પ્રત્યારોપણ : સજીવના અંગ કે ભાગને કાઢી લઈ તે જ સજીવના અથવા અન્ય સજીવના શરીરમાં તેનું વિસ્થાપન. પ્રથમ પ્રકારના પ્રત્યારોપણને સ્વરોપણ (autograft) અને બીજા પ્રકારના પ્રત્યારોપણને પરરોપણ (allograft) કહે છે. સંયુક્ત જીવન(parabiosis)ને પ્રત્યારોપણનું ચરમ સ્વરૂપ ગણવામાં આવે છે; જેમાં બે વ્યક્તિઓનું શલ્યવિધિ દ્વારા એવું જોડાણ કરવામાં આવે છે જેથી તેમના એકબીજાંના શરીરમાં અભિસરણ (circulation) થાય છે.
પ્રાયોગિક (experimental) જીવવિજ્ઞાનમાં પ્રત્યારોપણની ઉપયોગિતા : જીવવિજ્ઞાનની વિવિધ સમસ્યાઓના અભ્યાસ માટે કોષ-પેશી કે અંગોનું પ્રત્યારોપણ એક મહત્વની પ્રક્રિયા છે; દા.ત., ચોક્કસ અંગ કે પેશીના અંત:સ્રાવના કાર્યની કસોટી કરવા તેને કાઢી યજમાનના શરીરની અંત:સ્થ રચનામાં અસાધારણ સ્થાન પર રોપવામાં આવે છે, જેથી તેની અસરોના પુન:સ્થાપન(restoration)ની ક્ષમતાનું અવલોકન કરી શકાય છે. ભ્રૂણવિજ્ઞાનમાં વિવિધ પ્રકારના કોષોની આંતરક્રિયાઓ [દા.ત., પ્રેરણ(induction)ની પ્રક્રિયા] સમજવા માટે પ્રત્યારોપણનો ઉપયોગ ઘણા લાંબા સમયથી કરવામાં આવે છે. વર્ણકોશાશયો(melanocytes)ના પ્રત્યારોપણના અભ્યાસ દ્વારા જનીનો ત્વચાના રંગનું નિર્ધારણ કેવી રીતે કરે છે તે સ્પષ્ટ થાય છે. વિકાસના પ્રારંભિક તબક્કામાં જુદા જુદા ભ્રૂણના કોષોનું સંયોજન કે સમુચ્ચયન કરી પ્રાથમિક વિચિત્રોતકી (chimeras) ઉત્પન્ન કરવામાં આવે છે અને ભ્રૂણવિજ્ઞાન, વિકાસી (developmental) જનીનવિજ્ઞાન અને પ્રતિરક્ષાવિજ્ઞાન(immunology)ની સમસ્યાઓનો અભ્યાસ કરવા પાલક માતાના ગર્ભાશયમાં તેનો ઉછેર કરવામાં આવે છે. વાર્ધક્ય(ageing)ના અભ્યાસમાં પણ પ્રત્યારોપણનું મહત્વ છે; કારણ કે તેના દ્વારા યજમાન કરતાં કાલાનુક્રમે (chronologically) અત્યંત તરુણ કે અત્યંત જૂનું સક્રિય અંગ કે પેશી ધરાવતી કાલપ્રભાવિત વિચિત્રોતકી (agechimeras) કે વ્યક્તિઓ ઉત્પન્ન કરી શકાય છે. ખાસ કરીને ઉંદરોમાં થયેલો આ પ્રકારનો અભ્યાસ સૂચવે છે કે પેશીઓને પોતાની નિશ્ચિત આયુષ્યમર્યાદા હોય છે. કૅન્સરનાં જૈવરાસાયણિક (biochemical), પ્રતિરક્ષાત્મક (immunologic) અને ચિકિત્સીય (therapeutic) સંશોધનોમાં કૅન્સરગ્રસ્ત પેશીનું યોગ્ય યજમાનોમાં બહોળા પ્રમાણમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે.
