હોરેસ (જ. ડિસેમ્બર ઈ. પૂ. 65, વેનુઝિયા, ઇટાલી; અ. 27 નવેમ્બર ઈ. પૂ. 8, રોમ) : લૅટિન ઊર્મિકવિ અને કટાક્ષલેખક. પૂરું નામ ક્વિન્ટસ હોરેશિયસ ફ્લેક્સ. સમ્રાટ ઑગસ્ટસના સમયના ઓડ અને એપિસ્ટલ કાવ્યોના રચયિતા. પ્રેમ, મૈત્રી, તત્ત્વજ્ઞાન અને કાવ્યકલા તેમના પ્રિય વિષયો.

કદાચ ઇટાલીના મધ્ય ભાગના સેબેલિયન પહાડી પ્રદેશના મૂળ ભાગમાં તેમના પૂર્વજો રહેતા હશે. તેમના પિતા ગુલામ; પરંતુ હોરેસના જન્મ પહેલાં સ્વતંત્ર નાગરિકત્વ મેળવેલું. તેઓ હરાજી બોલાવનારાના મદદનીશ બન્યા હતા. પોતાના પુત્રને શિક્ષણ માટે રોમ લઈ ગયેલા. ઑર્બિલિયસ નામના વિખ્યાત શિક્ષક પાસે હોરેસે શિક્ષણ મેળવેલું. ઈ. પૂ. 46માં એથેન્સમાં અકાદમીમાં ગયેલા. ઈ. પૂ. 44માં સીઝરની કત્લેઆમ પછી બ્રુટસના લશ્કરમાં ‘ટ્રિબ્યૂનસ મિલિટમ’નો હોદ્દો મેળવેલ. આ બહુમાન હતું. બ્રુટસ અને કેશિયસના લશ્કરમાં તેઓ સેનાના ઉચ્ચ પદે હતા. કમનસીબે તે લશ્કરની હાર થતાં હોરેસ ઇટાલી ભાગી ગયો. તેમની મિલકત રફેદફે થઈ હતી; પરંતુ તેમને માફી મળતાં ઈ. પૂ. 39માં સરકારી તિજોરીમાં ‘ક્લાર્ક’ની જગ્યાએ તેમની નિમણૂક કરવામાં આવી હતી. અહીં તેમની ઓળખાણ સાહિત્યના મોટા જાણકાર ગેયસ મેસિનસ સાથે થઈ. તેણે તેમને આર્થિક મદદ કરેલી. હોરેસનો સાહિત્યનો શોખ અહીં જાગ્રત થયો.

હેક્ઝામીટર છંદમાં હોરેસે ‘સેટાયર્સ’નાં દસ કાવ્યો (ઈ. પૂ. 35) પ્રસિદ્ધ કરેલાં. એમણે ‘ઇપોડ્ઝ’નાં 17 કાવ્યો પણ લખ્યાં. પોતાનો અભિપ્રાય બેધડક વ્યક્ત કરતાં તે કદી પણ અચકાતા નહિ.

મેસિનસમાં ઘર અને સેબાઇનની ટેકરીઓમાં ફાર્મ મળ્યું. ‘ઇપોડ્ઝ’ અને ‘સેટાયર્સ’ ભાગ–2 પ્રસિદ્ધ કર્યા. ઑગસ્ટસના સમ્રાટ બન્યા બાદ હોરેસે પોતાની તમામ શક્તિ ઓડ્ઝ કાવ્યોના સર્જન તરફ વાળી ‘ઓડ્ઝ’નાં ત્રણ પુસ્તકો અને 88 ટૂંકાં કાવ્યોની રચના કરી. પ્રેમ, શરાબ, પ્રકૃતિ, મૈત્રી, મધ્યમમાર્ગી વલણ વગેરે તેમનાં કાવ્યોના વિષયો છે. કેટલાક ઓડ્ઝ સમ્રાટ ઑગસ્ટસ વિશે છે. સમ્રાટે તેમને ખાનગી મંત્રીનો હવાલો સંભાળવા માટે કહેલું; પરંતુ કવિ તે માટે સંમત થયેલા નહિ. જોકે સમ્રાટને કવિ માટે પ્રથમ હતો તેવો જ આદરભાવ પછી પણ રહેલો.

