પંડિત, સુંદરલાલ (. 26 સપ્ટેમ્બર 1886, ખટોલી, મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ; . 9 મે 1981) : શરૂમાં ક્રાંતિકારી અને પછી ગાંધીવાદી સ્વાતંત્ર્યસૈનિક, પત્રકાર, વિદ્વાન લેખક, હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી. જન્મ મધ્યમવર્ગના કાયસ્થ કુટુંબમાં. તેમના પિતા તોતારામ સામાન્ય સરકારી નોકર હતા. માતાનું નામ ભગવતીદેવી હતું. સુંદરલાલે નાની ઉંમરે ફારસી, હિંદી અને ઉર્દૂ ભાષાઓનું જ્ઞાન મેળવી લીધું હતું. લાહોરની ડી. એ. વી. કૉલેજમાં અભ્યાસ કરીને તેઓ સ્નાતક થયા. તેમના પિતા રાધાસ્વામી સંપ્રદાયમાં માનતા હતા. સુંદરલાલને યુવાન વયે ધર્મગ્રંથોના અધ્યયનમાં રસ પડવાથી તેમણે કુરાન, ભગવદગીતા તથા બીજા ધર્મગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ધાર્મિક ક્ષેત્રમાં તેમણે મેળવેલા જ્ઞાનને કારણે તે પંડિત સુંદરલાલ તરીકે ઓળખાવા લાગ્યા. ત્યારબાદ તેમણે રૂસો, થૉરો, મૅઝીની, કાર્લ માર્કસ અને લેનિન જેવા લેખકોના ગ્રંથોનો અભ્યાસ કર્યો, જેનો પ્રભાવ તેમના જીવન ઉપર પડ્યો.

સુંદરલાલ પંડિત

લાહોરમાં વસવાટ દરમિયાન સુંદરલાલ લાલા લજપતરાયના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. તેમના આકર્ષક વ્યક્તિત્વ અને વક્તૃત્વનો તથા આર્યસમાજ તથા સર્વન્ટ્સ ઑવ્ પીપલ્સ સોસાયટીનો સુંદરલાલ પર ઊંડો પ્રભાવ પડ્યો. પોતાની રાજકીય કારકિર્દીના પ્રથમ તબક્કામાં તેઓ ક્રાંતિકારી હતા. 1905થી 1907 દરમિયાન તેમણે લાલા લજપતરાયની મદદથી રૂપિયા એક લાખ વીસ હજાર ભેગા કરીને તે રકમ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવા અરવિંદ ઘોષને આપી હતી. તેમણે ગુપ્ત રીતે રિવૉલ્વરો અને શસ્ત્રોની ખરીદી કરી. તેમનું ક્રાંતિકારી પ્રવૃત્તિનું મુખ્ય મથક અલ્લાહાબાદ હતું. લૉર્ડ હાર્ડિજની હત્યાના કાવતરામાં તેઓ જોડાયેલા હતા. તે અંગે પોલીસને શંકા હોવાથી ધરપકડમાંથી બચવા માટે સ્વામી સોમેશ્વરાનંદ નામથી સાધુના વેશમાં 1912થી 1916 સુધી તેઓ સિમલા પાસેના સોલન ગામે રહ્યા હતા. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારતમાં આવ્યા બાદ તેઓ ગાંધીજીને અમદાવાદ તથા  નડિયાદમાં મળ્યા. તેમની સાથે લાંબી ચર્ચા કર્યા બાદ તે ગાંધીજીના અનુયાયી બન્યા. ગાંધીજીના અનુયાયી તરીકે તેમણે અસહકારની ચળવળ(1920-22)માં ભાગ  લીધો અને 1929માં કાનપુરમાં ઉત્તરપ્રદેશની પ્રાંતિક રાજકીય પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું. 1930-32ની સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન તેમને નાગપુર, જબલપુર, મુંબઈ અને કાનપુરમાં ચળવળ ચલાવવાની કામગીરી સોંપવામાં આવી. તેઓ પ્રભાવશાળી લેખક અને વક્તા હોવાથી તેમની સભાઓ તથા સરઘસોને નોંધપાત્ર સફળતા મળતી. ત્યારબાદ તેમણે પોતાનાં સમય અને શક્તિનો ઉપયોગ કોમી એકતા જાળવવામાં તથા વાચન, લેખન અને સામયિકોના સંપાદનમાં કર્યો. કોમી એકતા સ્થાપવા વાસ્તે તેમણે અલ્લાહાબાદમાં હિન્દુસ્તાની સાંસ્કૃતિક સમાજની સ્થાપના કરી. 1951માં ચીન મોકલવામાં આવેલ સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના નેતા તરીકે તેમણે ચીનનો પ્રવાસ કરીને ‘ચાઇના ટુડે’ નામનું પુસ્તક લખ્યું. 1952થી તેઓ દિલ્હીમાં રહેવા લાગ્યા. તેમણે કોમી એકતા વધે તથા રાજકીય જાગૃતિનો હેતુ સફળ થાય એવાં પુસ્તકો લખ્યાં અને સામયિકોનું સંપાદન કર્યું. ટિળકના સાપ્તાહિક ‘કેસરી’ને નમૂનારૂપ ગણીને તેમણે અલ્લાહાબાદથી ‘કર્મયોગી’ નામનું હિંદી સામયિક 1909માં શરૂ કર્યું. તેમની પ્રેરણાથી ‘ભવિષ્ય’ અને ‘સ્વરાજ્ય’ નામનાં બે હિંદી સામયિકો પણ શરૂ કરવામાં આવ્યાં. આ સામયિકો વારંવાર બ્રિટિશ સરકારના ગુસ્સાનો ભોગ બન્યાં હતાં. અલ્લાહાબાદથી તેઓ હિંદી સાંસ્કૃતિક માસિક ‘વિશ્વવાણી’ અને ‘નયા હિંદ’ પ્રગટ કરતા હતા.

