પિડેલિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં 16 પ્રજાતિઓ અને લગભગ 60 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટેભાગે તે જૂની દુનિયાના ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોના દરિયાકાંઠે અને રણોમાં થતી વનસ્પતિઓ છે. કેટલીક નવી દુનિયાના ઉષ્ણ-કટિબંધમાં પણ અનુકૂલન પામી છે. દક્ષિણ આફ્રિકા, માડાગાસ્કર, ઇંડો-મલાયા અને ઑસ્ટ્રેલિયામાં તેનું વિતરણ પુષ્કળ પ્રમાણમાં થયું છે. આફ્રિકા અને ભારતમાં થતી Sesamum પ્રજાતિ (16 જાતિઓ) સૌથી મોટી છે. S. indicum Linn. (તલ) ફ્લોરિડાથી ટેક્સાસ સુધી અને Ceratotheca trilobaનું ફ્લોરિડામાં પ્રાકૃતિકીકરણ (naturalization) થયું છે. એશિયાની Trapella પ્રજાતિ જલજ છે.

પિડેલિયેસી : Sesamum indicum (તલ) (અ) પુષ્પીય શાખા, (આ) ખુલ્લો દલ-પુંજ, (ઇ) સ્ત્રીકેસર ચક્ર, (ઈ) બીજાશયનો આડો છેદ, (ઉ) સ્ફોટન પામેલું ફળ, (ઊ) બીજ, (ઋ) પુષ્પારેખ

આ કુળની વનસ્પતિઓ ઉન્નત (erect) એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય કે ભાગ્યે જ ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. વાનસ્પતિક અંગોની સપાટીએ શ્લેષ્મ ધરાવતા ગ્રંથીય રોમ આવેલા હોય છે. તેનાં પર્ણો સાદાં, સમ્મુખ કે સૌથી ઉપરનાં એકાંતરિક, અખંડિત કે ખંડિત અને અનુપપર્ણીય (estipulate) હોય છે. તેઓ શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવે છે. તેનો પુષ્પવિન્યાસ કક્ષીય એકાકી (solitary) અથવા પરિમિત દ્વિશાખી (dichasium) અથવા ભાગ્યે જ કલગી પ્રકારનો હોય છે. પુષ્પ સંપૂર્ણ અનિયમિત, દ્વિપાર્શ્વીય સમમિત (zygomorphic), દ્વિલિંગી, અધોજાય (hypogynous), સવૃંત (pedecillate) Trapellaમાં ઉપરિજાય (epigynous) અને નિપત્રી (bracteate) હોય છે. વજ્ર સામાન્યત: પાંચ અથવા કેટલીક વાર ચાર વજ્રપત્રોનું બનેલું હોય છે. તે તલસ્થ ભાગેથી જોડાયેલાં હોય છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો, પહોળો, નલિકાકાર અને દ્વિઓષ્ઠીય (bilabiate, ઉપર બે અને નીચે ત્રણ દલપત્રો) હોય છે. પુંકેસરો 4, Trapellaમાં 2, દ્વિદીર્ઘક (didynamous), પાંચમું પશ્ય પુંકેસર નાના વંધ્ય પુંકેસર તરીકે જોવા મળે છે. તે દલલગ્ન (epipetalous), દલપત્રો સાથે એકાંતરિત અને મુક્ત હોય છે. પરાગાશયો દ્વિખંડી અને અંતર્ભૂત (introse) હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી અને અંતર્મુખી (introse) થાય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ (Trapellaમાં અધ:સ્થ) બીજાશય ધરાવે છે. તે 2 અથવા કૂટ પટીકરણ (false septation) દ્વારા 4 કોટરોનું બનેલું હોય છે અને પ્રત્યેક કોટરમાં અક્ષવર્તી જરાયુ પર એક કે તેથી વધારે અધોમુખી (anatropous) અંડકો આવેલાં હોય છે. તેને એક પાતળી પરાગવાહિની હોય છે, જે બે પરાગાસનો ધરાવે છે. ફળ વિવરીય (loculicidal), પ્રાવર અથવા કાષ્ઠફળ (nut) પ્રકારનાં હોય છે અને તે ઘણી વાર કંટકીય (spiny) હોય છે અથવા પક્ષ કે અંકુશો ધરાવે છે. બીજ લીસાં અને ભ્રૂણપોષી (પાતળો અને માંસલ) હોય છે. ભ્રૂણ નાનો અને સીધો હોય છે.

પરાગનયન-કીટકપરાગનયન (ontomophilous) પ્રકારનું જોવા મળે છે.

પુષ્પીય સૂત્ર (floral formula)

આર્થિક અગત્ય : Sesamum indicum Linn.માંથી નીકળતું તલનું તેલ ખાદ્ય હોય છે અને યુરોપના દેશોમાં ઑલિવ તેલની અવેજીમાં તે વપરાય છે. ભારતમાં તેનું વાવેતર લગભગ 30 લાખ એકર જેટલી ભૂમિમાં કરવામાં આવે છે.  Pedalium murex Linn. (મોટું ગોખરુ) ઔષધીય વનસ્પતિ છે. Ceratotheca triloba શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

પિડેલિયેસીના સંબંધો : તે સ્ક્રોફ્યુલેરિયેસી અને લેમિયેસી (લેબિયેટી) સાથે ગાઢ સંબંધ ધરાવે છે; પરંતુ સામાન્યત: ચંચુવત્ (breaked) કે કંટકીય (barbed) ફળો અને દ્વિ અથવા ચતુષ્કોટરીય કે અપૂર્ણ ચતુષ્કોટરીય બીજાશય તથા અક્ષવર્તી જરાયુ-વિન્યાસ અને દરેક કોટરમાં એક કે તેથી વધારે અંડકોની સંખ્યા દ્વારા ઓળખી શકાય છે.

દેહધર્મવિદ્યા (physiology) અને વનસ્પતિ રસાયણ (phytochemistry) : આ કુળ સાયનોજન્ય (cyanogenic) નથી. વર્બેકોસાઇડો અને ઇરિડૉઇડો મળી આવ્યાં છે. સપોનિનો, સેપોનિજેનિનો, પ્રોઍન્થોસાયનિડિનો તથા ઇલેજિક ઍસિડનો અભાવ હોય છે અને ઍલ્યુમિનિયમનો સંચય થતો નથી.

બળદેવભાઈ પટેલ