ચિકિત્સાવિજ્ઞાનમાં ઉપયોગ : નુકસાન પામેલી કે રોગિષ્ઠ પેશી અથવા અંગોનું પ્રત્યારોપણ દ્વારા વિસ્થાપન ચિકિત્સાવિજ્ઞાનનું લાંબા સમયથી લક્ષ્ય છે; જેમાં 1970ના દસકાની શરૂઆતમાં સુંદર પ્રગતિ સાધવામાં આવી છે. રક્તાધાન (blood-transfusion) જીવનદાન આપતા પ્રત્યારોપણનો એક પ્રકાર છે. તેનો વિકાસ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો. અમેરિકામાં દર વર્ષે 5,000 મૂત્રપિંડો અને 20,000 અસ્થિઓનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. અવિકાસી અરક્તતા (aplastic anaemia), તીવ્ર શ્વેતરક્તતા (acute leukemia) અને પ્રતિરક્ષી ન્યૂનતા(immunodeficiency)ના રોગોમાં અસ્થિમજ્જાના નિરોપનો ઉપયોગ થાય છે. હૃદરોપણનાં પરિણામો પ્રોત્સાહક છે; જોકે યકૃતનાં પ્રત્યારોપણો એટલાં પ્રોત્સાહક નથી. મધુપ્રમેહ(diabetes-mellitus)માં સ્વાદુપિંડ અથવા લેંગરહાનના કોષપુંજ(અંત:સ્રાવી ઘટક)ના પ્રત્યારોપણની દિશામાં સુધારણા થઈ રહી છે.
પ્રત્યારોપણ અંગેની મુખ્ય તકનીકી સમસ્યાઓ પારખી શકાઈ છે અને તેમનું મોટેભાગે નિરાકરણ કરવામાં આવ્યું છે. તેથી અસ્વીકૃતિ(rejection)નો પ્રમાણમાં સલામત અવરોધ શોધી શકાય તો કોઈ પણ પેશી કે અંગનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરી શકાય તેમ છે.
પ્રાપ્તિ (procurement), સંગ્રહ (storage) અને નિરોપના પ્રકારો : મૂત્રપિંડ કે શુક્રપિંડ જેવાં જોડમાં રહેલાં અંગો (જે પૈકી સામાન્ય જીવન માટે, માત્ર એક જ અંગ આવશ્યક છે.); અથવા મોટાં અયુગ્મી અંગ [જેમ કે નાનું આંતરડું થોડાક સેમી. કાપી નાખવા છતાં તેના કાર્યમાં ન્યૂનતા (impairment) આવતી નથી]; અથવા રુધિર, અસ્થિમજ્જા કે ત્વચાનાં ઉપરનાં સ્તરો(જેમનું વ્યક્તિ પુનર્જનન કરી શકે છે)ના કિસ્સાઓમાં સ્વૈચ્છિક દાન કરનારા દાતાઓનો ઉપયોગ કરી શકાય છે. જોકે હૃદય અને યકૃત જેવાં જીવંત અયુગ્મી અંગો માટે મૃતશરીરોનો ઉપયોગ અનિવાર્ય છે; જેનાથી કેટલીક ભારે સમસ્યાઓ ઊભી થાય છે. કમનસીબે ત્વચા, પારદર્શકપટલ (cornea) અને સંભવત: ફેફસાંને બાદ કરતાં મૃત્યુ પછી વ્યક્તિનાં મોટાભાગનાં અંગો અત્યંત ઝડપથી બગડવા લાગે છે. આ સ્વલયન(autolytic)ની પ્રક્રિયાને લઘુતમ બનાવવા નિયમ પ્રમાણે ઓછામાં ઓછી 30 મિનિટમાં જીવિત અંગોના નિરોપ કાઢી લેવા જરૂરી બને છે. મસ્તિષ્ક-મૃત (brain-dead) દાતાઓનાં મૂત્રપિંડ, હૃદય અને યકૃત કાઢી