જન્ન (તેરમી સદી)

January, 2012

જન્ન (તેરમી સદી) : બસવ યુગના કન્નડ કવિ. કર્ણાટકના પ્રસિદ્ધ રાજવંશ હોયસલના રાજા વીરબલ્લાળ તથા નરસિંહના શાસનકાળ દરમિયાન તે દરબારી કવિ હતા. તેમના પિતા સુમનોબાણ પણ કવિ હતા. ઉપરાંત, નામવર્મ, મલ્લિકાર્જુન તથા કેશિરાજ જેવા જાણીતા કવિઓ તેમના નજીકના સગા હતા. કવિ હોવા ઉપરાંત વિખ્યાત દાનવીર તરીકે પણ તેમની ગણના થતી. તેમણે ઘણાં જૈન મંદિરોનું નિર્માણ કર્યું હતું.

શરૂઆતમાં તે માત્ર શાસકોની સ્તુતિ કરવા માટે પદ્યરચના કરતા હતા. 1209માં ‘યશોધરચરિત્ર’ તથા 1230માં ‘અનંતનાથ પુરાણ’ની તેમણે રચના કરી. ઉપરાંત વિવિધ વૃત્તોમાં તેમણે ‘અનુભવમુકુર’ નામક શૃંગારકાવ્યની પણ રચના કરી હતી. કન્નડ ભાષાની વિખ્યાત કાવ્યરચનાઓમાં ‘યશોધરચરિત્ર’ની ગણના થાય છે. તેના 4 ભાગોમાં 310 પદ્યરચનાઓનો સમાવેશ થયો છે. વાદિરાજનું સંસ્કૃત કાવ્ય એ જ જન્નની કાવ્યરચનાઓનો મૂળ આધાર છે; તેમ છતાં તે કેવળ અનુવાદ નથી. હકીકતમાં તેમની રચના મૂળ ગ્રંથની સુંદર મૌલિક પ્રતિકૃતિ સમાન છે. વાસ્તવમાં તે એક ધર્મગ્રંથ હતો પણ જન્નની કવિપ્રતિભાને કારણે તે સર્વસ્વીકૃત ગ્રંથ બની શક્યો છે. કાવ્યધર્મ તથા ધર્મ બંનેનો સમન્વય કરવાના ઉદ્દેશમાં સફળ થયેલા જૈન કવિઓમાં જન્ન કવિની ગણના થાય છે.

જન્નની બીજી પ્રમુખરચના ‘અનંતનાથ પુરાણ’ ચૌદમા તીર્થંકરની કથા છે. આ ગ્રંથમાં ચૌદ અધ્યાય છે. અષ્ટાદશ વર્ણન, જૈનપુરાણોની અષ્ટાંગ રૂઢિ ઇત્યાદિ વર્ણનોના કારણે કથાનો અંશ ગૌણ બની ગયો છે. છતાં જન્નની આ રચના પણ એક પરિપક્વ કાવ્યકૃતિ બની છે.

એચ. એસ. પાર્વતી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે