સ્પેન

પશ્ચિમ યુરોપમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 36o 00´થી 43o 30´ ઉ. અ. અને 4o 00´ પૂ. રે. થી 9o 30´ પ. રે. વચ્ચેનો 5,04,750 ચોકિમી. જેટલો (ભૂમધ્ય સમુદ્રમાં આવેલા બેલારિક ટાપુઓ તથા ઍટલૅંટિક મહાસાગરમાં આવેલા કૅનેરી ટાપુઓ સહિત) વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર–દક્ષિણ મહત્તમ લંબાઈ 880 કિમી. અને પૂર્વપશ્ચિમ મહત્તમ પહોળાઈ 1,040 કિમી. તથા દરિયાકિનારાની લંબાઈ 3,774 કિમી. જેટલી છે. રશિયા અને ફ્રાંસને બાદ કરતાં વિસ્તારની દૃષ્ટિએ યુરોપ ખંડમાં તે ત્રીજા ક્રમે આવે છે. ઍટલૅંટિક મહાસાગર અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચે આવેલા નૈર્ઋત્ય યુરોપના આઇબેરિયન દ્વીપકલ્પનો તે 80 % ભૂમિભાગ રોકે છે, બાકીનો ભાગ પોર્ટુગલથી રોકાયેલો છે. તેની ઉત્તરે ઍટલૅંટિક મહાસાગર, ઈશાન તરફ ફ્રાંસ, પૂર્વ અને દક્ષિણે ભૂમધ્ય સમુદ્ર તથા પશ્ચિમ તરફ પોર્ટુગલ આવેલા છે. દેશની લગભગ મધ્યમાં આવેલું મૅડ્રિડ તેનું પાટનગર તથા મોટામાં મોટું શહેર છે.

ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : સ્પેનની ઈશાન સરહદે આવેલી ભવ્ય પીરીનિઝ પર્વતમાળા સ્પેન અને ફ્રાંસને અલગ પાડે છે. એક કાળે આ પર્વતો આઇબેરિયન દ્વીપકલ્પમાંથી યુરોપના અન્ય દેશોમાં જવા માટે અવરોધરૂપ હતા; પરંતુ હવે એ સ્થિતિ રહી નથી. ભૂમધ્ય સમુદ્રની સામે પાર આવેલો આફ્રિકા ખંડ જિબ્રાલ્ટરની સામુદ્રધુની મારફતે માત્ર 13 કિમી. જેટલા અંતરે છે.

સ્પેનનો ઘણોખરો ભૂમિભાગ ઊંચાઈએ આવેલા શુષ્ક ઉચ્ચપ્રદેશથી રોકાયેલો છે. તે ‘મેસેટા’ નામથી ઓળખાય છે. આખાય મેસેટામાં ટેકરીઓ અને પર્વતો પથરાયેલાં છે, વળી તેની ઉત્તરમાં પણ દ્વીપકલ્પને વીંધતો પહાડી અવરોધ આવેલો છે. બહોળી દૃષ્ટિએ જોતાં, સ્પેનનું ભૂપૃષ્ઠ સાત કુદરતી વિભાગોમાં વહેંચાયેલું છે : (1) મેસેટા, (2) ઉત્તરનો પહાડી પ્રદેશ, (3) એબ્રો(Ebro)નું થાળું, (4) કિનારાનાં મેદાનો, (5) ગ્વાડેલક્વિવિર(Guadalquivir)નું થાળું, (6) બેલારિક ટાપુઓ, (7) કૅનેરી ટાપુઓ.

(1) મેસેટા : સ્પેનના ભૂપૃષ્ઠનો ઘણોખરો ભાગ આવરી લેતો, મેસેટા નામથી ઓળખાતો શુષ્ક ઉચ્ચપ્રદેશ ટેકરીઓથી ખંડિત બનેલાં મેદાનોવાળો છે. તેના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભાગમાં પર્વતો આવેલા છે. પશ્ચિમ તરફ તે પોર્ટુગલમાં પણ વિસ્તરે છે. સ્પેનની મુખ્ય ભૂમિ પરનું સર્વોચ્ચ શિખર મુલ્હેસન (3,478 મીટર) મેસેટાની દક્ષિણ ધાર પર સિયેરા નેવાડા હારમાળામાં આવેલું છે. મેસેટાની જમીનો રાતા, પીળા રંગવાળી અને ઓછા કસવાળી છે. પહાડી પ્રદેશોમાં જંગલો તથા કેટલાક ઊંચાણવાળા ભાગો પર ઘેટાંબકરાંનાં ચરિયાણસ્થળો આવેલાં છે, જ્યારે મેદાની ભાગોમાં છૂટાંછવાયાં, નાનાં ઝાડવાં અને ફૂલવાળા છોડ જોવા મળે છે.

સ્પેનની ઘણીખરી નદીઓ મેસેટામાંથી નીકળે છે. 1,007 કિમી. લાંબી ટૅગસ નદી સ્પેનપોર્ટુગલમાંથી પસાર થાય છે; ગ્વાડેલક્વિવિર નદી 640 કિમી. લાંબી છે. આ બંને નદી મેસેટામાંથી નીકળે છે અને ઍટલટિક મહાસાગરને મળે છે. બીજી એક ડોરો નદી પણ ઍટલૅંટિકને જઈ મળે છે.

સ્પેનનો પ્રાદેશિક નકશો

(2) ઉત્તરનો પહાડી પ્રદેશ : ઍટલૅંટિક મહાસાગરથી ભૂમધ્ય સમુદ્રના કિનારાનાં મેદાનો સુધીનો સ્પેનનો ઉત્તર ભાગ પહાડી ભૂપૃષ્ઠવાળો છે; તેનો પશ્ચિમ ભાગ ગૅલિસિયન પર્વતોથી, મધ્યભાગ કૅન્ટાબ્રિયન પર્વતોથી તથા ઈશાન ભાગ પીરીનિઝ પર્વતોથી બનેલો છે. ગૅલિસિયન અને કૅન્ટાબ્રિયન પર્વતો ઍટલૅંટિક કિનારા નજીક એકાએક ઊંચાઈ પ્રાપ્ત કરતા હોવાથી તેમાંથી નીકળતી નદી ટૂંકી અને ઝડપી વેગવાળી છે તથા દરિયામાં ભળી જાય છે. ખેતી માટે અહીંની જમીનો કસવિહીન હોવાથી તે મોટે ભાગે ગોચર તરીકે ઉપયોગમાં લેવાય છે.

(3) એબ્રોનું થાળું : ઈશાન સ્પેનમાં આવેલી એબ્રો નદીનો ખીણવિસ્તાર પહોળા મેદાનથી બનેલો છે. 909 કિમી. લંબાઈ ધરાવતી એબ્રો સ્પેનની મોટી નદીઓ પૈકીની એક ગણાય છે. તે ઉત્તરના પહાડી પ્રદેશમાંથી નીકળી પૂર્વ તરફ વહે છે અને ટૉર્ટોસાની ભૂશિરને છેડે ભૂમધ્ય સમુદ્રમાં ઠલવાય છે. આ થાળું પ્રમાણમાં સૂકું રહેતું હોવા છતાં અહીં મળી રહેતી સિંચાઈની સુવિધાથી થાળાની આજુબાજુનો વિસ્તાર ખેતીલાયક બની રહેલો છે.

(4) કિનારાનાં મેદાનો : ભૂમધ્ય સમુદ્ર તરફની સ્પેનની આખીય કંઠારપટ્ટી ફળદ્રૂપ મેદાની પ્રદેશથી બનેલી છે. તે સમુદ્ર તરફ વિસ્તરેલી ટેકરીઓથી ખંડિત છે. સિંચાઈની સગવડ ઉપલબ્ધ થાય તે માટે આ મેદાનપ્રદેશની નદીઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી આ મેદાનો ખેતીની દૃષ્ટિએ સમૃદ્ધ બની રહેલાં છે.

સ્પેનનો રાજકીય નકશો

(5) ગ્વાડેલક્વિવિરનું થાળું : સ્પેનના નૈર્ઋત્ય ભાગમાં આવેલું આ થાળું નદીને કાંઠે કાંઠે ઍટલૅંટિક મહાસાગર તરફ વિસ્તરેલું છે. આ થાળું શુષ્ક રહેતું હોવાથી ખેડૂતો ખેતીના પાક લેવા માટે સિંચાઈ પર આધાર રાખે છે. સિંચાઈને કારણે આ વિસ્તાર ખેતી માટે ફળદ્રૂપ બની રહેલો છે.

(6) બેલારિક ટાપુઓ : સ્પેનની મુખ્ય ભૂમિથી પૂર્વ તરફ ભૂમધ્ય સમુદ્રમાં આશરે 80થી 240 કિમી.ને અંતરે આવેલું બેલારિક ટાપુજૂથ પાંચ મુખ્ય અને બાકીના નાના નાના ઘણા ટાપુઓથી બનેલું છે. મોટા ટાપુઓમાં કદના ક્રમ મુજબ મેજોર્કા, માઇનોર્કા અને ઇબિઝાનો સમાવેશ થાય છે. મેજોર્કા ટાપુ નીચી પહાડી ભૂમિવાળો પરંતુ ફળદ્રૂપ છે. માઇનોર્કા ટાપુ મધ્યમાં વન ધરાવતી ટેકરીઓથી બનેલો છે અને સમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે; જ્યારે ઇબિઝા ટેકરાળ છે. માઇનોર્કા અને ઇબિઝા પ્રમાણમાં ઓછા ફળદ્રૂપ છે.

(7) કૅનેરી ટાપુઓ : ઍટલૅંટિક મહાસાગરમાં આવેલા સાત ટાપુઓનું જૂથ આફ્રિકાના વાયવ્ય કિનારાથી આશરે 95થી 430 કિમી.ને અંતરે છૂટું છૂટું પથરાયેલું છે. કદના ક્રમ મુજબ તેમાં ટેનેરિફ, ફુર્તેવેનતુરા અને ગ્રેન કૅનેરિયાનો સમાવેશ થાય છે. સ્પેનનો ઊંચામાં ઊંચો પર્વત (3,707 મીટર ઊંચાઈ) અહીં ‘પિકો દ ટીડ’ ટેનેરિફ ટાપુની મધ્યમાં આવેલો છે. ગ્રેન કૅનેરિયાની મધ્યમાં પર્વતો અને સમૃદ્ધ ખીણ ભાગ આવેલા છે. ગ્રેન કૅનેરિયાનું લાસ પાલમસ કૅનેરી ટાપુઓનું મોટામાં મોટું શહેર છે. ફુર્તેવેનતુરાનું ભૂપૃષ્ઠ સમતળ અને શુષ્ક છે. તે ટેનેરિફ અને ગ્રેન કૅનેરિયા કરતાં ઓછી વસ્તીવાળો છે.

આબોહવા : મેસેટા તેમજ અન્ય અંતરિયાળ ભાગો આખુંય વર્ષ લગભગ સૂકી તથા સૂર્યતાપવાળી આબોહવા ધરાવે છે. ઍટલૅંટિક મહાસાગરના કિનારા નજીકની આબોહવા ઉનાળામાં મંદ તથા શિયાળામાં ઠંડી રહે છે. ઍટલૅંટિક પરથી વર્ષભર પવનો વાતા રહે છે, તે ઉત્તરના પહાડી પ્રદેશની આબોહવાને નરમ રાખે છે અને હવા ભેજવાળી રહે છે. સ્પેનનો બાકીનો ભાગ ભૂમધ્ય સમુદ્રીય આબોહવા ધરાવે છે; તેમાં ઉનાળા સૂકા, પ્રખર તાપવાળા તથા શિયાળા મંદ અને ભેજવાળા હોય છે. સ્પેનનો અંતરિયાળ ભાગ 42o સે. તાપમાન ધરાવે છે; પરંતુ રાત્રિનું તાપમાન 16o સે. જેટલું રહે છે. મૅડ્રિડમાં ઉનાળા દરમિયાન દિવસનું સરેરાશ તાપમાન 36o સે. જેટલું જ્યારે શિયાળામાં સરેરાશ તાપમાન 14o સે. જેટલું રહે છે. અહીં કોઈ કોઈ વર્ષોમાં દુકાળની પરિસ્થિતિ પણ પ્રવર્તે છે. તેમ છતાં ક્યારેક વરસાદી વાવાઝોડાં આવી જાય છે અને શુષ્ક ભાગોમાં સુસવાટા મારતા પવનો ફૂંકાય છે. મેસેટાના ઊંચાઈવાળા પહાડી ઢોળાવો પર શિયાળામાં હિમવર્ષા થાય છે. દેશનો સરેરાશ વાર્ષિક વરસાદ સ્થાનભેદે 500થી 1,500 મિમી. જેટલો પડે છે. મોટા ભાગનો વરસાદ શિયાળામાં પડી જાય છે.

ખેતી : સ્પેનની બધી જ ખુલ્લી ભૂમિ ખેતી કે ગોચરો માટે ઉપયોગમાં લેવાય છે; પરંતુ અહીંની જમીનો પ્રમાણમાં ઓછા કસવાળી હોવાથી તેમજ જ્યાં આબોહવા શુષ્ક રહે છે એવાં સ્થળોમાં ખેતપેદાશોનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં લઈ શકાતું નથી. અહીંના મુખ્ય કૃષિપાકોમાં કેસર, જવ, ઑલિવ, ઘઉં, બટાટા, નારંગી, દ્રાક્ષ તેમજ અન્ય ફળોનો સમાવેશ થાય છે. સ્પેનનું કેસર ઉત્તમ કક્ષાનું હોય છે. આ ઉપરાંત મકાઈ, શર્કરાકંદ, ડુંગળી, ટામેટાં, સૂર્યમુખી બીજ, લીંબુ, કૉર્ક પણ થાય છે. કૅનેરી ટાપુઓ પર કેળાંનું ઉત્પાદન લેવાય છે. અનાજ ઉત્તર તરફના પ્રદેશોમાં તથા ફળો દક્ષિણ તરફ થાય છે. ઘેટાં સ્પેનનું મુખ્ય પ્રાણી હોવાથી ઊન મેળવાય છે. અન્ય પ્રાણીઓમાં બકરાં, ગાય, ડુક્કર અને મરઘાં-બતકાંનો સમાવેશ થાય છે. દૂધ માટે પશુપાલનનો વ્યવસાય વિકસ્યો છે. દેશના આશરે 66 % ખેડૂતોને પોતાની માલિકીનાં ખેતરો છે. અન્ય ખેડૂતો ખેતમજૂરોનું કામ કરે છે. 1960 પછી ખેડૂતોને કૃષિસાધનો તથા બિયારણ માટે સરકારી સહાય આપવામાં આવે છે.

કુદરતી સંપત્તિ : સ્પેનમાં કુદરતી સંપત્તિનું પ્રમાણ ઓછું છે. જુદા જુદા ઉદ્યોગો માટે જરૂરી કાચા માલની પણ અછત છે. કેન્ટાબ્રિયન પર્વતોમાંથી ઉચ્ચ કક્ષાનું લોહઅયસ્ક તેમજ હલકી કક્ષાનો કોલસો મળે છે. અન્ય ખનિજોમાં તાંબું, સીસું, જસત, પોટાશ, પારો, પાયરાઇટ, મીઠું, ટાઇટેનિયમ અને યુરેનિયમનાં ખનિજોનો સમાવેશ થાય છે. પારો ઉત્પન્ન કરતા દેશોમાં સ્પેનની ગણના થાય છે. અગાઉના સમયમાં ગીચ જંગલો હતાં, તે પૈકી ઘણાંખરાં કપાઈ ગયાં હોવાથી દેશના થોડા જ વિસ્તારો જંગલોવાળા રહ્યા છે.

સેવાઉદ્યોગો : આ પ્રકારના ઉદ્યોગોમાં માલનું ઉત્પાદન લેવાતું નથી; પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ ચલાવવા લોકોની સેવા લેવાય છે. દેશના આશરે 50 % લોકો આ પ્રકારના સેવાઉદ્યોગો સાથે સંકળાયેલા છે. મોટાં શહેરોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. તેમાં શિક્ષણ, સ્વાસ્થ્યસંભાળ, જાહેર વહીવટ, નાણાં-હેરફેર, વીમો, મિલકતો, હોટલો, રેસ્ટોરાં, પરિવહન, ઉપભોક્તા ચીજવસ્તુઓ, સંદેશાવ્યવહાર, માહિતી-માધ્યમો, લશ્કરી કામગીરી, વાહન-મરામત, વસ્ત્રો-પોશાકો, વસ્ત્ર-ધોલાઈ વગેરે જેવાં સરકારી, અર્ધસરકારી, જાહેર કે ખાનગી સાહસોનો સમાવેશ થાય છે. મોટાં શહેરોમાં જથ્થાબંધ તેમજ છૂટક વેપાર ચાલે છે. મૅડ્રિડ, સેવિલે, બિલબાઓ અને સારાગોસા જેવાં શહેરો સેવાઉદ્યોગપ્રવૃત્તિનાં મુખ્ય મથકો છે.

ઉત્પાદનક્ષેત્ર : મોટરગાડીઓનું ઉત્પાદન કરતા દુનિયાના મુખ્ય દેશોમાં સ્પેનનો ક્રમ પણ આવે છે. અગત્યનાં અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોમાં સિમેન્ટ, રસાયણો, રાસાયણિક પેદાશો, લોહ-પોલાદ, યંત્રસામગ્રી, જહાજો, પ્રક્રમિત ખાદ્યપેદાશો, દારૂ, ખનિજતેલ, પેટ્રોરસાયણો તથા પ્લાસ્ટિક અને રબરનો માલસામાન, સુતરાઉ અને ઊની કાપડ, વીજળીનાં સાધનો તેમજ પગરખાંનો સમાવેશ થાય છે. મૅડ્રિડ, બાર્સેલોના, વેલેન્શિયા અને સારાગોસામાં આ પ્રકારના ઉદ્યોગો વિકસ્યા છે.

લોહ-પોલાદ તેમજ અન્ય મહત્વના ઉદ્યોગો સરકાર હસ્તક છે, બાકીનાં મોટા ભાગનાં કારખાનાં તેમજ એકમો ખાનગી ક્ષેત્ર હેઠળ ચાલે છે. અહીંની સસ્તી મજૂરી, વેરાઓના નીચા દર તેમજ અન્ય સંજોગ સુવિધા સરળતાથી ઉપલબ્ધ થતાં હોવાથી વિદેશી રોકાણકારોએ સ્પેનમાં ઉદ્યોગો વિકસાવ્યા છે.

મત્સ્યપેદાશ : યુરોપના મત્સ્યપ્રવૃત્તિ કરતા દેશોમાં સ્પેનની ગણના થાય છે. મોટા ભાગની માછલીઓ દેશના ઉત્તરકાંઠેથી મેળવાય છે. ઍન્કોવિઝ, કૉડફિશ, હેક, ઑક્ટોપસ, સાર્ડિન, સ્ક્વિડ, મુસેલ અહીંથી મેળવાતી માછલીઓની મુખ્ય જાતો છે.

ઊર્જાઉપલબ્ધિ : સ્પેનની જરૂરિયાતની 25 % ઊર્જા જળવિદ્યુતમાંથી અને બાકીની 75 % ઊર્જા કોલસા તેમજ અન્ય ઇંધનોમાંથી મેળવાય છે. આ ઉપરાંત સ્પેનમાં ઘણા ન્યૂક્લિયર ઊર્જા એકમો પણ કાર્યરત છે.

વિદેશી વેપાર : દેશની મોટા ભાગની આવક પ્રવાસનક્ષેત્રમાંથી મળી રહે છે. મોટરગાડીઓની મોટા પાયા પર નિકાસ થાય છે. નિકાસી ચીજવસ્તુઓમાં ફળો, લોહ-પોલાદ, યંત્રસામગ્રી, દારૂ, ઑલિવ અને ઑલિવ તેલ, કાપડ અને પગરખાં તેમજ આયાતી ચીજવસ્તુઓમાં ખનિજતેલ, જરૂરી યંત્રસામગ્રી, વૈજ્ઞાનિક સાધનો, કેટલાંક રસાયણો, ઔષધીય સામગ્રી, મકાઈ, સોયાબીન વગેરેનો સમાવેશ થાય છે. સ્પેનના મુખ્ય વેપારી દેશો ફ્રાંસ, જર્મની, ગ્રેટબ્રિટન, ઇટાલી, મેક્સિકો, નેધરલૅન્ડ્ઝ, સાઉદી અરેબિયા અને યુ.એસ. છે.

પરિવહનક્ષેત્ર–સંદેશાવ્યવહાર : સ્પેનમાં પાકા રસ્તાઓની ગૂંથણી સારી રીતે પથરાયેલી છે. દેશનાં લગભગ બધાં જ કુટુંબો પોતાનાં મોટરવાહનની સગવડ ધરાવે છે. માલસામાનની હેરફેર માટે ટ્રકોની સેવા મળી રહે છે. સરકાર હસ્તકનો સ્પૅનિશ નૅશનલ રેલમાર્ગ વિસ્તૃત સેવા આપે છે. ખાનગી મોટરવાહનો અને હવાઈ સેવા સરળ રીતે મળતી હોવાથી રેલમુસાફરોની સંખ્યા પ્રમાણમાં ઓછી રહે છે. આઇબેરિયન હવાઈ સેવા સરકાર હસ્તક છે. અહીંની આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા દેશના અંદરના ભાગો માટે તથા પશ્ચિમ યુરોપનાં ઘણાં શહેરો માટે અને ઉત્તરદક્ષિણ અમેરિકા માટે ઉપલબ્ધ છે. મુખ્ય હવાઈ મથકો મૅડ્રિડ, બાર્સેલોના, મૅલાગા અને પાલ્મા દ મેજોર્સા તથા કૅનેરી ટાપુઓના સાન્તાક્રુઝ દ તેનેરીફ ખાતે આવેલાં છે. બાર્સેલોના, બિલ્લાઓ તેમજ અલ્જિસિરસ સ્પેનનાં મોટાં બંદરો છે. સ્પેનના દરિયાકાંઠે તેમજ અન્ય દેશો વચ્ચે અવરજવર કરતાં જહાજો દેશની 33 % જેટલી માલસામાનની હેરફેર કરે છે.

તાર-ટપાલખાતું, ટેલિફોન અને રેડિયો-ટેલિવિઝન સેવા સરકાર હસ્તક છે. દેશનાં મોટા ભાગનાં કુટુંબો ટેલિફોન, ટેલિવિઝન અને રેડિયોની સુવિધાઓ ધરાવે છે. દેશમાંથી આશરે 100 જેટલાં દૈનિક સમાચારપત્રો તથા 5,500થી વધુ સામયિકો અને સાપ્તાહિકો બહાર પડે છે.

પ્રવાસનસ્થાપત્ય : સ્પેનના અર્થતંત્રમાં પ્રવાસનનો ફાળો ખૂબ જ મહત્વનો છે. પ્રવાસી મથકો ધરાવતા દુનિયાભરમાં આગળ પડતા ગણાતા દેશોમાં સ્પેનની ગણના થાય છે. દર વર્ષે લાખો–કરોડો પ્રવાસીઓ સ્પેનનો આહલાદક સૂર્યતાપ માણવા ભૂમધ્ય સમુદ્રના રેતપટો અને ટાપુઓની, ઍટલૅંટિક મહાસાગરના રમણીય ખડકાળ કંઠારની, કિલ્લાઓની તથા ઐતિહાસિક મહત્વ ધરાવતાં શહેરો અને દેવળોની મુલાકાતે આવતા રહે છે. દેશના 10 % લોકો આ ઉદ્યોગમાં રોકાયેલા છે. સ્પેન દર વર્ષે પ્રવાસન ક્ષેત્રમાંથી આશરે 7.5 અબજ ડૉલરની કમાણી કરે છે. આશરે 4 કરોડ પ્રવાસીઓની અહીં અવરજવર રહે છે. પ્રવાસન ઉદ્યોગને સતત સરકારી પ્રોત્સાહન મળે છે. સરકાર હોટલ-વ્યવસ્થાપકોને તેમજ ભોમિયાઓને જરૂરી તાલીમ આપે છે. પરદેશી પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા સરકાર જાગ્રત રહે છે. ફ્રાંસ, જર્મની, ગ્રેટબ્રિટન, બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને યુ.એસ.ના પ્રવાસીઓની અહીં વધુ અવરજવર રહે છે. સ્પેન તેના દુર્ગો માટે, ઐતિહાસિક કિલ્લાઓ વિશે લખાયેલા સાહિત્યના વિતરણ અને વેચાણ માટે, કલાસંગ્રહો ધરાવતાં સંગ્રહાલયો માટે તથા આખલાઓની લડાઈઓ માટે દુનિયાભરમાં ખૂબ જ મશહૂર છે.

