જય હિન્દ : ગુજરાતી ભાષાનું અગ્રણી રાષ્ટ્રીય દૈનિક વર્તમાનપત્ર. તા.15-8-1947ના દિવસે દેશ સ્વતંત્ર થયો. રાજકીય સ્વતંત્રતા સિદ્ધ થઈ, હવે વધારે કપરું કાર્ય પ્રજાની સામાજિક અને આર્થિક આકાંક્ષાઓની પૂર્તિનું આરંભાતું હતું. નવા શાસન સમક્ષ પ્રજાનો નાદ સંભળાય તે રીતે રજૂ કરવાના સંકલ્પ સાથે સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નરોત્તમદાસ લક્ષ્મીચંદ શાહ જેઓ બાબુભાઈ નામે લોકોમાં વધારે આદરપાત્ર હતા તેમણે રાજકોટમાં દૈનિક પત્રની સ્થાપના કરી. ત્યારે નેતાજી સુભાષચંદ્રનો ‘જય હિન્દ’ વિજયઘોષ ભારતમાં ઘેર ઘેર ગુંજતો હતો. તેને પ્રેરણાસૂત્ર ગણી પત્રનું નામ ‘જય હિન્દ’ રખાયું. આદ્યતંત્રી બાબુભાઈ વૈદ્યના સંપાદનમાં પ્રથમ અંક તા. 12-3-1948ના દિવસે પ્રગટ થયો. આ ભગીરથ કાર્યમાં બાબુભાઈ(નરોત્તમદાસ)ને બાબુભાઈ વૈદ્ય, પ્રાણજીવન દોશી, નારણદાસ ઠક્કર, હેમંત પંડ્યા, કૃષ્ણકાંત સોમાણી, યોગેન્દ્રભાઈ છાયા, શાંતિલાલ દેવમુરારિ આદિ સાથીઓનો ઉમળકાભેર સહયોગ સાંપડ્યો. બાબુભાઈ વૈદ્ય પછી પ્રવીણચંદ્ર શાહ તંત્રી થયા. તેમને કૉલકાતા જવાનું થતાં બાબુભાઈ શાહ તંત્રી થયા. તેમણે જીવનના અંત સુધી આ પદ સંભાળ્યું. વર્તમાન તંત્રી તેમના પુત્ર યશવંતભાઈ શાહ પુરોગામીઓની જેમ જ પત્રની પ્રતિષ્ઠા અને સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. દૈનિક પત્રોનાં માળખાં એવાં વિશાળ અને જટિલ હોય છે કે ઘણી વાર તેમને પ્રકાશનપ્રવૃત્તિનો વિસ્તાર કરવો પડે છે. 1986થી રાજકોટ, જે પ્રકાશક સંસ્થા જય હિંદ પબ્લિકેશનનું વડું મથક છે, ત્યાંથી સાંજના દૈનિક ‘સાંજ સમાચાર’નો આરંભ કરવામાં આવ્યો. તા. 26-1-1962થી ‘જય હિન્દ’ દૈનિકની અમદાવાદથી અમદાવાદ આવૃત્તિનું પ્રકાશન શરૂ કરાયું. ગુજરાતી વર્તમાનપત્રોમાં આ પ્રથમ પ્રયોગ હતો અને તે સફળ થયો. બીજાં કેટલાંક ક્ષેત્રોમાં પણ ‘જય હિંદ’ની પહેલ નોંધપાત્ર છે. દૂર દૂરના વાચકોને ટૅક્સીમાં પાર્સલો દ્વારા વહેલી સવારે નકલ પહોંચાડવાની વ્યવસ્થાનો આરંભ એણે કર્યો. ફોટોકંપોઝમાં તો તે ભારતભરમાં પ્રથમ રહ્યું. ઑફસેટ યંત્ર દ્વારા પત્રની છપાઈ કરવામાં પણ તેની પહેલ રહી. ઉત્તમ મુદ્રણ માટે તેણે ત્રણ વર્ષમાં રાષ્ટ્રપતિના હસ્તે સળંગ ત્રણ પુરસ્કારો મેળવ્યા. સંચાલનની વિશેષતા પણ છે. જેમકે, કર્મચારીઓ માટે સંચાલકો વિવિધ કલ્યાણ યોજનાઓનો અમલ કરે છે અને ઘણી વાર કાયદાની મર્યાદાનો લાભ લેવાને બદલે ઉદારતા દાખવે છે. સંપાદન ક્ષેત્રે પ્રજાના પ્રશ્નો ઉપાડી જરૂર પડ્યે સરકાર સાથે સંઘર્ષમાં ઊતરતાં પત્ર ખચકાતું નથી. ગ્રામજનોના પ્રશ્નો પર વિશેષ લક્ષ અપાય છે. આવી રીતે સરકાર વિરુદ્ધ અગ્રલેખો લખવા બદલ તથા પોલીસની કામગીરીની ટીકા કરવા બદલ બાબુભાઈ શાહની હિતેન્દ્ર શાસનમાં ધરપકડ કરવામાં આવેલી. સાર્વજનિક દુર્ઘટના પ્રસંગે રાહતફાળો ઉઘરાવવાની પ્રથા ‘જય હિંદે’ શરૂ કરેલી. અંજારના ભીષણ ધરતીકંપ વખતે તેણે સારો એવો લોકફાળો એકત્ર કરી રાષ્ટ્રપતિનિધિમાં મોકલી આપેલો. ‘જય હિંદ’નાં સહયોગી પ્રકાશનોમાં ધાર્મિક માસિક ‘પરમાર્થ’ સૌથી જૂનું અને લોકપ્રિય છે. મહિલાઓ માટે પાક્ષિક ‘સખી’ તથા સિને સાપ્તાહિક ‘અમૃતા’ છે. બાલસાપ્તાહિકોમાં માતબર ‘ઝગમગ’ અને ‘બાલસંદેશ’ અસ્ત પામ્યાં, પણ ‘જય હિંદ’નું ‘ફૂલવાડી’ (સ્થા. 15-8-68) ટકી રહ્યું છે. ‘નિરંજન’ બાલસાપ્તાહિકમાં પહેલી વાર સળંગ ચિત્રવાર્તાઓ – કૉમિક – રજૂ થઈ. નવી ટેક્નોલૉજી અપનાવવામાં તેમજ નવી વાચનસામગ્રી પીરસવામાં ‘જય હિન્દ’ તત્પર રહ્યું છે.

બંસીધર શુક્લ