ઐબકને સોંપ્યો. ઈ. સ. 1206માં મોહમ્મદ ઘોરીનું ખૂન થયા બાદ કુત્બુદ્દીન સ્વતંત્ર સુલતાન બન્યો. તેણે ભારતમાં મુસ્લિમ સત્તાની અને ગુલામ વંશની સ્થાપના કરી. તેનો અનુગામી ઇલ્તુત્મિશ શક્તિશાળી શાસક, કુશળ સૈનિક અને સેનાપતિ હતો. તેની અનુગામી રઝિયા બેગમ બહાદુર અને બાહોશ શાસક હતી. ગુલામ વંશના સૌથી પ્રબળ સુલતાન બલ્બને અમીરોની સત્તાને અંકુશમાં રાખી તથા સર્વોપરી રાજાશાહી સ્થાપી. તેના વારસદારો નિર્બળ નીવડતાં ગુલામ વંશનું પતન થયું. ખલજી વંશના શક્તિશાળી સુલતાન અલાઉદ્દીન ખલજી(ઈ. સ. 1296–1316)એ આક્રમણો કરીને રાજ્યવિસ્તાર કર્યો અને પુષ્કળ દોલતની લૂંટ કરી. તેના સેનાપતિ મલેક કાફુરે દક્ષિણ ભારતમાં અનેક મંદિરો લૂંટીને અઢળક દ્રવ્ય મેળવ્યું. અલાઉદ્દીને હિન્દુઓ પ્રત્યે અસહિષ્ણુ અને કઠોર નીતિ અપનાવી હતી. તુગલુક (તઘલખ) વંશમાં મોહમ્મદ બિન તુગલુક (ઈ. સ. 1325–1351) દિલ્હી સલ્તનતના સુલતાનોમાં સૌથી વધુ વિદ્વાન હતો. તે સાહિત્યકારોને આશ્રય આપતો હતો. તેના દરબારમાં ઝિયાઉદ્દીન બરની અને નસીરુદ્દીન ચેરાગ જેવા વિદ્વાનો હતા. તે તરંગી અને સ્વપ્નસેવી હતો. તેણે દિલ્હીથી દોલતાબાદ રાજધાની બદલી અને તાંબાના સિક્કા પડાવ્યા. તેના સમયમાં અનેક બળવા થયા. પરિણામે 1336માં દક્ષિણમાં વિજયનગરની તથા 1347માં દખ્ખણમાં બહમની રાજ્યની સ્થાપના થઈ. તેના અનુગામી ફીરોઝશાહે અરાજકતા દૂર કરીને શાંતિ સ્થાપી. તે બાંધકામોનો શોખીન હતો. તેણે મસ્જિદો, મહેલો, નગરો, બાગ-બગીચા વગેરે બંધાવ્યાં. તે હિન્દુઓ પ્રત્યે ખૂબ અસહિષ્ણુ હતો. ઈ. સ. 1398માં તિમૂર લંગે ભારત ઉપર કરેલા આક્રમણે તુગલુક વંશનો અંત ઝડપી બનાવ્યો. સૈયદ અને લોદી વંશના સુલતાનો પ્રમાણમાં સામાન્ય હતા. ઈ. સ. 1526માં કાબુલના બાદશાહ બાબરે ઇબ્રાહીમ લોદીને હરાવીને ભારતમાં મુઘલ સત્તાની સ્થાપના કરી. તે પછી તેણે કાનવાના યુદ્ધમાં રાણા સંગ્રામસિંહને, ત્યારબાદ ચંદેરીના રાવને અને ગોગ્રાના યુદ્ધમાં અફઘાન રાજાને હરાવ્યા. તેણે ‘તુઝુકે બાબરી’ નામે આત્મવૃત્તાંત લખ્યો છે. તેના પુત્ર હુમાયૂંને અફઘાન સરદાર શેરશાહે 1540માં કનોજ પાસે હરાવીને દિલ્હીમાં અફઘાન સત્તા સ્થાપી. શેરશાહ બાહોશ સેનાપતિ, કાર્યદક્ષ વહીવટદાર તથા સુધારક શાસક હતો. પંદર વર્ષના રઝળપાટ પછી 1555માં હુમાયૂંએ પુન: ગાદી પ્રાપ્ત કરી. બીજે વર્ષે તેનું અવસાન થવાથી માત્ર 13 વર્ષની વયે અકબર બાદશાહ બન્યો. તેણે ઉત્તર તથા દખ્ખણ ભારતમાં વિજયો મેળવીને મુઘલ સત્તાનો વિસ્તાર કર્યો. તેણે રજપૂતો સાથે લગ્નસંબંધો બાંધ્યા અને હિન્દુઓને ઊંચા હોદ્દાઓ આપ્યા. મેવાડના રાણા પ્રતાપસિંહે મુઘલ સત્તાનો વિરોધ કર્યો, તેથી મુઘલ સૈન્યે મેવાડનો ઘણો પ્રદેશ જીતી લીધો. રાણા પ્રતાપે જીવનભર સંગ્રામ ચાલુ રાખીને પોતાનો ઘણોખરો પ્રદેશ પાછો મેળવ્યો. અકબર ઉદાર, સહિષ્ણુ અને બાહોશ વહીવટકર્તા હતો. તેણે કરેલા વહીવટી, મહેસૂલી, આર્થિક વગેરે સુધારાથી ખેતીવાડી, વેપારવાણિજ્ય તથા ઉદ્યોગધંધામાં પ્રગતિ થઈ. તેણે શિક્ષણ-સાહિત્ય તથા કલા-સ્થાપત્યને ઉત્તેજન આપ્યું. તેણે સર્વધર્મ પ્રત્યે સમભાવ દર્શાવ્યો. યાત્રાવેરો, જજિયાવેરો વગેરે વેરાઓ રદ કર્યા તથા બાળલગ્ન, બાળહત્યા, સતીપ્રથા વગેરે કુરિવાજો અટકાવ્યા હતા. તેનો શાહજાદો જહાંગીર સારો વહીવટકર્તા તથા સાહિત્ય અને કલાનો શોખીન હતો. તેણે અંગ્રેજોને સૂરતમાં વેપારી મથક સ્થાપવાની પરવાનગી આપી. શાહજહાંનો શાસનકાળ એ મુઘલયુગનો સુવર્ણયુગ મનાય છે. તેણે આગ્રામાં તાજમહાલ તથા આગ્રા અને દિલ્હીના કિલ્લા બંધાવ્યા. મુઘલ સમ્રાટ ઔરંગઝેબના અવસાન (1707) પછી મુઘલ સત્તાનું વિઘટન થયું.