ગ્રેનેડામાંનો ભવ્ય અલ્હેમ્બ્રા

સ્પેન પર જુદા જુદા કાળગાળે આધિપત્ય ધરાવી ચૂકેલા લોકોની અસર તેનાં સ્થાપત્યોમાં નજરે પડે છે. પ્રાચીન રોમનોએ બાંધેલાં બાંધકામો, પુલો અને નહેરો હજી આજે પણ ઉપયોગમાં લેવાય છે, તો વળી કેટલાંક ખંડિયેરો પણ દેશના જુદા જુદા ભાગોમાં જોવા મળે છે. મૂર લોકોએ નિર્માણ કરેલી કેટલીક મસ્જિદો દેશના દક્ષિણ ભાગોમાં છે, તે આજે રોમન કૅથલિક દેવળોમાં ફેરવવામાં આવેલી છે. આઠમી સદીમાં બાંધેલી એક મસ્જિદ કૉર્ડોબામાં વિશાળ કેથીડ્રલ રૂપે આજે જોવા મળે છે. આ સ્થાપત્યમાં બાંધેલી કમાનોના 1,000થી વધુ આધારસ્તંભો ગ્રૅનાઇટ, આરસ, જાસ્પર અને ઓનિક્સમાંથી બનાવેલા છે. ઍલ્કેઝાર નામથી જાણીતા થયેલા કિલ્લેબંધીવાળા રાજમહાલયો પણ મૂર લોકોએ જ બાંધેલા છે. ગ્રેનેડામાંનો ભવ્ય અલ્હેમ્બ્રા સ્વયં એક જગમશહૂર ઍલ્કેઝાર છે.

સ્પેનમાં આશરે 1,400 જેટલા દુર્ગો અને મહેલો આવેલા છે, તેમાં ઍલ્કેઝારનો પણ સમાવેશ થઈ જાય છે. મૅડ્રિડથી આશરે 48 કિમી. અંતરે વાયવ્યમાં એક એવું સંયુક્ત ઇમારતી સ્થળ છે જેમાં મહેલ, મઠ, દેવળ તેમજ કફનસ્થાનનો સમાવેશ થાય છે. દુનિયાની મોટી ગણાતી ઇમારતો પૈકીની આ ઇમારત 16મી સદીમાં રાજા ફિલિપ બીજાએ બંધાવેલી. આશરે 37,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારને આવરી લેતું આ સ્થાપત્ય રાખોડી ગ્રૅનાઇટથી બાંધેલું છે. તેમાં 300 ખંડ, 88 ફુવારા અને 86 જેટલી સીડીઓ છે. અલ એસ્કોરિયલમાં ઘણા સ્પૅનિશ રાજવીઓની કબરો આવેલી છે. ‘વેલી ઑવ્ ધ ફૉલન’ નામની મઠ અને કફનસ્થળની એવી જ એક બીજી જગા અલ એસ્કોરિયલથી 15 કિમી. અંતરે આવેલી છે. પહાડની અંદર તરફ આવેલા આ કફનસ્થળમાં સ્પેનના આંતરવિગ્રહ વખતે મૃત્યુ પામેલા અંદાજે 46,000 લોકોને દફનાવવામાં આવેલા છે. આપખુદ સત્તાધીશ ફ્રાન્સિસ્કો ફ્રેન્કોનો દેહ પણ અહીં જ દફનાવેલો છે. આ પર્વતને મથાળે એક પાષાણ ટુકડામાંથી કોતરીને તૈયાર કરાયેલો 150 મીટર ઊંચો વધસ્તંભ મૂકેલો છે.

મૅરિડામાં આવેલું રોમન થિયેટર

કદની દૃષ્ટિએ યુરોપ ખંડમાં ત્રીજા ક્રમે (પ્રથમ ક્રમે રોમનું સેન્ટ પીટર્સનું ચર્ચ અને બીજા ક્રમે ફ્રાંસના લૉર્દિસમાંનું બૅસિલિકા) આવતું ગોથિક શૈલીનું કેથીડ્રલ સેવિલેમાં આવેલું છે. તે 116 મીટર લાંબું, 76 મીટર પહોળું અને 120 મીટર ઊંચું છે.

વસ્તીલોકો : 2006 મુજબ સ્પેનની વસ્તી 4,45,61,000 જેટલી છે. 90 % વસ્તી શહેરોમાં અને 10 % વસ્તી ગામડાંઓમાં રહે છે. વસ્તીની સરેરાશ ગીચતા દર ચોકિમી. દીઠ લગભગ 88.3 વ્યક્તિની છે. 2005 મુજબ મૅડ્રિડ (59,64,143), બાર્સેલોના (47,95,000), સેવિલે (7,04,154), વેલેન્શિયા (7,96,549), ઝારાગોઝા (6,47,373) અને માલાગા (5,58,287) મોટાં શહેરો છે. દેશમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતાં લગભગ 50 જેટલાં શહેરો છે. દેશના મધ્યભાગમાં આવેલું મૅડ્રિડ પાટનગર છે.

જાતિ : સ્પેનની ભૂમિ પર આશરે એક લાખ વર્ષથી પણ અગાઉના સમયમાં લોકવસવાટ હોવાનું કહેવાય છે. આજથી આશરે 5,000 વર્ષ અગાઉની નોંધ મુજબ, આઇબેરિયન નામથી જાણીતા લોકો (જેમના પરથી આઇબેરિયન દ્વીપકલ્પ નામ આવ્યું) સ્પેનમાં વસવાટ કરવા આવ્યા હોવાનું જાણવા મળે છે. તે પછીનાં 4,000 વર્ષ દરમિયાન, સ્પેન પર વિજય મેળવનારાં, બહારથી આવીને વસનારાં જુદાં જુદાં જૂથ આવતાં ગયાં; તે પૈકી સર્વપ્રથમ આવનારા ફિનિશિયનો હતા, તે પછીથી આવેલી જાતિઓમાં સેલ્ટ, ગ્રીક, કાર્થેજિનિયન, રોમન, જર્મનિક અને મૂર લોકોનો સમાવેશ થાય છે. આ દરેક જૂથ એકબીજાંમાં ભળતાં ગયાં. આ રીતે આજના સ્પેનવાસીઓ કઈ વંશપરંપરામાંથી ઊતરી આવેલા છે તે સમજી શકાય છે. આજે સ્પેનના જાતિજૂથોમાં મૂળ સ્પેનવાસીઓ તરીકે 98 % કૅટેલન અને બાસ્ક લોકો છે, જ્યારે બાકીના 2 %માં અન્ય યુરોપિયનો, મોરોક્કોવાસીઓ અને લૅટિન અમેરિકનો છે.

ભાષા : સ્પેનની સત્તાવાર ભાષા (રાષ્ટ્રભાષા) કેસ્ટિલિયન સ્પૅનિશ છે. મોટા ભાગના દેશવાસીઓ આ ભાષા બોલે છે, આ ભાષામાંથી કોઈ વિશિષ્ટ લોકબોલીઓ તો વિકસી નથી, પરંતુ સ્થાનભેદે ઉચ્ચારોમાં ફરક પડે છે. દેશના ઉત્તર તરફના કૅટાલોનિયા, બાસ્ક અને ગૅલિસિયા પ્રદેશોમાં કેસ્ટિલિયન સ્પૅનિશ ઉપરાંત કૅટેલન, બાસ્ક (અથવા યુસ્કેરા કે યુસ્કારા) અને ગૅલિસિયન (પોર્ટુગીઝ બોલી) પણ સત્તાવાર ભાષા તરીકે ઉપયોગમાં લેવાય છે. એ રીતે જોતાં બધા જ સ્પેનવાસીઓ સ્પૅનિશ તો જાણે જ છે; દેશની આશરે 17 % વસ્તી કૅટેલિન, 8 % વસ્તી ગૅલિસિયન અને 2 % વસ્તી બાસ્ક બોલે છે.

ધર્મ : સ્પેનના 99 % લોકો રોમન કૅથલિક છે. 1.5 લાખ લોકો પ્રોટેસ્ટંટ અને કેટલાક હજાર યહૂદીઓ પણ વસે છે. 1851થી 1978 સુધી રોમન કૅથલિક સત્તાવાર રાજ્યધર્મ હતો, તે વખતે ધર્મ માટે વિશિષ્ટ નિયમબંધનો હતાં. 1978માં નવું બંધારણ અમલમાં આવતાં સત્તાવાર ધર્મબંધન રહ્યું નથી, દરેક વ્યક્તિને સ્વતંત્ર ધર્મપાલનની છૂટ અપાઈ છે.

