ચોળા : દ્વિદલા વર્ગની પૅપિલિઓનાસી કુળની વનસ્પતિ. શાસ્ત્રીય નામ Vigna unguiculata (Linn) Walp અને Syn. Vigna sinensis (Linn) Savi ex Hassk છે. ચોળા-ચોળીનાં અન્ય ભાષાઓમાં નામો આ પ્રમાણે છે : સં. निशापावा दीर्घबीजा; હિં. लोबिया, મરાઠી चवळ्या, અંગ્રેજી : કાઉપી.

ચોળા કઠોળ વર્ગનો વેલાવાળો અર્ધટટ્ટાર વર્ષાયુ ક્ષુપ પાક છે, જે એશિયા અને આફ્રિકાના ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, શ્રીલંકા, પશ્ચિમ આફ્રિકા, યુગાન્ડા, રોડેશિયા, ભારત, ચીન વગેરે ગરમ દેશોમાં થાય છે. પાન 7.5થી 15.0 સેમી. લાંબાં, અંડાકાર, પહોળાં કે અર્ધઅંડાકાર હોય છે. ફૂલ ગુચ્છામાં હોય છે અને રંગે સફેદ, જાંબલી કે રતાશ પડતા રંગનાં પીળી છાંટવાળાં હોય છે. ચોળીની શિંગો 10થી 20 બીજવાળી 30 સેમી. લાંબી હોય છે. બીજ જુદાં જુદાં કદ, આકાર અને રંગમાં જોવા મળે છે. બીજ મૂત્રપિંડ આકારનાં હોય છે.

ઉદભવસ્થાન : ચોળાનું ઉદભવસ્થાન કેટલાકના મતે મધ્ય આફ્રિકા છે. ભારત અને ચીન બીજાં બે ઉદભવસ્થાનો ગણાય છે.

ખેતીપદ્ધતિ : ભારતમાં ચોળા અગત્યનો કઠોળ વર્ગનો પાક છે. આમ છતાં, ચોળાનું મહત્વ મગ અને અડદ જેટલું નથી. ભારતમાં આ પાક ખાસ કરીને શાકભાજીના હેતુથી લેવામાં આવે છે. અન્ય દેશોમાં આ પાક પશુઓના ચારા તરીકે અથવા લીલો પડવાશ બનાવવા ઉગાડવામાં આવે છે. ચોળાનો પાક ચોમાસુ પાક તરીકે જુવાર, બાજરી અને રાગી સાથે મિશ્રપાક તરીકે લેવામાં આવે છે. બહુ ઉપયોગી પાક હોવાથી ફેરબદલીમાં ઘઉં, જુવાર, કપાસ, ચણા, તમાકુ, ઓટ સાથે લેવામાં આવે છે.

આબોહવા : એ ગરમ ઋતુનો પાક હોઈ, ગરમ અને ભેજવાળું હવામાન વધુ માફક આવે છે. વધુ પડતી ઠંડી નુકસાન કરે છે. આ પાક ચોમાસા અને ઉનાળાની ઋતુઓમાં ઉગાડવામાં આવે છે. વધુ પડતો વરસાદ આ પાકને નુકસાનકારક છે. વર્ષા ઋતુમાં વવાતી જાત ઉનાળામાં વાવવામાં આવે તો તેની વૃદ્ધિ ખૂબ થાય છે અને ફાલ ઓછો બેસે છે, પરિણામે ઉત્પાદન ઓછું મળે છે.

જમીન : સારા નિતારવાળી વિવિધ પ્રકારની જમીનમાં ચોળાનો પાક થઈ શકે છે, તેમ છતાં તેને મધ્યમ કાળી અને ગોરાડુ જમીન વધુ અનુકૂળ છે. ઉનાળામાં ભારે કાળી જમીનમાં પણ ચોળાનો પાક લઈ શકાય છે.

સુધારેલ જાતો : આ પાકમાં ઘણી જાતો છે. ભારતની અગત્યની જાતો પુસા ફાલ્ગુની, પુસા બાસમતી, પુસા દો ફસલી, પુસા કોમલ, ગુજરાત ચોળા-1 વગેરે છે.

વાવણી : ચોમાસુ પાક તરીકે ચોળાની વાવણી જૂન-જુલાઈ માસમાં અને ઉનાળુ પાક તરીકે ફેબ્રુઆરી-માર્ચ માસમાં 45થી 60 સેમી.ના અંતરે ઓરીને અથવા બે ચાસ વચ્ચે 45થી 60 સેમી. જેટલું અંતર રહે તે રીતે થાણીને કરવામાં આવે છે. હેક્ટરે 25થી 30 કિલોગ્રામ બીજની જરૂરત રહે છે.