પુણેના જાગીરદાર શિવાજીએ પોતાની બહાદુરી તથા બાહોશીથી સ્વતંત્ર મરાઠા રાજ્ય સ્થાપ્યું, જે 1818 સુધી ટક્યું. તેમણે શાસનવ્યવસ્થા માટે અષ્ટપ્રધાનમંડળની રચના કરી, નૌકાસૈન્ય વિકસાવ્યું અને તોપદળ રાખ્યું. શિવાજી કુશળ શાસક અને શૂરવીર સેનાપતિ હતા; પરંતુ તેમના વારસો નિર્બળ હોવાથી પેશવાઓ વાસ્તવિક અધિકારો ભોગવવા લાગ્યા. પેશવા બાજીરાવ પહેલાએ (ઈ. સ. 1720–40) મરાઠી સત્તાનો વિકાસ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. પાણીપતના ત્રીજા યુદ્ધમાં (1761) મરાઠાઓનો પરાજય થતાં, તેની સત્તાને સખત ફટકો પડ્યો. પરંતુ પેશવા માધવરાવના સમયમાં મરાઠા સત્તા પુન: ભારતની મહાન સત્તા બની. ઈ. સ. 1818માં બાજીરાવ બીજાને પદભ્રષ્ટ કરીને અંગ્રેજોએ મરાઠી રાજ્યને કંપનીના રાજ્યમાં ભેળવી દીધું. ગુરુ નાનકના અનુયાયીઓ તરીકે જાણીતા શીખોના નવમા ગુરુ તેગબહાદુરે ઔરંગઝેબની અસહિષ્ણુ ધાર્મિક નીતિની ટીકા કરવાથી, ઔરંગઝેબે 1675માં તેમનો વધ કરાવ્યો. તેથી શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે શીખોને લડાયક બનાવ્યા. ખાલસા નામથી પ્રસિદ્ધ શીખ સેનાએ મુઘલો સામે લડાઈઓ કરીને પંજાબમાંથી મુઘલ સત્તાને નાબૂદ કરીને ત્યાં શીખોનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું.

મધ્યયુગનું શાસનતંત્ર : રાજા : રજપૂતો અને મરાઠાઓના વહીવટી તંત્રનાં મૂળ રામાયણ, મહાભારત, શુક્રનીતિ જેવાં શાસ્ત્રોમાં હતાં; જ્યારે મુસ્લિમ વહીવટી તંત્રનાં મૂળ શરિયત(મુસ્લિમ કાનૂન)માં હતાં. રાજ્યનો વહીવટી, લશ્કરી તથા ન્યાયકીય વડો રાજા હતો; છતાં તે ઘણુંખરું તેના મંત્રીમંડળ અને સામંતોની સલાહ મુજબ શાસન કરતો હતો. રજપૂતો, સુલતાનો, મુઘલો તથા મરાઠાઓ ન્યાયની બાબતમાં ઘણુંખરું નિષ્પક્ષપાતી હતા. તેઓ સાહિત્ય, કલા અને શિક્ષણને પ્રોત્સાહન આપતા હતા.

મંત્રીમંડળ : મંત્રીઓની સંખ્યામાં આવશ્યકતા અનુસાર વધઘટ થતી હતી. હોદ્દાનાં નામ બદલાતાં, છતાં મુખ્યમંત્રી (મહાઅમાત્ય કે વજીર), સેનાપતિ, પરરાજ્યમંત્રી, નાણામંત્રી, મહેસૂલમંત્રી, પોલીસ ખાતાના વડા વગેરે સામાન્ય હતા. ન્યાયને માટે પંડિતરાય કે કાજી રહેતા. આ ઉપરાંત સીમા, જકાત, વેપારવાણિજ્ય વગેરેને માટે અલગ અમલદારો નીમવામાં આવતા હતા.

સામંતો : મધ્યયુગમાં સમાજ અને શાસનતંત્ર ઉપર સામંતોનો નોંધપાત્ર પ્રભાવ હતો. રાજા અને મંત્રીમંડળ ઘણુંખરું તેમની સલાહ સ્વીકારતાં હતાં. શૂરવીર સરદારો અને નજીકનાં સગાંઓને રાજા જાગીરો આપતા. આ જાગીરો સ્વાયત્ત રાજ્યો સમાન બની જતી. સબળ રાજાઓ સામંતોને અંકુશમાં રાખી શકતા, જ્યારે નિર્બળ રાજાઓ તેમને કાબૂમાં રાખી શકતા નહિ. તેમાંથી સ્વતંત્ર રાજ્યોનું નિર્માણ થયું. સલ્તનત યુગમાં ફીરોઝશાહ તુગલુકના, મુઘલયુગમાં, ઔરંગઝેબના તથા મરાઠા સમયમાં શિવાજીના અવસાન બાદ આવાં સ્વાયત્ત રાજ્યો ઉદભવ્યાં. મુઘલયુગની મનસબદારી પ્રથા તથા પેશવા બાલાજી વિશ્વનાથે શરૂ કરેલી સરંજામી પદ્ધતિ, જાગીરદારી પ્રથાનાં જ ઉદાહરણ છે. વડોદરાના ગાયકવાડ, ગ્વાલિયરના શિંદે, ઇન્દોરના હોળકર, નાગપુરના ભોંસલે તથા માળવાના પવાર પેશવાના સામંતો હતા. તેમણે પરાક્રમી પેશવાઓના યુગમાં મરાઠી સત્તાના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું; પરંતુ નિર્બળ પેશવાઓના સમયમાં આંતરિક વિખવાદ દ્વારા મરાઠી સત્તાના પતનમાં પણ મહત્વનો ફાળો આપ્યો હતો.