શિક્ષણ : 1900 પછી સ્પેનમાં શિક્ષણમાં સુધારા અમલમાં આવ્યા છે.  વીસમી સદી દરમિયાન શિક્ષણનો વ્યાપ વધ્યો છે. આજે સ્પેનની કુલ વસ્તીના માત્ર 3 % લોકો જ લખી-વાંચી શકતા નથી. 6થી 13 વર્ષનાં બાળકો માટે નિયમ અનુસાર શિક્ષણ ફરજિયાત બનાવાયું છે. પ્રાથમિક શિક્ષણ 8 વર્ષ માટે અને માધ્યમિક શિક્ષણ 3 વર્ષના ગાળાનું છે. યુનિવર્સિટીનું ઉચ્ચ શિક્ષણ લેતાં અગાઉ એક વર્ષ વિશિષ્ટ શિક્ષણ લેવાનો નિયમ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરકાર હસ્તક છે. આ સિવાય જુદી જુદી કક્ષાની રોમન કૅથલિક શાળાઓ તેમજ ખાનગી બિનધાર્મિક શાળાઓ પણ ચાલે છે. સ્પેનની આશરે 30 જેટલી યુનિવર્સિટીઓમાં 7 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

મૅડ્રિડમાં આવેલું નવપ્રશિષ્ટ શૈલીનું ‘પેડ્રો સંગ્રહાલય’

સંગ્રહાલયો–પુસ્તકાલયો : સ્પેનમાં જાણીતું બનેલું મૅડ્રિડનું પ્રેડો સંગ્રહાલય દુનિયાભરમાં શ્રેષ્ઠ ગણાતા કલાસંગ્રહો પૈકીનું એક છે. તેમાં મહાન સ્પૅનિશ ચિત્રકારો ફ્રાન્સિસ્કો ગોયા, બાર્તોલોમ્યુ મુરિલ્યો, ડિયેગો વેલાસ્ક્વેથ તેમજ અન્ય વિદેશી કલાકારોની કૃતિઓ સંગ્રહાયેલી છે. મૅડ્રિડનાં અન્ય સંગ્રહાલયોમાં નૅશનલ આર્કિયૉલૉજિકલ મ્યુઝિયમ, ધ રૉયલ પેલેસ, આર્મી મ્યુઝિયમ, નેવી મ્યુઝિયમ અને મ્યુનિસિપલ મ્યુઝિયમનો સમાવેશ થાય છે.

સ્પેનનાં મુખ્ય શહેરોમાં પણ તેમની આજુબાજુના વિસ્તારોનો કલાસંગ્રહ જળવાયેલો છે. તે પૈકી સેવિલેનું પ્રોવિન્સિયલ આર્કિયૉલૉજિકલ મ્યુઝિયમ અને બાર્સેલોનાનું મ્યુઝિયમ ઑવ્ કૅટેલન આર્ટ જગમશહૂર છે. ટોલેડો શહેરમાં મહાન ચિત્રકાર અલ ગ્રેકોના નિવાસસ્થાનને મ્યુઝિયમમાં ફેરવવામાં આવેલું છે. તેમાં તેની ઘણી કલાકૃતિઓ જળવાયેલી છે.

મૅડ્રિડમાં આવેલી આશરે 30 લાખ ગ્રંથો ધરાવતી નૅશનલ લાઇબ્રેરી સ્પેનનું મોટામાં મોટું પુસ્તકાલય ગણાય છે; એ જ રીતે મૅડ્રિડમાં આવેલી મ્યુનિસિપલ પિરિયૉડિકલ લાઇબ્રેરી પણ દુનિયાભરનાં સામયિકોનો સંપૂર્ણ સંગ્રહ ધરાવતી લાઇબ્રેરી પૈકીની એક ગણાય છે. મૅડ્રિડ, વૅલાદોલિદ તથા સેવિલેમાં સ્પેનના ઇતિહાસના મહત્વના દસ્તાવેજોનો ઘણો મોટો સંગ્રહ જળવાયેલો છે.

નૅશનલ લાઇબ્રેરી, મૅડ્રિડ

સ્પેને સમૃદ્ધ કલાવારસાની પરંપરા પણ નિભાવી છે. સ્પેને દુનિયાભરમાં મશહૂર બનેલા ચિત્રકારો અને લેખકો પેદા કરેલા છે. 16મી અને 17મી સદી દરમિયાન સ્પેનની કલા તેની સમૃદ્ધિના શિખરે પહોંચેલી, તે પછીથી તેમાં ઓટ આવેલી ખરી, પરંતુ વીસમી સદીમાં તેનો ફરીથી ઉદય થયો છે.

ચિત્રકાર મુરિલ્યોનું એક ચિત્ર : ‘ઇમાક્યુલૅટ કન્સેપ્શન’

ચિત્રકલા : ચિત્રકલાના સમૃદ્ધિકાળે સ્પેનમાં થઈ ગયેલા ચિત્રકારો પૈકી અલ ગ્રેકો, મુરિલ્યો અને વેલાસ્ક્વેથનાં નામ મોખરે છે. 18મી સદીના અંતિમ ચરણમાં અને 19મી સદીની શરૂઆતમાં થઈ ગયેલા આધુનિક કલાનિષ્ણાત ‘ગોયા’નું નામ મૂકી શકાય. પાબ્લો પિકાસો તો ખૂબ જ જાણીતા કલાકાર ગણાય છે. તેમણે ચિત્રો, આલેખો, શિલ્પો અને સિરેમિક્સ જેવી કૃતિઓ આપી છે. અન્ય જાણીતા આધુનિક ચિત્રકારોમાં સાલ્વાડોર ડાલી, જુઆન ગ્રીસ, જુઆન મીરો અને ઍન્ટોનિયો તેપીઝનો સમાવેશ કરી શકાય.

પિકાસોની સ્મૃતિમાં હેમસ્ટેડ ખાતે રચાયેલું મેમોરિયલ

સાહિત્ય : વિદ્વાનોનાં મંતવ્યો મુજબ 12મી સદીમાં લખાયેલાં ‘ધ પોએમ ઑવ્ ધ સિડ’ અને ‘ધ પ્લે ઑવ્ ધી વાઇઝમૅન’ જેવાં સાહિત્યિક લખાણો હજી જળવાયેલાં છે; તેના લેખકોની માહિતી ઉપલબ્ધ થતી નથી. દેશમાં ખૂબ જ લોકપ્રિય બનેલું કેટલુંક સાહિત્ય સ્પેનના સુવર્ણયુગમાં લખાયું હોવાનું મનાય છે. ‘ડૉન કિહોટે’ જેવી મશહૂર નવલકથા તેમજ ‘લાઇફ ઇઝ એ ડ્રીમ’ જેવું નાટક ખરેખર અદભુત છે. વીસમી સદીમાં પણ આગળ પડતા નિબંધકારો, નાટ્યકારો, નવલકથાકારો અને કવિઓ થયા છે.

વીસમી સદીના મધ્યકાળ સુધી તો સ્પેન પશ્ચિમ યુરોપમાં અલ્પવિકસિત દેશ તરીકે ઓળખાતો હતો. વસ્તીનો મોટો ભાગ તે વખતે ગરીબ ખેડૂતોથી બનેલો હતો; પરંતુ 1950 અને 1960ના દાયકાઓમાં થયેલા ઝડપી આર્થિક વિકાસને કારણે તે એક ઔદ્યોગિક રાષ્ટ્ર તરીકે ઊભરી આવ્યો છે. પરિણામે આજે ઘણા સ્પેનવાસીઓ ખેતીનો વ્યવસાય છોડીને ઔદ્યોગિક ઉત્પાદનક્ષેત્રે તથા બાંધકામક્ષેત્રે કામ કરતા થયા છે. તેમનું જીવનધોરણ ઝડપી દરથી ઊંચું આવ્યું છે. લોકો જૂની પરંપરાઓ, રૂઢિઓ, રિવાજો છોડતા જાય છે અને નૂતન જીવનશૈલી અપનાવતા થયા છે. સ્પેનમાં કુદરતી સંપત્તિની અછત તથા ઊબડખાબડ ભૂમિભાગો હોવા છતાં સ્વાભિમાની અને પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતા સ્પેનવાસીઓ હવે ગૌરવભર્યું જીવન જીવતા થયા છે.