લેવામાં આવે ત્યાં સુધી શરીરનાં મહત્વનાં કાર્યો (મૂત્રપિંડના કાર્યસહિત) શ્વસિત્ર(respirator)ની મદદથી જાળવી રાખવામાં આવે છે. આ પ્રાપ્ત કરેલાં અંગોના નિરોપનું અતિશીતન (chilling) કરવા બરફ જેવા ઠંડા દેહધાર્મિક (physiological) ક્ષારના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે અથવા તેનો છંટકાવ (perfusion) કરવામાં આવે છે. આ સ્થિતિમાં મોટાં અંગોના નિરોપને 24થી 48 કલાક સુધી જીવંત સંગ્રહી શકાય છે. રુધિર, અસ્થિમજ્જા, ભ્રૂણ, શુક્રકોષો, ત્વચા અને પારદર્શકપટલનું અતિશીતન કરી ખૂબ નીચા તાપમાને [દા.ત., પ્રવાહી નાઇટ્રોજન(–196° સે.)માં] મહિનાઓ સુધી સંગ્રહી શકાય છે. તે માટે તેમને ગ્લિસરૉલ અથવા ડાઇમિથાઇલ સલ્ફૉક્સાઇડ જેવા ગૂઢસંરક્ષી (cryptoprotective) પ્રક્રિયક દ્વારા તરબોળ રાખવામાં આવે છે; જેથી ફરીથી ક્રમિક રીતે ગરમ કરવા છતાં તેની જીવનશક્તિ(vitality)માં ફેરફાર થતો નથી.
પ્રત્યારોપણના સમયે કેટલાક પ્રકારના નિરોપની જીવનશક્તિ જરૂરી નથી અને તેમનો સંગ્રહ કોઈ ગંભીર સમસ્યા ઊભી કરતો નથી. તેમનો હિમશીતિત (frozen) અવસ્થામાં અથવા હિમશુષ્કીકૃત (lyophilized) અવસ્થામાં સંગ્રહ કરી શકાય છે. વિકલાંગ (orthopedic) શલ્યવિધિમાં પરનિરોપનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ગ્રાહક(recipient)ના કોષોની ક્રિયાશીલતા દ્વારા પુનર્જનન થાય છે. તે જ પ્રમાણે મુખ્ય રુધિરવાહિનીના સમારકામ માટે રુધિરવાહિનીના પરનિરોપ કેટલીક વાર ઉપયોગમાં લેવાય છે. તેમની દીવાલોનું યજમાન કોષો દ્વારા પુનર્વસન (repopulation) કરી શકાય છે. હૃદયના વાલ્વનું પ્રત્યારોપણ [(પરજૈવિક(allovital)થી વિરુદ્ધ] પરાવરોધક (allostatic) પ્રકારના નિરોપનું બીજું ઉદાહરણ છે. રુધિરવાહિનીના નિરોપનું સ્થાન હવે સંશ્ર્લેષિત રેસાઓ દ્વારા ગૂંથેલી નળીઓએ લીધું છે.
દાઝવાથી કે અન્ય કારણોસર શરીરના મોટા વિસ્તારોમાં પૂરી જાડાઈની ત્વચાને નુકસાન પહોંચ્યું હોય ત્યારે ત્વચાના સ્વનિરોપ ઘણા મહત્વના છે. આ નિરોપ ત્વચાનાં ઉપરનાં સ્તરો ધરાવતા હોઈ દાતા સ્થાનો(donor sites)એ તેનું એક કે બે અઠવાડિયાંમાં પુનર્જનન થાય છે. અસ્થિ અને કાસ્થિના સ્વનિરોપનો ઉપયોગ પણ થાય છે; અને કેટલીક વાર બિનમહત્વની રુધિરવાહિની, ચેતા કે સ્નાયુબંધ(tendon)નો શરીરમાં અગત્યના સ્થાને સમારકામ માટે અથવા વિસ્થાપન માટે ઉપયોગ કરવામાં આવે છે.
