હઝારે, વિજય (જ. 11 માર્ચ 1915, સાંગલી, મહારાષ્ટ્ર; અ. 18 ડિસેમ્બર 2004, વડોદરા) : ભારતીય ટેસ્ટ ક્રિકેટને વડોદરાએ જે કેટલાક ઝમકદાર ક્રિકેટરો આપ્યા, તેમાંના એક અગ્રેસર ક્રિકેટર. પૂરું નામ વિજય સેમ્યુઅલ હઝારે. તેઓ ખ્રિસ્તી હતા. ગાયકવાડ સ્ટેટમાં નોકરી અર્થે વડોદરા આવ્યા બાદ, તેઓ ત્યાં જ સ્થાયી થયા હતા.

વિજય હઝારે

1934–35માં મહારાષ્ટ્ર તરફથી પુણે ખાતે મુંબઈ વિરુદ્ધ રણજી ટ્રૉફી મૅચમાં રમીને 19 વર્ષની વયે તેમણે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

1939–40માં પુણે ખાતે વડોદરા સામે મહારાષ્ટ્ર તરફથી રમતાં તેમણે ઝંઝાવાતી ત્રેવડી સદી ફટકારતાં અણનમ 316 રન નોંધાવ્યા હતા; જે તેમની ક્રિકેટ કારકિર્દીનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો હતો.

વડોદરા આવ્યા બાદ, તેમણે વડોદરા સ્ટેટ ટીમ તરફથી રણજી ટ્રૉફી સ્પર્ધામાં રમવાનું શરૂ કર્યું હતું. 1946–47માં વડોદરા ખાતે વડોદરા તરફથી હોલકર સામે રમતાં વિજય હઝારેએ શાનદાર 288 રન નોંધાવ્યા હતા અને ગુલ મોહંમદ સાથે 4થી વિકેટની ભાગીદારીમાં 577 રન ઉમેર્યા હતા, જે રણજી ટ્રૉફી સ્પર્ધાનો તમામ વિકેટોની ભાગીદારીનો સર્વોચ્ચ વિક્રમ છે.

1946માં ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની ભારતીય ક્રિકેટ ટીમમાં તેમનો સમાવેશ થયો હતો અને લૉર્ડ્ઝ ખાતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ ક્રિકેટમાં તેમણે પદાર્પણ કર્યું હતું.

1947–48નો ઑસ્ટ્રેલિયા પ્રવાસ તેમણે ગજવી મૂક્યો હતો.

એડિલેડ ખાતેની ચોથી ટેસ્ટમાં વિજય હઝારેએ ઑસ્ટ્રેલિયાના ઝંઝાવાતી બૉલરોનો સામનો કરી બંને દાવમાં સદીઓ (111–145) ફટકારવાની સિદ્ધિ નોંધાવી હતી. એવી સિદ્ધિ મેળવનાર તેઓ ભારતના સૌપ્રથમ બૅટ્સમૅન બન્યા હતા.

રણજી ટ્રૉફી ક્રિકેટસ્પર્ધામાં 1934–35થી 1960–61 સુધીમાં તેમણે 71 મૅચોના 104 દાવમાં 12 વાર અણનમ રહીને 68.61ની સરેરાશથી કુલ 6312 રન નોંધાવ્યા હતા. તેમણે 22 સદીઓ નોંધાવી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં 1946થી 1953ના ગાળામાં તેમણે 30 ટેસ્ટ-મૅચોના 52 દાવમાં 6 વાર અણનમ રહીને 7 સદી, 9 અર્ધસદી સાથે 47.65ની સરેરાશથી કુલ 2192 રન નોંધાવ્યા હતા. ઇંગ્લૅન્ડ સામે 1952માં નવી દિલ્હી ખાતે પ્રથમ ટેસ્ટમાં નોંધાવેલો અણનમ 164નો જુમલો તેમનો સર્વોચ્ચ જુમલો હતો.

1951–52માં પ્રવાસી ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ટેસ્ટ-શ્રેણીમાં તેમણે ભારતનું કપ્તાનપદ સંભાળતાં ભારતને મદ્રાસ (ચેન્નાઈ) ખાતે પાંચમી ટેસ્ટમાં સૌપ્રથમ ઐતિહાસિક ટેસ્ટવિજયની ભેટ આપી હતી. ભારતની આ 25મી ટેસ્ટમાં, સૌપ્રથમ વિજય હતો. વિજય હઝારેએ ઇંગ્લૅન્ડ (1951–1952) અને વેસ્ટ ઇન્ડીઝ (1953) સામે કુલ 14 ટેસ્ટ-મૅચોમાં ભારતનું કપ્તાનપદ સંભાળતાં તેમાં 1 વિજય, 5 પરાજય અને 8 અનિર્ણીત મૅચો રહી હતી.

1943–44માં મુંબઈ ખાતે શેષ ટીમ તરફથી હિન્દુ ટીમ સામે તેમણે અણનમ 309 રન નોંધાવ્યા હતા. શેષ ટીમનો ત્યારે 387 રનનો જુમલો નોંધાયો હતો.

તેમને જીવનગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો. વિજય હઝારે ભારત, મહારાષ્ટ્ર, વડોદરા, સેન્ટ્રલ ઇન્ડિયા, સેન્ટ્રલ પ્રોવિન્સ અને હોલકર તરફથી રણજી ટ્રૉફી મૅચોમાં રમ્યા હતા.

પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમણે 60 સદીઓ સહિત કુલ 18,740 રન નોંધાવ્યા હતા.

ટેસ્ટ-કપ્તાન તરીકે પ્રથમ બે દાવમાં સદી ફટકારનારા; ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ 1000 અને 2000 રન પૂરા કરનારા તથા ટેસ્ટ ક્રિકેટમાં લાગલાગટ ત્રણ દાવમાં સદી નોંધાવનારા તેઓ પ્રથમ ભારતીય ખેલાડી હતા.

ઑસ્ટ્રેલિયાના 1947–48ના પ્રવાસ દરમિયાન સર ડૉન બ્રેડમૅનને તેમણે ત્રણ વાર આઉટ કર્યા હતા.

જગદીશ બિનીવાલે