ઍમસ્ટરડૅમ : નેધરલૅન્ડ્ઝની રાજધાની, દેશના વ્યાપાર અને ઉદ્યોગનું પ્રમુખ કેન્દ્ર તથા પૂર્ણ વિકસિત બંદર. ભૌ. સ્થાન : 52o 22′ ઉ. અ. અને 4o 54′ પૂ. રે.. દેશની પશ્ચિમે, ઉત્તર હોલૅન્ડ પ્રાંતમાં, ઉત્તર સમુદ્રની નાની ખાડી પર આ નગર વસેલું છે. શહેરની વચ્ચેથી ઍમસ્ટેલ નદી વહે છે. તેના પર 1270માં બનાવવામાં આવેલા ઍમસ્ટેલ બંધ પરથી આ નગરને ઍમસ્ટરડૅમ નામ આપવામાં આવ્યું છે. નહેરો તથા પુલોની બાબતમાં આ શહેર ઇટાલીના વેનિસ કરતાં પણ ચઢિયાતું છે. તેના 90 ટાપુઓ (દ્વીપકલ્પો) 600 જેટલા પુલોથી જોડવામાં આવ્યા છે. 1808માં લુઈ બોનાપાર્ટે પાટનગર તરીકે તેની પસંદગી કરી હતી. જોકે સરકારી કાર્યાલયો હેગ ખાતે જ રાખવામાં આવેલાં. શહેરનો વિસ્તાર 167 ચોકિમી. તથા મહાનગરનો વિસ્તાર 458 ચોકિમી. છે. શહેરની વસ્તી 8.22 લાખ (2019) તથા મહાનગરની વસ્તી 15 લાખ (2019) છે. ઉનાળામાં શીતલ અને શિયાળામાં ઠંડી આબોહવા ધરાવતા આ શહેરમાં બારે માસ ભેજવાળું વાતાવરણ હોય છે. સરેરાશ વાર્ષિક વરસાદ 850 મિમી. થાય છે.
સોળમી સદીમાં યુરોપના અન્ય દેશોમાંથી ઘણા ધાર્મિક વિસ્થાપિતોએ આ નગરમાં શરણ લીધું હતું, જેને લીધે તેને ‘સહિષ્ણુતાનું નગર’ એવું ઉપનામ આપવામાં આવ્યું હતું. સત્તરમી સદીમાં ત્યાં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની (1602) તથા એક્સચેન્જ બૅન્ક (1609) સ્થપાતાં તેના ઝડપી આર્થિક વિકાસને ઉત્તેજન મળ્યું હતું. બૅન્કની સ્થાપનાને લીધે આ નગર ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય નાણા-કેન્દ્ર બન્યું હતું. ત્યાંનું સ્ટૉક એક્સચેન્જ વિશ્વના જૂનામાં જૂના સ્ટૉક એક્સચેન્જમાંનું એક છે. વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર તથા ચિત્રવિલેખનકાર (etcher) રૅમ્બ્રાઁ (1606-69) તેના જીવનનાં છેલ્લાં લગભગ 39 વર્ષ (1631-69) સુધી આ નગરમાં રહ્યો હતો, જેનો નગરવાસીઓ ગૌરવભેર ઉલ્લેખ કરે છે. તેના મકાનમાં તેની કલાકૃતિઓના ઘણા નમૂનાઓનું સંગ્રહાલય છે. 1787માં નગર પર પ્રુશિયાએ તથા 1795માં ફ્રાન્સે પોતાનું શાસન જમાવ્યું હતું.
નગરની પ્રાચીન સમૃદ્ધિ તથા ગૌરવની યાદ અપાવે તેવી ઘણી બાબતો ત્યાં હજુ પણ મોજૂદ છે; દા. ત., ખ્રિસ્તી દેવળો; મિનારાઓ, રાજપ્રાસાદો, સંગ્રહાલયો, પોર્ટુગીઝ દેવળ વગેરે. આધુનિક જમાનામાં ત્યાં કેટલાંક સંગ્રહાલયો, વનસ્પતિ-ઉદ્યાનો, પ્રાણીબાગ અને નવી ઇમારતોનો ઉમેરો થતાં નગરના સૌંદર્યમાં વધારો થયો છે. નગરથી 8 કિમી.ને અંતરે શિફોલ નજીક આંતરરાષ્ટ્રીય વિમાનમથક છે. 1960થી આ શહેરે ઉદ્દામવાદ(radicalism)નું કેન્દ્ર વિકસાવ્યું છે, નવી સભાનતા સાથેની પર્યાવરણ અંગેની નીતિઓ સ્વીકારી છે તથા કાઉન્સિલની સત્તાઓનું વિકેન્દ્રીકરણ કર્યું છે.