નિરોપનું વિરોહણ (healing) : પ્રત્યારોપણની પ્રક્રિયા દરમિયાન, મોટાં જટિલ અંગોના નિરોપની મુખ્ય રુધિરવાહિનીઓને યજમાનની મુખ્ય રુધિરવાહિનીઓ સાથે જોડવામાં આવે છે, જેથી તેમની જીવનશક્તિને સંરક્ષણ મળે છે અને તે સક્રિયપણે ઉપયોગી બને છે. જોકે ત્વચાના પાતળા સ્તરો અને પૅરાથાયરૉઇડ જેવા પેશીઓના નાના નિરોપનું તેમના રુધિરના પુરવઠાનું પરિરક્ષણ (preservation) કે પુન:સ્થાપન કર્યા સિવાય ‘મુક્ત’ પ્રત્યારોપણ થાય છે. તંતુકોષો (fibroblasts) અને અન્ય કોષોની સક્રિયતા દ્વારા યજમાન પેશી અને સમીપસ્થ નિરોપ પરસ્પર સઘન રીતે ગૂંથાય છે અને 2થી 3 દિવસમાં પુનર્જનિત રુધિરવાહિનીઓ યજમાન પેશીમાં પ્રવેશી પુન:સંવહનીભવન (revascularization) કરે છે. આ પ્રક્રિયામાં નિરોપની મૂળભૂત રુધિરવાહિનીનો પુનરુપયોગ (reutilization) થાય છે.
પ્રત્યારોપણ પ્રતિરક્ષાવિજ્ઞાન (transplantation immunology) : પરનિરોપના ઉપયોગને મર્યાદિત બનાવતી સૌથી ગંભીર સમસ્યા પ્રતિરક્ષાવિજ્ઞાનની છે; કારણ કે તેમના કોષીય ઘટકોની સપાટીએ જનીનિક ર્દષ્ટિએ નિર્ધારિત પ્રત્યારોપણ-પ્રતિજનો (transplantation-antigens) વિવિધ સંખ્યામાં આવેલાં હોય છે. આ પ્રતિજન યજમાનમાં હોતાં નથી. તેથી રોગજનક સૂક્ષ્મ જીવો દ્વારા થતી ઉત્તેજનાની જેમ પરનિરોપ યજમાનમાં સંરક્ષણાત્મક પ્રકારની પ્રતિક્રિયા દર્શાવે છે. એટલે શરૂઆતમાં સારું પરિણામ દર્શાવતી સ્થિતિમાં ઘણી વાર સક્રિય અવનતિ (deterioration) થાય છે. યજમાનની અનુક્રિયાને પરનિરોપ પ્રતિક્રિયા કહે છે. તે કોષવિષ(cytotoxic)-પ્રતિકાયો (antibodies) અને વિવિધ પ્રકારના પ્રભાવક (effector) લસિકાકણો જેવા પ્રતિરક્ષાવિદ્યાકીય પ્રભાવકોના નિર્માણ દ્વારા અભિવ્યક્ત થાય છે. આ વિનાશક પ્રક્રિયાની કાર્યરીતિ, સંકળાયેલા પરનિરોપના પ્રકાર અને દાતા તેમજ ગ્રાહક વચ્ચે રહેલી પ્રતિજનિક વિષમતા(antigenic disparity)ની માત્રા પર અવલંબે છે; દા.ત., મૂત્રપિંડોની અતિતીવ્ર અસ્વીકૃતિ (hyperacute rejection) પ્રતિકાયોની અને તીવ્ર અસ્વીકૃતિ લસિકાકણોની મધ્યસ્થીથી થતી પ્રક્રિયા દ્વારા થાય છે. દાતાના મુખ્ય પ્રત્યારોપણ-પ્રતિજન-પૂરક(major transplantation-antigens complement)નો ગ્રાહક સાથે કેટલો સુમેળ (matching) થાય છે; તેના આધારે ઘણા પ્રકારના પરનિરોપની આશરે બે અઠવાડિયાંમાં સંપૂર્ણ અસ્વીકૃતિ થાય છે.
