હોરા, સુંદરલાલ (જ. 1896, લાહોર; અ. 1955, કૉલકાતા) : ભારતના વીસમી સદીના એક પ્રખ્યાત મત્સ્યવિજ્ઞાની. ભારતની મીઠા પાણીની માછલીઓ અને ખાસ કરીને વાતજીવી (air breathing) માછલીઓ ઉપરનું તેમનું સંશોધન પ્રશંસનીય છે. 1919માં લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એસસી. પદવી મેળવી અને ત્યારબાદ લાહોર યુનિવર્સિટીમાંથી તે જ વિષય પર ડી.એસસી.(ડૉક્ટર ઑવ્ સાયન્સ)ની પદવી મહાનિબંધ લખી પ્રાપ્ત કરી. ડૉ. હોરાએ તેમની કારકિર્દીની શરૂઆત ઝૂલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં રિસર્ચ સ્કૉલર તરીકે કરી. ક્રમે ક્રમે તેઓ ત્યાં મત્સ્ય વિભાગના વડા બન્યા અને છેવટે ઝૂલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના મહાનિયામક (Director General) બન્યા.
મત્સ્યક્ષેત્રનાં તેમનાં સંશોધનોથી પ્રભાવિત થઈ તે સમયના ઝૂલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના મહાનિયામક (Director General) ડૉ. ઍનંડેલે (Anendale) તેમને ઝૂલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયામાં નિમંત્ર્યા (ZSI). તેમને ભારતના ઈશાન ક્ષેત્રમાં આવેલા સીસ્ટાન નામના ક્ષેત્રમાં ત્યાંની માછલીઓનો અભ્યાસ કરવાનો પ્રકલ્પ સોંપ્યો. આ સંશોધન-પ્રકલ્પ દરમિયાન તેમણે વીસ જેટલી નવી જાત(spacies)ની માછલીઓ શોધી કાઢી. આ ઉપરાંત તેમણે કેટલીક નવી પ્રજાતિઓની પણ શોધ કરી. જાતિ અને પ્રજાતિઓના અભ્યાસ દ્વારા મત્સ્યોના વર્ગીકરણમાં મહત્વનો ફાળો આપ્યો.
ડૉ. હોરાની મત્સ્યવિજ્ઞાન ક્ષેત્રમાં એક પ્રખ્યાત સંશોધનકાર તરીકે ગણના થવા માંડી. મુંબઈ રાજ્યના મત્સ્યોદ્યોગ ખાતાના એક નિયામક ડૉ. કુલકર્ણીએ એક નવી માછલીની શોધ કરી હતી. આ નવી શોધાયેલી માછલીનું વૈજ્ઞાનિક નામ ‘Horaichthyes setnai’ આપી ડૉ. કુલકર્ણીએ મહાન મત્સ્યવિજ્ઞાની ડૉ. હોરા અને તેમના માર્ગદર્શક ડૉ. સેટના પ્રત્યેનો પોતાનો આદર વ્યક્ત કર્યો છે.
ઝૂલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા(ZSI)નું મુખ્ય મથક કોલકાતા હોઈ તેમણે ત્યાંથી ભારતભરની મીઠા પાણીની માછલીઓના અભ્યાસ અને સંશોધનનું કાર્ય ધપાવ્યું. ડૉ. હોરાએ મધ્યભારતના સાતપુડા પ્રદેશમાં આવેલાં જળાશયોથી માંડીને આગ્નેય એશિયાના મલેશિયાના ટાપુઓ સુધી આવેલા સળંગ વિસ્તારની માછલીઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને તેના આધારે ‘સાતપુડા પરિકલ્પના’(Satpuda hypothesis)નું પ્રતિપાદન કર્યું. આ પરિકલ્પના એવું સૂચવે છે કે સમયાન્તરે અગ્નિ એશિયાના પ્રદેશમાંથી સાતપુડાની હારમાળા તરફ માછલીઓએ સ્થળાંતર (Anadromous migration) કર્યું હોય તેવું જણાય છે. ડૉ. હોરાએ 427 જેટલા સંશોધનલેખો પ્રકાશિત કર્યા છે. તેમના લેખો મુખ્યત્વે મત્સ્યજાતિની ઉત્ક્રાંતિ અને વર્ગીકરણ અંગેના છે (Taxonomy). આ ઉપરાંત તેમણે પ્રાણીભૂગોળ (Zoo-geography), પરિસ્થિતિવિજ્ઞાન (ecology) અને અન્ય સંબંધિત શાખાઓના ક્ષેત્રે ઊંડો રસ લીધો હતો.
તેમની અન્ય પ્રવૃત્તિઓમાં તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી(INSA)ના સ્થાપક ફેલો અને બાદમાં તેના અધ્યક્ષ બન્યા હતા (1935–1951 દરમિયાન). તેઓ ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના મત્સ્ય-વિભાગના અધ્યક્ષપદે પણ રહી ચૂક્યા હતા.
મહાદેવ શિ. દુબળે
રા. ય. ગુપ્તે