જયસ્વાલ, કાશીપ્રસાદ (જ. 27 નવેમ્બર, 1881 ઉ. પ્ર.; અ. 4 ઑગસ્ટ 1937) : પ્રસિદ્ધ ઇતિહાસવિદ. કાશીપ્રસાદ જયસ્વાલનું શિક્ષણ મુખ્યત્વે વિલાયતમાં ઑક્સફર્ડમાં થયું. અભ્યાસ દરમિયાન તેમના ત્યાંના અનુભવો વિશે તેઓ હિન્દીમાં લેખો પ્રગટ કરવા લાગ્યા અને ત્યારથી જાણીતા થયા. ત્યાં રહી ચીની ભાષા અને સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા પછી ત્યાંની જિસસ કૉલેજમાં માનાર્હ સંશોધક તરીકે અને 1909માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ડેવિસ ચાઇનીઝ સ્કૉલર તરીકે જોડાયા. ઇંગ્લૅન્ડમાં તેઓ સ્થાનિક રાજકારણમાં રસ લેતા રહ્યા, તેથી ભારતમાં તેમના વિશે લાંબા સમય સુધી શંકા પ્રવર્તતી રહી. બૅરિસ્ટર થઈને સ્વદેશ પાછા ફર્યા. દરમિયાનમાં તેમના ઇતિહાસ-સંશોધનને લગતા લેખો પ્રકાશિત થતા રહ્યા. તેથી તેમની ખ્યાતિથી પ્રેરાઈને બનારસ હિન્દુ યુનિવર્સિટીએ તેમને ઇતિહાસની ચૅર સ્વીકારવાનો આગ્રહ કર્યો; પરંતુ તેમણે કૉલકાતા યુનિવર્સિટીમાં ‘ટાગોર પ્રોફેસર ફૉર લૉ’ તરીકે જોડાવાનું પસંદ કર્યું, થોડા સમયમાં રાજકીય કારણોસર એ નોકરી છોડી કૉલકાતા ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરવા લાગ્યા. એવામાં
1916માં પટણામાં ઉચ્ચ ન્યાયાલય સ્થપાતાં તેઓ પટણા આવ્યા અને અહીં રહી વકીલાત કરવા લાગ્યા. વ્યવસાયે વકીલ પણ હૃદયથી ઇતિહાસવિદ્ એવા કાશીપ્રસાદ હવે સિક્કા, અભિલેખો, ઐતિહાસિક હસ્તપ્રતગ્રંથોનું વાચન અને તેના સંપાદન-પ્રકાશનની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા લાગ્યા. 1924માં તેમનું ‘હિન્દુ પૉલિટી’ નામનું વિખ્યાત અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થયું. પ્રાચીન હિન્દુ રાજ્યપદ્ધતિ અને રાજબંધારણનો સમીક્ષિત ઇતિહાસ આપતો આ ગ્રંથ દેશભરની યુનિવર્સિટીઓમાં હિન્દુ કાયદો શીખવા માટેના પાઠ્યપુસ્તક તરીકે સમાદર પામ્યો. એના દ્વારા પ્રાચીન ભારતીય ગણરાજ્યો વિશે પ્રથમવાર ઘણી અગત્યની માહિતી ઉપલબ્ધ થઈ. હિન્દુ કાયદાના અભ્યાસ રૂપે મનુ અને યાજ્ઞવલ્ક્ય વિશે તુલનાત્મક અધ્યયન કરતો તેમનો ગ્રંથ 1930માં પ્રકાશિત થયો. રાહુલ સાંકૃત્યાયન સાથે મળીને તેમણે ‘મંજુશ્રીમૂલકલ્પ’ની તિબેટી વાચના સંપાદિત કરી પ્રકાશિત કરી અને તેના નિચોડ રૂપે ‘ઇમ્પીરિયલ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’ લખી તેમાં ઈ. પૂ. 700થી ઈ. સ. 770 સુધીના ભારતના ઇતિહાસનું વિશદ નિરૂપણ કર્યું. આ ગ્રંથ 1934માં પ્રકાશિત થયો. 1937માં ‘ક્રૉનોલૉજી ઍન્ડ હિસ્ટરી ઑવ્ નેપાલ’ પ્રકાશિત કર્યો. બિહાર અને ઓરિસા રિસર્ચ સોસાયટીના જર્નલના સંપાદક તરીકે તેઓ લાંબા સમય સુધી સેવાઓ આપતા રહ્યા અને દરમિયાનમાં ભારતના ઇતિહાસ વિશે અનેક મનનીય લેખો લખતા રહ્યા. તેમની વિદ્વત્તાની કદર રૂપે પટણા યુનિવર્સિટીએ તેમને પીએચ.ડી.ની માનદ ડિગ્રી અર્પણ કરી તેમનું સમ્માન કર્યું.
પ્રવીણચંદ્ર પરીખ