પંડિત સુખલાલજી (જ. 8 ડિસેમ્બર 1880, લીમલી; અ. 2 માર્ચ 1978, અમદાવાદ) : ભારતના પ્રથમ પંક્તિના દાર્શનિક વિદ્વાન. પંડિત સુખલાલજી સંઘવી જૈન ધર્મ પાળતા સ્થાનકવાસી જૈન કુટુંબમાં જન્મેલા. તેમનું વતન સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલું લીમલી નામનું ગામ હતું. લીમલીમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. એ પછી આગળ અભ્યાસ કરવા જતાં સોળ વર્ષની વયે 1896માં શીતળાને કારણે તેમણે આંખો ગુમાવી. તેમણે અંધાપાને કારણે વાગ્દત્તાને છોડી, પરંતુ અભ્યાસ ન છોડ્યો. 1904માં તેવીસ વર્ષની વયે કાશી પહોંચી, 1904થી 1921 સુધી કાશી અને મિથિલામાં ભારતીય દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સંસ્કૃત, પ્રાકૃત અને અંગ્રેજી ભાષા; જૈન આગમો, પ્રમાણશાસ્ત્ર અને પાશ્યાત્ય મનોવિજ્ઞાન વગેરે અનેક વિષયોનું જ્ઞાન તેમણે મેળવ્યું. ઐતિહાસિક, સમન્વયાત્મક અને તુલનાત્મક દૃષ્ટિએ તેમણે કરેલા અધ્યયન વડે તેમની પ્રતિભા સોળે કળાએ ખીલી. પરિણામે પદવી-પરીક્ષાઓ તેમણે ન આપી, છતાં ઉત્તીર્ણ થઈને પદવી મેળવનારાઓ કરતાં તે વધુ જ્ઞાની બન્યા. તેઓ આજીવન ગાંધીમાર્ગી રહ્યા. રૂઢિને વળગી ન રહેવાથી રૂઢિચુસ્તોએ તેમની કદર ન કરી.
1921માં અમદાવાદ આવીને ગૂજરાત વિદ્યાપીઠમાં 1930 સુધી અધ્યયન, અધ્યાપન તથા સંશોધન કરતા રહ્યા. એ પછી ફરી કાશીમાં જઈ 1933થી 1944 સુધી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ત્યાંથી 1944માં નિવૃત્ત થયા પછી મુંબઈમાં ભારતીય વિદ્યા ભવનમાં સંશોધક-અધ્યાપક તરીકે 1947 સુધી સેવાઓ આપી. 1947માં ફરી અમદાવાદ આવ્યા અને ભો. જે. વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક તરીકે દાયકાઓ સુધી સેવા આપી. 1951માં ભરાયેલી અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત, જૈન ધર્મ અને તત્વજ્ઞાનના તે વિભાગીય પ્રમુખ તરીકે વરાયેલા. આ પ્રજ્ઞાચક્ષુ વિદ્વાનને 1957માં ગુજરાત યુનિવર્સિટીએ, 1967માં સરદાર પટેલ યુનિવર્સિટીએ અને 1973માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડી. લિટ્.ની માનાર્હ પદવી આપીને સન્માન્યા. 1958માં દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કૃત થયા. 1974માં ભારત સરકારે તેમને `પદ્મભૂષણ’નો ખિતાબ આપ્યો.
ભારતીય દર્શનના આ પ્રકાંડ પંડિત તાર્કિક અને સમન્વયવાદી દૃષ્ટિના, ક્રિયાકાંડથી મુક્ત અને માનવકલ્યાણસાધક ધર્મ, દર્શન અને ચિંતનના હિમાયતી રહ્યા છે. તેમણે ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક તરીકે કીર્તિ પ્રાપ્ત કરી છે.
1920થી 1932માં સિદ્ધસેન દિવાકરના ‘સન્મતિતર્ક’નું ભાગ 1-6માં તેમણે પંડિત બેચરદાસ દોશીના સાથમાં કરેલું સંપાદન તેમનું મૂલ્યવાન પ્રદાન છે. એવો જ બીજો મૂલ્યવાન ગ્રંથ ‘દર્શન અને ચિંતન’ બે ભાગમાં 1957માં પ્રકાશિત કર્યો છે. તેમાં ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરે વિવિધ વિષયોને સમાવી લેતા લેખો છે. ‘તત્વાર્થસૂત્ર’નું સંપાદન 1930માં કરેલું. 1956માં ‘અધ્યાત્મવિચારણા’, 1959માં ‘ભારતીય તત્વવિદ્યા’, 1962માં ‘જૈન ધર્મનો પ્રાણ’ પણ તેમની જાણીતી રચનાઓ છે. તેમણે લખેલા ચરિત્રગ્રંથોમાં 1959માં ‘ચાર તીર્થંકર’, 1961માં ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર’ અને મૃત્યુ પછી 1980માં ‘મારું જીવનવૃત્ત’ – એ ત્રણનો સમાવેશ થાય છે. જૈન વેપારી કુટુંબમાં જન્મેલા અને પ્રજ્ઞાચક્ષુ બનેલા સુખલાલજીએ ભારત અને ભારતની બહાર શ્રદ્ધેય વિદ્વાન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
પ્ર. ઉ. શાસ્ત્રી
નીતિન ર. દેસાઈ