ચોંગકિંગ (ચુંગકિંગ) : ચીનનાં મોટાં શહેરોમાંનું એક શહેર. ચીનનાં મોટા ભાગનાં શહેરો પૂર્વના દરિયાકિનારાના ભાગમાં વિકસ્યાં છે. પરંતુ ચોંગકિંગ દરિયાકિનારાથી દૂર પશ્ચિમમાં સેચવાન પ્રાન્તમાં છે. તે 29° 10’ ઉત્તર અક્ષાંશ અને 160° પૂર્વ રેખાંશ પર આવેલું છે. જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 7° સે. અને ઑગસ્ટનું 29° સે. નોંધાય છે. વાર્ષિક વરસાદનું પ્રમાણ 800 મિમી. છે. ચોંગકિંગનું ભૌગોલિક સ્થાન ચીનની ઓછી વસ્તીવાળા વિસ્તારમાં છે. સેચવાન થાળાનું મેદાન લાલ પથ્થરના પહાડોથી ઘેરાયેલું હોવાથી તેને ‘રેડ બેસિન’ નામ પણ આપવામાં આવે છે. ચોંગકિંગ શહેર યાંગત્સે નદીની મધ્ય ખીણમાં છે. ત્યાં મિન, લૂ, ફૂ અને કિયાલિંગ નદીઓ મળે છે. ખેતી માટેની ફળદ્રુપ કાંપની જમીન તથા ઔદ્યોગિક વિકાસને કારણે અહીં ગીચ વસ્તી છે. સેચવાન પ્રાન્તનું પાટનગર ચેંઝુ છે. પરંતુ ચોંગકિંગ શહેર તેના કરતાં બેગણી વસ્તી (70 લાખ) (2005) ધરાવે છે. રસ્તા, રેલવે હવાઈ કેન્દ્ર તથા અનેક મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ચોંગકિંગનું વિશેષ મહત્વ જોવા મળે છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