પિયત : વાવણી કર્યા પછી હળવું પિયત અપાય છે. ઉનાળુ પાકને 7થી 8 દિવસે પિયત અપાય છે. પાકમાં જરૂરત પ્રમાણે આંતરખેડ અને નીંદણકાર્ય કરતા રહેવું પડે છે.

બૅક્ટેરિયલ કલ્ચર : ચોળાનું વધુ ઉત્પાદન મેળવવા માટે રાઇઝોબિયમ પ્રકારના ઉછેરેલ બૅક્ટેરિયાની માવજત બીજને વાવણી અગાઉ આપવામાં આવે છે.

ખાતર : પ્રાથમિક ખેડ વખતે હેક્ટરે 10 મેટ્રિક ટન છાણિયું ખાતર જમીનમાં નાખી બરાબર ભેળવાય છે. વાવણી વખતે 20 કિગ્રા. નાઇટ્રોજન અને 40 કિગ્રા. ફૉસ્ફરસ જમીનમાં નાખવું પડે છે.

લણણી : ચોળાની વાવણી કર્યા પછી દોઢથી બે મહિને લીલી શિંગો શાકભાજી માટે તૈયાર થાય છે અને તેની વીણણી દોઢથી બે માસ ચાલુ રહે છે. લીલી શિંગોનું ઉત્પાદન જાત અને ઋતુ પ્રમાણે 8000થી 10,000 કિગ્રા. જેટલું મળે છે જ્યારે બીજનું સરાસરી ઉત્પાદન હેક્ટરે 1500થી 2000 કિગ્રા. મળે છે.

પાકસંરક્ષણ : ચોળાના પાકમાં મશી, તડતડિયાં અને શિંગ કોરી ખાનારી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે અને રોગમાં મુખ્યત્વે ભૂકી છારો (પાઉડરી મિલ્ડ્યુ) અગત્યનો રોગ છે. આ જીવાત અને રોગને અટકાવવા પાકસંરક્ષણના ઉચિત ઉપાયો કરવા જોઈએ.

Maruca testulalis G.ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ જીવાતનો રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના પાયરલીડી કુળમાં સમાવેશ થાય છે. ચોળાની આ એક અગત્યની શિંગ કોરનાર ઇયળ છે. ચોળા ઉપરાંત વાલ, અડદ, મગ, મઠ, ચણા અને તુવેર જેવા ખેતીપાકને તે નુકસાન કરે છે. આ જીવાત ઢેન્ચિયા જેવા લીલા પડવાશના પાકમાં પાન જોડી દઈને પણ નુકસાન કરે છે. ફૂદાંની અગ્ર પાંખ ઘાટા બદામી રંગની તથા ઉપરની બાજુ સફેદ પટ્ટી ધરાવે છે, જ્યારે પાછળની પાંખ સફેદ અને ઘાટી કિનારીવાળી હોય છે. માદા ફૂદી કળી, ફૂલ અને કુમળી શિંગો પર છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. ઈંડાં સેવાતાં નીકળેલી ઇયળ લીલા રંગની અને બદામી માથાવાળી હોય છે. શરીર પર કાળા વાળ ધરાવે છે. તે કળી ફૂલ અથવા શિંગમાં કાણું પાડી અંદર દાખલ થાય છે અને શિંગની અંદર વિકસતા દાણાને ખાય છે. શિંગમાં દાખલ થયા બાદ કાણાંને હગારથી બંધ કરી દે છે. ઉપદ્રવવાળા ભાગો પર જ જાળા જેવું બનાવી એકબીજા સાથે જોડી દઈ તેમાં ભરાઈ રહે છે. આ ઇયળો પુખ્ત બનતાં 1.5થી 2.0 સેમી. લાંબી ને લીલાશ પડતા બદામી રંગની બને છે. આવી પુખ્ત ઇયળો જમીન પર ખરી પડેલાં પાન કે કચરામાં છોડની નજીક પીળાશ પડતા લીલા રંગના કોશેટા બનાવે છે. આ જીવાતને અસરકારક રીતે કાબૂમાં લેવા માટે મોમોક્રોટોફૉસ 0.036 % અથવા એન્ડોસલ્ફાન 0.07 %નું પ્રવાહી મિશ્રણ જરૂરિયાત મુજબ છંટાય છે.

ઉપયોગ : પાકના વાવેતરથી જમીનનું ધોવાણ અટકે છે. લીલો પાક પશુના ચારા માટે તેમજ લીલા પડવાશ તરીકે ઉપયોગી છે. લીલી શિંગો શાકભાજી માટે વપરાય છે. વળી પશુના દાણમાં પણ તે વપરાય છે. આ પાકનાં બીજ તેમજ ચારામાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે.

ઝીણાભાઈ શામજીભાઈ કાત્રોડિયા

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

પરબતભાઈ ખી. બોરડ