પાઠું (carbuncle) : મોટાભાગે ડોકના પાછલા ભાગમાં થતું ગૂમડું. તે લાલ ચામડીવાળું, કઠણ અને દુખાવો કરતું હોય છે. સ્ટેફાયલોકૉકસ પ્રકારના જીવાણુ(bacteria)થી થતો ચેપ આમાં કારણભૂત હોય છે. તે જીવાણુથી ચામડીની નીચેની પેશીનો નાશ (gangrene) કરે છે. સામાન્ય રીતે તે 40 વર્ષથી ઉપરના મધુપ્રમેહવાળા પુરુષોમાં જોવા મળે છે. જો યોગ્ય ઍન્ટિબાયૉટિક સારવારથી ટૂંકસમયમાં સારવાર ન અપાય તો થોડા દિવસમાં તે ફેલાય છે અને પોચું પડે છે, ચામડી ફાટી જાય છે અને ત્યાંથી જાડું પરુ અને મરેલી પેશી બહાર નીકળે છે. આવી મરેલી પેશીને કોષનાશી પેશીપડ (slough) કહે છે. સામાન્ય રીતે વચ્ચેના ભાગમાં એક કોષનાશી પેશીપડ હોય છે અને તેની આસપાસ પેશીનાશના નાના નાના વિસ્તારો ગોળ વીંટળાઈને થયેલા જોવા મળે છે. ચેપ આસપાસ ઘણો ફેલાય છે અને પેશીનાશને લીધે નવાં નવાં પરુ કાઢતાં કાણાં ઉત્પન્ન થયાં કરે છે અને તે મૂળ મોટાં ચાંદાં સાથે ભળીને મોટું અને મોટું ચાંદું બનાવે છે. સારવાર રૂપે દર્દીની તબિયત એકંદરે બધી જ રીતે સુધરે તે જોવાય છે. અતિશય શ્રમ, ચિંતા, દુર્બળતા તથા મધુપ્રમેહ હોય તો તેવા રોગોને કાબૂમાં લેવાય છે. સામાન્ય રીતે પેનિસિલિનનો ઉપયોગ કરવાથી પાઠું નીકળવાનું થાય ત્યારે જ તેને અથવા તેનાથી થયેલા ચેપને કાબૂમાં લેવાય છે. પરુ અને અન્ય પ્રવાહીને ગ્રામ-અભિરંજન પદ્ધતિ વડે અભિરંજિત (stained) કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસવાથી તથા જીવાણુને યોગ્ય માધ્યમ પર ઉછેરીને તેમની વિવિધ ઍન્ટિબાયૉટિક દ્વારા કરી શકાતી વશ્યતા (controllability) તપાસાય છે. તેને જીવાણુસંવર્ધન અને ઍન્ટિબાયૉટિક વશ્યતા (culture and sensitivity) કસોટી કહે છે. તેનાં પરિણામો જાણીને, જરૂર પડ્યે, ઍન્ટિબાયૉટિક બદલવામાં આવે છે. મૅગ્નેશિયમ સલ્ફેટવાળાં પોતાં વડે આસૃતિદાબની ઉપયોગી અસર મેળવીને સોજો ઓછો કરાય છે.

પાઠું (ડોકની પાછળના ભાગમાં પરુ કાઢતું ઘણાં છિદ્રોવાળું ચાંદાવાળું ગૂમડું)

જરૂર પડ્યે અંત:રક્ત કિરણો કે લઘુતરંગો(short wave)નો અંત:શેક (diathermy) અપાય છે. દુખાવો તથા સોજો ઓછો કરતી ડાઇક્લોફેન સોડિયમ કે આઇબુપ્રોફેન જેવી દવાઓ આપવાથી રાહત રહે છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ ત્રિવેદી