ચોળમંડલમ્ : દક્ષિણ ભારતનું અનન્ય કલાકાર ગ્રામ. કેવળ કલાકારો માટેની વસાહતની આ યોજના કે. સી. એસ. પનિકર (1911–1977) જેવા ચિત્રકાર તથા અન્ય દક્ષિણ ભારતીય કલાકારોએ સેવેલી કલ્પનાનું મૂર્ત સ્વરૂપ છે. મોટે ભાગે બને છે તેમ, દક્ષિણ ભારતીય કલાકારોને કલાનું શિક્ષણ કે તેની તાલીમ પૂરી કર્યા બાદ વ્યવસાયની વિષમતા કે આર્થિક વિટંબણા ભોગવવી પડતી. તેમને કાં તો કલાસંસ્થામાં શિક્ષક તરીકે જોડાવું પડતું અથવા વ્યવસાયી (commissioned) કલાકાર બનીને જીવવું પડતું. કલાકાર પોતાની સર્જનાત્મક નિષ્ઠા તથા વ્યક્તિત્વનો ભોગ આપ્યા સિવાય જીવનનિર્વાહ મેળવી શકે એ વાતની અગત્ય સૌપ્રથમ પનિકરને સમજાઈ. વળી તેમણે એ પણ વિચાર્યું કે ભારતની ભૂમિજાત હસ્તકલાનાં પરંપરા અને વારસો ખૂબ સમૃદ્ધ હતાં તેમજ ભારતની હાથકારીગરીની વસ્તુઓ માટે નિકાસની પુષ્કળ શક્યતા હતી. એ સંદર્ભમાં હસ્તકલાના કારીગરોને પણ સ્વમાનપૂર્વક તથા વળતરદાયક રોજગારી મળી રહેવી જોઈએ એ તરફ પણ ધ્યાન દોરાયું. આ બધી વિચારણાના ફળસ્વરૂપે પનિકર તથા બીજા આશરે 40 કલાકારોએ ભેગા મળી આ ખ્યાલને સાકાર કરવા ફેબ્રુઆરી 1964માં ‘આર્ટિસ્ટ હૅન્ડિક્રાફ્ટ ઍસોસિયેશન’ની સ્થાપના કરી.

આ મંડળના ઉપક્રમે કલાકારો પોતાની સર્જનાત્મકતાનો તથા કલાકૃતિઓની ગુણવત્તાનો ભોગ આપ્યા સિવાય ખાસ્સી આવક મેળવવા લાગ્યા. કલાકૃતિઓનું દેશવિદેશમાં વ્યાપક ધોરણે વેચાણ થવાથી તથા તેના પ્રદર્શન નિમિત્તે વેચાણમાં મળતર મળવાથી કલાકારો ઠીક ઠીક રકમ ભેગી કરી શક્યા અને પરિણામે આ કલાકારજૂથે ચેન્નાઈથી મહાબલિપુરમ્ જવાના રસ્તે કોરમાંડલ દરિયાકાંઠા નજીક 3.25 હેક્ટર જમીન ખરીદી. તેમાં 40 ઉપરાંત ચિત્રકારો તથા શિલ્પકારોને વસવાટ માટે પ્લૉટ ફાળવવામાં આવ્યા. ત્યાં નામી કલાકાર-વિવેચક એમ. વી. દેવનની ડિઝાઇન મુજબ ઓછી કિંમતનાં ઘરો તથા સ્ટુડિયો બાંધવામાં આવ્યાં. પ્રદર્શન માટે ગૅલરી તથા નાના પુસ્તકાલયની સુવિધા ઊભી કરવામાં આવી.

આ કલાકાર ગ્રામના કલાકારની કૃતિના વેચાણમાંથી મળતી નફાની રકમ કલાકારને જ મળતી અને અમુક નાના હિસ્સા જેટલી રકમ ટ્રસ્ટ રૂપે એકઠી કરાતી; ટ્રસ્ટમાંથી કલાકારને દર મહિને અમુક આવક મળ્યા કરતી. આમ કલાકારના જીવનમાંથી આર્થિક હાડમારીના સંકટનું નિવારણ થયું.

કલાકારના જીવનમાં કોઈ દુર્ઘટના બનવાના પ્રસંગે, એક સહકારી મંડળી તરીકે આ ટ્રસ્ટ પારિવારિક સહાયની પણ જોગવાઈ કરતું.

ચોળમંડલ કલાકાર ગ્રામની સ્થાપનાની મહત્વની સિદ્ધિ તે કલાકારો તથા હાથકારીગરોનું પુન: જોડાણ તથા તેમના વિશેના ખ્યાલોની ફેરવિચારણા. વળી કલાકાર ગ્રામનો આ ખ્યાલ લલિતકલા પૂરતો સીમિત ન રહેતાં, સાહિત્ય, સંગીત, નાટ્ય વગેરે જેવાં કલાક્ષેત્રોમાં પણ સ્વીકાર અને પ્રસાર પામ્યો. જર્મની તથા પોલૅન્ડ જેવા વિદેશોમાંથી પણ આ અભિનવ પ્રયોગને પ્રોત્સાહન સાંપડ્યું છે.

મૂળ વિચારબીજમાંથી આ કલાકાર ગ્રામનો ઘણો વિકાસ થયો છે પણ લાગે છે કે પ્રારંભિક ઉત્સાહ અને જોશ થોડાં ઠંડાં પડી ચૂક્યાં છે. ચોળમંડલની નિશ્રામાં પ્રગતિ સાધી પ્રતિષ્ઠા મેળવનારા કેટલાક કલાકારો આ કર્મભૂમિ છોડી બીજે રહેવા ગયા છે. છતાં અહીં વસેલા બીજા કેટલાક પીઢ કલાકારો તથા અન્ય નવોદિતો ઊજળી આશા જન્માવી રહ્યા છે.

એમ. એલ. જૉની

અનુ. મહેશ ચોકસી