મનુષ્યમાં સમયુગ્મી જોડિયાં (identical twin) બાળકો કે પ્રાયોગિક પ્રાણીઓના એક જ પ્રકારના ઉચ્ચ અંત:પ્રજાત (inbred) સભ્યો અથવા સંપ્રજાતીય (syngeneric) પ્રભેદો વચ્ચે થતા પ્રત્યારોપણમાં અસ્વીકૃતિ થતી નથી. યજમાન પેશીમાં રુધિરવાહિનીઓની ગેરહાજરીમાં અપારદર્શી પારદર્શકપટલ ધરાવતી વ્યક્તિઓમાં કરવામાં આવતા પારદર્શકપટલના પરનિરોપની ર્દષ્ટિના પુન:સ્થાપનની સફળતાનું વલણ બદલાય છે. જોકે અહીં પેશી-મુદ્રણ(tissue typing)ની મદદ લઈ શકાય છે. પ્રતિરક્ષા-અવરોધક (immunosuppressive) ઔષધો જરૂરનાં નથી હોતાં, તેમની પેશીઓ પિતા તરફથી પ્રાપ્ત થયેલા વિદેશી પ્રતિજનોને અભિવ્યક્ત કરે છે. તે અર્થમાં માતાના ગર્ભાશયમાં સસ્તનના ગર્ભો અત્યંત સફળ ‘નૈસર્ગિક’ પરનિરોપ છે. તેમની સફળતાનું કારણ હજુ પૂરેપૂરું સમજાયું નથી. તેની સફળતા પર આ ત્રણ પરિબળો અસર કરે છે : (1) જરાયુમાં માતા અને ગર્ભના રુધિર-પરિવહન વચ્ચે સાતત્યનો અભાવ; (2) જરાયુ કે પોષકોરક(trophoblast)માં માતૃપેશી સાથે સીધા સંપર્કમાં રહેલી ગર્ભની પેશી દ્વારા પ્રત્યારોપણ-પ્રતિજનોની અસરકારક અભિવ્યક્તિમાં નિષ્ફળતા; અને (3) અંત:સ્રાવો અને અવરોધક (supressor) કોષો સહિત સામાન્ય (nonspecific) પ્રતિરક્ષા-અવરોધક પરિબળોની સ્થાનિક પ્રક્રિયા.
યજમાનના અવરોધનું નાબૂદીકરણ : મૂત્રપિંડ કે હૃદયના ચિકિત્સીય પરનિરોપની સફળતા માટે (તેની સમગ્ર પ્રતિરક્ષાત્મક સંરક્ષણ-ક્રિયાવિધિને ગંભીર રીતે અસર કર્યા સિવાય) તેની વિરુદ્ધની ગ્રાહકની પ્રતિક્રિયાનો અવરોધ કારણભૂત ગણાય છે. નિરોપના વિદેશી પ્રતિજનોની વિરુદ્ધ પ્રતિક્રિયા દર્શાવવાની યજમાન-શરીરની ક્ષમતા(બાકીના પ્રતિજનો તરફ પ્રતિક્રિયા દર્શાવવાની ક્ષમતાને અસર કર્યા સિવાય)નું નાબૂદીકરણ તેનું આદર્શ નિરાકરણ છે. 1952માં પ્રતિરક્ષાત્મક સહિષ્ણુતા(immunological tolerance)ની પરિઘટનાની શોધ થયા પછી પ્રયોગશાળામાં પુખ્ત પ્રાણીઓ પર તે જ પરિઘટનાનો ઉપયોગ કરતાં ખ્યાલ આવ્યો કે આ સમસ્યા ઉકેલી શકાય તેમ છે. કમનસીબે ચિકિત્સાવિજ્ઞાનની ર્દષ્ટિએ લાગુ પડી શકે તેવો ઉપાય હજુ સુધી પ્રાપ્ત થયો નથી. આમ છતાં પ્રતિરક્ષા-અવરોધક ઔષધો કે અન્ય પ્રક્રિયકોની ચિકિત્સા દ્વારા પરનિરોપ તરફના તેના અવરોધને લાંબા સમય સુધી નિષ્ક્રિય બનાવી શકાય છે. જોકે આ સામાન્ય પ્રતિરક્ષા-અવરોધને લીધે યજમાનનું પ્રતિરક્ષાતંત્ર નિરોપની હાજરીને અનુલક્ષીને અનુકૂલન સાધે છે; જેથી ઔષધની માત્રા ઘટાડી શકાય છે. સૌથી સફળ પ્રત્યારોપિત વ્યક્તિઓમાં અલ્પ માત્રાએ પણ ઔષધ-ચિકિત્સા અનિવાર્ય હોય છે.