રાજ્યનું પ્રાંતો, જિલ્લા, તાલુકા અને ગ્રામ જેવા એકમોમાં વિભાજન કરવામાં આવતું. રાજ્યવંશો બદલાય તેમ આ એકમો તથા તેના મુખ્ય અધિકારીઓ અલગ નામે ઓળખાતા. ગ્રામ સૌથી નાનો એકમ હતો. તેમાં ઘણુંખરું લોકશાહી ઢબની વ્યવસ્થા જાળવવામાં આવતી હતી. કેન્દ્રમાં થતા રાજ્યપલટાની ગ્રામવહીવટ પર ભાગ્યે જ અસર થતી હતી.

રજપૂત, સલ્તનત, મુઘલ તથા મરાઠા સમયનાં રાજ્યો ખેતીના વિકાસ માટે કાળજી લેતાં અને વાવ, કૂવા, તળાવ, નહેરો મારફતે સિંચાઈ યોજનાઓ કરતાં. દુષ્કાળ જેવી આપત્તિના સમયે ખેડૂતોને રાહત અપાતી. રજપૂતો તથા કેટલાક સુલતાનો બાગબગીચાના શોખીન હતા. દક્ષિણ ભારતનાં નાળિયેર, સુખડ તથા મસાલા; માળવાના ઘઉં; ગુજરાતનો કપાસ; મગધના ચોખા તથા કાશ્મીરનાં ફળ અને કેસર દેશભરમાં પ્રસિદ્ધ હતાં. કાપડ, રંગકામ, ધાતુકામ, વણાટકામ, ઝવેરાત, તેલ, અત્તર વગેરે ઉદ્યોગધંધા તે સમયે પ્રચલિત હતા. સુતરાઉ, રેશમી અને ગરમ કાપડ નગરોનાં કારખાનાંઓમાં બનતું. ધનિકવર્ગ તથા રાજકુટુંબને સંગીતનો શોખ હતો. કેટલાક વ્યવસાયો કારીગરોના સંઘો દ્વારા ચાલતા હતા. મધ્યયુગમાં વેપારવાણિજ્યનો વિકાસ થયો હતો. જમીનમાર્ગે તથા સમુદ્રમાર્ગે ઘણોખરો વેપાર ચાલતો. વિદેશો સાથેના વિકસિત વેપારને કારણે વેપારીઓ શ્રીમંત થયા હતા. વિદેશોના વેપારીઓ માલ ખરીદવા ભારતમાં આવતા. ભરૂચ અને કાલિકટ વિદેશવેપારનાં મહત્વનાં કેન્દ્રો હતાં.

સમાજજીવન : મધ્યયુગમાં હાલની જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ જેવી કે સુથાર, કડિયા, લુહાર, સોની, ધોબી, દરજી, કુંભાર વગેરે અસ્તિત્વમાં આવી. ચમાર જેવી જાતિઓ અસ્પૃશ્ય ગણાવા લાગી. બાળલગ્ન, સતીપ્રથા, દીકરીને દૂધ પીતી કરવી વગેરે કુરિવાજો ચાલુ હતા. રાજાઓ અને ઉમરાવોમાં બહુપત્નીત્વનો રિવાજ હતો. વિવિધ ધર્મોના ઉત્સવો ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવતા હતા. સલ્તનત, મુઘલ તથા મરાઠા સમયમાં સમાજમાં હિન્દુ અને મુસલમાન એવા બે વર્ગો હતા; તેમાં ખેડૂત, વેપારી, અમીરો, ધર્મગુરુઓ, શ્રીમંતો, કારીગર વગેરેનો સમાવેશ થતો હતો. સલ્તનતયુગમાં અફઘાન અને તુર્કી અમીરોનું વર્ચસ્ હતું તથા હિન્દુઓને ઉચ્ચ હોદ્દાથી વંચિત રાખવામાં આવતા હતા. તેમણે જજિયાવેરો તથા યાત્રાવેરો આપવા પડતા હતા. તેઓ જાહેરમાં ધાર્મિક ઉત્સવો ઊજવી શકતા નહિ તથા કીમતી પોશાક પહેરી શકતા નહિ. અકબરે હિન્દુઓ ઉપરનાં આવાં નિયંત્રણો દૂર કર્યાં હતાં. મધ્યયુગમાં સૂફી સંતોએ હિન્દુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયમાં નોંધપાત્ર પ્રદાન કર્યું. આ યુગમાં મોટાભાગના લોકો નિરક્ષર અને રૂઢિચુસ્ત હતા. તેઓ વહેમ અને અંધશ્રદ્ધાથી પીડાતા હતા. કન્યાકેળવણી નહિવત્ હતી.

