જન્કસ : દ્વિબીજદલા (Dicotyledon) વર્ગના જંકેસી કુળની એક પ્રજાતિ. તે ધ્રુવીય, સમશીતોષ્ણ અને કેટલીક વાર ઉષ્ણ પ્રદેશોમાં પણ વિસ્તરણ પામેલી જોવા મળે છે. ભારતમાં તેની 30 જેટલી જાતિઓની નોંધ થયેલી છે. તે બહુવર્ષાયુ અથવા ક્વચિત્ એકવર્ષાયુ શાકીય અને પાતળી-લાંબી વનસ્પતિ છે.

Juncus communis, E. Mey, (syn. J. effusus, Linn. Mattingrush સાદડીગૂંથણમાં વપરાતી ઘાસ જેવી વનસ્પતિ.) 0.3થી 1 મી. ઊંચી, પુષ્કળ જથ્થામાં સળીઓયુક્ત હોય તેવી અને નરમ બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો ટૂંકાં અને આવરકપર્ણતલયુક્ત હોય છે. પુષ્પો ગુચ્છમાં, લીલાં કે બદામી રંગનાં હોય છે. તેનું ફળ અંડાકાર પ્રાવર છે, જેમાં સૂક્ષ્મ બીજ આવેલાં હોય છે.

તેનો ઉપયોગ સાદડી, ટોપલા, ખુરશીની બેઠક બનાવવામાં થાય છે. ચીનમાં પાર્સલ બાંધવામાં અને ફિલિપાઇન્સમાં તે પાતળી સળીઓ બનાવવા માટે વપરાય છે. પ્રકાંડનો ગર દીવાની કે મીણબત્તીની દિવેટ બનાવવામાં ઉપયોગી છે.

શુષ્ક પર્ણ 8.6 % પ્રોટીન, 1.6 % એમાઇડ, 54.3 % નાઇટ્રોજનયુક્ત નિષ્કર્ષ, 2.4 % ચરબી, 31.0 % તંતુઓ અને 3.6 % ભસ્મ ધરાવે છે. આ ઉપરાંત ગ્લુકોઝ, અતિ અલ્પ પ્રમાણમાં કાર્બનિક ઍસિડ, પેન્ટોસ અને મિથાઇલ પેન્ટોસ હોય છે.

ગરનો ઉકાળો પથરી મટાડવામાં ઉપયોગી છે. ચીનમાં ગર મૂત્રવર્ધક અને દોષનિવારક (depurative) તરીકે વપરાય છે. આ વનસ્પતિ ઢોરો માટે ઝેરી માલૂમ પડી છે.

જન્ક્સની ભારતમાં બીજી જાણીતી જાતિઓ J. inflexys Linn. અને J. prismatocarpus, R. Br. છે. ગુજરાતમાં J. bufonius, L. (ઉત્તર ગુજરાત) અને J. Maritimus, Lam. (કચ્છ) નામની બે જાતિઓ થાય છે.

બળદેવભાઈ પટેલ