પ્લવકો (planktons)

February, 1999

પ્લવકો (planktons) : દરિયો, તળાવ કે અન્ય કોઈ પણ જળાશયમાં પાણીના પ્રવાહ સાથે, વિવિધ સ્તરે આમતેમ ઠસડાઈને તરતા સૂક્ષ્મ જીવો. કેટલાક સૂક્ષ્મ જીવો પાણીમાં સ્વતંત્ર રીતે તરી શકે છે; પરંતુ પાણીના પ્રવાહ સામે તણાઈ જતાં પોતાની જાતને અટકાવી શકે તેટલું સામર્થ્ય પ્લવકોમાં હોતું નથી. કેટલાંક પ્લવકો સંપૂર્ણ જિંદગી પાણીમાં તરીને પસાર કરે છે. તેમને સંપૂર્ણ પ્લવકો (holo-planktons) કહે છે. જ્યારે અંશ-પ્લવકો (mero-planktons) માત્ર જિંદગીની શરૂઆતની અવસ્થામાં, ઈંડાં કે ડિમ્ભો તરીકે પાણીમાં તરતા માલૂમ પડે છે અને સમયની સાથે તેઓ ઊંડા પાણીમાં, તળિયે કે કોઈ પણ વસ્તુને ચોંટી  વિકાસ દ્વારા અચલ (sedentary) પ્રાણી તરીકે પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. નાનીમોટી માછલી, સ્તરકવચી, મૃદુકાય જેવાંનાં ઈંડાં કે ડિમ્ભો અંશ-પ્લવકો તરીકે પાણીમાં તરતાં જણાય છે. મોટાભાગનાં પ્લવકો કદમાં સૂક્ષ્મ હોવાના કારણે તેમને માત્ર સૂક્ષ્મદર્શકો દ્વારા નિહાળી શકાય છે.

પ્લવકો બે જાતના હોય છે : વનસ્પતિ-પ્લવકો (phyto-planktons) અને પ્રાણી-પ્લવકો (zoo-planktons). સામાન્યપણે મોટાભાગના વનસ્પતિ-પ્લવકો નીલકણ(chloroplast)યુક્ત હોવાથી પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા વડે, સૂર્યકિરણોમાં રહેલ કાર્યશક્તિનું શોષણ કરી જીવરસના ભાગરૂપે આવેલા બંધારણાત્મક અને કાર્યશક્તિના સંગ્રહ માટે અગત્યનાં જૈવ રસાયણોનું ઉત્પાદન કરી શકે છે; જ્યારે જળાશયોમાં વાસ કરતા પ્રાણીસૃષ્ટિના સભ્યો એક યા બીજા સ્વરૂપમાં પ્લવકોને આહાર તરીકે સ્વીકારી પોતાની જિંદગી પસાર કરે છે. પરિણામે વનસ્પતિ-પ્લવકો જળાશયોની ખોરાક-શૃંખલા(food-chain)માં અન્ન-ઉત્પાદકો (producers) તરીકે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. દરિયાની વનસ્પતિસૃષ્ટિ મુખ્યત્વે વનસ્પતિ-પ્લવકોની બનેલી હોય છે. ભારતીય વિજ્ઞાની ડૉ. કાસીમે 1972માં કરેલ એક ગણતરી  મુજબ દરિયામાં વસતાં સજીવોની સંખ્યા નીચે મુજબની છે :

         પ્રકાર વસ્તી (કરોડ ટનમાં)
 (1) વાનસ્પતિક પ્લવકો 20,000
 (2) પ્રાણી-પ્લવકો 2,000
 (3) મુખ્યત્વે પ્રાણી-પ્લવકોનું ભક્ષણ કરીને જિંદગી પસાર કરનાર નાનાં-મોટાં પ્રાણીઓ 200
 (4) માંસાહારી પ્રાણીઓ 20

આહાર તરીકે અન્ય જીવંત પદાર્થોનું પ્રાશન કરનાર સજીવોને ઉપભોક્તા (consumers) કહે છે. અનુક્રમે પ્રાણી-પ્લવકો, તેમનું પ્રાશન કરનાર નાનાંમોટાં પ્રાણીઓ તેમજ માંસાહારી પ્રાણીઓને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કક્ષાના ઉપભોક્તા તરીકે ઓળખવામાં આવે છે.

