સ્પૅનિશ આંતરવિગ્રહ : 1936થી 1939 સુધી સ્પેનમાં ચાલેલો વિગ્રહ. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)માં સ્પેન કોઈ પણ પક્ષે જોડાયું ન હતું. તે સમયે સ્પેનમાં સંસદીય સરકાર અમલમાં હતી. યુદ્ધ સમયે ત્યાં આલ્ફોન્ઝો 13માનું શાસન હતું. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ સ્પેનની આંતરિક અર્થવ્યવસ્થા તૂટવા લાગી હતી. આર્થિક મંદી, હડતાળો તેમજ સામ્યવાદની અસરો માલૂમ પડવા લાગી. રાજાના વર્ચસ્ હેઠળની બંધારણીય સરકાર તે સમયના સ્પેનના બધા પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ નીવડી. પરસ્પરવિરોધી સત્તાજૂથો પ્રણાલિકાગત રીતે વર્ષોથી સ્પેનમાં કાર્ય કરી રહ્યાં હતાં. એક તરફ સમાજવાદી ક્રાન્તિકારી આંદોલન જોર પકડી રહ્યું હતું, તો બીજી તરફ સ્પેનના એક ભાગ કેટેલોનિયામાં અલગતાવાદીઓનું આંદોલન શરૂ થયું હતું. એ જ સમયે સૈનિકોનું બનેલ જૂથ પણ પોતાનું માથું ઊંચકવા લાગ્યું હતું. આ બધાં શક્તિશાળી પરિબળોના સંઘર્ષના પરિણામે સ્પેનમાં અવ્યવસ્થા અને અરાજકતા ફેલાઈ ચૂક્યાં હતાં. તે જ સમયગાળામાં સ્પેનના એક સંસ્થાન મોરોક્કોની પ્રજાએ બળવો કર્યો. આ બળવો દાબી દેવા માટે સ્પેનમાંથી સૈન્ય મોકલવામાં આવ્યું; પરંતુ બળવાખોરોએ એ સૈન્યનો નાશ કર્યો. આ નિષ્ફળતાને પરિણામે રાજા આલ્ફોન્ઝોની નીતિની આકરી ટીકા થવા લાગી. આ કટોકટીના અવસર પર સૈન્યના એક સેનાપતિ પ્રાઇમો-ડી-રિવેરાએ મુસોલિનીનાં પગલે ચાલીને એક જાહેરનામું બહાર પાડ્યું, જેમાં તેણે પ્રધાનમંડળની બરતરફીની માંગ કરી. પરિસ્થિતિને યોગ્ય રીતે વિચારીને રાજા આલ્ફોન્ઝોએ પ્રાઇમો-ડી-રિવેરાને પ્રધાનમંડળ રચવા આમંત્રણ આપ્યું. તેને સૈન્યતંત્રના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યો. સ્પેનમાં સાત વર્ષ સુધી રિવેરાનું લશ્કરી શાસન ચાલ્યું. આ સમગ્ર સમય દરમિયાન તેના શાસનમાં પાર્લમેન્ટને કોઈ સ્થાન ન હતું. જોકે રિવેરાનું આ સરમુખત્યારી શાસન લાંબું ચાલ્યું નહિ, ધીમે ધીમે તે પ્રજામાં અપ્રિય થઈ પડ્યો. છેવટે રાજાએ તેની પાસેથી સત્તા આંચકી લીધી. થોડા સમયમાં સ્પેનમાં સામાન્ય ચૂંટણીઓ થઈ. આ ચૂંટણી મુખ્યત્વે લોકશાહી તથા રાજાશાહીના મુદ્દા પર લડાઈ હતી. જેમાં લોકશાહી તરફી બળોને વિશાળ બહુમતી મળી તેથી રાજા સ્પેન છોડી ચાલ્યો ગયો. આ તરફ સ્પેનને ‘પ્રજાસત્તાક લોકશાહી રાજ્ય’ જાહેર કરવામાં આવ્યું અને ઝામોરા આ પ્રજાસત્તાકનો પ્રમુખ બન્યો.

સત્તા-પરિવર્તન થવા છતાં પણ પ્રજાસત્તાક સ્પેનને શરૂઆતથી જ અનેક આંતરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પ્રજાસત્તાકવાદી સરકારે રાજ્ય તરફથી કૅથલિક ચર્ચને અપાતી મદદ બંધ કરી. શાળાઓની શિક્ષણવ્યવસ્થા દેવળના હાથમાંથી આંચકી લેવામાં આવી. કેટલાક ક્રાન્તિકારી જમીનસુધારાવાદી કાયદાઓ ઘડાયા. આટલું અપૂરતું હોય તેમ લશ્કરમાંથી દશ હજાર સૈનિકોને પેન્શન આપી નિવૃત્ત કરી દેવામાં આવ્યા. નવી પ્રજાસત્તાક સરકારના ઉપર જણાવેલા ક્રાન્તિકારી સુધારાઓથી નિવૃત્ત થયેલા સૈનિકો, ધર્મગુરુઓ, જમીનદારો, રાજાશાહી તરફી વર્ગ વગેરેમાં અસંતોષ ફાટી નીકળ્યો. આ તમામ વર્ગોમાં વ્યાપેલ રોષ તથા તેમની સમાજ પરની પકડને પરિણામે બે વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીઓમાં સરકારનો પરાજય થયો. ઈ. સ. 1933 પછીનો સમગ્ર રાજકીય ઇતિહાસ હડતાળો, સત્તા પ્રાપ્ત કરવા માટેના વિવિધ પ્રકારના પ્રપંચો, રાજકીય નેતાઓની સ્વાર્થવૃત્તિ, વિદ્રોહી કાર્યવાહીઓ, રાજકીય હિંસાખોરી, અવ્યવસ્થા, અરાજકતા વગેરેથી ભરપૂર છે.