શિક્ષણ : રજપૂત સમયમાં મંદિરોની અથવા પંડિતોની પાઠશાળાઓમાં જૂની પદ્ધતિ મુજબ વાચન, લેખન, ગણિત, વ્યાકરણ વગેરે ભણાવવામાં આવતાં હતાં. તે પછી પણ આ પદ્ધતિ ચાલુ રહી. સલ્તનત અને મુઘલ કાળમાં મદરેસાઓમાં મુસલમાન વિદ્યાર્થીઓને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ અપાતું. તેમાં વાચન, લેખનના જ્ઞાન સહિત કુરાનનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. આ દરમિયાન ફારસી રાજભાષા બની અને તેના શિક્ષણનું મહત્ત્વ વધ્યું. મધ્યયુગમાં પ્રાદેશિક ભાષાઓ પ્રચલિત બની અને મુઘલ યુગમાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ વધ્યો. આ યુગ દરમિયાન મગધમાં અગાઉ સ્થપાયેલ નાલંદા, વિક્રમશીલા, ઉદન્તપુરી વગેરે વિદ્યાપીઠો ચાલુ હતી; જેનો બારમી સદીની આખરમાં મુસ્લિમ સરદાર બખત્યાર ખલજીએ નાશ કર્યો. રજપૂત સમયમાં વારાણસી, ધારાનગરી, અજમેર, કરાંચી વગેરે ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો હતાં. તેમાં સાહિત્ય, વ્યાકરણ, તત્વજ્ઞાન, ધર્મ, ગણિત, જ્યોતિષ, ખગોળશાસ્ત્ર, ધાતુવિદ્યા વગેરે વિષયોનું શિક્ષણ અપાતું હતું. પ્રૌઢો ધાર્મિક કથાઓ સાંભળીને જ્ઞાન મેળવતા હતા. કન્યાકેળવણી નહિવત્ હતી. હિન્દુ ભક્તકવિઓ અને મુસલમાન સૂફી સંતોએ ધર્મ તથા નીતિના શિક્ષણના પ્રસારમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ યુગમાં સામાન્ય લોકો અને ગરીબોમાં શિક્ષણનો અભાવ હતો.

સાહિત્ય : આ યુગના ભારતના શાસકો વિદ્યા તથા વિદ્વાનોને રાજ્યાશ્રય આપતા હતા. રજપૂત યુગમાં સંસ્કૃત અને પ્રાકૃતમાં નાટક, કથા, કાવ્ય, ઇતિહાસ, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર વગેરે વિશેની અનેક કૃતિઓ રચાઈ છે. દસમીથી બારમી સદીનાં જાણીતાં કાવ્યોમાં શ્રીહર્ષ-રચિત ‘નૈષધચરિત્ર’ અને જયદેવ-રચિત ‘ગીતગોવિંદ’ મહત્વનાં ગણી શકાય. રાજશેખરે લખેલ ‘કર્પૂરમંજરી’ પણ પ્રસિદ્ધ છે. અગિયારમીથી બારમી સદીમાં લખાયેલ નારાયણ પંડિત-કૃત ‘હિતોપદેશ’, ક્ષેમેન્દ્ર-રચિત ‘બૃહત્કથા’ તથા સોમદેવ-રચિત ‘કથાસરિત્સાગર’ જાણીતાં છે. ઇતિહાસની રચનાઓમાં બિલ્હણકૃત ‘વિક્રમાંકદેવચરિત’, હેમચંદ્રાચાર્ય-રચિત ‘કુમારપાળચરિત્ર’ તથા બલ્લાલ-રચિત ‘ભોજપ્રબંધ’ જાણીતાં છે.

સલ્તનતયુગમાં અમીર ખુસરો શ્રેષ્ઠ શાયર અને સાહિત્યકાર, ઝિયાઉદ્દીન બરની પ્રસિદ્ધ ઇતિહાસકાર તથા ઇબ્ન બતૂતા વિખ્યાત લેખક હતા. વિજયનગરના જાણીતા રાજા કૃષ્ણદેવરાય પોતે પણ લેખક હતા. આ ઉપરાંત ગુજરાતીમાં નરસિંહ મહેતાએ, પંજાબીમાં ગુરુ નાનકે, મરાઠીમાં સંત નામદેવે, હિન્દીમાં કબીરે અને બંગાળીમાં ચંડીદાસે કરેલી અનેક રચનાઓ લોકપ્રિય થઈ છે. આ સમય દરમિયાન તમિળ, તેલુગુ તથા કન્નડ ભાષાઓમાં પણ અનેક રચનાઓ થઈ હતી. મુઘલ સમયમાં ફારસી, ઉર્દૂ, હિન્દી વગેરે સાહિત્યોનો વિકાસ થયો. બાબરે તેની આત્મકથા તુર્કી ભાષામાં લખી. અબુલ ફઝલે ‘આઈને અકબરી’ તથા ‘અકબરનામા’ નામે પ્રસિદ્ધ ગ્રંથો અકબરના સમયમાં લખ્યા. તુલસીદાસે હિન્દી(અવધિ)માં ‘રામચરિતમાનસ’ તથા પ્રજ્ઞાચક્ષુ સુરદાસે વ્રજભાષામાં ‘સુરસાગર’ નામે જાણીતા ગ્રંથો લખ્યા.

કલાસ્થાપત્ય : ભારતના મધ્યયુગમાં રજપૂત સમય દરમિયાન ઉત્તર ભારતમાં આર્ય શૈલીનાં તથા દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીનાં મંદિરો બંધાયાં હતાં. આર્ય શૈલીનાં મંદિરોમાં ઓરિસાના ભુવનેશ્વરનાં મંદિરો અને કોણાર્કનું સૂર્યમંદિર, બુંદેલખંડમાં ખજુરાહોનાં મંદિરો, આબુ પરનાં દેલવાડાનાં દેરાસરો તથા મોઢેરાનું સૂર્યમંદિર વધુ જાણીતાં છે. દ્રવિડ શૈલીનાં મંદિરોમાં તાંજોરમાં રાજરાજ પહેલાએ બંધાવેલ શિવમંદિરનું બાંધકામ અજોડ ગણાય છે. શિલ્પોમાં ચોલયુગની કાંસાની નટરાજની મૂર્તિ શ્રેષ્ઠ શિલ્પકૃતિ ગણાય છે.

સલ્તનત–સમયમાં મસ્જિદો, મિનારા, મકબરા, મહેલો, કિલ્લાઓ, નગરો વગેરે બંધાયાં હતાં. મુઘલ સમયમાં અકબરે ફતેહપુર સિક્રીમાં બંધાવેલા મહેલો અને બુલંદ દરવાજો; શાહજહાંએ આગ્રામાં બંધાવેલ તાજમહાલ, મોતી મસ્જિદ તથા દિલ્હીમાં બંધાવેલ જુમા મસ્જિદ તથા લાલ કિલ્લો શ્રેષ્ઠ ગણાય છે. શિવાજીએ આશરે 297 કિલ્લાઓ તથા પેશવાઓએ મંદિરો બંધાવ્યાં હતાં.

