પ્લવન (flotation)

February, 1999

પ્લવન (flotation) : વિભિન્ન પ્રકારના ઘન પદાર્થોને એકબીજાથી છૂટા પાડવાની અથવા કાચી ધાતુવાળી માટી(gangue)માંથી ખનિજને અલગ કરવાની ઔદ્યોગિક પદ્ધતિ. આ માટે ખનિજના ગાંગડાને દળી; પાણી, તેલ તથા આ તેલ વડે ખનિજના ઘન કણોને ચયનાત્મક (preferential) રીતે ભીંજવતાં ખાસ રસાયણો તેમાં ઉમેરી હવા ફૂંકી ખૂબ હલાવવામાં આવે છે. તેમાં ફીણ ઉત્પન્ન કરતો પદાર્થ ઉમેરવામાં આવે તો પરપોટા સ્થાયી થઈ ફક્ત અયસ્ક(ore)ના કણોને વળગી રહી તેમને સપાટી ઉપર લાવે છે. જ્યારે માટીના નકામા કણો તળિયે રહે છે. ઉપર તરતા ફીણ(froth)ને અલગ કરવાથી ખનિજનું સંકેન્દ્રીકરણ થઈ શકે છે. આ વિધિને ફીણતારણ કે ફેનપ્લવન-પદ્ધતિ કહે છે. તેનો ઉપયોગ ખાસ કરીને જસત, તાંબું અને સીસા જેવી ધાતુઓનાં બિનલોહ અયસ્કોનાં સંકેન્દ્રણ માટે થાય છે. આ માટે પાઇન અથવા નીલગિરિનું તેલ, સોડિયમ આલ્કાઇલ સલ્ફેટ, ઝેન્થેટ જેવા પદાર્થો વપરાય છે. સક્રિયક (activator) તરીકે સોડિયમ સલ્ફાઇડ વપરાય છે.

ગૌતમ ઉપાધ્યાય