પ્રદીપ (જ. 6 ફેબ્રુઆરી 1915, બડનગર, જિ. ઉજ્જૈન, મધ્યપ્રદેશ; અ. 11 ડિસેમ્બર 1998, મુંબઈ) : હિંદીના કવિ અને ચલચિત્રજગતના વિખ્યાત ગીતકાર. મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી, પરંતુ ‘પ્રદીપ’ નામથી વધુ જાણીતા થયા. તેમના વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતના, પરંતુ ઓગણીસમી સદીના અંતમાં ફાટી નીકળેલ પ્લેગને કારણે ગુજરાતમાંથી સ્થળાંતર કરી હાલના મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગર નામના નાનકડા ગામમાં સ્થાયી થયેલા. પિતા શરૂઆતમાં યજમાનવૃત્તિ દ્વારા કુટુંબનું ભરણપોષણ કરતા પણ પાછળથી થોડીક જમીન મળતાં ખેતી કરવા લાગ્યા હતા. પ્રદીપનું શાળાકીય શિક્ષણ ઇંદોરમાં અને ઉચ્ચ શિક્ષણ અલાહાબાદ તથા લખનૌમાં સંપન્ન થયું હતું. ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કર્યા પછી શિક્ષક તરીકે વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ સાથે મથુરામાં તેમની આકસ્મિક મુલાકાત થતાં, તેમની સાથે અમદાવાદ આવ્યા.

પ્રદીપ

1938માં  ‘કુમાર’ કાર્યાલયે એમની ‘ગીતમંજરી’ શીર્ષક હેઠળની બાર જેટલાં હિંદી કાવ્યો ધરાવતી લઘુપુસ્તિકા પ્રગટ કરેલી. ત્યારબાદ મુંબઈ ગયા અને ત્યાં તેમના એક કાવ્યપઠનના જાહેર કાર્યક્રમમાં તેમની કાવ્યરચના અને ગાનથી પ્રભાવિત થયેલા તે જમાનાના ગુજરાતી નિર્દેશક અને બૉમ્બે ટૉકિઝના એક અગ્રણી હોદ્દેદાર એન. આર. આચાર્યે પ્રદીપજીની મુલાકાત તે ફિલ્મ કંપનીના અધિષ્ઠાતા હિમાંશુ રૉય સાથે કરાવી, જેની ફલશ્રુતિ રૂપે કવિ પ્રદીપને ‘કંગન’ (1939) ચલચિત્રનાં ચાર ગીતો લખવાની જવાબદારી સોંપવામાં આવી. ગીતરચના ઉપરાંત પ્રદીપે તે ગીતોને પોતાનો કંઠ પણ આપ્યો. ત્યારબાદ માત્ર બૉમ્બે ટૉકિઝ દ્વારા નિર્મિત ચલચિત્રો જ નહિ, પરંતુ અન્ય અનેક ચલચિત્રોમાં તેમની ગીત-રચનાઓને સ્થાન મળ્યું અને ખૂબ લોકપ્રિય રચનાકાર તરીકે તેઓ ખ્યાતિ પામ્યા. તેમની ફિલ્મી અને અન્ય રચનાઓની સંખ્યા 1,500થી 1,700 જેટલી છે. જે ચલચિત્રોએ તેમને લોકપ્રિયતા બક્ષી તેમાં ‘પુનર્મિલન’, ‘બંધન’, ‘અંજાન’, ‘ઝૂલા’, ‘કિસ્મત’, ‘ચલ ચલ રે નૌજવાન’, ‘મશાલ’, ‘બાપ-બેટી’, ‘કાફિલા’, ‘નાસ્તિક’, ‘જાગૃતિ’, ‘નાગમણિ’, ‘તલાક’, ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’, ‘હર હર ગંગે’, ‘કભી ધૂપ, કભી છાંવ’, ‘અગ્નિરેખા’, ‘જય સંતોષી માં’, ‘પૈગામ’ અને ‘આંખ કા તારા’ (જે તેમનું છેલ્લું ચલચિત્ર સાબિત થયું) વિશેષ ઉલ્લેખનીય છે. આમાંનાં કેટલાંક ચલચિત્રોનાં ગીતોને તેમણે પોતાનો કંઠ પણ આપ્યો છે. તેમની ઘણી રચનાઓએ લોકોનાં દિલ જીતી લીધાં હતાં; જેમાં ‘આઓ બચ્ચો તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી’, ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાલ કે’, ‘ઇંસાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલકે, યે દેશ હૈ તુમ્હારા, નેતા તુમ્હીં હો કલ કે’, ‘દૂર હટો ઐ દુનિયાવાલો હિંદોસ્તાં હમારા હૈ’, ‘દે દી હમેં આઝાદી બિના ખડ્ગ બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ’, ‘પિંજરે કે પંછી રે તેરા દરદ ન જાને કોઈ’, ‘તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી’, ‘કોઈ લાખ કરે ચતુરાઈ રે; કરમ કા લેખ મિટે ના રે ભાઈ’ જેવી રચનાઓ દેશના લગભગ દરેક પરિવારમાં દાયકાઓથી ગુંજતી રહી છે. ‘કિસ્મત’ ચલચિત્રના એક ગીતમાંની ‘હિંદોસ્તાં હમારા હૈ’ આ તેમની પંક્તિમાં ‘ભારત છોડો’ની ચળવળનો ગર્ભિત ધ્વનિ માલૂમ પડતાં બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરવા માટે વૉરન્ટ કાઢ્યું હતું, પરંતુ પોલીસ વિભાગમાંના કેટલાક હિંદી અધિકારીઓએ પ્રદીપજીને સાવચેત કરતાં તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા અને તેને કારણે તેમની ધરપકડ નિવારી શકાઈ  હતી.

પ્રદીપ મૂલત: હિંદી ગેય કાવ્યપરંપરાના રચનાકાર હોવાને કારણે તેમણે ફિલ્મી ગીતોમાં પણ હિંદી ભાષા પર વધુ ઝોક આપ્યો છે. હિંદીના અગ્રણી કવિ નિરાલાએ પ્રદીપની ગીતરચનાઓથી પ્રભાવિત થઈ તેમના  વિશે ‘નવકવિ પ્રદીપ’ શીર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો, જેમાં પ્રદીપ માટે ‘હિંદી કાવ્ય કા સર્વાધિક ઉજ્જ્વલ નક્ષત્ર’ તરીકે નિરાલાએ તેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તેમની ગીતરચનાઓમાં સાદી શબ્દાવલી પ્રયોજીને પણ લોકપ્રિયતા હાંસલ કરી છે. તેમણે શૃંગારરસ ધરાવતાં કેટલાંક ગીતો લખ્યાં હોય તોપણ તેમની મોટા ભાગની રચનાઓમાં ઈશ્વરભક્તિ અને દેશભક્તિને જ અગ્રસ્થાન મળ્યું છે તથા તેમણે પીડાના તીવ્ર સૂરો સાથે તેમાં બોધકતાનો સમન્વય સાધ્યો છે. ભારત-ચીન વચ્ચેના યુદ્ધ(1962)માં શહીદ થયેલા ભારતના વીર સૈનિકોને અંજલિ આપવા પ્રદીપે લખેલ અને લતા મંગેશકરે દિલ્હીના લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં ગાયેલ ‘ઐ મેરે વતન કે લોગો’ ગીત સાંભળીને સભામાં હાજર રહેલા તે વખતના દેશના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ ભાવવિભોર થઈ ગયેલા.

કવિ પ્રદીપને તેમના જીવનકાળ દરમિયાન અનેક એવૉર્ડો એનાયત થયા છે; જેમાં બંગાળ ફિલ્મજર્નાલિસ્ટ એસોસિયેશનનો શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો ઍવૉર્ડ તથા પાછળથી તે જ સંસ્થાનો શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકેનો ઍવૉર્ડ, ભારત સરકારનો શ્રેષ્ઠ ફિલ્મી ગીતકાર તરીકેનો ઍવૉર્ડ (1961), 1995માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા વિશેષ સન્માન, 1996માં સૂરસિંગાર ઍવૉર્ડ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, સંસ્કૃતિ સંબંધ પુરસ્કાર, રાષ્ટ્રીય એકતા ઍવૉર્ડ તથા 1997–98ના વર્ષના દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડનો સમાવેશ થાય છે. ફિલ્મજગતનાં વિખ્યાત પાર્શ્વગાયિકા લતા મંગેશકરે 1997માં પ્રદીપજીના 83મા જન્મદિને તેમને રૂપિયા એક લાખની રકમ ભેટસ્વરૂપે એનાયત કરી હતી.

રજનીકુમાર પંડ્યા