પ્રદૂષણ (pollution)
માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નીપજતાં હાનિકારક દ્રવ્યોના પ્રવેશ દ્વારા તથા કેટલીક કુદરતી ઘટનાઓની અસર રૂપે પર્યાવરણના સમતોલનને જોખમાવતી પ્રક્રિયા.
પ્રદૂષણનું વર્ગીકરણ આ પ્રમાણે થઈ શકે : (i) વાયુ-પ્રદૂષણ, (ii) જળ-પ્રદૂષણ, (iii) રાસાયણિક પ્રદૂષણ, (iv) ભૂ-ઓઝોન-પ્રદૂષણ, (v) ભૂમિ-પ્રદૂષણ, (vi) ધ્વનિ-પ્રદૂષણ, (vii) કિરણોત્સર્ગી પ્રદૂષણ અને (viii) ઉષ્મીય પ્રદૂષણ.
(i) વાયુ-પ્રદૂષણ : દરિયાની સપાટીએ શુદ્ધ, શુષ્ક હવામાં નાઇટ્રોજન અને ઑક્સિજન ઉપરાંત અન્ય ગૌણ ઘટકોની સાંદ્રતા-સીમા (concentration-limits) નીચે પ્રમાણે હોય છે :
ઘટક | પ્રમાણ (ppm) |
કાર્બન ડાયૉક્સાઇડ (CO2) | 320 |
નિષ્ક્રિય વાયુઓ | 25 |
મિથેન (CH4) | 2 |
હાઇડ્રોજન (H2) | 2 |
ઓઝોન (O3) | 0.02 |
નાઇટ્રિક ઑક્સાઇડ (NO) | 0.0006 |
સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) | 0.0002 |
હાઇડ્રોજન સલ્ફાઇડ (H2S) | 0.0002 |
આયોડીન, સોડિયમ ક્લૉરાઇડ અને ફૉર્માલ્ડિહાઇડ | અતિ અલ્પમાત્રામાં |
વાયુમંડળ કદી સંપૂર્ણ રીતે અપ્રદૂષિત રહી શકે નહિ. વાયુ-પ્રદૂષણનાં કારણોને બે વિભાગમાં વહેંચી શકાય : (1) પ્રાકૃતિક અને (2) મનુષ્યકૃત. હવાનું 50% જેટલું પ્રદૂષણ પ્રાકૃતિક રીતે થાય છે. આ પ્રદૂષણ માટે જ્વાળામુખીના વિસ્ફોટ, જંગલોમાંનો દવ તથા ઝડપી પવનથી ઊડતી ધૂળ વગેરેને દોષિત ગણી શકાય; પરંતુ માનવી દ્વારા ઉત્પન્ન થતાં પ્રદૂષકોની સંખ્યા પણ ઘણી મોટી છે. જુદાં જુદાં કારખાનાંઓ, ખાણોમાં, મોટરકાર વગેરેમાં થતું ઇંધણનું દહન; ન્યૂક્લિયર વિસ્ફોટો; રાસાયણિક પ્રક્રિયાઓ વગેરે મનુષ્યકૃત પ્રદૂષણકારી કારણો છે. વાયુ-પ્રદૂષણનું મુખ્ય કારણ ધુમાડો છે, જેમાં સામાન્યત: કાર્બનના કણો, રાખ, તેલ, ગ્રીઝ તથા ધાતુ તેમજ અન્ય ઑક્સાઇડોના અતિસૂક્ષ્મ કણો ભળેલા હોય છે. આ ઉપરાંત મોટર કારમાંથી નીકળતો કાર્બન મોનૉક્સાઇડ પણ ખૂબ વિષાળુ છે. કાર્બન ડાયૉક્સાઇડ પણ વધુ માત્રામાં હાનિકારક બને છે.
રાષ્ટ્રીય પર્યાવરણીય ઇજનેરી અનુસંધાન સંસ્થાન, નાગપુર દ્વારા થયેલા સંશોધન મુજબ, કલકત્તામાં વાહનો દ્વારા ફેંકાતા કાર્બન મોનૉક્સાઇડની માત્રા 10 ppmથી 35 ppm સુધીની છે. ભારતમાં લગભગ 80% ઔદ્યોગિક ઉત્પાદન મુખ્યત્વે આઠ મોટાં શહેરોમાં કેન્દ્રિત થયેલ છે; જેને કારણે આ શહેરોમાં પ્રદૂષણની સમસ્યા વિકટ બની ગઈ છે. ઘરના ચૂલાઓ તથા ઔદ્યોગિક ભઠ્ઠીઓ દ્વારા થતું વાયુ-પ્રદૂષણ કયા પ્રકારનું ઈંધણ વાપરવામાં આવે છે તથા તેનું દહન કેવી રીતે થાય છે તે બે બાબત ઉપર નિર્ભર રહે છે. દહનક્રિયા નીચે મુજબ થાય છે :
દહનસમયે પ્રદૂષણનાં અન્ય લક્ષણો પણ જણાય છે. મોટરકારનાં એંજિનોમાં ખૂબ ગરમી ઉત્પન્ન થતાં હવામાં રહેલા નાઇટ્રોજન અને ઑક્સિજન થોડા અંશે નાઇટ્રોજનના ઑક્સાઇડ NOx નિપજાવે છે. આ વાયુ ધૂમ્રધુમ્મસ (SMOG) (Smoke + fog, ધુમાડો + ધુમ્મસ) તથા તેજાબી વર્ષા માટે મુખ્ય ભાગ ભજવે છે. સૂર્યોદય અગાઉ ઉત્સર્જિત O2 તથા NOx વાયુમંડળમાં ભેગા થવાથી NOનું NO2માં ઉપચયન થાય છે. સૂર્યકિરણો આની ઉપર પડે કે તુરત જ તે વિઘટન પામે છે.
આ પારમાણ્વિક ઑક્સિજન અન્ય મુખ્ય પ્રક્રિયાઓ શરૂ કરે છે :
M એ વાયુમંડળમાંના અણુઓ સૂચવે છે તથા HC એ ઓલેફિન કે ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન તથા R અને RCO મુક્ત મૂલકો (free radicals) છે; જેમાં એક યા વધુ અયુગ્મિત ઇલેક્ટ્રૉન હોય છે. પ્રક્રિયા (ii)માં બનેલો ઓઝોન પણ હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા દ્વારા મુક્ત મૂલક RCOO· બનાવે છે. આ મુક્ત મૂલક NOનું NO2માં પરિવર્તન કરે છે તથા ઑક્સિજન ઉપર પ્રક્રિયા કરીને પેરૉક્સાઇડ મૂલક બનાવે છે.
પ્રદૂષણ માટે અન્ય કારણ દહન-સમયે પ્રાકૃતિક જીવાશ્મ ઈંધણમાં રહેલી અશુદ્ધિથી ઉત્પન્ન થતી નીપજો છે. આમાં મુખ્યત્વે સલ્ફર છે, જે કોલસા તથા પેટ્રોલમાં હોય છે. વાહનો દ્વારા કાર્બન મોનૉક્સાઇડ (CO) તથા નાઇટ્રોજનના ઑક્સાઇડ ઉત્સર્જિત થાય છે જ્યારે કારખાનાંઓ દ્વારા થતા કોલસા તથા ખનિજ-તેલના દહન વખતે સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) બને છે. આ સલ્ફર ડાયૉક્સાઇડ તેજાબી વર્ષાનો સ્રોત છે. હવામાં ઊડેલી રાખની હાજરીમાં SO2નું ઉપચયન થઈ સલ્ફર ડાયૉક્સાઇડ SO3 બને છે જે પાણીમાં ઓગળી સલ્ફ્યુરિક ઍસિડ- (H2SO4)માં પરિવર્તન પામે છે. SO2 સમુદ્ર ઉપરનાં વાદળોમાં શોષાઈ ઉપચયન પામીને પણ H2SO4 બનાવે છે. સલ્ફ્યુરિક ઍસિડ દ્રવ (fluid) સ્વરૂપે વાયુમંડળમાં નાનાં નાનાં ટીપાંના રૂપમાં ફેલાઈ જાય છે. તેને કારણે વરસાદ તેજાબી બને છે. અંગ્રેજીમાં તેને ‘acid rain’ કહે છે. તેની અસરો આકૃતિ 1(a)(b)માં બતાવી છે.
આ વર્ષામાં નાઇટ્રિક ઍસિડ અને હાઇડ્રોક્લૉરિક ઍસિડ પણ હોય છે. એસિડવર્ષાની માટી પર થતી અસર આકૃતિ 2માં દર્શાવી છે. આ વર્ષા દ્વારા વાતાવરણમાં વાયુરૂપે રહેલી ભારે ધાતુઓ પણ જમીન ઉપર પહોંચે છે. તેજાબી વર્ષાથી જંગલોમાં વનસ્પતિનાં પાંદડાં નાશ પામે છે, પરિણામે પ્રકાશ-સંશ્લેષણમાં બાધા પડે છે. શહેરી ક્ષેત્રોમાં આવી વર્ષાથી મકાનોનાં સિમેન્ટકૉન્ક્રીટ, લોખંડની વસ્તુઓ, પેઇન્ટ વગેરેને નુકસાન થાય છે. મથુરાસ્થિત તેલ-શોધન કારખાનાને લીધે SO2 નીકળતાં તાજમહાલના આરસને તેજાબી વર્ષા દ્વારા નુકસાન થવાનો ભય ઊભો થયો છે. 1972માં સરકારે મથુરામાં તેલ રિફાઇનરી સ્થાપી ત્યારે અનેક પર્યાવરણવિદો દ્વારા વિરોધ થયેલો. રિફાઇનરીમાં ઇંધન તરીકે વપરાતા કોલસાના દહનને કારણે નીકળતા ધુમાડામાં SO2ની માત્રા વધુ હોય છે. આ SO2 વાયુમંડળમાંના વરસાદી પાણી સાથે ભળીને પૃથ્વી ઉપર સલ્ફ્યુરિક ઍસિડ રૂપે વરસે તો આરસ ઉપર આ H2SO4ની માઠી અસર થાય. 1974માં સરકારે આ અંગે એક કમિટી નીમી. તદુપરાંત ભારતીય તેલ નિગમે ઇટાલીની મેસર્સ ટેક્નિકો નામની કંપનીને પણ આ અંગે કામ સોપ્યું. આ બંનેનો રિપૉર્ટ એવો આવ્યો કે મથુરામાં સ્થાપેલી રિફાઇનરીમાંથી નીકળતા SO2 દ્વારા વાતાવરણમાં SO2ની માત્રા ખૂબ ઓછી (1થી 3 માઇક્રોગ્રામ) વધશે. આમ રિફાઇનરીથી તાજમહાલ ઉપર કોઈ વિપરીત અસર નહિ થાય. આ ઉપરાંત ઇંધનના દહનથી અર્ધબળેલા હાઇડ્રોકાર્બન તથા કાર્બન મોનૉક્સાઇડ ચક્રીય પાયરિન સંયોજનોમાં રૂપાંતર પામે છે. તથા તેમાંથી 3, 4–બેન્ઝપાયરિન જેવાં કૅન્સર ઉત્પન્ન કરતાં સંયોજનો બને છે. ઉદ્યોગોની ચીમનીમાંથી નીકળતા વાયુઓ વાયુ-મંડળમાં ભળી જાય છે. ઑક્સિજનયુક્ત ખનિજો વાપરતી ફાઉન્ડ્રીની આજુબાજુ આર્સેનિકયુક્ત બાષ્પ તથા ઍલ્યુમિનિયમ કે સુપર ફૉસ્ફેટ બનાવતી ફૅક્ટરીમાંથી ફ્લોરાઇડયુક્ત ધુમાડો તેમજ પાઇરાઇટોના નિસ્તાપનથી SO2 વાયુમંડળમાં ભળે છે.
જો વાયુમંડળમાં સલ્ફર ડાયૉક્સાઇડની સાંદ્રતા 0.15 ppm એક વરસ સુધી રહે તો જન-સ્વાસ્થ્ય ઉપર તેની ખૂબ ખરાબ અસર પડે છે. SO2થી શ્વસન-શોથ (bronchitis), વાતસ્ફીતિ (emphysems), શ્વાસનો દમ (bronchiole) જેવા શ્વસન સંબંધી રોગો થાય છે. કેટલાક રોગો વ્યવસાયો સાથે પણ સંબંધિત હોય છે; દા.ત., સીસા (lead) દ્વારા લેડ-પૉઇઝનિંગ, સિલિકોન દ્વારા સિલિકોસિસ વગેરે. ક્વાર્ટ્ઝ, બિલોરી પથ્થર, ચકમક પથ્થર, દૂધિયો પથ્થર (opal), શ્વેતવર્ણ પથ્થર વગેરેમાંથી સિલિકા મળે છે. સિમેન્ટનાં પતરાં, લાદી (tiles) વગેરેના ઉત્પાદનમાં તથા અન્ય ઉદ્યોગોમાં ઍસ્બેસ્ટૉસ વપરાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા લોહના સિલિકેટ હોય છે, જેના કારણે ઍસ્બેસ્ટૉસિસ નામનો રોગ થાય છે. ઇંગ્લૅન્ડમાં 1930થી 1935ના ગાળામાં આ રોગથી 1500 વ્યક્તિઓનાં મૃત્યુ થયેલાં. તેમાંના 270 સિરેમિક ઉદ્યોગમાં કામ કરનારા હતા. 1956માં ભારત સરકારે કરેલા સર્વેક્ષણ મુજબ સિરેમિક ઉદ્યોગમાંના ધૂળિયા વાતાવરણથી 16% લોકોને સિલિકોસિસ થયેલો હતો. 1969માં આ રોગ 33.3% ફેલાયો હતો.
નકામા વાયુઓનું ખૂબ ઊંચાઈએ વિસર્જન કરી શકાય તો નુકસાન ઓછું થઈ શકે. ચીમનીની ઊંચાઈ મકાનની ઊંચાઈથી ઓછામાં ઓછી અઢી ગણી રાખવી જોઈએ. ચીમનીઓ સામાન્યત: 30થી 100 મીટર ઊંચી હોય છે. પરમાણુકેન્દ્રો (દા.ત., Bhabha Atomic Research Center, BARC)ની ચીમનીઓ 120થી 135 મીટર ઊંચી હોય છે. અમેરિકાના મીચેલ વીજળી ઘરની ચીમની 360 મીટર ઊંચી છે. આટલી ઊંચાઈ શક્ય ન હોય તો ફિલ્ટર, વૉશિંગ ટાવર, સ્થિર-વિદ્યુત અવક્ષેપક (electrostatic precipitator) વગેરે સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે. BHEL(ભોપાલ)માં આવાં અવક્ષેપકો મુકાયાં છે.
વાયુ-પ્રદૂષણ મનુષ્ય, પશુઓ તથા વનસ્પતિ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે. તેને કારણે કાન, નાક અને ગળાના અનેક પ્રકારના રોગો થાય છે. કૅન્સર પણ શક્ય છે. મનુષ્યસર્જિત એરોસૉલ (છંટકાવ, સ્પ્રે) ફેફસાંને નુકસાન કરે છે અને ખંજવાળ, કફ, છીંકો, શ્વસનશોથ વગેરે રોગો થાય છે. કાર્બન મોનૉક્સાઇડને કારણે માનવની વિચારશક્તિ ઘટે છે. તે લોહીને અશુદ્ધ કરે છે.
મનુષ્યની માફક ઝાડપાન તથા પાક ઉપર પણ વાયુ-પ્રદૂષણ અસર કરે છે. છોડવા માટે સૌથી વધુ ઘાતક SO2 છે. તેનાથી નવી કૂંપળો નાશ પામે છે. હાઇડ્રોજન ફ્લોરાઇડ (HF) એકઠો થતો વાયુ છે. વૃક્ષોમાં 500 ppm HF ભેગો થઈ શકે છે. તેનાથી વૃક્ષનું વધવાનું અટકી જાય છે તથા તેની લીલાશ જતી રહે છે. શોભા માટે ઉગાડાતાં છોડ તથા વેલ ઉપર ઇથિલીન વાયુની અસર થાય છે. ચીમનીઓ અને કારખાનાંની આસપાસ દૂર દૂર સુધીનાં વૃક્ષો તથા ખેતીના ઊભા પાકને ખાસ્સું નુકસાન થાય છે. તેમાંથી નીપજતાં ફળ તથા અનાજમાં સામાન્ય કરતાં વિષાણુ તત્ત્વોની માત્રા વધુ હોય છે.
ફળો તથા અન્ન દ્વારા મનુષ્યોમાં, પાક તથા લીલા ઘાસ દ્વારા પશુઓમાં તથા પશુઓનાં દૂધ દ્વારા ફરી મનુષ્યોમાં વિષાળુ તત્વો આવે છે અને આ રીતે વાયુ-પ્રદૂષણચક્ર ચાલતું જ રહે છે.
વાયુ-પ્રદૂષણ માપવા સૌપ્રથમ ગ્લાસ ફાઇબર ફિલ્ટરો દ્વારા લગભગ ત્રણ કલાક સુધી પ્રદૂષિત વાયુ શોષી લઈને આ ફિલ્ટરોને 10 × 40 મિમી.ના માપમાં કાપીને ક્વાર્ટ્ઝમાંથી બનાવેલી 5 મિમી. વ્યાસવાળી નળીમાં લગાવીને ઇલેક્ટ્રૉન-સ્પિન-રેઝોનન્સ દ્વારા ધૂળની માત્રા શોધવામાં આવે છે.
(ii) જળ-પ્રદૂષણ : વસ્તીમાં થતો સતત વધારો તથા વધતા જતા ઉદ્યોગીકરણ બંનેને લીધે પાણીની માંગ ઉત્તરોત્તર વધતી જાય છે. બીજી બાજુ પાણીના સ્રોતમાં અનેક કારણોસર પ્રદૂષણ વધતું રહેતું જણાય છે. મોટાં શહેરોમાં તો આ પરિસ્થિતિ વધુ વણસી છે. પીવા માટેના પાણીમાં ફ્લોરાઇડની અધિકતાને લીધે ફ્લોરોસિસ રોગનો ફેલાવો થાય છે. કારખાનાંમાંથી છોડાતા પાણીમાંના ક્ષારો, ઍસિડ, વિવિધ ઝેરી વાયુઓ વગેરેથી દૂષિત થયેલ જળ નજીકની નદીમાં ભળતાં તેના દ્વારા કેટલાક રોગો ફેલાય છે. પાકનો નાશ કરવા વપરાતાં કીટનાશકો કે જીવનાશકોનાં રસાયણો સિંચાઈના પાણી સાથે જમીનમાં ઊતરી નદીના પ્રવાહમાં ભળી જતાં એનું પાણી પીવાયોગ્ય રહેતું નથી ને એવું પાણી કૂવાઓમાં ફેલાતાં ત્યાંનું પાણી પણ પ્રદૂષિત થાય છે. ખાતરોના વધુ પડતા વપરાશથી પણ પાણી પ્રદૂષિત થાય છે.
કાગળ-ઉદ્યોગ, ચર્મ-ઉદ્યોગ, વનસ્પતિ ઘીનો ઉદ્યોગ, કોલસા-ઉદ્યોગ, પેટ્રોરસાયણ-ઉદ્યોગ તથા મદ્ય-ઉદ્યોગ માટેનાં કારખાનાંઓમાંથી નીકળતા અપશિષ્ટો તથા ઉચ્છિષ્ટ પદાર્થો નદી તથા જળાશયોને દૂષિત કરે છે. કૂવા, વાવ, તળાવ કે નહેરનું પાણી ઉપર દર્શાવેલા અનેક સ્રોતો દ્વારા પ્રદૂષિત થયેલું હોઈ તેનો વપરાશ કરતા લોકોમાં હાથીપગો, આંતરડાંના અને ચામડીના રોગો વગેરે થાય છે. વળી જૈવિક નિયંત્રણ અથવા ઔદ્યોગિક અપશિષ્ટ પદાર્થો માટે જીવનાશકોનો ઉપયોગ વધતો જાય છે. તેનો જનસ્વાસ્થ્ય ઉપર તથા નદીમાંના જીવો ઉપર વિનાશક પ્રભાવ પડે છે. પોલિયો તથા કમળાનો ભોગ બનેલા રોગીઓના મળ દ્વારા નદીનાળાંઓ અને કૂવા-તળાવો વગેરે પણ વિષાણુવાળાં બને છે. આંતરડાંમાં રહેલા વિષાણુ માત્ર રોગી જ નહિ, પણ તંદુરસ્ત માનવી પણ મળ દ્વારા બહાર કાઢતો હોય છે, તેથી આવા આંત્ર-વાયરસથી વિકૃત થયેલ પાણી ઉકાળ્યા વિના પીવાથી સ્વસ્થ માનવોમાં પણ વિપરીત અસર થાય છે. માનવમળમાંથી ઉત્સર્જિત 100 પ્રકારનાં વિષાણુઓ પાણી દ્વારા ફેલાઈને પોલિયો, કમળો, આંત્રશોથ, અતિસાર, લ્યૂકેમિયા, લિમ્ફોમા કૅન્સર વગેરે ફેલાવે છે. આ ઉપરાંત ટાઇફૉઇડ, પૅરા ટાઇફૉઇડ, સંગ્રહણી, કૉલેરા પણ આવા વાહિત મળ દ્વારા ફેલાય છે. હમણાંથી સમુદ્રી પ્રદૂષણ પણ ધ્યાનપાત્ર બન્યું છે. તેનાથી સમુદ્રી પાણીમાં ઑક્સિજનની માત્રા ખૂબ ઘટી છે. દા.ત., તેલવાહક જહાજમાંથી તેલ ચૂએ તો તે હલકું હોઈ સમુદ્રની સપાટી પર પ્રસરી જાય છે. આને કારણે ઘણા દરિયાઈ જીવો મૃત્યુ પામે છે.
જળ-પ્રદૂષણથી બચવા માટે કેટલાંક નિયંત્રણો જરૂરી નહિ, અનિવાર્ય પણ બની ગયાં છે.
(iii) રાસાયણિક પ્રદૂષણ : પર્યાવરણનું પ્રદૂષણ વાયુ દ્વારા સૌથી અધિક થાય છે. કોઈ લીલો, ખાદ્ય કે વિસર્જિત પદાર્થ ખુલ્લામાં નાખી દેવાથી સૂર્યપ્રકાશ દ્વારા તેનું વિઘટન થતાં જે વાયુ નીકળે છે તે વાતાવરણને પ્રદૂષિત કરે છે. પદાર્થ કાર્બનિક હોય કે અકાર્બનિક, પણ તે રાસાયણિક પ્રક્રિયા બાદ વાયુમાં ફેરવાઈ રાસાયણિક પ્રદૂષણનું રૂપ ધારણ કરે છે. પ્રાણીઓ ઉપર આનો પ્રતિકૂળ પ્રભાવ પડે છે. વાયુનો પ્રતિકૂળ પ્રભાવ માનવ, પાલતુ તથા જંગલી જાનવરો, છોડવાઓ વગેરે પૂરતો સીમિત ન રહેતાં સંપૂર્ણ પરિસ્થિતિમંડળ પર તેની અસર પડે છે.
