હિરેક્લિટસ (Heraclitus) : સૉક્રેટિસ પૂર્વેના પ્રાચીન ગ્રીક ચિન્તકો પૈકી ઈ. પૂ. છઠ્ઠી સદીના આયોનિયન ચિન્તક. હિરેક્લિટસ ખૂબ પ્રભાવક ચિન્તક હતા. હિરેક્લિટસ આયૉનિયાના શહેર ઇફિસસ(Ephesus)માં રહેતા હતા. (તેનો અત્યારના ટર્કીમાં સમાવેશ થાય છે.) મિલેટસ (Miletus) અને ઇફિસસ બંને નજીક નજીકનાં શહેરો હતાં. સૌપ્રથમ પાશ્ચાત્ય તત્વચિન્તકોમાં જેની ગણના થાય છે તેવા થેઈલ્સ, એનેક્ઝામેન્ડર અને એનેક્સીમીનીસ એ ત્રણે મિલેટસના નિવાસી હતા. તેમને ‘Milesian’  મિલેસિયન-ચિન્તકો તરીકે પણ ઓળખવામાં આવે છે.

Papyrus rollના રૂપમાં હિરેક્લિટસે એક જ અધૂરો ગ્રંથ રચ્યો હોવાનું મનાય છે તેના પણ છૂટા છૂટા સોએક અંશો સચવાયા છે. તેથી હિરેક્લિટસનાં કથનોનો અર્થ શું છે તે વિશે કશું આખરી અર્થઘટન કરવું અશક્ય છે. તેમની શૈલી સૂત્રાત્મક છે. તેમનાં લખાણોમાંથી કેટલાંક સૂત્રો કે કથનો અત્યારે પણ ઘણાં લોકપ્રિય છે; પણ તેમાંનાં ઘણાં કથનો સંદિગ્ધ છે, અનેકાર્થક છે અને તેનાં બીજાં કથનો સાથેનો સંબંધ પણ સ્પષ્ટ રીતે સમજાતો નથી.

હિરેક્લિટસ

તેમની શૈલી આલંકારિક રજૂઆતોવાળી છે.

હિરેક્લિટસે મુખ્ય ત્રણ વિચારો રજૂ કર્યા છે : (1) સર્વદેશીય પરિવર્તનશીલતા (universal flux) : જગતની દરેક વસ્તુ નિરંતર પરિવર્તનશીલ છે (નિરંતર પરિણામવાદ).

(2) વિરોધી તત્વોનું એકત્વ (units of opposites) : જગતમાં વિરોધી બાબતો વચ્ચે એકત્વ હોય છે એટલે કે તે બાબતો પરસ્પર આન્તરસંકલિત હોય છે.

(3) અગ્નિ (fire) એ જગતનું અંતિમ પારમાર્થિક સત્તત્વ (reality) છે, તેવો એકતત્વવાદ (monism).

આ ત્રણે વિચારોના અર્થઘટન અંગે તત્વચિન્તકોમાં કેટલોક વિવાદ પ્રવર્તે છે. તેમ છતાં હિરેક્લિટસ વિશેના સમકાલીન સાહિત્યમાં કેટલીક સ્પષ્ટતા નીચે મુજબ કરવામાં આવી છે :

સર્વદેશીય પરિવર્તનશીલતા (universal change) : હિરેક્લિટસનો આ વિચાર પ્લેટોના ‘ક્રેટાયલસ’ નામના સંવાદમાં આ રીતે રજૂ કરવામાં આવ્યો છે :

‘તમે એની એ (same) નદીમાં બે વાર પગ મૂકી શકો નહિ.’

જોકે હિરેક્લિટસનું આ અંગેનું મૂળ વિધાન આ પ્રમાણે છે :

‘એની એ નદીમાં પગ મૂકનારાઓના પગ ઉપર સતત બદલાતાં જુદાં જુદાં પાણીનો પ્રવાહ વહેતો હોય છે.’

આ વાક્યનો અર્થ એ છે કે એની એ નદી(same river)માં જુદાં જુદાં (different) પાણી વહેતાં હોય છે. તેથી પાણી બદલાયાં કરે તો પણ નદી તો એની એ જ રહે છે. ખરેખર તો બદલાતાં પાણીનો પ્રવાહ ન હોય તો તેને નદી જ ન કહેવાય. તેમાંથી એ ફલિત થયું કે હિરેક્લિટસ નિરપેક્ષ ક્ષણિકવાદી કે નિરપેક્ષ અનિત્યત્વવાદી નથી. નદીનું દૃષ્ટાંત એ દર્શાવે છે કે પાણી બદલાતું હોય તો જ નદી એની એ નદી રહે છે. એટલે કે વસ્તુના એક સ્તરે કેટલાંક તત્વો બદલાય તો જ તે વસ્તુ બીજા સ્તરે એની એ જ વસ્તુ રહે છે. ખરેખર તો હિરેક્લિટસે સ્વીકારવું પડે છે કે નહિ એની એ જ રહે અને તેમાં પગ બોળનારા લોકો પણ ક્યારેક એના એ જ રહે છે અને માત્ર પાણીનો પ્રવાહ જ બદલાતો હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ એની એ નદીમાં જરૂર બે વાર પગ બોળી શકે, પણ એની એ નદીના એના એ જ પાણીમાં એ વ્યક્તિ બે વાર પગ મૂકી શકે નહિ. ટૂંકમાં જો પોતાનામાં પાણીનો સતત વહેતો પ્રવાહ સમાવે તો અને તો જ કોઈ નદી એની એ જ નદી તરીકે અસ્તિત્વમાં હોઈ શકે છે. જો એક વાર નદીમાં પગ મૂકતી વ્યક્તિ બીજી વાર તે જ નદીમાં પગ મૂકે ત્યારે તેની તે વ્યક્તિ જ રહેતી હોય તો નદી શા માટે તેની તે જ નદી ન રહે ?

વિરોધી તત્વો વચ્ચેનું એકત્વ (unity of opposites) : હિરેક્લિટસે નીચેની ચાર રીતે વિરોધી તત્વોના એકત્વનો વિચાર કર્યો છે તેવું તેમનાં કેટલાંક કથનો ઉપરથી સમજાય છે.

(1) વિરોધી બાબતો એકબીજીમાં પરિવર્તિત થાય છે; (2) વિરોધી બાબતો વચ્ચે પરસ્પરનું અવલંબન હોય છે; (3) વિરોધી બાબતો ખરેખર તો એક જ એની એ (identical) બાબતો છે; (4) એક જ વ્યક્તિમાં/દ્રવ્યમાં જુદી જુદી વિરુદ્ધ અવસ્થાઓ અનુક્રમે રહેતી હોય છે.

દા. ત., દિવસ અને રાત્રિ એક જ છે તેવું જ્યારે હિરેક્લિટસ કહે છે ત્યારે તેનો એક અર્થ એ થયો કે દિવસ રાત્રિમાં અને રાત્રિ દિવસમાં પરિણમે છે. બીજા અર્થમાં એમ પણ સમજાય કે રાત્રિ અને દિવસ પરસ્પર આધારિત છે. ત્રીજો અર્થ કદાચ એ હોય કે એની એ વસ્તુ દિવસ છે તેમજ રાત્રિ પણ છે.

જોકે હિરેક્લિટસ વિરોધી બાબતોને એક જ (identical) બાબત ગણતા નથી. તેમની વચ્ચે અભેદ હોતો નથી તેથી ભિન્ન બાબતો જુદે જુદે સમયે એક જ વ્યક્તિના આશ્રયે રહે છે તેવો ચોથો અર્થ લેવો વાજબી જણાય છે. દા. ત., તેમનું એક વિધાન નીચે મુજબનું છે :

‘દરિયાનું પાણી સહુથી વધુ શુદ્ધ અને સહુથી વધુ પ્રદૂષિત છે; માછલીઓ માટે એ પાણી પી શકાય તેવું સ્વાસ્થ્યવર્ધક છે, જ્યારે મનુષ્યો માટે તે પાણી પીવાલાયક તો નથી જ પણ નુકસાનકારક પણ છે.’

એના એ રસ્તેથી કેટલાક લોકો શહેરની બહાર જાય છે તો વળી કેટલાક લોકો એ જ રસ્તેથી શહેરમાં પ્રવેશે છે ‘The road up, and down is one and the same.’ (હિરેક્લિટસ) વિરોધી બાબતોનો એક જ વસ્તુનો જુદે જુદે સમયે આશ્રય બની શકે છે તેવો હિરેક્લિટસનો દાવો હોય તો તેમાં કોઈ વિસંગતિ નથી તેવું વિવેચકો માને છે.

જોકે એની એ વ્યક્તિ જ્યારે નિદ્રાધીન હોય ત્યાં ત્યારે જ તે જાગ્રત હોય તેવું બને નહિ તે દેખીતું છે. તેથી નિદ્રા અને જાગૃતિ વચ્ચે તો અભેદ (identity) નથી. બંને ભિન્ન છે પણ બંને અનુક્રમે એક આશ્રય(locus)માં રહી શકે છે. હિરેક્લિટસ મુજબ વિરોધી બાબતો વચ્ચે આંતરસંકલિતતા (inter-relatedness) અને એકાશ્રયતા-(having the same locus)નો સંબંધ હોય છે.

અગ્નિતત્વ (fire) : એમ સમજવામાં આવે છે કે હિરેક્લિટસ ભૌતિકવાદી એકતત્વવાદ(materialistic monism)માં માને છે, કારણ કે તેમની દૃષ્ટિએ જગતનું અંતિમ સત્ અગ્નિ (fire) છે; પરંતુ ખરેખર તો હિરેક્લિટસ તત્વોનાં એકબીજાંનાં રૂપાંતરોમાં અને પરિવર્તનોમાં માને છે તે જોતાં, એક જ સ્થિર અફર વસ્તુ-તત્વ(reality)ને સ્થાપતો નિત્યત્વવાદી એકતત્વવાદ તેમણે રજૂ કર્યો નથી તેવું પણ કેટલાક માને છે. આ બાબતે આખરી અર્થઘટન મળવું અશક્ય છે.

પ્રાચીન ગ્રીક ચિન્તનમાં કોઈ એક ભૌતિક તત્વને અંતિમ સત્ (ultimate reality) માનવાની પરંપરા તો છે જ. દા. ત., થેઈલ્સે પાણીનો તો એનેક્ઝામેન્ડરે વાયુનો અંતિમ સદવસ્તુ તરીકે સ્વીકાર કર્યો છે. જોકે હિરેક્લિટસ મુજબ અગ્નિ જળમાં અને જળ પૃથ્વીમાં પરિણમે છે તેમજ ફરી પાછી પૃથ્વી જળમાં અને જળ અગ્નિમાં પરિણમે છે તે જોતાં, અંતિમ સદ્તત્વ તરીકે તેમણે કોઈ એક જ પ્રકારનાં વસ્તુતત્વ(real stuff)ને માન્યું છે તેમ કહેવું પણ મુશ્કેલ છે. ખરેખર તો બદલાતી જ્વાળાઓને લીધે જ અગ્નિ એનો એ અગ્નિ રહે છે. હિરેક્લિટસે એમ પણ કહ્યું છે કે અગ્નિ સતત જીવતું (ever living) તત્વ છે. મનુષ્યનો આત્મા પણ હિરેક્લિટસ મુજબ અગ્નિ તત્વનું જ સ્વરૂપ છે. અગ્નિ એ વિશ્વવ્યવસ્થાનું તત્વ છે.

મનુષ્યજીવન પણ વિરોધી તત્વના પરસ્પર અવલંબન ઉપર આધારિત છે. નિદ્રા-જાગૃતિ, જીવન-મૃત્યુ, યુવાવસ્થા-વૃદ્ધાવસ્થા – આવાં પરિવર્તનો વગર જીવન શક્ય જ નથી. હિરેક્લિટસે યુદ્ધ અને સંઘર્ષને પણ જીવનમાં અનિવાર્ય ઘટકો તરીકે ગણાવ્યાં છે. રોગના વિરોધમાં જ રોગમુક્તિની અવસ્થા સારી લાગે છે. કોઈ પણ તત્વનું મૂલ્ય તેનાં વિરોધી તત્વોને લીધે જ સમજાય છે.

વિશ્વવ્યવસ્થા બધા માટે એની એ જ છે, તેને ન તો કોઈ ઈશ્વરે સર્જી છે કે ન તો કોઈ મનુષ્યે સ્થાપી છે. એ તો હંમેશાં એની એ જ હતી અને એની એ જ રહેશે.

ગ્રીક ભાષામાં logos (લૉગોસ) શબ્દના અર્થ છે : શબ્દ, અહેવાલ (account) – સમજૂતી અને તર્કબુદ્ધિ (reason). હિરેક્લિટસ મુજબ વસ્તુતત્વનો એક જ સાચો અહેવાલ (સમજૂતી, account; logos) છે અને એ અહેવાલ જ વસ્તુતત્વને પ્રકાશિત કરે છે; પરંતુ બધા તેને સમજી શકતા નથી. હિરેક્લિટસ કહે છે કે તેમને પોતાને ન સાંભળો પણ logosને, તત્વને સાંભળો. તેના અહેવાલને સમજો તો તમને એમ સમજાશે કે એક જ દૈવી વિશ્વવ્યવસ્થા (cosmos) છે, જે જુદાં જુદાં તત્વો પ્રક્રિયાઓની બનેલી એક સમગ્ર સમષ્ટિ (whole) છે. લાયર (lyre) નામના તંતુવાદ્યમાં જેમ તેના તાર અને તેને જકડી રાખતી ફ્રેમ વચ્ચેનો તનાવ અનિવાર્ય છે, તેવી જ રીતે, વિરોધી વસ્તુઓનું તનાવવાળું જગત એક રૂપે પ્રવર્તે છે તેમ હિરેક્લિટસ માને છે.