વનસ્પતિ-પ્લવકો સૂર્યકિરણોમાંથી કાર્યશક્તિનું શોષણ કરતા હોવાથી તે મુખ્યત્વે જળાશયોના ઉપલે સ્તરે જોવા મળે છે, જ્યારે પ્રાણી-પ્લવકો સૂર્યકિરણાથી દૂર રહેવાનું પસંદ કરતા હોવાથી તે કિરણોથી દૂર એટલે કે પાણીના નીચલે સ્તરે સ્થળાંતર કરે છે. સંધ્યાસમયે ફરીથી તે ઉપલી સપાટી તરફ પ્રયાણ કરતાં જણાય છે. આમ માત્ર રાત્રિ દરમિયાન પ્રાણી-પ્લવકો જળાશયોના ઉપલે સ્તરે મોટી સંખ્યામાં જોવા મળે છે.

જળાશયોમાં વસતા જુદી જુદી જાતનાં પ્લવકો : (1) ડાયએટમો : મોટાભાગના વનસ્પતિ-પ્લવકો ભૂરાં શેવાળ(brown algae)નાં બેસિલારિયોફાયસી કુળના ડાયએટમો તરીકે ઓળખાતા એકકોષીય સૂક્ષ્મ જીવોના બનેલા હોય છે. ડાયએટમોની દીવાલ કિનારા તરફ એકબીજાને ઢાંકે એવા બે ભાગોની બનેલી હોય છે. દીવાલ સિલિકા વડે સંધાયેલી હોવાને કારણે આ સૂક્ષ્મ જીવો દેખાવે વિવિધ આકારના કાચના મણકા (jewels) જેવા હોય છે. (2) કશાધારી વનસ્પતિ (flagellata) : દરિયામાં કશાધારી વનસ્પતિ તરીકે મુખ્યત્વે ડાયનોફ્લેજેલેટ જોવા મળે છે; જ્યારે અન્ય વનસ્પતિઓમાં સિરેશિયમ કોરેથ્રૉન જેવાનો સમાવેશ થાય છે. મીઠાં જળાશયોમાં ક્લૉરોફાયસી, સાયનોફાયસી, યુગ્લિનીને જેવા કશાધારી પ્લવકો વાસ કરતા હોય છે. (3) પ્રાણી-પ્લવકો : પ્રાણી-પ્લવકો મુખ્યત્વે ઈંડાં (eggs) અને ડિમ્ભોના બનેલા હોય છે. જોકે કેટલાંક પુખ્ત પ્રાણીઓ પણ પ્લવકો તરીકે જળાશયોના વિવિધ સ્તરે વાસ કરતાં હોય છે. સ્તરકવચી પ્રાણીઓનાં ડિમ્ભો સારી સંખ્યામાં વાસ કરતાં હોય છે. દરિયામાં ઑસ્ટ્રેકોડા શ્રેણીના સ્તરકવચીનાં ડિમ્ભો સવિશેષ મળે છે જ્યારે મીઠાં જળાશયોમાં કોપિપોડ સ્તરકવચીનાં ડિમ્ભો સારી સંખ્યામાં જોવા મળે છે. ઑસ્ટ્રેકોડા, અને કોપિપોડા ઉપરાંત ડેકાપોડા શ્રેણીના સ્તરકવચીઓનાં ડિમ્ભો પણ પાણીમાં તરતાં હોય છે. દરિયાનાં અન્ય પ્રાણીઓનાં ડિમ્ભોમાં નૂપુરકો, શૂળત્વચી, મૃદુકાય સમુદાયના સજીવોનો સમાવેશ થાય છે; તદુપરાંત કીટોનાથા, સાયનોફોરા, મેડ્યુસા, એપેન્ડિક્યુલેરિયા, ટ્યૂનિકેટા બાલ્ય કે પુખ્તાવસ્થાનાં પ્રાણીઓ પણ પ્લવકો તરીકે દરિયાના પાણીમાં આમતેમ તરતાં હોય છે.