અધિક ઉદ્યોગીકરણને લીધે ફૅક્ટરીઓમાંથી મોટાભાગે વિષાળુ દ્રવ્યો નીકળે છે. તેનાથી ભૂમિજળ તેમજ વાયુ પ્રદૂષિત બને છે. આ ઉપરાંત કીટનાશી (insecticide) પણ મુખ્ય પ્રદૂષકો (pollutants) છે. કીટનાશી રાસાયણિક દ્રવ્યો પાકને કીડી-મંકોડા તથા પાદપ રોગોથી બચાવવા અથવા ખાદ્યને સાચવવા માટે વપરાય છે. આ ઔષધિઓ સૌથી વધુ પ્રદૂષણ ઉપજાવે છે. બીજા વિશ્વયુદ્ધ અગાઉ અનેક વર્ષોથી મોરથૂથું (કૉપર સલ્ફેટ), લેડ આર્સેનેટ તથા કૅલ્શિયમ આર્સેનેટ જેવા અકાર્બનિક પદાર્થો કીટનાશી તરીકે વપરાતાં આવતા હતા; પરંતુ ડી.ડી.ટી.ના વિકાસ સાથે ક્લોરિનયુક્ત હાઇડ્રોકાર્બનનો ઉપયોગ વધતો રહ્યો છે. આ શ્રેણીમાં ડાયએલ્ડ્રિન, એલ્ડ્રિન, ટૉક્સાફિન, લિન્ડેન તથા ક્લોર્ડેન કીટનાશી પદાર્થો છે. વળી પેરાથિયૉન તથા મૅલાથિયૉન જેવાં કાર્બનિક ફૉસ્ફરસ સંયોજનોનું ઉત્પાદન પણ વધ્યું છે. કાર્બનિક ફૉસ્ફરસ સંયોજનોની એકધારી અસર ક્લોરિનયુક્ત હાઇડ્રોકાર્બન કરતાં ઓછી થાય છે.
ખાતરો તથા કીટનાશીઓના ઉપયોગ દ્વારા ભારતમાં ખાદ્યાન્નનું પ્રમાણ ઘણું વધ્યું છે, પણ ખેડૂતોને કૃષક-ફુફ્ફુસ, ખાંસી, શ્વાસની તકલીફ, ધીમો તાવ જેવા અનેક રોગો પણ થયા છે. પાકની કાપણી (લણણી) વખતે આવા રોગની અસર વરતાય છે, પરંતુ તેનાં લક્ષણ ત્રણ મહિના પછી દેખાવા માંડે છે. સૂકા ઘાસની રજને લીધે મુખ્યત્વે આ રોગો થાય છે.
કાર્બનિક ક્લોરિન સંયોજનો સૌપ્રથમ સંશ્લેષિત થયેલા કીટનાશીઓ છે. તે પાણી તથા ચરબીમાં ભળી જતાં હોય છે. જંતુઓની ચરબીમાં ભળી ગયેલા ડી.ડી.ટી.નું વિઘટન સરળતાથી થતું નથી. યકૃત વગેરેને આનાથી ઘણું નુકસાન થાય છે. કાર્બનિક-ક્લોરિન શ્રેણીના કીટનાશીઓ લાંબા ગાળાની કાયમી વિષાળુતા (chronic poisoning) ઊભી કરે છે. આવા પદાર્થો પાણીમાં જાય તો માછલીઓ તેને પોતાના શરીરમાં સંઘરી લે છે. આવી માછલી ખાનારા અન્ય જંતુઓ તથા વ્યક્તિઓમાં આની થોડી માત્રા પ્રવેશે છે અને ભોજનની શૃંખલામાં આ ક્રમ ચાલતો જ રહે છે. લગભગ બધી જ વ્યક્તિઓની ચરબીમાં આ ડી.ડી.ટી.ના થોડા અંશ હોય છે. આના મુકાબલે કાર્બનિક-ફૉસ્ફરસ સંયોજનો ઓછાં સ્થાયી છે તથા સહેલાઈથી બિન-ઝેરી સંયોજનોમાં ફેરવાય છે. તેથી ભૂમિમાં, જળમાં, જંતુઓ કે માનવશરીરની ચરબીમાં તેઓ ખાસ મળતાં જણાયાં નથી; પરંતુ આ સંયોજનો ઘણાં વિષાળુ હોઈ વાપરવામાં સાવધાની જરૂરી છે. બજારોમાં મળતાં શાકભાજી, ધાન્યો, દૂધ, ઈંડાં તથા માંસના નમૂનાઓમાં વિષાળુતા U.S.F.D.A. (United States Food & Drug Authority) દ્વારા નિર્ધારિત સહ્ય સીમા(tolerable limit)થી પણ ઘણી વધુ જણાઈ છે. જોકે મૅલેથિયૉન છાંટેલા છોડવાઓમાંનાં ટમેટાં તથા રીંગણાંમાં મૅલેથિયૉનની માત્રા ચોવીસ કલાકમાં નિર્ધારિત માત્રાથી ઓછી થઈ જાય છે અને અડતાલીસ કલાકમાં તો તે લગભગ રસાયણમુક્ત બની જાય છે.
પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે ગૅસ-ગળતર(leakage)ની દુર્ઘટનાઓ વિશ્વવ્યાપી સમસ્યા બની છે. આ શતાબ્દીની વિશ્વની સૌથી ભયંકર ગૅસ દુર્ઘટના 2–3 ડિસેમ્બર 1984ની રાત્રે 12.30 કલાકે મધ્યપ્રદેશના ભોપાલમાં બની હતી. આવી દુર્ઘટનાઓ લંડનમાં 1952, 1956, 1957 તથા 1963માં તથા ન્યૂયૉર્કમાં 1953, 1963 તથા 1966માં નાના પાયા પર બની હતી. લંડનમાં 1952ના ડિસેમ્બરમાં લગભગ 4,000 વ્યક્તિ મૃત્યુ પામેલી. ભોપાલ ગૅસ દુર્ઘટનામાં બિનપ્રમાણિત સમાચારો મુજબ લગભગ 20,000 વ્યક્તિઓના જાન ગયા, જ્યારે 26 એપ્રિલ 1986માં રશિયાના ચેર્નોબિલમાં મરનારાઓની સંખ્યા લગભગ 2,000 હતી. ભોપાલ દુર્ઘટના માટે મિથાઇલ આઇસોસાયનેટ (MIC) નામનું રસાયણ કારણભૂત હતું. MICનું ઉત્પાદન ફૉસજિન, ક્લોરિન તથા કાર્બન મોનૉક્સાઇડ જેવા ઝેરી વાયુઓનાં મિશ્રણમાંથી થાય છે. ટાંકીમાંથી MIC વાયુ નીકળવાથી આ દુર્ઘટના થઈ એમ જાહેર થયું હતું. પરંતુ કેટલાક વિશેષજ્ઞોના મત મુજબ ગળતર પામેલ વાયુ ફૉસજિન હતો, જે MICથી અનેકગણો ઘાતક ગણાય છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં ડિસેમ્બર 1915માં જર્મન સૈનિકોએ ફૉસજિન વાપરીને હજારો શત્રુ-સૈનિકોને માર્યા હતા. MICની 20 ppmથી વધુ સાન્દ્રતાના પ્રભાવથી માનવી મૃત્યુ પામે. MIC માનવ-ત્વચાનાં છિદ્રોમાં પ્રવેશતાં શ્વાસની તકલીફ તથા દમની અસર જણાય છે. શરીરમાંના લોહીના લાલ કણો(હીમોગ્લોબિન)ને MIC સાયનાઇડમાં ફેરવી નાંખે છે; પરિણામે શરીરના ભિન્ન ભિન્ન ભાગોમાં ઑક્સિજન પૂરતો ન મળતાં વ્યક્તિ મૃત્યુ પામે છે.
પાણીમાં મિથાઇલ આઇસોસાયનેટ (MIC) ઓછું ભળે છે; પરંતુ ભળેલા ભાગની પાણીમાં તેની પ્રક્રિયા ઝડપી બને છે તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે. આથી એવું અનુમાન કરાયું કે ભોપાલના યુનિયન કાર્બાઇડ કારખાનાની ટાંકીમાં પાણી પ્રવેશવાને લીધે ટાંકીમાં એટલો અધિક તાપ (ગરમી) તથા દબાણ ઉત્પન્ન થયાં કે ટાંકીમાંથી ગૅસનું ગળતર શરૂ થયું. પાણીની હાજરીમાં MICનું મિથાઇલ એમાઇન તથા CO2માં વિઘટન થઈ જતું હોય છે. એ રીતે મિથાઇલ એમાઇન વધેલા આઇસોસાયનેટ સાથે પ્રક્રિયા કરીને અલ્કાઇલ યૂરિયા બનાવે છે. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં મિથાઇલ કાર્બોનિક ઍસિડ બનીને વિઘટિત થઈ જાય છે. મિથાઇલ એમાઇન પાણીમાં ખૂબ દ્રાવ્ય છે. પાણીમાં નાઇટ્રેટ તથા નાઇટ્રાઇટની હાજરીમાં નાઇટ્રોસોએમાઇન બને છે, જે કૅન્સર જેવા રોગ ઉત્પન્ન કરી શકે છે. MIC પોતે પણ કીટનાશક છે તથા સેવિન, એલ્ડિકાર્બ તથા BPMC બનાવવા વપરાય છે. આ MIC દ્વારા માત્ર માનવો જ નહિ, પરંતુ પશુ, પક્ષી, વૃક્ષો, છોડવાઓ, માછલીઓ જળના સૂક્ષ્મ જીવો તથા મચ્છરો ઉપરાંત બૅક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મ જીવાણુઓ પણ નાશ પામતાં હતાં. પરિણામે ભોપાલક્ષેત્રમાં પારિસ્થિતિક સંતુલન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. માત્ર એક અપવાદ મરઘીઓ તથા ગુલાબના છોડનો રહ્યો જેના ઉપર કોઈ વિપરીત અસર ન થઈ. આથી તે ઘટના સંશોધનનો વિષય પણ બની. આ વિષપ્રભાવના ઉપચાર માટે સોડિયમ થાયૉસલ્ફેટ સર્વોત્તમ જણાયું છે.
મોટાભાગના વ્યાવસાયિક રોગો ઘણી વાર મહિનાઓ કે વરસો પછી તેમનાં લક્ષણ દર્શાવે છે; શરૂઆતમાં તો રોગની ખબર જ પડતી નથી. અધિકાંશ પદાર્થો ચામડી, આંખ, નાક તથા મોંની આંતરત્વચા ઉપર સ્થાનિક પ્રભાવ દર્શાવે છે. આ પ્રભાવ નીચે ખરજવું, ત્વગ્-દાહ, ખીલ, ફોલ્લી, ઍન્થ્રેક્સ, કૅન્સર, હાથપગનાં ચાંદાં, શ્વાસનળીમાં ક્ષોભ, આંખો સૂજી જવી વગેરે વિકારો થાય છે. આ સ્થાનિક પ્રભાવો ઉપરાંત લોહીમાં ભળી જવાથી આ વિષાળુ પદાર્થો ફેફસાં, યકૃત, મસ્તક વગેરે અંગેના કાર્યમાં વિકાર ઉત્પન્ન કરે છે. તેથી સખત કે કાયમી વિષાળુતા નીપજે છે.
