પિઠોરો : રાઠવા આદિવાસીઓની લોકકળાશૈલી. પૂર્વીય ગુજરાત અને પ્રશ્ચિમી મધ્યપ્રદેશના વિસ્તારોમાં તે પ્રચલિત છે. છોટા ઉદેપુર નર્મદા અ વડોદરા જિલ્લાના રાઠવા આદિવાસીઓ ઘરની દીવાલો પર તેનું ચિતરામણ કરાવે છે, જેનું ધાર્મિક મહત્વ છે. આ રાઠવા આદિવાસીઓ ‘પિઠોરો’ને એમનો અગત્યનો દેવ માને છે અને તેને તેઓ આદરપૂર્વક ‘બાબો પિઠોરો’ કહે છે. રાઠવા જાતિના લોકો માને છે કે તેમની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરી તેમના જાનમાલ અને આરોગ્યનું પિઠોરો રક્ષણ કરે છે. લોકકળાઓના વિષયમાં લોકોનાં જીવન, ધાર્મિક માન્યતાઓ, લોકકથાઓ અને પ્રકૃતિ સહજ રીતે વણાયેલાં હોય છે. એ રીતે પિઠોરા શૈલીનાં ચિત્રોમાં પણ આ વિષયો જોવા મળે છે.

આ ચિત્રો મૂળ તો ભીંત પર ચીતરવા માટે છે, પરંતુ હવે કાપડ અને લાકડા પર પણ તે ચીતરાય છે. પિઠોરાની  ચારેબાજુ કાળા રંગના પટ્ટા દોરવામાં આવે છે જે ધરતીની હદ કહેવાય છે. તેની નીચેની બાજુએ અંદર આવવાનો રસ્તો રાખવામાં આવે છે. અને બંને બાજુએ બે વાઘના પંજા નીચે ડુક્કર દબાયેલું હોય તેમ દોરવામાં આવે છે. ડાબે ખૂણે સૂરજ અને જમણે ખૂણે ચંદ્ર દોરવામાં આવે છે. પિઠોરાની વચમાં મુખ્ય ઘોડા એટલે કે પિઠોરાનો ઘોડો, પિઠોરીનો ઘોડો, ઇન્દ્રરાજાનો ઘોડો અને હુડોળનો ઘોડો દોરવામાં આવે છે અને આ સાથે બીજા ઘોડાઓ પણ દોરવામાં આવે છે. આમાં ઇન્દ્રના ભાણેજ પિઠોરાના લગ્નની જાન, ગણેશાદિ દેવદેવતા સાથેના અશ્વારૂઢ મોભાદાર જાનૈયાઓ, પરલોકમાંથી લગ્ન માણવા આવેલા લોકો, પશુપંખી, દશમાથાળો માનવી, અલંકૃત ઘોડાઓ, ખેતરમાં બળદો અને હળ સાથે ખેતી કરતો ખેડૂત, શિકાર ખેલતા ડામોર દેવ, કૂવામાંથી પાણી ખેંચતી સ્ત્રી, વલોણું ફેરવતી અને દૂધ દોહતી સ્ત્રીઓ, મધમાખીનો મધપૂડો, વાવ, ખેતર, ઘડિયાળ, હાથપંપ, હેલિકૉપ્ટર તેમજ બીજી અનેક રોજિંદી ક્રિયાઓ અને અન્ય પ્રસંગોનું ચિત્રણ કરવામાં આવે છે. આ ચિત્રો ચમકીલા, ભભકાદાર અને કુદરતી રંગોમાંથી બનાવાય છે. ગળીમાંથી બનાવેલો ભૂરો રંગ, સિંદૂરિયો, હળદરિયો, ગેરુ તથા ખડીચૂનાના સફેદ જેવા રંગોનો એમાં ઉપયોગ થાય છે. પિઠોરા શૈલીના ચિત્રણનું મુખ્ય પાત્ર અશ્વ છે. તેને વિવિધ રંગો અને ભાતથી અલંકૃત કરવામાં આવે છે.

આદિવાસીઓનાં ગૃહોની દીવાલો પરની લોકકલા : પિઠોરો

પૂરી બે રાત અને એક દિવસ સુધી ચાલતો આ ચિત્રણવિધિ એક મોટો આનંદોત્સવ બની રહે છે. તે નિમિત્તે સગાંસંબંધીઓ ઉપરાંત આજુબાજુનાં ગામના લોકો એકઠા થાય છે. સમૂહભોજન બાદ ગાઈ-નાચી ધામધૂમથી ‘પિઠોરો’નો ઉત્સવ ઊજવાય છે. પિઠોરા ચિત્રનો મુખ્ય ભાગ ભૂવા-બડવાની ચકાસણીમાંથી પસાર થાય પછી તેની દેવીસ્થાનની જેમ જ માનમર્યાદા જળવાય છે. પ્રસંગોપાત્ત, પૂજા-બલિદાન પણ થાય છે. આ મુખ્ય ભાગમાં દેવદેવીઓ, તેમનાં વાહનો તથા અન્ય વિગતોને પરંપરાગત રીતે અને સ્વરૂપે જ રજૂ કરવાં જરૂરી હોઈ તેના જાણકાર નિષ્ણાત ‘લખારા’ઓને નિમંત્રવામાં આવે છે. મુખ્ય ભાગ સિવાય તેની આસપાસના ભાગમાં હાજર રહેલાઓ પણ હાથ અજમાવે છે.

અત્યારે આ કળા પિઠોરા ગામ પૂરતી સીમિત ન રહેતાં શહેરી ઘરોની દીવાલો પર સુશોભન તરીકે સ્થાન પામી ચૂકી છે.

સોનલ મણિયાર