સંગીત : વીસમી સદીમાં થઈ ગયેલા સ્પેનના ખૂબ જ જાણીતા સંગીતકારોમાં વાયોલિનવાદક પાબ્લો કૅસેલ્સ, સ્વરનિયોજક મૅન્યુઅલ દ ફૅલા અને ગિટારવાદક આન્દ્રે સેગોવિયાનો સમાવેશ થાય છે. અહીં ઑપેરા તથા સિમ્ફનીના પણ થોડાક સ્વરનિયોજકો થઈ ગયા. 17મી સદી દરમિયાન, સ્પેનના સ્વરનિયોજકોએ ઝારઝુવેલા નામથી જાણીતું બનેલું ઑપેરાનું એક સ્વરૂપ રચેલું; તેમાં બોલાયેલા શબ્દોને સંગીતમાં ઢાળવામાં આવેલા છે.

ફ્લેમેન્કો નૃત્યનું એક દૃશ્ય

સ્પેનમાં વિસ્તારભેદે અલગ અલગ ઢાળનાં લોકગીતો તથા વિશિષ્ટ લોકનૃત્યો પણ જોવા મળે છે. સંગીતકારો કરતાલ, ગિટાર અને ઢોલકની જુગલબંધી ગોઠવે છે. બોલેરો, ફૅન્ડેન્ગો અને ફ્લેમેન્કો જેવાં સ્પેનનાં નૃત્યો પણ જગમશહૂર બનેલાં છે.

શહેરી જીવનશૈલી : 1950ના દાયકાથી સ્પેનનાં શહેરોની જીવનશૈલીનું મોટા પાયા પર આધુનિકીકરણ થયું છે. શહેરીજનો પોતાના સ્વતંત્ર ઍપાર્ટમેન્ટમાં રહેતા થયા છે. તેઓ પશ્ચિમી ઢબનો પોશાક પહેરે છે. દરેક શહેરી મકાનમાં વીજળીની સુવિધા છે. બધાં જ કુટુંબો પોતાનાં મોટરવાહન તેમજ ટેલિવિઝન ધરાવે છે. શહેરોમાં વાહનોની ભીડ અને પ્રદૂષણની સમસ્યાઓ ઊભી થઈ છે. શહેર-નિવાસીઓએ આધુનિકતાનાં વલણ અપનાવ્યાં હોવા છતાં વંશપરંપરાગત રીતરિવાજો પણ જાળવી રાખ્યા છે. કારખાનાં, દુકાનો અને કાર્યાલયો બપોરના ખાણાના સમયે બંધ રાખે છે; પરંતુ સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લાં રાખે છે. ઘણાખરા લોકો સાંજે ચાલવા જવાનું પસંદ કરે છે. રાત્રિખાણું તેઓ રાત્રે દસ-અગિયાર વાગ્યે લે છે. લોકો ચા-કૉફીગૃહોમાં તથા મદ્યપાનની અને જુગારની ક્લબોમાં મિત્રો સાથે જઈને સમય પસાર કરે છે.

ગ્રામીણ જીવનશૈલી : સ્પેનનું ગ્રામજીવન હજી શહેરો જેટલું બદલાયું નથી. જોકે 1950–60ના દાયકાઓમાં વીજળીની સગવડો ગામડાંઓ સુધી પહોંચી હોવાથી ખેડૂતોનાં જીવન સરળ બન્યાં છે; પરંતુ ઉદ્યોગો વિકસ્યા હોવાથી કૃષિઉત્પાદન પર તેની આર્થિક અસરો થઈ છે. ગ્રામીણ જીવનધોરણ શહેરોની અપેક્ષાએ નીચાં હોવાથી હવે ઘણા ગ્રામવાસીઓ શહેરો તરફ કે બીજા દેશોમાં સ્થળાંતર કરવા લાગ્યા છે.

મોટા ભાગના ખેડૂતો ગામડાંઓમાં કે નાનાં નગરોમાં રહે છે. લોકો સવારસાંજ બંને સમયે પોતાનાં નિવાસસ્થાનોથી કાચા રસ્તાઓ પર ચાલીને કે ગધેડાંથી હંકારાતાં ગાડાં મારફતે ખેતરોમાં અવરજવર કરે છે. બપોરનો વિસામો ટૂંકા ગાળાનો રાખે છે. ગામડાંઓનાં ફળિયાંઓમાં કે નગરના ચોકમાં લોકો ભેગા મળી બેસવાનું અને આનંદ માણવાનું પસંદ કરે છે. આવાસોની હાર વચ્ચે પહોળી ગલીઓ હોય છે. ઘરોની બારીઓને લોખંડની જાળીઓ રાખે છે. સ્ત્રી-પુરુષોનો પોશાક અલગ અલગ પણ સાદો હોય છે.

ખોરાકપીણાં : દરિયાકાંઠા નજીક વસતા લોકો ઓછો ખર્ચાળ સમુદ્રી ખોરાક લે છે. તેમની રોજબરોજની ખોરાક બનાવવાની રીત જુદી જુદી રાખે છે. શ્રીંપ, લૉબ્સ્ટર, ચિકન, હૅમ અને શાકભાજી જેવી વાનગીઓમાં કેસર ભભરાવી સુગંધિત બનાવીને આરોગે છે. આ બધી વાનગીઓ છૂટી છૂટી કે ભેગી કરીને ખાય છે. આવી મિશ્ર કરેલી વાનગીને તેઓ ‘પાયેલા’ (paella) કહે છે. અન્ય વાનગીઓમાં સ્ક્વિડ, કરચલાં, સાર્ડિન અને તળેલી ઈલ પણ લે છે. ‘ગૅઝપેકો’ (gazpacho) એ ગરમ મોસમમાં લેવાતી વિશિષ્ટ વાનગી છે; તે ટામેટાં, ઑલિવ તેલ અને મસાલાથી મઘમઘતી બનાવેલી સૂપ પ્રકારની છે. મહેમાનોને આવો સૂપ બ્રેડના, કાકડીના, કાંદાના અને ટામેટાંના ટુકડા સહિત પીરસે છે. માંસાહારમાં બીફ, ચિકન, ગાડરાં, ભૂંડ-સસલાંનું માંસ લે છે. ગોળાકાર કે અંડાકાર બ્રેડ એકલી કે ચીઝ-માખણ સાથે ખાવાનું પસંદ કરે છે.

દારૂ ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશનું મુખ્ય પીણું હોવાથી અહીંના બધા જ પ્રદેશોમાં લેવાય છે. નાસ્તા સિવાયનાં બીજાં બધાં ખાણાં સાથે દારૂ લેવાની પ્રથા ચાલી આવે છે. દારૂ, સોડા, ફળ કે ફળના રસમાંથી મિશ્ર કરેલું સાંગ્રિયા નામનું પેય પણ લેવાય છે. ચા-કૉફી, ચૉકલેટ તેમનાં અન્ય પીણાં છે.

સૉકર સ્પેનની લોકપ્રિય રમત ગણાય છે. સૉકર રમત માટેનાં સ્ટેડિયમ એક લાખની બેઠકોવાળાં પણ હોય છે. આખલાયુદ્ધ એ સ્પેનની વર્ષોજૂની જાણીતી દૃશ્યરમત બની રહેલી છે. મોટા ભાગનાં શહેરોમાં તે માટે અલાયદા અખાડા હોય છે. તેમાં ભાગ લેનારા મૅટાડોર રાષ્ટ્રીય વીર કહેવાય છે.