ઉદ્યોગમાં અનેક પદાર્થોનો સાવચેતીથી ઉપયોગ ન થાય તો તેઓ કોઈ ને કોઈ રોગ ઉત્પન્ન કરી શકે છે. આવા પદાર્થો આ પ્રમાણે છે : (ક) સીસું, પારો, ક્રોમિયમ, મૅંગેનીઝ, કૅડમિયમ, બેરિલિયિમ, રેડિયમ, આર્સેનિક વગેરે ધાતુઓ તથા તેમનાં સંયોજનો. (ખ) ઍસિડ બેઝ વગેરે કાર્બનિક તથા અકાર્બનિક રસાયણો, (ગ) શ્વાસઅવરોધી વાયુઓ (મીથેન, નાઇટ્રસ ઑક્સાઇડ, કાર્બન મોનૉક્સાઇડ, હાઇડ્રોજન સાયનાઇડ વગેરે), ક્ષોભકારી. વાયુઓ (NH3 Cl2 SO2) તથા સંવેદનાહારી રસાયણો (ઈથર, CCl4, C6H6, C6H5NH2, C6H5NO2); (ઘ) હાનિકારક રજ, લાકડા કે કોલસાથી થતો ધુમાડો, રૂ, શણ, લોટ તથા કાર્બન, ગ્રૅફાઇટ, સિમેંટ, ઍસ્બેસ્ટૉસ, સિલિકા વગેરેની અકાર્બનિક રજ; (ચ) CS2, ટ્રાઇક્લૉરોઇથિલીન ક્લૉરૉફૉર્મ, બેન્ઝિન જેવા દ્રાવકો.
(iv) ભૂ-ઓઝોન-પ્રદૂષણ : હવામાંનો ઑક્સિજન જીવન માટે આવશ્યક છે. ભૂમિ અને પાણીની માફક વાયુનું આવરણ પૃથ્વીનું અભિન્ન અંગ છે. પૃથ્વી ફરતે લપેટાયેલું વાયુ-આવરણ તેની સાથે જ ફરતું રહે છે. પૃથ્વીના બહારના ભાગમાં ત્રણ મુખ્ય મંડળો (1) ભૂમિ, (2) જળ તથા (3) વાયુનાં મંડળો આવેલાં છે. તેમને પૃથ્વીનાં પરિમંડળો કહે છે. જમીનવાળા ભાગને ભૂમિમંડળ, પાણીવાળા ભાગને જળમંડળ (hydrosphere) તથા વાયુ આવરણને વાયુમંડળ (atmosphere) કહેવાય છે. ભૂમિમંડળ 60 કિમી.નું ગણાય છે અને તે અનેક શિલાઓથી બન્યું છે. જલમંડળની રચના પૃથ્વી પર આવેલાં સમુદ્રો, સરોવરો, નદીઓ વગેરે સમૂહોથી થઈ છે. વાયુમંડળના ઑક્સિજન-આધિક્યથી પૃથ્વી ઉપર વિવિધ સિલિકેટ રૂપે જમીનની ઉત્પત્તિ તથા વનસ્પતિની વૃદ્ધિ થઈ છે. વાયુમંડળ પૃથ્વીના પડથી 1,600 કિમી. દૂર સુધી વિસ્તરેલ છે, પરંતુ તેના દ્રવ્યમાનનો 99% ભાગ પૃથ્વીથી માત્ર 32 કિમી. સુધીમાં જ આવેલો હોય છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે વાયુમંડળ પૃથ્વીને વળગી રહે છે. ભૂપૃષ્ઠની નજીક તેનું ઘનત્વ સૌથી વધુ હોય છે. જેમ ઊંચાઈ વધે તેમ ઘટત્વ ઘટતું જાય છે. વાયુમંડળમાં ચાર જુદાં જુદાં સ્તર છે. સૌથી નીચેના સ્તરને ક્ષોભમંડળ (અધોમંડળ) (troposphere) કહે છે, જેમાં મોસમી ઘટનાઓ ઘટે છે. આ પડમાં દર 165 મી. ઊંચાઈ વધતાં 1° સે. તાપમાન ઘટતું જણાય છે. ક્ષોભમંડળની સીમા વિષુવવૃત્ત ઉપર 18થી 20 કિમી. સુધી તથા ધ્રુવો ઉપર લગભગ 8થી 12 કિમી. સુધી હોય છે. ક્ષોભમંડળ પછી સમતાપમંડળ (ઊર્ધ્વમંડળ) (stratosphere) હોય છે, જેમાં તાપમાન એકસરખું રહે છે તથા ઊંચાઈ વધવા સાથે તે ધીમે ધીમે વધે છે. આ તાપમાન વધવાનું કારણ સૌર પારજાંબલી વિકિરણોનું ઓઝોન દ્વારા અવશોષણ છે. સમતાપમંડળમાં હવા સૂકી હોય છે. ક્ષોભમંડળમાંથી વાદળો કે પવનધારાઓ (conventional currents) તેમાં સહેલાઈથી પ્રવેશી શકતાં નથી. ક્ષોભમંડળ તથા સમતાપમંડળ વચ્ચે શાંતમંડળ (tropopause) અથવા ક્ષોભસીમા હોય છે. સમતાપમંડળમાં ઓઝોનયુક્ત એક સ્તર હોય છે, જેને ઓઝોનમંડળ (ozonosphere) કહે છે. ઓઝોનમંડળ ભૂપૃષ્ઠથી 20થી 25 કિમી. ઊંચાઈએ સૌથી વધુ સઘન હોય છે અને 75 કિમી. સુધીમાં નહિવત્ બની જાય છે. ભૂપૃષ્ઠથી લગભગ 10 કિમી. ઊંચાઈએ પણ ઓઝોન અલ્પ માત્રામાં મળે છે.
સૌર પારજાંબલી (UV) વિકિરણો દ્વારા વાયુમંડળના ઑક્સિજનનું પ્રકાશ-વિઘટન થતાં ઓઝોન બને છે. આ રીતે ભૂપૃષ્ઠથી 20થી 25 કિમી. ઊંચાઈએ ઓઝોનની સઘનતા 1012થી 1013 અણુ પ્રતિ ઘનસેમી. મળે છે. ઓઝોન પોતે ખૂબ વિષાળુ છે. હવાના દસ લાખ ભાગમાં ઓઝોનનો એક ભાગ પ્રાણ હરવા માટે પૂરતો છે. પણ આ જ ઓઝોન સમતાપમંડળમાં એક છત્ર બનાવીને રક્ષાકવચ તરીકે જીવમંડળનું રક્ષણ કરે છે. તે પારજાંબલી વિકિરણોનું અવશોષણ કરી પ્રાણીજગતને વિઘાતક કિરણોથી બચાવે છે. જો સમતાપમંડળમાં ઓઝોનનું સ્તર ન હોત તો સૂર્ય પોતાની ગરમીથી જીવજંતુઓને શેકી નાખત. ઓઝોન એટલો ક્રિયાશીલ છે કે ધુમાડો, કાજળકણો તથા વાયુમાંના અન્ય કાર્બનિક પદાર્થો સામે તુરત પ્રક્રિયા કરે છે. મોટરો, તાપવીજળીઘરો, રેલગાડીઓ, ઉદ્યોગો તથા એરોપ્લેનોમાંથી નીકળતા CO2 તથા CO દ્વારા પ્રદૂષિત વાતાવરણ ઓઝોનની માત્રાની કમી કરે છે. પૃથ્વી ઉપર 15થી 20 કિમી. વચ્ચે ઓઝોનનું આ પડ બહારથી આવતાં પારજાંબલી કિરણો શોષી લેવા ઉપરાંત પૃથ્વી ઉપરથી બહાર જઈ રહેલા અધોરક્ત (I.R.) કિરણો રોકી લે છે તથા તાપમાન જાળવી રાખે છે. આમ બંને રીતે તે સજીવોનું રક્ષણ કરે છે.
ઓઝોનસ્તર બન્યા અગાઉ જીવન માત્ર જળમાં જ હશે એવી માન્યતા હતી. ધીમે ધીમે સમુદ્રમાંથી ઑક્સિજન ઉત્પન્ન થતો ગયો અને વાયુમંડળમાં ભળતો ગયો તથા પ્રકાશ-રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઓઝોનમાં રૂપાંતરિત થતો ગયો. સમયાંતરે એક એવી સ્થિતિ ઉદભવી કે બધા જ પારજાંબલી તરંગો શોષવા ઓઝોનસ્તર સક્ષમ બની ગયું. અને પરિણામે પૃથ્વી ઉપર જીવન શરૂ થયું. ઍરકન્ડિશનરમાં શીતક તરીકે વપરાતો ફ્રિયૉન વાયુ નિષ્ક્રિય તેમજ બિનઝેરી છે. આથી CFCl3 તથા CF2Cl2 બંને શીતક તરીકે વપરાય છે. 1972માં રોલૅન્ડ દ્વારા શોધવામાં આવ્યું કે ઉત્તર તથા દક્ષિણ ગોળાર્ધના વાયુમંડળમાં ક્લૉરોફ્લોરોકાર્બનના કણો મળી આવે છે અને આ ફ્લોરોકાર્બન ઍન્ટાર્ક્ટિકા ઉપરના ઓઝોનસ્તરને પાતળું બનાવી રહ્યું છે. 1986માં સુસેન સૉલોમને જણાવ્યું કે ઓઝોનનું પ્રમાણ ઘટવાની બિના ધ્રુવીય સૂર્યોદય પછી વધુ જોવા મળે છે. ફ્રિયૉનમાંથી પારજાંબલી કિરણો ક્લોરિન પરમાણુ મુક્ત કરે છે, જે ઓઝોન O3ને O2માં ફેરવી દે છે. પરિણામે ઓઝોનસ્તર પાતળું પડતું જાય છે.
ઓઝોનની ક્ષતિપૂર્તિ ન થતાં ઓઝોન ચાદરમાં છિદ્રો પડ્યાં છે. ઉપગ્રહ દ્વારા મેળવેલા દક્ષિણધ્રુવના ચિત્ર(આકૃતિ 3)માં આ સ્પષ્ટ દેખાય છે.
એક ક્લોરિન અણુ તૂટવાથી વાયુમંડળમાંથી ઓઝોનના એક લાખ અણુ ગાયબ થઈ જાય છે. ઓઝોનસ્તર અંગેના વિસ્તૃત અભ્યાસ દ્વારા જણાયું છે કે યુ.એસ., પશ્ચિમી યુરોપ, રશિયા, ચીન, જાપાન ઉપરની આ જીવનરક્ષક ચાદર 3% તથા અલાસ્કા, સ્કૅન્ડિનેવિયામાં 6% પાતળી પડી છે. ઓઝોનકવચનું સ્તર જો 1% પાતળું પડે તો ચામડીના કૅન્સરમાં 5%નો વધારો તથા ચામડી અને આંખના ટ્યૂમરમાં 2%ની વૃદ્ધિ થાય છે. સંયુક્ત રાષ્ટ્રે 1986 બાદ ક્લૉરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન બંધ કરવાના આદેશો આપ્યા છે. 2000ની સાલ સુધીમાં આ ઉત્પાદન લગભગ 30% ઘટાડાશે. વાતાવરણમાં પરમાણુબૉમ્બ પરીક્ષણ પણ ઓઝોનસ્તરમાં છિદ્ર પાડે છે. નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, ન્યૂ દિલ્હીએ 1988માં દક્ષિણ ધ્રુવ પાસે દક્ષિણ-ગંગોત્રીથી 70 કિમી. દૂર મૈત્રેયી કેન્દ્ર સ્થાપી ત્યાં સંશોધન શરૂ કર્યું છે. આ કેન્દ્ર ઓઝોન ઉપરાંત ભૂવિજ્ઞાન, ભૂભૌતિક વિજ્ઞાન, મોસમવિજ્ઞાન, સહારવિજ્ઞાન, ભૂચુંબકત્વ વગેરેનો અભ્યાસ કરે છે. પર્યાવરણીય પ્રદૂષણ દ્વારા ઓઝોનમંડળ પ્રદૂષિત થવાનાં મુખ્ય કારણોમાં : (i) પ્રાકૃતિક સમતાપમંડળ, (ii) રાસાયણિક કારણો, (iii) પરાધ્વનિ વાયુયાનો, (iv) હેલોજનયુક્ત હાઇડ્રોકાર્બનો, (v) ખાતરો, (vi) સૌર પ્રોટૉન અને (vii) જ્વાળામુખી વિસ્ફોટ વગેરેને ગણાવી શકાય.