પ્રતિરક્ષા-અવરોધક પ્રક્રિયકો : મૂત્રપિંડના પ્રત્યારોપણમાં પ્રતિરક્ષા- અવરોધ માટે સમગ્ર શરીરને વિકિરણ આપવાની ચિકિત્સા સૌથી જૂની ચિકિત્સાઓ પૈકીની એક છે. નિરોપની અસ્વીકૃતિની કટોકટીમાં હજુ પણ સ્થાનિક વિકિરણની ચિકિત્સા ઉપયોગમાં લેવાય છે.
પ્રતિરક્ષા-અવરોધ માટે ઉપયોગમાં લેવાતાં મોટાભાગનાં ઔષધો કોષોના ક્રમપ્રસરણ (proliferation) દ્વારા પ્રતિરક્ષી અનુક્રિયા (immune response) પર અસર કરે છે. ઍઝેથિયોપ્રિન 1962થી પ્રતિઅસ્વીકૃતિ ચિકિત્સા(antirejection therapy)માં ઉપયોગમાં લેવાય છે. તે પ્રતિચયાપચયક (antimetabolite) છે અને વિશિષ્ટ ગ્રાહકો સાથે સ્પર્ધા કરી અવરોધ ઉત્પન્ન કરે છે, જેથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં અંતરાય ઉદભવે છે. અસ્વીકૃતિની વિરુદ્ધ અથવા તેની કટોકટીમાં નિરોધોપચાર (prophylactic) તરીકે ઘણી વાર સ્ટીરૉઇડ ઊંચી માત્રામાં આપવામાં આવે છે. તેનાથી પ્રોટીન અને ન્યૂક્લીઇક ઍસિડના સંશ્લેષણમાં ઘટાડો, યજમાનની શોથ(inflammatory)અનુક્રિયામાં અવરોધ અને લસિકાકણોનો નાશ થાય છે.
1981માં સાઇક્લોસ્પૉરિન ‘A’ નામના નવા ઔષધનું ફૂગમાંથી અલગીકરણ કરવામાં આવ્યું. તે પ્રયોગશાળામાં ખૂબ અસરકારક પુરવાર થયું છે અને માનવમૂત્રપિંડ-પ્રત્યારોપણનાં સારાં પરિણામો આપે છે. પ્રતિલસિકાકણ ગ્લૉબ્યુલિન (antilymphocyte globulin, ALG) પ્રાયોગિક પરરોપણમાં શક્તિશાળી પ્રતિરક્ષા-અવરોધક ગણાય છે. તે અન્ય જાતિના લસિકાકણોથી પ્રતિરક્ષિત (immunized) હોય છે. પ્રતિરક્ષિત લસિકાકણ ધરાવતી જાતિના સિરમમાંથી તેનું નિર્માણ કરવામાં આવે છે. 1967માં તેનો સૌપ્રથમ ઉપયોગ થયો છે. અસ્વીકૃતિની વ્યવસ્થા(management)માં ઘોડા કે સસલાના ALGનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવે છે. પરનિરોપ-અસ્વીકૃતિની ચિકિત્સામાં મૂષકીય(murine) ઉદભવવાળાં એકજાતક (monoclonal) પ્રતિકાયોનું અંત:ક્ષેપણ કરવામાં આવે છે. તેઓ યજમાનના T-લસિકાકણોમાં ઘટાડો કરે છે.
પેશી-મુદ્રણ : પરનિરોપ વિરુદ્ધ વ્યક્તિની પ્રતિક્રિયાનું નિયમન રંગસૂત્રો પર વિવિધ સ્થાનોએ રહેલાં વૈકલ્પિક જનીનો દ્વારા થાય છે. આ પ્રતિક્રિયા કોષની સપાટીએ આવેલા પેશી-અસંગતિ-પ્રતિજન(histocompatibility antigen)ની મોટી સંખ્યાની વિરુદ્ધ થાય છે. જોકે બધી જાતિઓમાં મુખ્ય પેશી-અસંગતિ-સંકુલ (major histocompatibity complex, MHC), તેની જનીનિક જટિલતા અને પ્રતિજન-સામર્થ્યના નિયમનની બાબતમાં ગૌણ પેશી-અસંગતિ-જનીનો કરતાં ચડિયાતું હોય છે. મનુષ્યમાં MHCને માનવ લસિકાકણ-પ્રતિજન (human lymphocyte antigen, HLA) સંકુલ કહે છે. તે છઠ્ઠા રંગસૂત્ર પર હોય છે. તેની સાથે અત્યંત ગાઢ રીતે સંલગ્ન આભાસી વૈકલ્પિક (pseudoallelic) પેશી-અસંગતિ-તંત્રોને DR, D, B, C અને A કહે છે. સિરમવિદ્યાકીય રીતે (serologically) લસિકાકણોને લક્ષ્ય બનાવી A, B, C અને DRનાં ઉપસ્થાનો(subloci)ની નીપજ પારખી શકાઈ છે; જ્યારે D પ્રતિજનો દાતા અને ગ્રાહકના લસિકાકણોનાં મિશ્રણોની પ્રતિક્રિયા(reactivity)ના અભ્યાસ દ્વારા ઓળખાયાં છે. રક્તકણોનાં ABO પ્રતિજનો પણ મહત્વનાં છે; કારણ કે તે બધી પેશીઓમાં અભિવ્યક્ત થાય છે.
ગાઢ રીતે સંબંધિત કુટુંબના સભ્યોમાં થતા મૂત્રપિંડના પ્રત્યારોપણમાં HLA પ્રતિજનના સુમેળનું નિર્ધારણ ખૂબ ચોકસાઈથી કરી શકાય છે. આ પ્રકારનાં પ્રત્યારોપણોમાં ભાગ લેતા HLA પ્રતિજનોની સંખ્યા અને નિરોપની ચિરંજીવિતા વચ્ચે સહસંબંધ (correlation) પ્રસ્થાપિત થયો છે. અસંબંધિત દાતાઓમાંથી પ્રાપ્ત કરેલા નિરોપમાં HLA સુમેળ ખૂબ મુશ્કેલ હોય છે અને તેનું ભાવિસૂચક (predictive) મૂલ્ય ઓછું હોય છે.
પ્રત્યારોપિત ગ્રાહકોને રક્તાધાન ન કરવું જોઈએ તેવી માન્યતાનું ખંડન થયું છે. આ દર્દીઓમાં રક્તાધાન પૂર્વે મૃત શરીરમાંથી પ્રાપ્ત થયેલા મૂત્રપિંડની ચિરંજીવિતા પુષ્કળ પ્રમાણમાં વધે છે.
સુમેળ અને પ્રતિરક્ષા-અવરોધની જરૂરિયાતના સંદર્ભમાં અસ્થિમજ્જાના પ્રત્યારોપણની સમસ્યા વિશિષ્ટ હોય છે. યજમાન દ્વારા નિરોપની અસ્વીકૃતિની શક્યતા ઉપરાંત, પ્રતિરક્ષાત્મક રીતે કાર્યક્ષમ કોષોનાં દ્રવ્યોના ગુણધર્મો દ્વારા અસ્થિમજ્જાના નિરોપ તેના યજમાનના પ્રત્યારોપણ-પ્રતિજન સાથે પ્રતિક્રિયા દર્શાવી શકે છે; જેને નિરોપ-વિરુદ્ધ યજમાન-પ્રતિક્રિયા કહે છે અને તે વિનાશક પણ હોઈ શકે છે.
બળદેવભાઈ પટેલ