પિઠોરાગઢ : ઉત્તરાખંડનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. હિમાલયની પર્વતશૃંખલામાં હિમાલયની તળેટીની ટેકરીઓની હારમાળામાં આ જિલ્લો આવેલો છે. તેની પૂર્વે નેપાળ અને ઉત્તરે ચીનનો પ્રદેશ છે. તેનો કુલ વિસ્તાર 8,856 ચોકિમી. છે. ઉત્તરપ્રદેશના હવા ખાવાના સ્થળ અલમોડાની પૂર્વે હિમાલયની તળેટીની ટેકરીઓ પર, 29o 35′ ઉ. અ. તથા 80o 13′ પૂ. રે. પર પિઠોરાગઢ આવેલું છે.

આ જિલ્લામાં ડાંગર, ઘઉં તથા જવ જેવી ખેતપેદાશોનું ઉત્પાદન થાય છે. ઔદ્યોગિક દૃષ્ટિએ તેનો વિકાસ થયેલો નથી. તાજેતરનાં વર્ષો દરમિયાન પર્યટનસ્થળ તરીકે તેને વિકસાવવામાં આવેલ છે. હિમાલયના પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત ત્યાંની આસપાસ આવેલા કેટલાક આશ્રમો મુલાકાતીઓ માટે આકર્ષણનાં સ્થળો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે