પંડિત, શ્રીનાથ : દક્ષિણ ભારતીય આયુર્વેદજ્ઞાતા. પંડિત શ્રીનાથનું નામ વર્તમાન પંડિત ડી. ગોપાલાચાર્લુએ કરેલ દક્ષિણ ભારતીય આયુર્વેદિક ગ્રંથકર્તાઓની યાદીમાં છે.

પંડિત શ્રીનાથ દક્ષિણ ભારતીય આયુર્વેદિક ગ્રંથોના કર્તા હતા. તેમણે ‘રસરત્ન’ તથા ‘પરહિતસંહિતા’ (અન્ય ઇતિહાસકારના મતે ‘પારાશરસંહિતા’) નામના બે સંગ્રહગ્રંથો લખ્યા હોવાના ઐતિહાસિક ઉલ્લેખો ઉપલબ્ધ છે.

પંડિત શ્રીનાથે લખેલ ‘પરહિતસંહિતા’ નામના વૈદકીય ગ્રંથમાં તેમણે શલ્ય-શાલાક્ય જેવાં અંગ સાથે આયુર્વેદનાં આઠેય અંગોનું વર્ણન કર્યું હોવાની નોંધ ‘આયુર્વેદનો ઇતિહાસ’ના લેખક દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ તેમના ગ્રંથમાં કરી છે. આ ગ્રંથ ‘ભાવપ્રકાશ’ ગ્રંથને મળતો હોવાની શક્યતા દુર્ગાશંકર શાસ્ત્રીએ જણાવી છે.

કવિરાજ મહેન્દ્રનાથ શાસ્ત્રીકૃત ‘આયુર્વેદ કા સંક્ષિપ્ત ઇતિહાસ’માં ‘પરહિતસંહિતા’ના નામને બદલે ‘પારાશરસંહિતા’ નામ લખ્યું છે, જે કદાચ ભૂલ હોવાની અને દુર્ગાશંકર શાસ્ત્રીએ આપેલ નામ સાચું હોવાની શક્યતા વધુ છે.

પંડિત શ્રીનાથ વિશે આથી વધુ ઉલ્લેખ ઉપલબ્ધ નથી.

બળદેવપ્રસાદ પનારા