હિરોશિમા : હૉન્શુ ટાપુના અગ્નિકાંઠે આવેલું જાપાનનું શહેર. વહીવટી પ્રાંત હિરોશિમાનું એ જ નામ ધરાવતું પાટનગર. ભૌગોલિક સ્થાન : 34° 24´ ઉ. અ. અને 132° 27´ પૂ. રે.. પશ્ચિમ હૉન્શુમાં ઓટા અને કિયો નદીના ત્રિકોણપ્રદેશ વચ્ચે રચાયેલા બેટ પર તે વસેલું છે. 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સર્વપ્રથમ અણુબૉમ્બ ત્યાં નાખવાને કારણે તેનો નાશ થવાથી દુનિયાભરમાં આ શહેર જાણીતું બનેલું છે.

 

અણુવિસ્ફોટથી તારાજ થયેલું હિરોશિમા

1594માં તેની સ્થાપના થઈ તે અગાઉ હિરોશિમા માછીમારોનું ગામડું હતું. સત્તરમી સદીની આખર સુધીમાં તે જાપાનનું મોટું શહેર બની ગયેલું. 1600થી 1868 વચ્ચે ઍસૅનો કુટુંબના કિલ્લેબંધીવાળા નગર તરીકે તે વિકસતું ગયેલું, તેથી તે સ્થાનિક સરકારી મથક તરીકે, વેપારી મથક તરીકે તેમજ આંતરિક નૌકાવ્યવહારના મથક તરીકે ઉપયોગમાં લેવાતું રહ્યું. તે ધાતુકામ માટે તથા ત્યાંના કિલ્લા અને બગીચા માટે જાણીતું થયેલું. અહીંનાં મહત્વનાં કારખાનાંને કારણે તેનો ઔદ્યોગિક વિકાસ થવાથી તેમજ હૉસ્પિટલો અને વહીવટી ઇમારતો કાર્યરત હોવાથી ઓગણીસમી સદીના અંતિમ ચરણમાં તથા વીસમી સદીના પ્રારંભકાળમાં તેની જાહોજલાલી અને વસ્તી વધ્યાં. બીજા વિશ્વયુદ્ધ સુધીમાં તો હિરોશિમા જાપાનનું, ચુગોકુ રિજિયોનલ આર્મીનું મહત્વ ધરાવતું લશ્કરી મથક બની ગયું હતું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1945ના ઑગસ્ટની છઠ્ઠી તારીખે યુ.એસ.ના લશ્કરી વિમાને સવારે 8.45 કલાકે આ શહેરના મધ્યભાગ પર એક અણુબૉમ્બ નાખ્યો. તેના ત્રણ દિવસમાં જ આઠમી ઑગસ્ટે બીજો અણુબૉમ્બ નાગાસાકી પર પણ નાખ્યો. છેવટે જાપાને 1945ના સપ્ટેમ્બરની બીજી તારીખે શરણાગતિ સ્વીકારી લીધી અને બીજા વિશ્વયુદ્ધનો આ કારણે અંત આવ્યો.

અણુબૉમ્બ પડવાથી સ્ફોટ થયો, 10.4 ચોકિમી. વિસ્તારમાં આગ ફાટી નીકળી, તેની અસરથી 13 ચોકિમી. જેટલો વિસ્તાર નાશ પામ્યો. તે વખતી 3,43,000 વસ્તીમાંથી 1,37,000 લોકોને તાત્કાલિક અસર પહોંચેલી, તે પૈકી એ વખતે 78,150 લોકો મૃત્યુ પામેલા, બીજા પછીથી મોતને ભેટતા ગયેલા. 1945ના વર્ષના અંતે ઈજા અને વિકિરણની અસરથી મૃત્યુનો આંકડો 1,40,000 સુધી પહોંચેલો. સ્ફોટક અસરમાંથી જેટલા જીવતા બચ્યા, તે પૈકીના કેટલાક દાઝ્યા, કેટલાક અપંગ બન્યા તેમજ અન્ય ઘણા વિકિરણથી માંદગીનો ભોગ બનતા ગયા. અહીંનાં આશરે 90,000 મકાનો નાશ પામ્યાં, બાકીનાં મોટા ભાગનાં મકાનો રહેવા યોગ્ય રહ્યાં નહિ. આમ 1995 સુધીમાં વિકિરણની અસરથી મૃતકોની સંખ્યા અંદાજે 1,92,000 જેટલી થયેલી છે.

અણુબૉમ્બ નાખ્યાના આશરે એક મહિના બાદ સપ્ટેમ્બર, 1945માં હિરોશિમા પર વિનાશકારી ટાઇફૂન ત્રાટક્યું, જેમાં 3000 લોકોનાં મૃત્યુ થયાં. શહેરના 80 % પુલો નાશ પામ્યા, રેલમાર્ગો અને સડકમાર્ગોને પણ ઘણું નુકસાન થયું.

પુન:નિર્માણ

યુદ્ધ પૂરું થયાના ત્રણ મહિના પછી શેરીઓ સાફ કરાતી ગઈ, છાપરાં અને મકાનો (barracks) બંધાતાં ગયાં, ક્રમે ક્રમે હિરોશિમા ફરીથી નિર્માણ પામતું ગયું; મોટરગાડીઓ, યંત્રસામગ્રીના, ખાદ્યપ્રક્રમણના તથા જહાજ બાંધકામના ઉદ્યોગો ફરી વિકસાવાયા. 1949માં જાપાની સંસદે મેયરના સૂચનને સ્વીકારીને હિરોશિમા શહેરને શાંતિના શહેર તરીકે જાહેર કર્યું છે. આથી આ શહેર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું છે. અહીં આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદો અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ લવાય છે. 1992માં પરિષદોમાં સુવિધા મળી રહે તે માટે દુભાષિયા તેમજ ભોમિયાઓનું ઍસોસિયેશન સ્થપાયું છે, જે ત્યાં થતી વાટાઘાટોનું અર્થઘટન કરી આપવામાં મદદરૂપ થાય છે. 1998માં હિરોશિમા યુનિવર્સિટીના નેજા હેઠળ હિરોશિમા શાંતિ સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી છે. 1945થી 2005 સુધીનાં 60 વર્ષોમાં આ શહેરે કાયાપલટ કરીને તેનું મૂળ મહત્વ મેળવી લીધું છે. વસ્તીમાં પણ ક્રમશ: વધારો થતો ગયો છે. 1994માં તેની વસ્તી 10,77,000 હતી, તે વધીને 1999માં 11,03,000 જેટલી થવા પામી છે.

હિરોશિમાના જે સ્થળે બૉમ્બવિસ્ફોટ થયેલો ત્યાં શાંતિ-સ્મૃતિ ઉદ્યાન (Peace Memorial Park) નામથી સંગ્રહાલય અને સ્મારકની સ્થાપના કરવામાં આવી છે. મોતને ભેટેલા લોકોની યાદમાં અહીં દર વર્ષે 6 ઑગસ્ટનો દિવસ પુણ્યતિથિ નિમિત્તે ઊજવાય છે. બૉમ્બ નંખાયા બાદ, તે વખતે જે ઇમારતનું બાંધકામ અધૂરું છોડાયેલું, તેને અણુબૉમ્બ ઘુંમટ (Atomic Bomb Dome) તરીકે શાંતિના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. આ રીતે આ શહેરે ફરીથી તેનું વ્યાપારી, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક મહત્વ મેળવી લીધું છે.

ગિરીશભાઈ પંડ્યા

ઈશ્વરલાલ ઓઝા