ઇતિહાસ : હાલના સ્પેનમાં એક લાખ વર્ષ અગાઉથી લોકોનો વસવાટ હતો. આઇબેરિયન તરીકે જાણીતા લોકો આશરે 5,000 વર્ષ અગાઉથી સ્પેનમાં રહેતા હતા. તેઓ ખેતી કરતા. તેમણે ગામો તથા નગરો વસાવ્યાં હતાં. ઈ. પૂ. 1000માં ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારે વસતા ફિનિશિયનોએ સ્પેનના પૂર્વ અને દક્ષિણ કિનારે વસાહતો સ્થાપી હતી. તે સમયે વસાવેલાં કાડીઝ અને માલગા જેવાં શહેરો હજી ટક્યાં છે. ઈ. પૂ. 900ના અને પછી ઈ. પૂ. 600ના અરસામાં ઉત્તરમાંથી કેલ્ટિક (celtic) લોકો સ્પેનમાં ગયા. તેઓ ઉત્તર સ્પેનમાં વસ્યા. ગ્રીસ અને ઉત્તર આફ્રિકાના લોકો તથા રોમનોએ સ્પેનમાં જઈને વસવાટ કર્યો. રોમન સામ્રાજ્યનો મહત્વનો પ્રાંત સ્પેન હતું. રોમનોએ ત્યાં લૅટિન ભાષા દાખલ કરી અને ધીરે ધીરે સ્પૅનિશ ભાષા વિકસી. રોમન શાસન દરમિયાન ત્યાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો. ઈ. સ. 476માં જર્મન જાતિના હુમલા થતાં સ્પેનમાંનું પશ્ચિમી રોમન સામ્રાજ્ય પડી ભાંગ્યું. ઈ. સ. 573માં જર્મન વીસીગોથ જાતિએ સ્પેન જીતીને ત્યાં સ્વતંત્ર રાજાશાહી સરકાર સ્થાપી. ઉત્તર આફ્રિકામાંથી મૂર જાતિના મુસ્લિમોએ ઈ. સ. 711થી 718 સુધીમાં મોટા ભાગનું સ્પેન જીતી લીધું. તેમના શાસન દરમિયાન સ્પેનના ઘણા લોકો મુસ્લિમ થયા. મધ્યયુગમાં મુસ્લિમોની સંસ્કૃતિ ગણિત, દવાઓ તથા વિદ્યાનાં ક્ષેત્રોમાં વિકસિત હતી. તેમણે સ્પેનમાં સુંદર મસ્જિદો બાંધી. સ્પેનની મૂર લોકોની સરકારે તેમનાં જૂથોની લડાઈને કારણે 11મી સદીમાં સત્તા ગુમાવી અને અનેક નાનાં રાજ્યો બન્યાં. ઉત્તર સ્પેનમાં વસતા વીસીગોથ અને બીજા ખ્રિસ્તીઓ તેમના સમૂહોમાં સ્વતંત્ર રહ્યા હતા. તેમણે સ્પેનના વાયવ્ય કિનારેથી ભૂમધ્ય સમુદ્ર સુધી કેટલાંક રાજ્યોની રચના કરી. 11મી સદી દરમિયાન આ રાજ્યોનો વિસ્તાર થયો અને મૂર લોકોને દક્ષિણ તરફ ધકેલ્યા. સ્પેનમાં 13મી સદીમાં એરેગોન, નેવારી તથા કેસ્ટાઇલનાં ખ્રિસ્તી રાજ્યો અને દક્ષિણમાં ગ્રેનેડાનું મુસ્લિમ રાજ્ય હતું.

રાણી ઇઝાબેલા

 એરેગોનનો પ્રિન્સ ફર્ડિનાન્ડ કેસ્ટાઈલની રાજકુંવરી ઇઝાબેલાને પરણ્યો. 1479માં એરેગોન અને કેસ્ટાઈલનાં રાજ્યો સંયુક્ત થવાથી, મોટા ભાગનું સ્પેન એક સત્તા હેઠળ આવ્યું. ઈ. સ. 1492માં સ્પેનના લશ્કરે ગ્રેનેડાનું મૂર મુસ્લિમોની સત્તા હેઠળનું રાજ્ય જીતી લીધું. આ જ વર્ષે ફર્ડિનાન્ડ અને ઇઝાબેલાએ મોકલેલ ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કરી. ઈ. સ. 1521માં હરનાન્ડો કોર્ટેઝે મેક્સિકોના પ્રબળ આઝટેક રાષ્ટ્ર પર વિજય મેળવ્યો. ફ્રાંસિસ્કો પિઝારોએ પેરુ જીત્યું (1531–33). ત્યાંથી વિપુલ પ્રમાણમાં સોનું અને ચાંદી સ્પેનમાં આવવાથી સ્પેન તે યુગનું સૌથી મહાન યુરોપિયન સત્તા બન્યું.

આ દરમિયાન 1516માં ફર્ડિનાન્ડનું અવસાન થતાં તેનો પૌત્ર ચાર્લ્સ 1લો રાજા બન્યો. તે 1519માં રોમન સમ્રાટ બન્યો. રોમન સામ્રાજ્ય પર ચાર્લ્સ 5મા અને સ્પેનમાં ચાર્લ્સ 1લા તરીકે તેણે રાજ્ય કર્યું. ચાર્લ્સનો પુત્ર ફિલિપ 2જો 1556માં રાજા બન્યો. 1580માં પોર્ટુગલ સ્પેન સાથે જોડવામાં આવ્યું. ફિલિપના શાસનકાળમાં લેખકો અને ચિત્રકારોએ સ્પેનની શ્રેષ્ઠ કૃતિઓનું નિર્માણ કર્યું. તેના સમયમાં સ્પેનના સામ્રાજ્યના અંતનો આરંભ થયો. એક પછી એક લડાઈમાં સ્પેનને અઢળક ખર્ચ થયું, લશ્કર નબળું પડ્યું તથા ખરાબ હવામાન અને વધુ પડતા ખર્ચથી અર્થતંત્રનું પતન થયું. ઈ. સ. 1588માં બ્રિટિશ નૌકાદળે આશરે અડધા સ્પૅનિશ આર્મેડાનો નાશ કર્યો. ફિલિપ પછીના નબળા રાજાઓ હેઠળ સ્પેનનું પતન ચાલુ રહ્યું. તેના પ્રદેશોમાં બળવા થયા. બીજા દેશો સાથે લડાઈઓ થઈ. પોર્ટુગલ સ્વતંત્ર થયું અને ફ્રાન્સે સ્પેનના ઈશાનમાંના પ્રાંતો કબજે કર્યા. 17મી સદીમાં ફ્રેન્ચ લશ્કરે સ્પેન પર હુમલા ચાલુ રાખ્યા. ચાર્લ્સ નિ:સંતાન હોવાથી, ઈ. સ. 1700માં તેના મૃત્યુ પછી ફ્રાંસના રાજા લુઈ 14માનો પૌત્ર ફિલિપ 5મા તરીકે સ્પેનનો રાજા બન્યો. તે ફ્રાન્સના બુર્બોન કુટુંબનો નબીરો હતો. તેનો યુરોપનાં રાષ્ટ્રો નેધરલૅન્ડ્ઝ, ઇંગ્લૅન્ડ વગેરેએ વિરોધ કર્યો અને વારસાવિગ્રહ થયો. ફિલિપ સ્પેનનો રાજા રહ્યો પણ સ્પેને યુરોપમાંના બીજા પ્રદેશો ગુમાવ્યા.

ફિલિપ 2જો

18મી સદીમાં સ્પેનના બુર્બોન રાજાઓએ કરવેરા ઘટાડ્યા અને વેરા વ્યવસ્થિત ઉઘરાવ્યા. તેમણે રસ્તા બંધાવ્યા અને બીજાં જાહેર કાર્યો કર્યાં, તેથી અર્થતંત્રમાં સુધારો થયો. આ દરમિયાન સ્પેન અને ફ્રાંસ વચ્ચે સંબંધો ઘનિષ્ઠ થયા, કારણ કે બંને દેશોના શાસકો બુર્બોન કુળના હતા.

અમેરિકન ક્રાંતિ (1775–1783) દરમિયાન સ્પેને બ્રિટન સામે યુદ્ધ જાહેર કર્યું. પૅરિસની સંધિથી આ યુદ્ધનો અંત આવ્યો અને સ્પેનને ફ્લોરિડા પાછું મળ્યું; અને મિનોસ્કા તેના કબજામાં રહ્યું. બ્રિટન સામેના યુદ્ધ પછી સ્પેન નબળું પડ્યું. ઈ. સ. 1799માં ફ્રાંસમાં સત્તા કબજે કર્યા પછી નેપોલિયન બોનાપાર્ટે 1808માં સ્પેન પર ચડાઈ કરી, સરકાર કબજે કરી, ફર્ડિનાન્ડ 7માને રાજગાદી છોડવાની ફરજ પાડીને પોતાના ભાઈ જોસેફ બોનાપાર્ટને સ્પેનનો રાજા બનાવ્યો. સ્પેનના લોકોએ ફ્રાંસના કબજાનો વિરોધ કરી ગેરીલા પદ્ધતિથી લડાઈ ચાલુ કરી. તેમાંથી દ્વીપકલ્પીય યુદ્ધ શરૂ થયું. 1814માં ફ્રાંસની સત્તા દૂર કરવામાં આવી. આ દરમિયાન સ્પેનની અમેરિકન વસાહતોમાં બળવા થયા અને સ્વતંત્રતા જાહેર કરી. 1825 સુધીમાં સ્પેને ક્યુબા, પોર્ટો રીકો, ફિલિપાઇન્સ અને આફ્રિકામાં કેટલાંક સંસ્થાનો સિવાય દરિયાપારનાં બધાં સંસ્થાનો ગુમાવ્યાં.