ઈ. સ. 1936ની સામાન્ય ચૂંટણીઓમાં પ્રજાસત્તાક સ્પેનના સમર્થક જુદા જુદા રાજકીય પક્ષોએ સંયુક્ત મોરચો બનાવ્યો અને ચૂંટણીમાં બહુમતી મળતાં તેઓ સત્તા પર આવ્યા. બીજી તરફ અસંતુષ્ટ સૈનિકો–અધિકારીઓએ ઇટાલી, જર્મની વિદેશી સત્તાઓ પાસે પ્રજાસત્તાકની વિરુદ્ધમાં લશ્કરી તૈયારીઓ કરવા માટે સહાય માંગી. સત્તા પરની સરકારે સૈન્યના જુદા જુદા અધિકારીઓને સ્પેનના દૂર દૂરના પ્રદેશોમાં તેમજ સંસ્થાનોમાં મોકલી દીધા, જેથી કરીને તેઓ ભેગા મળી વિદ્રોહનું આયોજન કરી શકે નહિ. મૉરોક્કોમાં રહેલ સ્પૅનિશ સૈન્યના મુખ્ય સેનાપતિ જનરલ ફ્રાન્કોને દૂરના કૅનેરી ટાપુ પર મોકલી દેવામાં આવ્યો. 1936ની 17 જુલાઈએ મૉરોક્કોની મેલ્લીલા કિલ્લાની એક સેનાએ વિદ્રોહ કર્યો. તે જ દિવસે જનરલ ફ્રાન્કો કૅનેરી ટાપુઓ પરથી મૉરોક્કો આવી પહોંચ્યો. તેણે તુરત જ આ વિદ્રોહનું નેતૃત્વ લીધું. સૈન્યના મોટા ભાગે ફ્રાન્કોના આ કાર્યમાં સાથ-સહકાર આપ્યો. આથી વિશાળ સૈન્ય લઈ ફ્રાન્કો સ્પેનની ધરતી પર ત્યાંની પ્રસ્થાપિત સરકારને ઉથલાવી પાડવા ઊતરી પડ્યો અને આ રીતે સ્પેનમાં ભયાનક આંતરવિગ્રહ ફાટી નીકળ્યો, જે ઇતિહાસમાં સ્પૅનિશ આંતરવિગ્રહ તરીકે સુખ્યાત છે.

ઉપર જણાવ્યું તેમ ફ્રાન્કોને મોટા ભાગના સૈન્યનો ટેકો તો હતો જ, ઉપરાંત ઇટાલી, જર્મની જેવાં યુદ્ધપ્રિય રાજ્યોએ પણ તેને ટેકો આપ્યો. મુસોલિનીના એક લાખ સ્વયંસેવકો તથા જર્મનીના 36 હજાર સૈનિકો ફ્રાન્કોની મદદે આવ્યા. સ્પૅનિશ ચર્ચના રક્ષણના નામે ધર્મગુરુઓએ પણ તેમાં સાથ આપ્યો. ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, અમેરિકા જેવાં રાષ્ટ્રો તટસ્થતાને બહાને આડકતરી રીતે મદદરૂપ બન્યા. ખરેખર તો સ્પેનનો આંતરવિગ્રહ એક તરફ લોકશાહી પ્રજાસત્તાક તેમજ બીજી તરફ ફાસીવાદ વચ્ચેના સંઘર્ષના પ્રતીક સમો હતો. ફાસીવાદીઓએ સ્પૅનિશ આંતરવિગ્રહને સામ્યવાદ વિરુદ્ધના એક મહાન ધર્મયુદ્ધ તરીકે જાહેર કર્યું. છેવટે ઈ. સ. 1939ની 28મી માર્ચે ફ્રાન્કોની સેના સ્પેનના પાટનગર મૅડ્રિડમાં પ્રવેશી ત્યારે 32 મહિનાથી ચાલતા ઘોર આંતરવિગ્રહનો અંત આવ્યો. ફ્રાન્કો સ્પેનનો સર્વસત્તાધીશ બન્યો. તેણે ફાસીવાદી સરમુખત્યારશાહીની સ્થાપના કરી અને ઇંગ્લૅન્ડ, અમેરિકાએ ફ્રાન્કોની સરકારને કાનૂની માન્યતા પણ આપી દીધી. ફ્રાન્કોનું આ શાસન લગાતાર 36 (1939થી 1975) વર્ષો સુધી ચાલુ રહ્યું. ફ્રાન્કોના અવસાનથી તેના શાસનનો અંત આવ્યો. આ આંતરવિગ્રહથી દીર્ઘકાલીન સરમુખત્યારશાહીની સ્પેનમાં સ્થાપના થઈ હતી.

ધર્મેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા