હઝારીબાગ : ઝારખંડ રાજ્યમાં ઉત્તર છોટાનાગપુર વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 59´ ઉ. અ. અને 85° 21´ પૂ. રે.ની આજુબાજુનો 5,965 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કોડર્મા, પૂર્વમાં ગિરિદિહ અને બોકારો, દક્ષિણમાં રાંચી તથા પશ્ચિમમાં ચત્રા જિલ્લા આવેલા છે. જિલ્લાના મધ્ય–પશ્ચિમ ભાગમાં આવેલા જિલ્લામથક હઝારીબાગના નામ પરથી જિલ્લાનું નામ પાડવામાં આવેલું છે. હઝારીબાગનો અર્થ હજાર બાગવાળું સ્થળ એવો થાય છે. હઝારીબાગ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં ‘હઝારી’ નામનું ગામ આવેલું છે.
હઝારીબાગ જિલ્લો
ભૂપૃષ્ઠ : આ જિલ્લો છોટાનાગપુર ઉચ્ચપ્રદેશના એક ભાગરૂપ છે; આ વિસ્તાર ઉચ્ચપ્રદેશ, અવશિષ્ટ ટેકરીઓ અને ખીણપ્રદેશોથી આવરી લેવાયેલો છે. આ જિલ્લો ત્રણ કુદરતી વિભાગોથી બનેલો છે : (i) મધ્યનો ઉચ્ચપ્રદેશ, (ii) નીચાણવાળા ઉચ્ચપ્રદેશો અને (iii) દામોદર ખીણપ્રદેશ. મધ્યના ઉચ્ચપ્રદેશની ઊંચાઈ 600 મીટર જ્યારે તેની આજુબાજુ આવેલા નીચા ઉચ્ચપ્રદેશોની ઊંચાઈ લગભગ 400 મીટર જેટલી છે. દામોદર ખીણપ્રદેશ જિલ્લાના દક્ષિણ ભાગમાં છે, ત્યાં આવેલું રામગઢ નગર 300 મીટરની ઊંચાઈ પર આવેલું છે.
જિલ્લાનો અંદાજે 50 % વિસ્તાર જંગલ-આચ્છાદિત છે, જે જિલ્લાના લગભગ બધા જ ભાગમાં એકસરખી રીતે છવાયેલો છે. તે પૈકી સાલનાં વૃક્ષો મુખ્ય છે, જ્યારે અન્ય વૃક્ષોમાં વાંસ, ખેર, સલાઈ, સિમલ, મહુડો, પલાશ, કુસુમ, કેન્ડ, આસમ, પિયાર અને ભેલવાનો સમાવેશ થાય છે.
જળપરિવાહ : જિલ્લામાં દામોદર અને તેની સહાયક નદીઓ તથા બારાકાર નદી પસાર થાય છે. દામોદર નદી 144 કિમી.ની લંબાઈમાં જિલ્લામાં વહે છે, તેને ગારહી (અથવા ટંડવા), નાઇકરી અને ભેરા નદીઓ મળે છે. બારાકાર નદી હઝારીબાગથી ઉત્તરે 11 કિમી. અંતરે આવેલા ઇચક પાસેથી નીકળે છે, પૂર્વ તરફ વહીને ધનબાદ જિલ્લાના પૂર્વ ભાગમાં દામોદરને મળે છે.
ખેતી–સિંચાઈ–પશુપાલન : જિલ્લો ટેકરીઓ અને જંગલોથી આચ્છાદિત હોવાથી અહીંની જમીન ખડકાળ તેમજ રેતાળ છે, માત્ર નદીઓ નજીકની જમીનો કાંપથી બનેલી છે. નીચાણવાળા ભાગોની જમીનો ફળદ્રૂપ છે. અહીંના મુખ્ય ખાદ્યપાકોમાં ડાંગર, બાજરો, મકાઈ અને તુવેર તથા અન્ય પાકોમાં તેલીબિયાં અને થોડા પ્રમાણમાં શેરડી થાય છે. દામોદર વેલી કૉર્પોરેશન-યોજનાને કારણે સિંચાઈ ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત જિલ્લામાં સાદા કૂવા, ટ્યૂબવેલ પણ ઉપયોગમાં લેવાય છે.
અહીંનાં પશુઓમાં ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાં અને ડુક્કર મુખ્ય છે. આ બધાં પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની છે. મરઘાંબતકાંનો ઉછેર નાના પાયા પર થાય છે. નદીઓ ટેકરીઓ પાસેથી પસાર થતી હોવાથી મત્સ્યઉછેર માટે અનુકૂળ નથી, તે માત્ર સરોવરો, તળાવો, બંધનાં જળાશયોમાં ઉછેરાય છે.
ઉદ્યોગો : આ જિલ્લો ખનિજસંપત્તિથી સમૃદ્ધ છે. હઝારીબાગના વિસ્તારમાં અબરખ અને કોલસો મળે છે. આ જિલ્લો માણેકરંગી અબરખ તેમજ ધાતુશોધન-ઉપયોગી કોલસા માટે જાણીતો છે. આ ઉપરાંત જિલ્લામાં સારા પ્રમાણમાં ચિનાઈ માટી અને અગ્નિજિત માટી પણ મળે છે. વળી, ઍન્ટિમની, સીસાનું ખનિજ ગેલેના, મોલીબ્ડિનાઇટ અને કલાઈ પણ થોડા પ્રમાણમાં મળે છે.
જિલ્લો જંગલો તેમજ ખનિજસંપત્તિમાં સમૃદ્ધ હોવા છતાં તેના પહાડી ભૂપૃષ્ઠને કારણે મોટા ઉદ્યોગોથી વંચિત છે; માત્ર કાચનો ઉદ્યોગ – ઇન્ડો અસાહી ગ્લાસ કંપની લિ. વિકસ્યો છે, જ્યાં પટકાચ (sheet glass) અને ચશ્માંના કાચ બનાવાય છે. આ ઉપરાંત, અહીં અગ્નિરોધકો (refractories) અને પોલાદની મિશ્રધાતુનું ઉત્પાદન પણ લેવાય છે.
વેપાર : જિલ્લામાં ખાદ્યાન્ન, ખાદ્ય ચીજવસ્તુઓ, ચોખા, કાપડ તેમજ કોલસાની આયાત; કોલસા અને અગ્નિજિત ઈંટોની નિકાસ થાય છે. અગ્નિજિત ઈંટોનું અહીં ઉત્પાદન લેવાય છે. જિલ્લામાં કોઈ વ્યવસ્થિત રીતે વિકસેલું બજાર નથી. આખાય જિલ્લામાં નાનાં નાનાં હાટ જુદાં જુદાં સ્થળોમાં ભરાય છે. જિલ્લામથક હઝારીબાગ ખાતે બજારો વિકસાવવામાં આવ્યાં છે.
પરિવહન : જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્ય ધોરી માર્ગો અને જિલ્લા કક્ષાના માર્ગોની સારી ગૂંથણી જોવા મળે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 2 (ગ્રાન્ડ ટ્રન્ક રોડ) હઝારીબાગ અને બારાહીમાંથી પસાર થાય છે. આ ઉપરાંત રા. ધો. નં. 31ના બે ફાંટા હઝારીબાગ–બારાહી–રાંચી તથા બારાહી–રાંચીને જોડે છે. રાજ્ય ધોરી માર્ગોની લંબાઈ 295 કિમી. જેટલી છે. જિલ્લાના દક્ષિણ ભાગમાંથી પસાર થતા રેલમાર્ગ સિવાય બીજા રેલમાર્ગો નથી; પરંતુ અહીંથી અંદાજે 69 કિમી. અંતરે નજીકનું રેલમથક આવેલું છે. અહીંની નદીઓ ચોમાસામાં પૂરવાળી અને ઉનાળામાં સુકાઈ જતી હોવાથી તથા કેટલીક છીછરી રહેતી હોવાથી જળમાર્ગો વિકસ્યા નથી. હઝારીબાગ જિલ્લામથક હોઈને અહીં વિમાન ઉતરાણ માટેની હવાઈ-પટ્ટી તૈયાર કરવામાં આવેલી છે. તેનો સારા હવામાનમાં ઉપયોગ થાય છે.
પ્રવાસન : હઝારીબાગથી 19 કિમી. અગ્નિકોણમાં ચર્ચુ ખાતે આવેલા જૂના મંદિરના સ્થાનકે રામનવમીએ મેળો ભરાય છે. હઝારીબાગથી 8 કિમી. અંતરે આવેલો બોકારો ધોધ ઉજાણીનું સ્થળ ગણાય છે. બનાસો ખાતે ભગવતી મહામાયાનું પ્રાચીન મંદિર છે. બિશ્નુગઢ ખાતે આવેલો જળધોધ અહીંનું ઉજાણીમથક બની રહેલો છે. ઇચક ખાતે સૂર્યમંદિર, શિવમંદિર અને બંસીધરમંદિર આવેલાં છે. બિશ્નુગઢથી 9 કિમી. અંતરે કોનાર નદી પર કોનાર બંધ તૈયાર કરાયેલો છે. હઝારીબાગથી ઉત્તર તરફ 22 કિમી.ને અંતરે પટના–રાંચી માર્ગ પર પ્રાણીઓ અને કુદરતી વનસ્પતિનું અભયારણ્ય છે. અહીં યાત્રીઓ માટે ડાક બંગલો તથા કુટિરોની સગવડ છે. ઉદ્યાન ખાતે 60 મીટર ઊંચા ચાર ટાવર પણ છે. રાજરપ્પા ખાતે દામોદર અને ભેરા નદીઓના સંગમ નજીક જળધોધ આવેલો છે. અહીં છિન્નમસ્તિષ્કા દેવીનું મંદિર છે, ત્યાં મકરસંક્રાંતિ પ્રસંગે મેળો ભરાય છે. રામગઢથી 35 કિમી. અંતરે આવેલા પત્રાતુ ખાતે તાપ-વિદ્યુત મથક આવેલું છે. હઝારીબાગથી નૈર્ઋત્યમાં 38 કિમી.ને અંતરે સૂરજકુંડ નામના ગરમ પાણીના ઝરા આવેલા છે. ત્યાં પણ મકરસંક્રાંતિ વખતે મેળો ભરાય છે. ચત્રાથી ઈશાનમાં 25 કિમી.ને અંતરે દેવી ભગવતીનું મંદિર આવેલું છે. જિલ્લામાં મકરસંક્રાંતિ, દશેરા, કાર્તિકી પૂર્ણિમા, વસંતપંચમીના મેળા ભરાય છે.
વસ્તી–લોકો : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 22,77,108 જેટલી છે, જે પૈકી 75 % ગ્રામીણ વસ્તી અને 25 % શહેરી વસ્તી છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષા બોલાય છે. જિલ્લામાં હિન્દુઓની વસ્તી વિશેષ છે, જ્યારે તે પછીના ઊતરતા ક્રમમાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધની વસ્તી છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ અંદાજે 60 % જેટલું છે. બધાં જ નગરોમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓની સગવડ છે; હઝારીબાગ ખાતે નવ જેટલી કૉલેજો આવેલી છે. નગરો ઉપરાંત જિલ્લાનાં 415 ગામોમાં દવાખાનાં આવેલાં છે. વહીવટી દૃષ્ટિએ જિલ્લાને 3 ઉપવિભાગોમાં, 12 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 19 જેટલાં નગરો આવેલાં છે.
ઇતિહાસ : પ્રાચીન સમયમાં આ વિસ્તારનાં જંગલોમાં આદિવાસીઓ વસતા હતા. તેઓ આર્યોને તાબે થયા નહિ. મુઘલોના આગમન અગાઉ આ વિસ્તાર બહારની કોઈ સત્તા હેઠળ ન હતો. અકબર 1556માં ગાદીએ બેઠો, પછી તેણે 1585માં શાહબાઝખાનની સરદારી હેઠળ લશ્કર મોકલી છોટાનાગપુરના રાજા પાસેથી ખંડણી લીધી. ઈ. સ. 1616માં બિહારના સૂબા ઇબ્રાહીમખાન ફત્તેહજંગે ચડાઈ કરીને છોટાનાગપુરના રાજા દુર્જનસાલને હરાવ્યો. તેને 12 વર્ષ કેદમાં રાખ્યા બાદ, પુન:ગાદી સોંપવામાં આવી. ત્યાર બાદ, આ પ્રદેશ પર 19મી સદીમાં અંગ્રેજોનું આધિપત્ય સ્થપાયું. હઝારીબાગને વહીવટી મથક રાખીને સાઉથ-વેસ્ટ ફ્રન્ટિયર એજન્સીમાં રામગઢ, ખારગદિહા, કેંદી, કુંદા વગેરે પરગણાંનો સમાવેશ કરવામાં આવ્યો. ઈ. સ. 1855–56માં આદિવાસી સંતાલ લોકોએ અંગ્રેજો સામે સખત બળવો કર્યો, જે અંગ્રેજોએ ક્રૂરતાપૂર્વક કચડી નાખ્યો. 1942માં ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન જયપ્રકાશ નારાયણ સાથે અનેક સ્વાતંત્ર્યસૈનિકો હઝારીબાગ જેલમાં અટકાયતમાં હતા. ઑક્ટોબર, 1942માં જયપ્રકાશ સહિત તેમના ત્રણ સાથીઓ હઝારીબાગ જેલમાંથી નાસી ગયા હતા અને દિલ્હી તથા અન્યત્ર ગુપ્ત સભાઓ યોજીને લડતને માર્ગદર્શન આપ્યું હતું.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