ઈ. સ. 1833માં ફર્ડિનાન્ડની પુત્રી ઇઝાબેલા 2જી તરીકે ગાદીએ બેઠી. 1868માં લશ્કરના અફસરોના બળવાને લીધે ઇઝાબેલાએ તેના કુટુંબ સાથે દેશની બહાર નાસી જવું પડ્યું. 1873માં પ્રજાસત્તાક સરકાર સ્થાપવામાં આવી. 1874માં લશ્કરે તે સરકારને દૂર કરી. 1875માં ઇઝાબેલાના પુત્ર આલ્ફોન્ઝો 12મા તરીકે ગાદીએ બેસાડ્યો. 1885માં તેનું અવસાન થવાથી તેના બાળપુત્ર આલ્ફોન્ઝો 13મા વતી તેની માતા મારિયા ક્રિસ્ટિનાએ 1902 સુધી રાજ્ય કર્યું. યુનાઇટેડ સ્ટેટ્સના ટેકાથી ક્યુબા અને ફિલિપાઇન્સમાં બળવો થયો. 1898માં સ્પૅનિશ–અમેરિકન યુદ્ધમાં સ્પેનનો પરાજય થયા બાદ ક્યુબા સ્વતંત્ર થયું તથા ફિલિપાઇન્સ, પોર્ટોરીકો અને ગુઆમ યુનાઇટેડ સ્ટેટ્સને સોંપી દીધાં.

લશ્કરની પરેડ જોતા ફ્રાંસિસ્કો ફ્રાંકો

પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)માં સ્પેન તટસ્થ રહ્યું અને લડતાં રાષ્ટ્રોને ઔદ્યોગિક માલ વેચીને ખૂબ નફો કર્યો. ઈ. સ. 1912માં સ્પેને મોરોક્કોના પ્રદેશો કબજે કર્યા; પરંતુ ત્યાંના લોકોએ સ્પેનની સત્તાનો વિરોધ કર્યો. તેમણે 1921માં બળવો કર્યો અને સ્પેનના 10,000 સૈનિકોને મારી નાખ્યા. તેનાથી સ્પેનમાં હડતાળો, હિંસા અને અરાજકતા ફેલાયાં. 1923માં જનરલ પ્રાઇમો ડી રીવેરાએ લશ્કરી બળવો કર્યો અને સરમુખત્યારની સત્તા સહિત વડો પ્રધાન બન્યો. તેણે મોરોક્કો અને સ્પેનમાં વ્યવસ્થા સ્થાપ્યાં. 1930માં લશ્કર તેની વિરુદ્ધમાં જતાં તેણે રાજીનામું આપવું પડ્યું. એપ્રિલ 1931માં શહેરોની ચૂંટણીઓ થઈ. રાજા આલ્ફોન્ઝો દેશ છોડીને જતો રહ્યો. નેતાઓએ સત્તા હાથમાં લઈને સંસદ(cortes)ની ચૂંટણી કરી. ડિસેમ્બર, 1931માં બંધારણ ઘડવામાં આવ્યું. નિસેટો અલ્કેલા ઝામોરા પ્રજાસત્તાકનો પ્રથમ પ્રમુખ બન્યો. નવી સરકાર સામે 1934માં સમાજવાદીઓ અને રાષ્ટ્રવાદીઓએ બળવો કર્યો, જે આખા દેશમાં ફેલાયો. લશ્કરે બળવો કચડી નાખ્યો, તેમાં એક હજાર લોકોને મારી નાખ્યા. જુલાઈ 1936માં મોરોક્કોમાંના સ્પેનના લશ્કરે સરકાર સામે બળવો કર્યો. સ્પેનમાં લશ્કરના બીજા એકમો તેમાં જોડાયા અને દેશનો 2 પ્રદેશ કબજે કર્યો. ઑક્ટોબરમાં બળવાખોરોએ જનરલ ફ્રાંસિસ્કો ફ્રાન્કોને પોતાનો સરસેનાપતિ નીમ્યો. ફ્રાંકોનાં સૈન્યો રાષ્ટ્રવાદીઓ કે બળવાખોરો કહેવાયાં. લગભગ ત્રણ વર્ષ આંતરવિગ્રહ ચાલ્યો. તેમાં સ્પેનના હજારો લોકો માર્યા ગયા અને દેશમાં ઘણો વિનાશ થયો. માર્ચ, 1939માં રાષ્ટ્રવાદીઓ મૅડ્રિડમાં પ્રવેશ્યા અને ફ્રાંકોની સરમુખત્યારશાહી સ્થપાઈ. દ્વિતીય વિશ્વયુદ્ધમાં (1939–1945) સ્પેન તટસ્થ રહ્યું, પરંતુ 1942 પછી મિત્રરાજ્યોની સ્થિતિ સુધરતાં ફ્રાંકોએ બ્રિટન અને અમેરિકા સાથેના સંબંધો સુધાર્યા. ફ્રાંકો સામ્યવાદીઓનો સખ્ત વિરોધી હતો. પશ્ચિમ યુરોપના રક્ષણને મજબૂત કરવા અમેરિકાએ 1953માં સ્પેન સાથે લશ્કરી તથા આર્થિક કરાર કરી સ્પેનમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. અમેરિકાએ સ્પેનને એક અબજ ડૉલરની સહાય કરી. પચાસી અને સાઠી દરમિયાન સ્પેને નોંધપાત્ર ઔદ્યોગિક તથા આર્થિક વિકાસ કર્યો અને લોકોના જીવનધોરણમાં સુધારો થયો. નવેમ્બર, 1975માં ફ્રાંકો અવસાન પામ્યો ત્યાં સુધી તે સત્તા પર રહ્યો. તેણે અગાઉ કરેલી જાહેરાત મુજબ રાજા આલ્ફોન્ઝો 13માનો પૌત્ર જુઆન કાર્લોસ રાજા બન્યો. 1976માં તેણે એડોલ્ફ સુઆરેઝ ગોન્ઝાલેઝને વડો પ્રધાન નીમ્યો. તેઓ લોકશાહી લાવવા ઉત્સુક હતા. રાજકીય પક્ષો પરના પ્રતિબંધો દૂર કરી 1977માં યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન સુઆરેઝનો પક્ષ બહુમતી મેળવી સત્તા પર આવ્યો. 1978માં લોકશાહી બંધારણનો અમલ શરૂ થયો. સ્થાનિક સંસ્થાઓના અધિકારો વધારવામાં આવ્યા. દરેક પ્રદેશ કે પ્રાંતમાં અલગ ધારાસભા આપવામાં આવી. 1982માં સ્પેન નૉર્થ ઍટલૅંટિક ટ્રીટી ઑર્ગેનિઝેશન(NATO)માં જોડાયું. 1986માં સ્પેન–પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રોની સંસ્થા યુરોપિયન કૉમ્યૂનિટીમાં જોડાયું. સમાજવાદીઓના 14 વર્ષના શાસન પછી 1996માં સ્પેનમાં પૉપ્યુલર પાર્ટીની સરકાર આવી. જોસ મારિયા અઝનાર વડાપ્રધાન બન્યાં. 1998માં સ્પેનના આર્થિક વિકાસમાં ખૂબ વધારો થયો, જેથી તે યુરોપના એક સામાન્ય ચલણ યુરોમાં જોડાઈ શકે. આ દરમિયાન ઉત્તર સ્પેનમાં આવેલ બાસ્ક પ્રદેશની સ્વતંત્રતાની લડત અને તે માટે આતંકવાદી પ્રવૃત્તિ ઈ. સ. 2002 સુધી ચાલુ રહી. તે ચળવળ સાઠીમાં શરૂ થઈ ત્યારથી 800 કરતાં વધારે માણસો માર્યા ગયા હતા. ઈ. સ. 2003માં યુનાઇટેડ સ્ટેટ્સે ઇરાક સાથે કરેલ યુદ્ધને સ્પેને લોકોનો વિરોધ હોવા છતાં ટેકો આપ્યો હતો. તેણે યુદ્ધ માટે પોતાનું લશ્કર મોકલ્યું નહિ, પરંતુ યુદ્ધ પછી શાંતિ સ્થાપવા તેણે 1,300 સૈનિકોનું બનેલું લશ્કર મોકલ્યું હતું.

ગિરીશભાઈ પંડ્યા

મોહન વ. મેઘાણી

જયકુમાર ર. શુક્લ