1929માં તેમણે હિંદીમાં 2,000 પૃષ્ઠનું ‘ભારત મેં અંગ્રેજી રાજ’ નામનું પુસ્તક પ્રગટ કર્યું. બ્રિટિશ રાજનાં અપકૃત્યોને જાહેર કરવા તથા લોકોમાં દેશભક્તિ અને હિંમતની ભાવના જાગ્રત કરવાનો તેમનો ઇરાદો હતો. તે ગ્રંથ પ્રગટ થયાના એક સપ્તાહમાં જ ઉત્તરપ્રદેશની સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો. ગાંધીજીએ સરકારના આ પગલાને ‘ધોળા દિવસની લૂંટ’ તરીકે ઓળખાવ્યું. 1937માં ત્યાંની કૉંગ્રેસ સરકારે તે પ્રતિબંધ દૂર કર્યો. સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન મોટી સંખ્યામાં રાજકીય કાર્યકરોએ તે પુસ્તક રસપૂર્વક વાંચ્યું.

સુંદરલાલ માનતા કે બધા ધર્મો એક જ સર્વોચ્ચ શક્તિમાંથી પ્રગટ થયા છે. તેમણે ‘હજરત મુહમ્મદ ઔર ઇસ્લામ’, ‘ગીતા ઔર કુરાન’ જેવા ધાર્મિક મહત્વના કેટલાક ગ્રંથો તથા લેખો લખ્યા છે. એ વિશેનાં પ્રવચનો પણ આપ્યાં છે. અલ્લાહાબાદમાં થયેલાં કોમી હુલ્લડોમાં તેમણે શાંતિ સ્થાપવામાં મદદ કરી હતી. 1947માં ભારતમાંથી પાકિસ્તાનમાં લોકોના સ્થળાંતર દરમિયાન જમિયત ઉલેમાએ હિન્દના મૌલાના અતીકુર રહેમાન તથા અન્ય નેતાઓ સાથે મુસ્લિમોનાં જીવન બચાવી લેવામાં, રાહતની છાવણીઓ સ્થાપવામાં તથા તેમના પાકિસ્તાન તરફના પ્રવાસની સગવડ કરવામાં નોંધપાત્ર સેવા બજાવી હતી. સુંદરલાલ સંસ્કૃત-મિશ્રિત હિંદી અને ફારસી-મિશ્રિત ઉર્દૂના વિરોધી હતા. તેમણે ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિંદુસ્તાની સ્વીકારવા માટેની યોજના ઘડી હતી. તેઓ ‘નયા હિંદ’ માસિક નાગરી અને ફારસી લિપિઓ પાસે પાસે લખીને પ્રગટ કરતા હતા. તેઓ માનતા હતા કે નિરક્ષરતાનિવારણના ક્રમને અગ્રતાક્રમ આપવો જોઈએ. તેઓ આદર્શ અને સમર્પિત જીવન જીવ્યા. 1916થી તેમણે ગાંધીમાર્ગી વિરક્ત જીવન સ્વીકાર્યું હતું. તેઓ સંપૂર્ણ વિકેન્દ્રીકરણ સહિત આત્મ-નિર્ભર ગ્રામીણ અર્થતંત્રમાં માનતા હતા. તેઓ ગામડાંમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની હિમાયત કરતા હતા.

જયકુમાર ર. શુક્લ