વાયુમંડળમાં થતાં રાસાયણિક પરિવર્તનો દ્વારા પૃથ્વીનું તાપમાન વધતું જાય છે જેને ગ્રીનહાઉસ અસર કહે છે, જે ઓઝોન સમસ્યાથી વધુ ગંભીર છે અને તેનું નિયંત્રણ મુશ્કેલ છે.
(v) ભૂમિ-પ્રદૂષણ : માટીનું ઉપલું સ્તર કે જેમાં પાક ઊગે છે તેની ફળદ્રૂપતા તેમાં રહેલા અસંખ્ય સૂક્ષ્મ જીવોને આભારી છે. પરંતુ આ બધા જ સૂક્ષ્મ જીવો લાભદાયક નથી હોતા. કેટલાક કીટ, નેમેટોડ, ફૂગ તથા જીવાણુઓ પાક માટે ઘાતક હોય છે. અપપાદપ તથા અપતૃણ (weeds) પણ પાક માટે નુકસાનકારક હોય છે. માટીમાં પ્રજીવો (protozoa) અળશિયાં, ભમરી, માખી વગેરે અનેક કીટકો રહેતાં હોય છે. ડી.ડી.ટી., બી.એસ.સી., એલ્ડ્રિન, હૅપ્ટાક્લોર, ડાઇએલ્ડ્રિન વગેરે કીટનાશીઓ જો અળસિયાંને મારી નાંખે તો જમીનની ફળદ્રૂપતા ઘટી જાય છે. અળશિયા ઉપર ડી.ડી.ટી.ની અસર હાનિકારક નથી, પરંતુ હૅપ્ટાક્લોર, ક્લોર્ડેન તથા કાર્બ-ફૉસ્ફરસ સંયોજનો ખૂબ વિષાળુ હોય છે. વળી અળશિયાં પોતાના શરીરમાં માટીની સરખામણીમાં ક્લોરિન કીટનાશીઓ દસ ગણી સાંદ્રતામાં એકઠા કરી લે છે; આથી પક્ષીઓ આ અળશિયાં ખાય તો તેઓ માટે વિકટ સમસ્યા ઊભી થાય છે.
ભૂમિને દૂષિત કરતાં કારણો નીચે પ્રમાણે છે :
(ક) વધતી જતી જનસંખ્યાને કારણે ઉત્પન્ન થતા અપશિષ્ટ પદાર્થો,
(ખ) હડકવા, માલ્ટા જ્વર, લેપ્ટોસ્પાઇરોસિસ જેવાં પશુઓને થતા રોગોનાં જંતુઓ.
(ગ) રજ (ધૂળ). દા.ત., સિમેન્ટ અને ચૂનાનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં તથા પૉટરી ઉદ્યોગમાં કામ કરતા કારીગરોને સિલિકોસ્ટિક થાય છે. પોટૅશિયમ મેટાબાઇસલ્ફાઇટની રજથી ફોટોગ્રાફરોને, કપાસની રજથી પીંજારાઓને, કોલસાની ખાણમાં તેમજ ઊંજક તેલો, ઍસ્બેસ્ટૉસ રસાયણો તથા સ્ટીલનાં કારખાનાંઓમાં કામ કરતા કારીગરોને પણ ત્યાં ઊડતી રજથી જાતભાતની બીમારીઓ લાગુ પડે છે. ટાર્ટરિક ઍસિડના ઉત્પાદનમાં કામ કરતા કામદારો દંતક્ષરણના ભોગ બને છે.
(ઘ) માનવી દ્વારા ફેંકી દેવાતો કચરો. દા.ત., પ્લાસ્ટિકની થેલીઓ તથા વિવિધ પાત્રો, ધાતુના ડબ્બા વગેરે. પ્લાસ્ટિકની થેલીઓમાં નકામા ખાદ્ય પદાર્થો ફેંકી દેવાતા હોય છે. જાનવરો પ્લાસ્ટિક સાથે તે ખાય છે. ત્યારે તેમને ઘાતક રોગો થાય છે. તેમનાં આંતરડાં કે હોજરીમાં એ પ્લાસ્ટિક સખત ચોંટી જાય છે.
(vi) ધ્વનિ-પ્રદૂષણ : અણગમતો, વધુ પડતો તથા કર્કશ અવાજ પણ એક જાતનું પ્રદૂષણ છે. ઘોંઘાટ સાપેક્ષ બાબત છે. એક પ્રકારનો અવાજ અમુક વ્યક્તિઓને કર્ણપ્રિય લાગે તો અન્યોને ઘોંઘાટ લાગે. એક પ્રકારનો અવાજ અમુક સમય સુધી સાંભળવો સારો લાગે, પરંતુ ત્યારબાદ તે જ અવાજ ઘોંઘાટ લાગે. શહેરીકરણ, ઉદ્યોગીકરણ અને વસ્તીવિસ્ફોટને કારણે ઘોંઘાટને એક પ્રદૂષણ ગણી તેનો અભ્યાસ થયો છે. અવાજની તીવ્રતાને ડેસિબલ (db) એકમથી દર્શાવાય છે. વ્યવહારમાં આપણે 150 db સુધીની તીવ્રતાવાળા ઘોંઘાટનો સામનો કરવો પડે છે. માનવની ઘોંઘાટ સહન કરવાની ક્ષમતા સામાન્યત: 85 ડેસિબલ સુધીની હોય છે.
ધ્વનિ-પ્રદૂષણનાં ઉત્પત્તિ-સ્થાનો કે તેનાં કારણો નીચે મુજબ છે :
યાંત્રિક ઘોંઘાટ : ઉદ્યોગો તથા અન્ય વ્યવસાયોમાં વપરાતાં યંત્રો દ્વારા થતા ઘોંઘાટની અસર તે સ્થળ પર કામ કરતા કારીગરોના તથા આજુબાજુ વસતા લોકોના સ્વાસ્થ્ય ઉપર પડે છે.
વાહનવ્યવહારનો ઘોંઘાટ : શહેરીકરણ, વસ્તીવિસ્ફોટ તથા ઑટોમોબાઇલની સંખ્યા વધતી જ જાય છે તેથી માર્ગો ઉપર ઘોંઘાટનું પ્રમાણ ખૂબ વધ્યું છે તે નુકસાનકારક છે. સુપરસોનિક જેટ વિમાનોને કારણે પણ ઘોંઘાટનું પ્રદૂષણ થાય છે. તેની અસર વિમાનઘર આસપાસ રહેતા લોકો પર વિશેષ થાય છે.
આ ઉપરાંત રેડિયો, ટીવી, સંગીતનાં સાધનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સરઘસો, સમારંભો વગેરેમાં થતા અવાજોને કારણે પણ ઘણી વાર પ્રદૂષણ થાય છે. નીચેની સારણીમાં આ અંગે વધુ માહિતી આપી છે :
સારણી 1 : ધ્વનિનું પ્રદૂષણ
5 db | ખૂબ ધીમો ધ્વનિ |
10 dbથી વધુ | શોર |
85 dbથી ઉપરનો ધ્વનિ | એ લાંબો સમય સાંભળતાં બહેરાશ આપે છે. |
100 db | પ્રતિકૂળ અસર કરે છે. |
120 dbથી વધુ તીવ્રતાવાળો ધ્વનિ | તેની પ્રતિકૂળ અસર ગર્ભવતી ઓના ગર્ભસ્થ શિશુ ઉપર થાય છે. |
આથી કેટલાંક રાષ્ટ્રોએ ઘોંઘાટની અધિકતમ સીમા 75થી 85 db વચ્ચેની નિર્ધારિત કરી છે.
(vii) કિરણોત્સર્ગી પ્રદૂષણ : સૂર્યપ્રકાશ સાથે અને કિરણોત્સર્ગી વિકિરણો વાતાવરણમાં અમુક માત્રામાં પ્રવેશે છે. તેના અલ્પ પ્રમાણને લીધે કિરણોત્સર્ગી પ્રદૂષણ થતું નથી. કિરણોત્સર્ગી વિકિરણો વાતાવરણમાં વધુ માત્રામાં ફેલાતાં તેનું પ્રદૂષણ અત્યંત નુકસાનકારક નીવડે છે. આવાં વિકિરણોમાં (i) આયનીકારક તથા (ii) બિન- આયનીકારક વિકિરણો હોય છે. બિનઆયનીકારક વિકિરણો ટૂંકી તરંગલંબાઈવાળાં પણ વધુ ઊર્જાવાળાં હોય છે. આલ્ફા, બીટા તથા ગામા વિકિરણો આયનીકારક વિકિરણો છે.
સારણી 2 : જુદા જુદા સ્થળે ધ્વનિનું સ્વીકાર્ય પ્રમાણ
સ્થળ | ધ્વનિનું પ્રમાણ | |
રહેઠાણ | શયનખંડ | 25 ડેસિબલ |
બેઠકખંડ | 40 ડેસિબલ | |
વ્યાવસાયિક | કચેરી | 35થી 45 ડેસિબલ |
સભાખંડ | 40થી 45 ડેસિબલ | |
રેસ્ટોરાં | 40થી 60 ડેસિબલ | |
ઔદ્યોગિક સ્થળ | વર્કશોપ | 40થી 60 ડેસિબલ |
પ્રયોગશાળા | 40થી 60 ડેસિબલ | |
શૈક્ષણિક સ્થળ | વર્ગખંડ | 30થી 40 ડેસિબલ |
વાચનાલય | 35થી 45 ડેસિબલ | |
હૉસ્પિટલ | વૉર્ડ | 20થી 35 ડેસિબલ |
હાલમાં પરમાણુશક્તિનો વિવિધ કાર્યમાં ઉપયોગ થતો હોવાથી માનવસર્જિત કિરણોત્સર્ગી પ્રદૂષણ વધવા લાગ્યું છે. પરમાણુ-બૉમ્બ, હાઇડ્રોજન બૉમ્બ વગેરે શસ્ત્રોના પ્રયોગોથી વાતાવરણમાં વિકિરણો ફેલાય છે. અણુવિદ્યુત-મથકોમાં વિકિરણયુક્ત અણુકચરો ઉત્પન્ન થાય છે. આ કચરાનો તમામ સાવચેતી સાથે નિકાલ થવા છતાં વાતાવરણમાં કિરણોત્સર્ગ ફેલાય છે. પરમાણુશક્તિના વિવિધ શાંતિમય પ્રયોગો દરમિયાન પણ અમુક માત્રામાં વિકિરણો વાતાવરણમાં પ્રવેશ પામે છે. 28 એપ્રિલ 1986ના રોજ રશિયાના કીવથી ઉત્તરે 80 માઈલ દૂર આવેલ ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર સ્ટેશનમાં જે ભયંકર દુર્ઘટના બની તે 32 વર્ષથી વપરાતા ન્યૂક્લિયર પ્લાન્ટમાં સૌથી ભયંકર ગણાય છે. તેનાથી પ્લાન્ટની નજીકના 2,000 માણસો તાત્કાલિક મૃત્યુ પામ્યા તથા કિરણોત્સર્ગને લીધે 10,000 માણસોને તાત્કાલિક ત્યાંથી ખસેડવા પડ્યા. વિકિરણધર્મી વાયુઓ તથા કણો રશિયાના ખૂબ મોટા વિસ્તારમાં પ્રસરી ગયા અને કીવ નજીકના 60 લાખ માણસો માટેનાં પાણીને પ્રદૂષિત કર્યું. આ ઉપરાંત પવનને લીધે કિરણોત્સર્ગ આજુબાજુમાં ફેલાવા લાગ્યો અને અઠવાડિયાના અંતે આનાં વાદળો પૂર્વ યુરોપના મોટાભાગમાં તથા ભૂમધ્ય સમુદ્રના કાંઠાવિસ્તારોમાં ફેલાઈ ગયાં. કિરણોત્સર્ગની અસર પામેલા અનેકોને પ્રમસ્તિષ્કીય રક્તસ્રાવ, ઊબકા ને વમન થયાં અને તેથી મરણને શરણ થવું પડ્યું.