ટાઉન હૉલ, ઍમસ્ટરડૅમ
નગરમાં હીરાઉદ્યોગ, ખાંડનું શુદ્ધીકરણ, કાપડ, રસાયણ તથા વહાણવટાના ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. ત્યાં બે યુનિવર્સિટીઓ છે : મ્યુનિસિપલ વિશ્વવિદ્યાલય તથા ફ્રી વિશ્વવિદ્યાલય.
ઇતિહાસ : તેની સ્થાપના આશરે ઈ. સ. 1200માં માછીમારોના ગામ તરીકે થઈ હતી. તે પછી ત્યાં બંધ બાંધવામાં આવ્યો. તે પછી તે ગામ વહાણો દ્વારા માલ મોકલવા માટે વપરાતું. પંદરમી સદીમાં ઍમસ્ટરડૅમ યુરોપના વેપારના સમૃદ્ધ મથક તરીકે વિકસ્યું હતું. સોળમી સદીના છેલ્લા બે દાયકામાં તે શહેરનો ઝડપી વિકાસ થયો. તે સમયે અને પછીનાં 100 વર્ષ પર્યંત હજારો રાજકીય અને ધાર્મિક નિરાશ્રિતો જુલમથી બચવા માટે નાસીને ઍમસ્ટરડૅમમાં આવ્યા. તેઓમાં પૉર્ટુગલના યહૂદીઓ, ઍન્ટવર્પના પ્રૉટેસ્ટન્ટ વેપારીઓ તથા અન્ય નગરોના લોકોનો સમાવેશ થતો હતો. તે શહેરમાં વેપાર અને ઉદ્યોગો વિકસાવવામાં નવાગંતુકોએ સહાય કરી. તેથી આ શહેરનો વેપાર આફ્રિકા, અમેરિકા, ઈસ્ટ ઇન્ડિઝ વગેરે પ્રદેશો સાથે વિસ્તર્યો. સત્તરમી સદીમાં ઍમસ્ટરડૅમ યુરોપનું સૌથી મોટું વેપારનું કેન્દ્ર હતું અને તેનું સાંસ્કૃતિક જીવન પણ સમૃદ્ધ થયું હતું. અઢારમી સદીમાં ઍમસ્ટરડૅમનો મોટા નાણાકીય કેન્દ્ર તરીકે વિકાસ થયો. ત્યાંના શરાફો સમગ્ર યુરોપમાં નાણાં ધીરતા હતા. તેઓ વિદેશી સરકારોને પણ નાણાં ધીરતા હતા. ફ્રાંસે 1795માં નેધરલૅન્ડ્ઝ કબજે કર્યું અને ઍમસ્ટરડૅમને પાટનગર બનાવ્યું; પરંતુ 1813માં સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ ડચ પ્રજાએ હેગમાં સરકાર સ્થાપી. ફ્રેન્ચ શાસન દરમિયાન ઍમસ્ટરડૅમના અર્થતંત્રનો નાશ થયો. પ્રથમ વિશ્વયુદ્ધમાં આ દેશ તટસ્થ રહ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન લશ્કરે આ શહેર કબજે કરી ત્યાંના યહૂદીઓનો નાશ કર્યો. 1944માં ત્યાં ભયંકર દુષ્કાળ પડ્યો અને હજારો લોકો ભૂખે મર્યા. 1945માં દેશ સ્વતંત્ર બન્યો. તેણે તટસ્થતાની પ્રણાલિકાગત વિદેશનીતિનો ત્યાગ કર્યો. બીજા વિશ્વયુદ્ધ બાદ ત્યાં રહેઠાણોની તીવ્ર તંગી પ્રવર્તી. સિત્તેરના દાયકામાં અનેક રહેઠાણો બાંધવામાં આવ્યાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
હેમન્તકુમાર શાહ
જયકુમાર ર. શુક્લ