અન્ય લલિત કલાઓ : રજપૂત, સલ્તનત, મુઘલ તથા મરાઠા યુગમાં ચિત્ર, સંગીત, નૃત્ય તથા નાટ્ય જેવી લલિત કલાઓનો પણ વિકાસ થયો હતો. દક્ષિણ ભારતમાં કાંચીના કૈલાસનાથ મંદિર તથા તાંજોરના રાજરાજેશ્વરનાં મંદિરોની છતો તથા દીવાલો પર ઉત્કૃષ્ટ પ્રકારનાં ચિત્રો હતાં. રાજ્યાશ્રય મળવાને કારણે આ સમયમાં સંગીત તથા નૃત્યકલાનો વિકાસ થયો. દેવદેવીઓને પ્રસન્ન કરવા મંદિરોમાં નૃત્ય તથા સંગીત દ્વારા આરાધના થતી હતી. અલાઉદ્દીન ખલજીના સમયનો શ્રેષ્ઠ કવિ અને સંગીતકાર અમીર ખુસરો હતો. તેણે કવ્વાલી નામથી પ્રસિદ્ધ ગીતપદ્ધતિનો વિકાસ કર્યો હતો. મોહંમદ તુગલુકે દોલતાબાદમાં સંગીત અને નૃત્યભવન બંધાવ્યું હતું. વિજયનગરનો પ્રસિદ્ધ રાજા કૃષ્ણદેવરાય નૃત્યકારો, ચિત્રકારો અને સંગીતકારોનો આશ્રયદાતા હતો. મુઘલયુગમાં લલિત કલાઓનો નોંધપાત્ર વિકાસ થયો હતો. અકબરના દરબારમાં તાનસેન, બૈજુ બાવરા તથા બાબા રામદાસ જેવા જાણીતા સંગીતકારો અને દશવન્ત તથા અબ્દુસ સમદ જેવા પ્રસિદ્ધ ચિત્રકારો હતા. જહાંગીર પોતે એક સારો ચિત્રકાર અને સંગીતકાર હતો. તેણે બિશનદાસ, ફારૂક બેગ સહિત બાર ચિત્રકારોને રાજ્યાશ્રય આપ્યો હતો. શાહજહાંને સ્થાપત્યકલાનો વિશેષ શોખ હતો. તેને સંગીતનો શોખ હોવાથી જગન્નાથ અને રામદાસ જેવા સંગીતકારોને રાજ્યાશ્રય આપ્યો હતો. ઔરંગઝેબ રૂઢિચુસ્ત મુસલમાન હોવાથી તેણે ચિત્રકલા કે સંગીતને ઉત્તેજન આપ્યું નહિ.

ધર્મભાવના : રજપૂત, મુઘલ તથા મરાઠા સમય દરમિયાન પ્રાચીન ભારતની ઉદાર અને સહિષ્ણુ ધર્મભાવના ઔરંગઝેબ સિવાયના ઘણાખરા રાજકર્તાઓએ જાળવી રાખી હતી. રજપૂત સમયમાં શૈવ તથા વૈષ્ણવ સંપ્રદાયો લોકપ્રિય થયા હતા. બૌદ્ધ ધર્મનો દેશમાંથી લોપ થયો હતો. રજપૂત યુગના પ્રારંભમાં ભારતમાં ઇસ્લામ, ખ્રિસ્તી, જરથોસ્તી તથા યહૂદી ધર્મનો પ્રવેશ થયો. હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો પણ પ્રચલિત થયા. જૈન ધર્મનો ગુજરાત, રજપૂતાના અને માળવામાં ફેલાવો થયો. શંકરાચાર્ય તથા કુમારિલ ભટ્ટે હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. સલ્તનત સમયમાં હિન્દુ સંતો અને મુસ્લિમ સૂફીઓએ એકેશ્વરવાદનો પ્રચાર કરી ભક્તિમાર્ગ પર ભાર મૂક્યો. તેમણે ઊંચનીચના ભેદભાવોનો વિરોધ કર્યો તથા ધર્મમાં પેઠેલી વિકૃતિઓ અને અંધશ્રદ્ધા ઓછી કરવામાં તથા હિન્દુ–મુસ્લિમ સમન્વયમાં ફાળો આપ્યો. અકબર અને શિવાજીની ધર્મભાવના ઉદાર હતી.

જયકુમાર ર. શુક્લ