પાછળથી હોરેસનો રસ ઉપરછલ્લા પ્રેમની અભિવ્યક્તિને બદલે નીતિવિષયક કાવ્યો લખવા તરફ વધુ રહ્યો.

કવિ કાવ્યની કલા વિશે હવે વધુ ને વધુ લખતા થયા. ‘આર્સ પોએટિકા’ (ઈ. પૂ. આશરે 1918) અપૂર્વ સર્જન છે. સાહિત્યના વિદ્યાર્થીઓએ તેને ખિસ્સાકોશ તરીકે રાખવો જોઈએ તેવો કેટલાક વિદ્વાન પ્રાધ્યાપકોનો મત છે. ‘એપિસ્ટલ ટુ ફ્લોરસ’માં ઊર્મિકવિતાને બદલે કવિ તત્વજ્ઞાનની વાતો વિશેષ કરે છે. શ્રેષ્ઠ કાવ્યો નૈતિકતા તરફ લઈ જાય છે અને ઉત્કટ આનંદ આપે છે. સારાં લખાણનું રહસ્ય ડહાપણ અને ભલાઈ છે. આ કરવા માટે કવિએ પોતે યોગ્ય શિક્ષણ લેવું આવશ્યક છે. કાવ્યના એક પુસ્તકનું અર્પણ હોરેસે સમ્રાટ ઑગસ્ટસને કરેલ છે.

હોરેસ રાજકવિ હતા. ‘સેક્યુલર હિમ’ (‘કાર્મેન સેક્યુલેર’) સમ્રાટ ઑગસ્ટસના નૈતિક સુધારાના માનાર્થે રચેલાં કાવ્યો છે. કવિએ ‘ઓડ્ઝ’નો ચોથો ભાગ પ્રગટ કરેલો. મેસિનસે સમ્રાટ ઑગસ્ટસને પોતાની જેમ જ હોરેસને યાદ રાખવા જણાવ્યું હતું. જોકે મેસિનસના અવસાન બાદ હોરેસ એક કે બે માસમાં ગુજરી ગયેલા. હોરેસની દફનક્રિયા ‘એસ્કિવલિન હિલ’ પર મેસિનસની કબર નજીક કરવામાં આવેલી.

હોરેસ વસંત અને અન્ય ઋતુઓમાં રોમમાં રહેતા. દક્ષિણના દરિયાકાંઠે, સેબાઈન ફાર્મમાં કે ટિબુરમાં સમય વ્યતીત કરતા. સુટોનિયસે બીજી સદીમાં તેમનું જીવનચરિત્ર લખેલું. કવિ ટૂંકી દડીના અને થોડા સ્થૂળ હતા. 44 વર્ષે પોતે વૃદ્ધ દેખાતા હતા તેવી વાત તેમણે પોતે કરી છે. હોરેસનાં ‘ઓડ્ઝ’ કાવ્યોનાં વખતોવખત ભાષાંતર થયાં છે. અંગ્રેજ કવિ ટેનિસને તેમનાં કાવ્યોની ભારે પ્રશંસા કરી છે.

જેમ એડવર્ડ ફ્રાન્કેલનો ‘હોરેસ’ (1957) ગ્રંથ તેમ કેનેથ જે. રેકફોર્ડનો ‘હોરેસ’ (1969) અને ડેવિડ એ. વેસ્ટનો ‘રીડિંગ હોરેસ’ (1967) એ ગ્રંથો પણ પ્રશંસનીય છે.

વિ. પ્ર. ત્રિવેદી

જયકુમાર ર. શુક્લ