મીઠાં જળાશયોમાં અન્ય પ્રાણી-પ્લવકો તરીકે રોટીફેરા સૂક્ષ્મ જીવો સારી સંખ્યામાં વસે છે. તદુપરાંત વૉલવૉક્સ, એમીબા, પૅરામીશિયમ, હિલિયોઝોવા, કોલોસ (પક્ષ્મધારી) પ્રજીવો પણ પ્લવકો તરીકે આવેલા  હોય છે. મીઠાં જળાશયોમાં વસતાં પુખ્ત અવસ્થાનાં પ્રાણીઓ તરીકે સાઇક્લોલ્સ અને ડૅફિનયા (ક્લૅડોસિરા) જેવાનો પણ સમાવેશ થાય છે.

પર્યાવરણિક પરિબળોની પ્લવકો પર થતી અસર : ખંડીય છાજલી (continental shelf) વિસ્તારમાં ચોમાસાની શરૂઆતથી નૈર્ઋત્ય દિશાએથી ફૂંકાતા પવનને લીધે દરિયામાં ચક્રવાતો (cyclones) અને વિનાશકારી વંટોળો (tornedo) ઉત્પન્ન થાય છે. તદુપરાંત દરિયાકિનારાને સમાંતર ફૂંકાતાં તોફાનોની સંયુક્ત અસર હેઠળ આ પ્રદેશમાં ઊર્ધ્વારોહણ ઘટના (upwelling phenomenon) ઉત્પન્ન થાય છે. પરિણામે આ પ્રદેશમાં પાણીનું પરિભ્રમણ થતાં દરિયાના તેના પ્રવાહ સાથે તળિયે આવેલાં પોષક તત્વો ઉપલા સ્તરે પ્રસરે છે. આ પોષક તત્વોને મેળવીને પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા વડે પ્લવકો પોતાનાં વિકાસ અને વૃદ્ધિ સાધે છે. પરિણામે ચોમાસા દરમિયાન દરિયામાં પ્લવકોની સંખ્યામાં સારો એવો વધારો થાય છે.

પૂરબહાર (bloom) : અનુકૂળ પરિબળોને અધીન પ્લવકોની સંખ્યા ઝડપથી એટલે કે સમગુણોત્તર પ્રમાણમાં (geometrical ratio) વધતાં  તેમની વસ્તી ગીચ બને છે. પ્લવકોની વધતી આ ઘટના ‘પૂરબહાર’ તરીકે ઓળખાય છે અને પૂરબહારને લીધે પાણી ડહોળાયેલું દેખાય છે. પ્લવકોની સંખ્યામાં વધારો થતાં તેમના પ્રાશનથી પ્રાણી-પ્લવકો વિકાસ અને વૃદ્ધિ પામે છે અને ક્રમશ: સજીવોની વસ્તીની ગીચતાને લીધે પાણીમાંનાં પોષક તત્વોનું પ્રમાણ ઘટે છે. પરિણામે વાનસ્પતિક  પૂરબહારનું પ્રમાણ ઘટે છે.

પ્લવકો બાંગડા (mackerel) અને તારલી (sardine) જેવી માછલીઓનો મુખ્ય આહાર હોય છે. પરિણામે આ માછલીઓ ખોરાકથી આકર્ષાઈને કિનારા તરફ પ્રયાણ કરી ત્યાંથી ઉત્તર દિશા તરફ સ્થળાંતર કરે છે. બાંગડા માછલીનો જથ્થો ચોમાસાને અંતે પશ્ચિમ કિનારાએ કેરાળાના ઉત્તર ભાગમાં પ્રવેશે છે અને ધીમે ધીમે કોંકણ પ્રદેશમાં પ્રવેશ કરીને લગભગ રત્નાગિરિ સુધી કિનારાને સમાંતર સ્થળાંતર કરતો હોય છે. આ એક ઉપલે સ્તરે મળતી ખોરાકી માછલીને મુખ્યત્વે રાંપણી નામે ઓળખાતી જાળ વડે મોટી સંખ્યામાં પકડાય છે. જોકે યાંત્રિક હોડીની મદદથી પર્સ-સીન નામે ઓળખાતી જાળ વડે પણ આ માછલી પકડાય છે.

Flagellaria oceana – ડાય એટમો તારલી માછલીનો મનગમતો ખોરાક છે. આ પ્લવકો ચોમાસાના અંતે દક્ષિણ કર્ણાટક, કેરાળા, તામિલનાડુ અને આંધ્રના કિનારાએ સારી સંખ્યામાં વસે છે. તેથી આ પ્લવકોનું પ્રાશન કરવા તારલી માછલી સ્થળાંતર કરીને કિનારા તરફ આવેલા પ્લવકોનું પ્રાશન કરે છે. આ પ્રદેશમાં તારલીને તરતી જાળ વડે મોટી સંખ્યામાં પકડાય છે. પ્લવકોની આવી ઉપલબ્ધિને અનુલક્ષીને સપ્ટેમ્બરથી મે મહિના સુધી બાંગડા અને તારલી માછલી પકડવાનો ઉદ્યોગ ચાલતો હોય છે.

લાલ ઘટના (red tide) : ઘણી વાર માત્ર એક જ જાતના પ્લવકોની સંખ્યામાં બેહદ વધારો થતાં જળાશયોનું પાણી જે તે પ્લવકોના રંગના જેવું દેખાય છે. ગુજરાતનાં ઘણાં જળાશયો ચોમાસાને અંતે ભૂરા રંગનાં દેખાય છે, જે શેવાળની વિપુલતા સૂચવે છે. ઘણી વાર મધ્યાહ્ન સમયે  જળાશયો લાલ વાદળીની અસર હેઠળ રંગે લાલ દેખાય છે. ખાસ કરીને ડાયનોફ્લેજેલેટા સૂક્ષ્મ જીવોની સંખ્યા વિપુલ પ્રમાણમાં વધવાથી પાણી લાલ રંગ ધારણ કરે છે. રાતો સમુદ્ર (red sea) અવારનવાર ઉદભવતા  tricho desmium erythream શેવાળની વિપુલતાને લીધે રંગે લાલ દેખાય છે. તેથી તેનું નામ પણ ‘રેડ સી’ પડ્યું છે.

રિમોટ સેન્સિંગ : રિમોટ સેન્સિંગ વડે જળાશયોનાં પ્લવકો વિશેની માહિતી મેળવી શકાય છે. દા.ત., રિમોટ સેન્સિંગ દ્વારા નિરીક્ષણ કરવાથી ભારતના પશ્ચિમ કિનારા તરફનો અપતટ પ્રદેશ, ચોમાસા પછી લીલા રંગની લાંબી પટ્ટી જેવો દેખાય છે, જે વનસ્પતિ-પ્લવકોની વિપુલતા સૂચવે છે. અમુક માછલીઓ માટે પ્લવકો મુખ્ય આહાર હોવાથી મત્સ્યોદ્યોગની ર્દષ્ટિએ આ એક અગત્યની માહિતી છે. આ માહિતી અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (space application centre) દ્વારા ઉપલબ્ધ થાય છે.

મ. શિ. દૂબળે

રા. ય. ગુપ્તે