કિરણોત્સર્ગી પ્રદૂષણને લીધે કૅન્સર, વંધ્યત્વ, ચામડી તથા આંખના રોગો થાય છે. માનવી તથા અન્ય પ્રાણીઓમાં કાયમી ખોડ નીપજે છે, જે વારસાગત બની જાય છે.
નીચેની સારણીમાં વિકિરણ અંગે વધુ માહિતી દર્શાવી છે :
સારણી 3 : વિકિરણથી શરીર પર થતી આડઅસર
વિકૃતિ–સ્થાન | વિકાર |
શરીરના કોષો | તાત્કાલિક : વિકિરણ-માંદગી, ઉગ્ર વિકિરણજન્ય સંલક્ષણ |
દૂરગામી : રક્ત-કૅન્સર અને અન્ય કૅન્સરો, ગર્ભસ્થ શિશુના વિકાસને પહોંચતી હાનિ, આયુષ્યમાં ઘટાડો. | |
જનીનીય દ્રવ્ય : | રંગસૂત્રોમાં વિકૃતિ; બિંદુ-વિકૃતિ (point mutation) |
સારણી 4 : વિકિરણના કેટલાક સ્રોત (source)
જૂથ |
પ્રકાર, ઉદાહરણ કે નોંધ |
|
1. | અવકાશી કિરણો | 20 કિમી.ની ઊંચાઈએ તેમનું મહત્વ વધે છે. |
2. | પર્યાવરણીય | (ક) ભૂમિગત (terrestrial) : જમીન, ખડક મકાનોમાં યુરેનિયમ, થોરિયમ, રેડિયમ જેવા વિકિરણશીલ સમસ્થાનિકોની હાજરી |
(ખ) વાતાવરણલક્ષી : રેડોન તથા થોરોન વાયુની વિકિરણશીલતા ઘણી ઓછી હોય છે. | ||
3. | દેહાંતર્ગત | શરીરમાં સંઘરાયેલું વિકિરણશીલ દ્રવ્ય |
4. | માનવસર્જિત સ્રોત | (ક) એક્સ-કિરણોનો તબીબી ઉપયોગ |
(ખ) પરમાણુ-વિસ્ફોટ | ||
(ગ) અન્ય : ટી.વી., રેડિયમ ઘડિયાળ વગેરે અતિશય ઓછું વિકિરણ |
(viii) ઉષ્મીય પ્રદૂષણ (thermal pollution) : ઉષ્મા-વિદ્યુતમથકો તથા કેટલાક ઔદ્યોગિક એકમોમાંથી જે વાયુઓ વાતાવરણમાં છોડવામાં આવે છે તેમાં વાતાવરણને પ્રદૂષિત કરનારા વાયુઓ તથા બારીક ઘન પદાર્થો (રજોટી) હોવા ઉપરાંત તે ગરમ પણ હોય છે. આને લીધે આસપાસની હવા ગરમ થાય છે. તેના કારણે માનવીને પરસેવો વધુ થાય છે અને તેની કાર્યક્ષમતા ઘટે છે.
ઉષ્મા-વિદ્યુતમથકો તથા ઔદ્યોગિક કારખાનાંઓ ઉપરાંત પરમાણુ-વિદ્યુતમથકોમાંથી નિષ્કાસિત પાણી પણ પ્રદૂષણયુક્ત હોવા ઉપરાંત ખૂબ ગરમ હોય છે. આવા પાણીને કારણે ઉષ્મીય પ્રદૂષણ પેદા થાય છે. આ પ્રદૂષણ જળમાં રહેલ સજીવ સૃષ્ટિનો નાશ કરે છે, તેમાં પરિવર્તન લાવે છે તથા તેમને સ્થળાંતર કરવા પ્રેરે છે. તેને કારણે જળમાં રહેલા ઑક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય છે. આ નિવારવા માટે કૂલિંગ ટાવરો, પૉન્ડ (pond) વગેરે દ્વારા ગરમ પાણીનું તાપમાન ઓછું કરવામાં આવે છે.
ઉષ્ણતાને કારણભૂત માનીએ તો એક વિશિષ્ટ પ્રકારની હરિતગૃહ અસર (green house effect) ખૂબ અગત્યની ગણાઈ છે.
હરિતગૃહ અસર (વૈશ્વિક-ઉષ્માયન) (global warming) : વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ મુખ્યત્વે ક્ષોભમંડલ (troposphere) સુધી જ પ્રસરેલો હોય છે. ખૂબ સંકેન્દ્રિત પ્રમાણમાં તે ગંભીર પ્રદૂષક તરીકે વર્તે છે. સૂર્યમાંથી આવતાં ટૂંકી તરંગ-લંબાઈવાળાં તથા ર્દશ્ય પ્રકાશનાં કિરણો વાતાવરણમાં થઈને પૃથ્વી ઉપર આવે છે. વાતાવરણ દ્વારા પાછાં ફેંકાયાં ન હોય તેવાં કિરણો મહદંશે સપાટી દ્વારા શોષાઈ પૃથ્વીને ગરમ કરે છે. આ અવશોષિત ઊર્જાનો કેટલોક અંશ લાંબી તરંગલંબાઈવાળા પારરક્ત (infrared) વિકિરણ રૂપે વાતાવરણ તરફ પાછો ફેંકાય છે. આ બે ક્રિયાઓના સમતોલનને કારણે પૃથ્વીની સપાટીનું તાપમાન જળવાઈ રહે છે. પરંતુ જો હવામાં કાર્બન ડાયૉક્સાઇડ તથા ભેજ (પાણીની વરાળ) વધુ હોય તો તે આ ઊર્જાનું શોષણ કરે છે અને એ રીતે લાંબી તરંગલંબાઈવાળાં કિરણો અવકાશમાં જઈ શકતાં નથી. આને લીધે પૃથ્વી અને વાતાવરણ ગરમ થઈ વધુ તાપમાન ધરાવતાં થાય છે. આ ઘટનાને હરિતગૃહ અસર કહે છે. (આકૃતિ : 6a–b)
CO2 આ રીતે ગ્રીનહાઉસના કાચની માફક વર્તીને વૈશ્વિક સ્તરે વાતાવરણના નીચલા થરોને ગરમ કરે છે.
પૃથ્વીની ઉષ્મા આ રીતે વધવાથી હિમખંડો તથા દક્ષિણધ્રુવખંડ તથા ગ્રીનલૅન્ડમાંનાં બરફછત્ર ઓગળવાની શક્યતા વધે છે. આને પરિણામે સાગરની સપાટી પણ વધે છે. સાગરની સપાટી જો 50થી 100 સેમી. જેટલી વધે તોપણ બાંગ્લાદેશ અને પશ્ચિમબંગાળ જેવા પ્રદેશો તેના પાણીમાં ડૂબી જાય. વળી વધુ ગરમ વિષુવવૃત્તીય સમુદ્રો ઉપર CO2નું પ્રમાણ વધતાં ચક્રવાત તથા વાવાઝોડાનો ભય પણ વધે છે. યુનાઇટેડ નૅશન્સ પર્યાવરણીય પ્રોગ્રામ કેન્દ્રના ડૉ. સ્ટીફનના મત મુજબ આવતાં 30 વર્ષોમાં સાગરની ઊભરતી સપાટીથી કેટલાક દેશો ડૂબમાં જશે તથા બૉસ્ટનથી મુંબઈ સુધીનાં શહેરો ડૂબી જશે. વાતાવરણમાં CO2નું જે પ્રમાણ છે તેનાથી બમણું થાય તો પૃથ્વીની સપાટીનું તાપમાન 1.1થી 5.6° સે. વધશે.
પ્રદૂષણ-કારકો (factors) : (1) કોલસાની ખાણોની રજ, (2) તમાકુ તથા બીડી પીનારાઓમાં નિકોટિન વિષાળુતા, (3) પેટ્રોલ તથા ડીઝલના દહનથી ઉત્સર્જિત થતા વાયુઓ, (4) સારંગ, મેના, ચકવા, નીલહંસ, બતક ઉપરાંત સુરખાબ, હંસાવર, ગોલ્ડન પ્લોવર, સ્પોટબિલ જેવાં યાયાવર પક્ષીઓ દ્વારા આવતા રોગાણુઓ.
આહાર-સંદૂષણ (contamination) : ભોજનમાંની વિષાળુતા ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (i) વિષાક્તતા ખાદ્ય પદાર્થમાં વિષ ભળી જઈ તેને ઝેરી બનાવી દે. (ii) સ્વત:લયન (autolysis) : ખાદ્ય પદાર્થો ગરમી, તડકો, ભેજ દ્વારા વિઘટન પામીને વિષાક્ત બને. (iii) સંદૂષણ, કોઈ અન્ય વસ્તુ કે પદાર્થ સાથે સંમિશ્રણ કે સંપર્કમાં આવી વિષાક્ત બને.
આહાર-સંદૂષકો (food contaminants) : બૅક્ટેરિયાની વૃદ્ધિ સમયઅવધિ આધારિત છે :
દા.ત., 2 કલાકમાં 1 જીવાણુમાંથી 64 જીવાણુઓ
5 કલાકમાં 1 જીવાણુમાંથી 32,768 જીવાણુઓ
7 કલાકમાં 1 જીવાણુમાંથી 20,97,000 જીવાણુઓ ઉત્પન્ન થાય છે.
આ બૅક્ટેરિયા-વર્ધન તાપમાન ઉપર પણ આધારિત છે. દા.ત., 40° સે. તાપમાનની ઉપર બૅક્ટેરિયાવૃદ્ધિ ઘણી ઝડપથી ઘટી જાય છે તથા 45° તાપમાને તદ્દન બંધ થઈ જાય છે. 60° સે. તાપમાને બીજાણુરહિત બને છે. આ કારણોસર દૂધને પીવાયોગ્ય બનાવવા માટે 63° સે. તાપમાને 1 કલાક ગરમ કરવામાં આવે છે. બૅક્ટેરિયા-વૃદ્ધિ આર્દ્રતા (humidity) ઉપર પણ આધાર રાખે છે. 10% આર્દ્રતાવાળા ખોરાકમાં તે ઝડપથી ફેલાય છે, પણ નિર્જળીકૃત (dehydrated) આહાર સુરક્ષિત હોય છે. ભેજને લીધે ફૂગ રૂ જેવી દેખાય છે અને વધુ ભેજ વધતાં તે કાળા, લીલા રંગોમાં દેખાય છે; જે આહારમાં વિષ ફેલાવે છે.
રેડિયો-ઍક્ટિવ (વિકિરણધર્મી) પ્રપાત (fall out) દ્વારા આહાર તથા જળ સંદૂષિત થઈને બિન-ઉપયોગી બને છે. આ ઉપરાંત ધતૂરો (hemlock), સ્ટ્રેમોનિયમ, એકોનાઇટ, અર્ગટ વગેરે વિષાળુ છોડવાઓ તંત્રિકાતંત્ર ઉપર અસર કરે છે. પાલતુ જાનવરો આ ખાઈ જાય તો તેમના દૂધમાં વિષાળુતા આવે છે. તેથી ઊલટી, ચક્કર, પાંડુરોગ વગેરે થાય છે.
ભોજનથી થતો પ્રક્ષેપ : તે વ્યક્તિ તથા તેની ઉંમર ઉપર આધાર રાખે છે. વૃદ્ધોને વિશેષ અસર થાય છે. ઍલર્જીના પરિણામ-સ્વરૂપ ઉત્પન્ન થતા રોગોમાં ર્હાઇનાઇટિસ (શરદી, નાસશોથ), દમ, પ્રુરિટિસ, માથાનો દુખાવો, નેત્રશ્લેષ્મતાશોથ (conjunctivitis), અરુચિ (nausea), ઊલટી, ઝાડા (diarrhea), જઠર નિર્ગમાકર્ષ (pylorospasm), ઉદરશૂળ, ગુદાનું ખરજવું, શ્લેષ્મ વૃહદાંત્ર શોથ (mucous colitis) વગેરે થતાં જણાયાં છે.
આધુનિક પ્રદૂષકો : (i) વિકિરણધર્મી તત્વો (ii) કમ્પ્યૂટરના વધુ પડતા ઉપયોગથી વ્યક્તિને વિચિત્ર ભ્રમ ઉત્પન્ન કરતો Mc Collough effect નામનો રોગ થાય છે તથા આંખને cortical neurano થાય છે. ટેલિવિઝન તથા વીડિયોનો પ્રભાવ પણ આના જેવો જ હોય છે. (iii) ટ્યૂબલાઇટ ચામડી તથા આંખ ઉપર અસર કરે છે. (iv) આયન પ્રભાવ.
આયનસંખ્યા ઘટે તો માથાનો દુખાવો, બેહોશી અને કામમાં અરુચિ પેદા થાય છે. આયનીકારકો દ્વારા આયનોના વધુ પ્રમાણથી (3,000થી 4,000 આયન પ્રતિ ઘનસેમી.) જ્વર, દમ, આધાશીશી અને ગળાની તકલીફ (બ્રૉંકાઇટિસ) થાય છે.
પ્રદૂષણ-નિવારણમાં અપશિષ્ટ-નિયંત્રણ અને સંચાલન (waste-control and management) : પ્રકૃતિ સ્વયં નકામા પદાર્થોનો નિકાલ કરી તેમાંથી ઉપયોગી દ્રવ્યો બનાવવાની વૃત્તિ ધરાવે છે. પણ બીજા વિશ્વયુદ્ધ બાદ મોટાભાગના દેશોની ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ભારે વધારો થતાં ઉદ્યોગોમાંથી નીકળતાં અપશિષ્ટ દ્રવ્યોમાં પણ ઝડપતી વધારો થયો છે. શરૂઆતમાં આવાં દ્રવ્યો પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવેલું, પણ પર્યાવરણ પર આ કચરાથી થતા નુકસાન અંગે જાગૃતિ આવતાં કચરાના નિકાલની વ્યવસ્થા પર જ નહિ, પરંતુ કચરો કેવી રીતે ઉદભવે છે તેના પર પણ લક્ષ કેન્દ્રિત કરી તેના ઉત્પાદન પર કાબૂ મેળવવાનું શરૂ થયું છે.
અહીં કચરો એટલે માનવીની જે તે સમયની પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થતો બિનઉપયોગી અને નુકસાનકારી વાયુ, પ્રવાહી કે ઘન પદાર્થનો જથ્થો.
વાતાવરણને દૂષિત થતું અટકાવવા હાલમાં બે પ્રકારના અભિગમ અપનાવાઈ રહ્યા છે. તેમાંનો એક પરંપરાગત રીતે કચરાનો એવી રીતે, એવી જગ્યાએ નિકાલ કરવો કે તેથી જીવસૃષ્ટિને ઓછામાં ઓછી હાનિ પહોંચે. આ પરંપરાગત અભિગમમાં કચરાનો જથ્થો ઓછો થતો નથી; તેનો માત્ર યોગ્ય જગ્યાએ નિકાલ થાય છે. જોકે કચરાના નિકાલ માટે વર્તમાનમાં જે જગ્યા યોગ્ય લાગે તે યોગ્ય ન હોવાનું ભવિષ્યમાં સાબિત પણ થાય.
કચરાના નિકાલની વ્યવસ્થાના પરંપરાગત અભિગમ દ્વારા માનવીની પ્રગતિ અને વિકાસ રૂંધાય છે. હવે અપનાવાતો નવો અભિગમ વધુ કાર્યક્ષમ છે અને તે ઉત્પાદનપ્રક્રિયા અને ઉત્પાદકીય ઘટકો ઉપર સીધી અસર કરે છે. આ અભિગમમાં ઉત્પાદનપ્રક્રિયા પછી કચરાનો જથ્થો ઓછામાં ઓછો બહાર આવે અથવા તો બિલકુલ બહાર ન આવે તેવાં પગલાં લેવામાં આવે છે. ઉત્પાદનપ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતાં યંત્રોનો મહત્તમ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. વળી આ અભિગમમાં એક પ્રક્રિયાનો કચરો બીજી પ્રક્રિયા માટે ઉપયોગી બને તેવું કરવામાં આવે છે. વળી એક વાર ઉત્પન્ન થયેલા કચરાને એ જ સ્વરૂપમાં ફરી ફરીને ઉપયોગમાં લઈ તેના કુલ જથ્થાને ઘટાડી દઈને વાતાવરણમાં જતો અટકાવવામાં આવે છે. આ રીત પ્રગતિને રૂંધતી નથી. આ રીતને ‘અપ્રદૂષણકારી ટેક્નૉલોજી’ (clean technology) પણ કહેવામાં આવે છે. આ બિન-પરંપરાગત અભિગમમાં અનેક પદ્ધતિઓ અપનાવાય છે; જેમ કે,
(1) કચરાનું પુનશ્ચક્રણ (recycling of waste) : એક વિભાગમાં થતી પ્રક્રિયાના કચરાને પાછો વાળી તે જ પ્રક્રિયામાં ફરીને સામેલ કરી શકાય. અથવા કચરા પર પ્રક્રિયા કરી તેની અશુદ્ધિ ઓછી કરી ફરી ઉપયોગમાં લઈ ચક્ર પૂરું કરવામાં આવે. (આકૃતિ 7 A-B)
કાગળ બનાવવાની પ્રક્રિયામાંથી નીકળતા નકામા પાણી(waste-water)ને અમુક અંશે શુદ્ધ કરીને માવો (pulp) બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લઈ શકાય. આ પદ્ધતિથી માત્ર બિન-ઉપયોગી પાણીનો જથ્થો જ ઘટતો નથી, પરંતુ બે અલગ અલગ પ્રક્રિયા માટે જરૂરી પાણીનો કુલ જથ્થો ઓછો થઈ જાય છે.
(2) કચરાનો પુનરુપયોગ (reuse of waste) : કેટલોક કચરો એવો હોય છે કે વિવિધ ક્રિયાઓ દ્વારા ફરીથી તે જ પ્રકારના ઉપયોગમાં લઈ શકાય. દા.ત., કાગળ, ધાતુઓ (લોખંડ, પિત્તળ, ઍલ્યુમિનિયમ વગેરે) અમુક પ્રકારનાં પ્લાસ્ટિક વગેરે.
(3) કચરામાંથી મૂળ તત્વની પુન:પ્રાપ્તિ : દ્રવ્યની પુન:પ્રાપ્તિ (recovery) અથવા કચરાને અનુજ ઉત્પાદન (આડ-પેદાશ) (by-product) તરીકે ઉપયોગમાં લેવો. ધાતુનો ઢોળ ચઢાવવાની પદ્ધતિ(electroplating)માં દ્રાવણમાં નકામું જતું ક્રોમિયમ પાછું મેળવી શકાય છે. કચરામાં જતા ક્રોમિયમથી પર્યાવરણ અને માનવજીવનને ખૂબ મોટું નુકસાન થવાનો સંભવ આ પદ્ધતિથી અટકાવી શકાય છે. અમુક રાસાયણિક ક્રિયાઓમાં ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ અન્ય વસ્તુઓનું તાપમાન વધારવા કરવામાં આવે તો તેને વાતાવરણમાં જતી અટકાવી શકાય. રાસાયણિક ઉત્પાદન પ્રક્રિયાઓમાં મોટા પાયે વરાળ ઉત્પન્ન કરતા બૉઇલરોની વાતાવરણમાં જતી ગરમી આ રીતે ઓછી કરી શકાય છે.
(4) કાચા માલનો કરકસરયુક્ત વપરાશ : દ્રવ્યના જરૂર પૂરતા જથ્થાનો જ ઉપયોગ આર્થિક રીતે કચરા-ઉત્પાદનમાં ઘટાડો કરે છે અને સંસાધનોનો સંચય કરે છે; જેમ કે જરૂર કરતાં વધુ પાણીનો વપરાશ નકામા જતા પાણીમાં વધારો કરે છે. વિદ્યુતનો બિનજરૂરી વપરાશ ઉષ્મારૂપી કચરાનો અને વિદ્યુત-ઉત્પાદનમાં વપરાતા કોલસાથી થતા વાયુપ્રદૂષણમાં વધારો કરે છે.
(5) વિવિધ પ્રક્રિયામાંથી ચાલતા કચરાને એકબીજાથી અલગ રાખવો : એક પ્રક્રિયામાંથી બહાર નીકળતા સાંદ્ર કચરાને બીજી પ્રક્રિયામાંથી નીકળતા મંદ કચરા સાથે ભેળવીને શુદ્ધીકરણ કરવાને બદલે સાંદ્ર કચરાને અલગ રાખી માવજત આપવી હંમેશાં ફાયદાકારક રહે છે.
(6) ઉચ્ચ કક્ષાની ઉત્પાદન-પદ્ધતિઓ અપનાવવી : ઔદ્યોગિક પદ્ધતિઓ, ખાસ કરીને રાસાયણિક પદ્ધતિઓ એવી હોય છે જેમાં અમુક અસરકારક પરિબળોનાં નાનાં નાનાં મૂલ્યો પરનો અંકુશ પરિણામી ઉત્પાદકતામાં તેમજ ગુણવત્તામાં વધારો કરતો હોય છે. તેને લીધે બગાડ પણ ઓછો થાય છે; જેમ કે, પ્રક્રિયામાં જરૂરી તાપમાન, દબાણ અને સમયનાં મૂલ્યોમાં થતા ફેરફારના નિયંત્રણ પર સફળ રાસાયણિક પ્રક્રિયાનો આધાર રહેતો હોય છે. આવો અંકુશ રાખવા માટે અદ્યતન સાધનો અને પદ્ધતિઓ અપનાવી શકાય. કમ્પ્યૂટરની મદદથી પરિબળોનાં અતિ નાનાં મૂલ્ય-પરિવર્તનો શક્ય બન્યાં છે.
(7) કાચા માલની યોગ્ય પસંદગી અને બહુ ઓછી અશુદ્ધિ ધરાવતા કાચા માલનો ઉપયોગ : પ્રક્રિયામાં સંપૂર્ણપણે ભાગ લઈ શકે તેવા યોગ્ય કાચા માલની પસંદગીથી ઉત્પન્ન થતા કચરાનું પ્રમાણ નહિવત્ રાખી શકાય. કાચા માલની પસંદગી યોગ્ય ન હોય તો અશુદ્ધિનું પ્રમાણ વધારે રહે અને તે અશુદ્ધિ કચરા રૂપે ઉત્પાદન-પદ્ધતિમાંથી બહાર આવી પ્રદૂષણ વધારે; દા.ત., કોલસામાંથી ગંધક દૂર કરવાથી પ્રદૂષણ ઓછું કરી શકાય.
(8) કાર્યક્ષમ સાધનો અને યંત્રોની પસંદગી : ઉત્પાદનપ્રક્રિયા માટે સુયોગ્ય અને કાર્યક્ષમ સાધનો અને યંત્રો પસંદ કરી ઉપયોગમાં લેવામાં આવે તો કાચા માલનો બગાડ થતો અટકે છે અને કચરાનો જથ્થો ઓછો થાય છે; એટલું જ નહિ, શક્તિના વ્યયમાં પણ ઘટાડો થાય છે.
(9) સાધનો અને યંત્રોની જાળવણી અને માવજત : પ્રક્રિયામાં વપરાતાં સાધનો અને યંત્રોની યોગ્ય જાળવણી અને માવજત કરવાથી તેમની કાર્યક્ષમતા વધે છે; જે, છેવટે કાચા માલ અને શક્તિમાં થતો વ્યય ઘટાડે છે.
(10) કાર્યક્ષેત્રના આંતરિક એકમોની વ્યવસ્થા અને કાર્યોનું સંકલન : ઉત્પાદનમાં વપરાતા કાચા માલનો અને ઉત્પાદિત થયેલા આખરી માલનો સ્થળાંતર વખતે બગાડ થતો હોય છે. ઉત્પાદનના આંતરિક એકમોનું યોગ્ય સંકલન સ્થળાંતરની કુલ માર્ગ-લંબાઈમાં ઘટાડો કરે છે અને એકમોથી સુસંકલિત આંતરિક વ્યવસ્થા માલનો બગાડ અટકાવે છે. યોગ્ય પ્રકારનાં પૅકિંગથી માલના બગાડમાં (કે જે કચરારૂપે ફેંકી દેવામાં આવતો હોય છે તેમાં) મોટો ઘટાડો થાય છે.
ઔદ્યોગિક ઉત્પાદન વખતે કુલ ઉત્પાદનકાર્યને અલગ અલગ એકમોમાં કામગીરી પ્રમાણે વહેંચી નાખવામાં આવતું હોય છે. આ દરેક એકમમાં થતી પ્રક્રિયા અને આ પ્રક્રિયા થવા માટે એકમોનું સંચાલન તેમજ એકમોના પેટા-એકમોનું સંકલન મહત્તમ કાર્યદક્ષતા સાથે કરવામાં આવે તો તેમાંથી બહાર આવતો કચરો તેમજ થતો અન્ય બગાડ સારા પ્રમાણમાં ઘટાડી શકાય. આને યોગ્ય અને સ્વચ્છ તકનીક(appropriate and clean technology)નો અભિગમ કહેવાય છે. તેમાં કચરા-નિકાલની વ્યવસ્થા કરતાં કચરા-નિયંત્રણતંત્ર વધારે મહત્વનું હોય છે. તેમ છતાં અમુક અંશે કચરો બહાર આવે તો તેને વાતાવરણમાં છોડવા યોગ્ય બનાવીને બહાર ફેંકવો જોઈએ. આ પ્રક્રિયાને અપશિષ્ટ દ્રવ્ય માવજત (waste treatment) કહેવામાં આવે છે. આ માવજત બાદ તેમાંથી જે કચરો નીકળે તેને વાતાવરણમાં છોડવાની વ્યવસ્થા અપશિષ્ટ-સંચાલનમાં આવરી લેવામાં આવે છે.
પ્રદૂષણ-નિયંત્રણ કાયદાઓ : 1972માં રોમ(ઇટાલી)ની શિખર પરિષદમાં એ વખતનાં ભારતનાં પ્રધાનમંત્રી સ્વ. ઇંદિરા ગાંધીની સક્રિય હાજરીને પરિણામે ભારતમાં પણ પર્યાવરણ અંગે જાગૃતિ આવી અને પર્યાવરણને જાળવી રાખવા માટેના કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા. પર્યાવરણને આનુષંગિક ઘણા કાયદાઓની જોગવાઈઓ આ પહેલાં હતી, પણ ખાસ કરીને પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે ચાર કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. ભારતના બંધારણના પરિશિષ્ટ 7ની બીજી યાદી મુજબ પાણી એ રાજ્યનો વિષય છે. તેથી સંસદમાં પાણીને લગતો કાયદો કરવો હોય તો જે તે રાજ્યની વિધાનસભામાં સંમતિદર્શક ઠરાવ પસાર કરીને સંસદમાં મોકલવો પડે અને પછી એ રાજ્યમાં પાણીને લગતો કાયદો લાગુ પાડી શકાય. આ મુજબ પાણી (પ્રદૂષણનિવારણ અને નિયંત્રણ)ને લગતો કાયદો 1974માં સંસદમાં પસાર કરવામાં આવ્યો અને તેને લગભગ બધાં જ રાજ્યોની વિધાનસભાઓએ સંમતિ આપી; તેથી બધાં રાજ્યોમાં આ કાયદો લાગુ પડે છે. આવું જ 1977ના પાણી (પ્રદૂષણનિવારણ અને નિયંત્રણ) ઉપકર કાયદા વિશે થયું. ત્યારબાદ હવા(પ્રદૂષણનિવારણ અને નિયંત્રણ)ને લગતો કાયદો 1981માં પસાર થયો અને છેલ્લે પર્યાવરણ (રક્ષણ) કાયદો 1986માં પસાર થયો. પાણીના પ્રદૂષણને લગતો 1974નો કાયદો 1988માં તથા હવાના પ્રદૂષણને લગતો 1981નો કાયદો 1987માં સંશોધિત થયો. પાણી અંગેના કાયદા લાગુ પાડવા અંગે ઉપર દર્શાવેલી મર્યાદાને ધ્યાનમાં લેતાં બાકીના બધા કાયદાઓ ભારતમાં સર્વત્ર લાગુ પડે છે; કારણ કે તે ભારતીય સંસદે પસાર કરેલા છે.
પ્રદૂષણ-નિયંત્રણ બોર્ડ : પ્રદૂષણને લગતા કાયદાનું સુયોગ્ય પાલન થાય તે માટે કેન્દ્ર તેમજ રાજ્યોમાં પ્રદૂષણનિયંત્રણ બોર્ડોની રચના કરવામાં આવી છે. આ બોર્ડમાં એક અધ્યક્ષ, એક સભ્ય સચિવ અને બીજા વધુમાં વધુ 15 સભ્યો હોય છે. આ સભ્યોમાં સરકારી, અર્ધસરકારી અને જુદા જુદા ક્ષેત્રની બિન-સરકારી વ્યક્તિઓ હોય છે. દરેક બોર્ડમાં વહીવટી, વૈજ્ઞાનિક અને તાંત્રિક કામગીરી માટે અધિકારી વર્ગની જોગવાઈ રાખી છે.
કાયદાઓની અસરકારકતા અને ત્રુટિઓ : આ કાયદાઓ નીચે ઘણી જ ભારે સજાઓની જોગવાઈઓ કરવામાં આવી છે; જેમાં મોટાભાગના ગુનાઓની સજામાં ઓછામાં ઓછી દોઢ વર્ષની સજાથી માંડી 6થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. વળી દંડની કોઈ મર્યાદા નથી. આમ આ કાયદાનો ઉપયોગ જૂજ કિસ્સાઓમાં થાય છે. આ જ તેની મોટી ત્રુટિ છે. સામાન્યત: જે મોટાભાગના ખટલા (કેસો) થાય છે તે જાહેર હિતના જોખમ નીચેના કાયદા મુજબ થાય છે. બીજી નોંધપાત્ર બાબત એ છે કે 1974માં પાણીને લગતો કાયદો પસાર થયાને 24 વર્ષ થવા આવ્યાં છતાં કાયદાના શિક્ષણમાં પર્યાવરણના કાયદાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આથી ધારાશાસ્ત્રીઓ ઘણી વાર આ કાયદા વિશે પૂરતી જાણકારી ધરાવતા હોતા નથી અને જરૂરિયાત મુજબ દલીલો કરીને બચાવ કરી શકતા નથી. આને કારણે ઘણા ખટલાઓ સફળ થતા નથી. ઔદ્યોગિક અદાલતોના ધોરણે પર્યાવરણની જાળવણી માટે જુદી કોર્ટોની જરૂરિયાત વિશે વખતોવખત સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિશ્રીઓની પણ ભલામણો થયેલી છે. આવી કોર્ટોના અભાવે પ્રદૂષણ અંગેના ખટલાઓમાં ખૂબ જ વિલંબ થાય છે તથા પર્યાવરણને થતું નુકસાન લાંબો વખત ચાલુ રહે છે. આ કાયદાઓની બીજી અગત્યની જોગવાઈ એ છે કે સામાન્ય વ્યક્તિ આ કાયદા નીચે ફરિયાદી થઈ શકતી નથી. ફક્ત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ ફરિયાદી થઈ શકે છે. સામાન્ય જનતામાંથી કોઈએ ફરિયાદી થવું હોય તો બોર્ડની પૂર્વમંજૂરી લેવી આવશ્યક રહે છે. અથવા બોર્ડને મંજૂરી માટેની અરજી કર્યા બાદ 60 દિવસ પછી ફરિયાદ થઈ શકે છે. આ જોગવાઈનો હેતુ ગમે તે હોય, સામાન્ય જનતા આ કાયદાની બાબતમાં લાચાર સ્થિતિમાં આવી જાય છે. (જુઓ : પાણી કાયદાની કલમ 49.)
બંધારણના 48–A ના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ પર્યાવરણનું રક્ષણ કરવું, જંગલો સાચવવાં, પશુ અને વન્ય સૃષ્ટિની જાળવણી કરવી તથા તેનું રક્ષણ કરવું તેવા આદેશો આપવામાં આવ્યા છે. બંધારણની કલમ 51–Aમાં મૂળભૂત ફરજો દર્શાવાઈ છે, જેમાં પણ પર્યાવરણરક્ષણને નાગરિકની મૂળભૂત ફરજ તરીકે આવરી લેવામાં આવેલી છે.
જાગ્રત નાગરિક શ્રી એમ. સી. મહેતાએ 1991માં સર્વોચ્ચ ન્યાયાલયમાં કેન્દ્ર સરકાર અને તેનાં જુદાં જુદાં ખાતાંઓ વિરુદ્ધ પર્યાવરણની જાળવણી અંગે જાગ્રતતા લાવવા માટે રિટ અરજી દાખલ કરેલ, જેની સુનાવણી કરી વિદ્વાન ન્યાયમૂર્તિઓ સર્વશ્રી જી. એન. રે અને એ. આનંદે 22 નવેમ્બર 1991ના રોજ લંબાણપૂર્વક ચુકાદો આપતાં ઘણી માર્ગદર્શક સૂચનાઓ (directions) આપી છે, જે ટૂંકમાં નીચે મુજબ છે : (1) સિનેમા ઘરો અને વીડિયો પાર્લરના શોમાં પર્યાવરણની જાળવણી અંગે ઓછામાં ઓછી બે સ્લાઇડો દર્શાવવી. પર્યાવરણ મંત્રાલય આ માટે જરૂરી સ્લાઇડો તૈયાર કરે. જિલ્લા ક્લેક્ટરે આવી સ્લાઇડો નિયમિત રીતે દર્શાવાય તે જોવું; (2) રેડિયો-પ્રસારણમાં તેમજ દૂરદર્શનમાં પર્યાવરણની જાળવણીની જરૂરિયાત બાબતે નિયમિત રીતે જાહેરાતો આવે તે માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે કાર્યવહી કરવી. (3) શિક્ષણ વિભાગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા સ્નાતક કક્ષાના બધા અભ્યાસક્રમોમાં પર્યાવરણ અને તેની જાળવણી અંગેનો વિષય ફરજિયાત વિષય તરીકે દાખલ કરવો.
પર્યાવરણનો થતો હ્રાસ રોકવા, સામાન્ય પ્રજાજનમાં જાગ્રતતા લાવવી ખૂબ જરૂરી છે.
જ. પો. ત્રિવેદી
નગીન મોદી
શિલીન નં. શુક્લ
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ
જીવરામ નાનજીભાઈ જોશી
જગદીશ સરવૈયા
રાજેશ માનશંકર આચાર્ય