પ્રત્યાવર્તન (repatriation) : વિદેશમાં રોકવામાં આવેલી મૂડીનું પોતાના દેશમાં પ્રત્યાગમન. મૂડીવાદી વિચારસરણી ધરાવતા સાહસિકો પોતાની મૂડીનું સ્વદેશમાં રોકાણ કર્યા પછી પણ તેમની પાસે વધારાની મૂડી બચતી હોય તો તેનું અન્ય વિદેશી રાષ્ટ્રોમાં રોકાણ કરીને વધારે નફો કરવાનું વલણ ધરાવતા હોય છે. આવી પ્રક્રિયામાં વિદેશી હૂંડિયામણની સમસ્યા તથા અસાધારણ સંજોગોમાં વિદેશમાં રોકેલી મૂડી પોતાના દેશમાં પાછી લાવવામાં રહેતા જોખમનો સમાવેશ થાય છે. કેટલાક દેશોમાં રાજકીય કે આર્થિક કટોકટી સર્જાતાં વિદેશી રોકાણકારોમાં અવિશ્વાસ પેદા થાય છે. તેઓ પોતાની મૂડીને સ્વદેશ લઈ જવા માટે સક્રિય બને છે. આ રીતે થતા મૂડીના બહિર્ગમનથી દેશ માટે વિદેશી ચલણની કટોકટી સર્જાય છે. જો હૂંડિયામણનો દર બજારનાં પરિબળો દ્વારા મુક્ત રીતે નક્કી થતો હોય તો દેશના ચલણનું ભારે અવમૂલ્યન થાય છે. જો દેશની મધ્યસ્થ બૅંક હૂંડિયામણના દરને ટકાવી રાખવા પ્રયત્ન કરે તો તેની પાસે રહેલી વિદેશી ચલણની અનામતોમાં મોટો ઘટાડો સંભવી શકે છે. આ બંને પરિણામો દેશ માટે ઘણાં પ્રતિકૂળ નીવડી શકે. તેથી એ સ્થિતિને નિવારવા માટે દેશમાંથી થતા મૂડીના બહિર્ગમન પર કામચલાઉ ધોરણે કે લાંબા ગાળા માટે અંકુશો મૂકવામાં આવે છે. તેના એક ભાગ રૂપે મૂડીના પ્રત્યાવર્તન ઉપર પણ નિયંત્રણો મૂકવામાં આવે છે.

જયન્તિલાલ પો. જાની

રમેશ ભા. શાહ