સ્તનશોથ (mastitis) : સ્તનમાં ચેપ લાગવાથી તેમાં પીડાકારક સોજા(શોથ, inflammation)નો વિકાર થવો તે. તેને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે : દુગ્ધધારણ (lactation) સંબંધિત અને અન્ય.

દુગ્ધધારણ સંબંધિત સ્તનની પૂયગડ (ગૂમડું, abscess) : તે સ્તન્યપાન (breast feeding) વખતે સ્ટેફાયલોકોકસ ઑરિયસ નામના જીવાણુથી થાય છે. સામાન્ય રીતે તે સ્તનના પરિઘ પર થાય છે. અનુભવરહિત માતા જ્યારે પ્રથમ વખત સ્તન્યપાન કરાવે ત્યારે ચુચૂક(ડીંટડી)માં કાપા પડવાથી ચેપ લાગે છે. સ્તન્યપાન બંધ કરાવતી વખતે સ્તનમાં દૂધ ભરાઈ રહેતું હોવાથી પણ તે થાય છે. પ્રસવ પછીના પ્રથમ સપ્તાહમાં કે 6 મહિને જ્યારે શિશુને દાંત ફૂટે છે ત્યારે ડીંટડીને ઈજા થવાથી આ પ્રકારનો ચેપ લાગે છે. સ્તનમાં પીડા થાય છે અને તેમાં સોજો આવે છે. ઉપરની ચામડી લાલ થઈ જાય છે. જો તીવ્ર વિકાર હોય તો ક્યારેક તેમાં કોશનાશ (necrosis) પણ થઈ આવે છે. જો તેની સમયસરની સારવાર ન કરાય તો તે સપાટી પર ફૂટે છે. પરુવાળું ગૂમડું થાય તે પહેલાંનો ચેપ હોય તો ફક્ત ઍન્ટિબાયૉટિક (પેનિસિલીન કે સિફેલોસ્પૉરિન જૂથ) વડે 90 % કિસ્સામાં સફળતા મળે છે. પરુ થાય તે પછી તેને શસ્ત્રક્રિયા કરીને તે કાઢી નાંખવું પડે છે અને ત્યાર બાદ ઍન્ટિબાયૉટિક અપાય છે. રૂઝ આવે ત્યાં સુધી શિશુને ફક્ત બીજા સ્તન વડે સ્તન્યપાન કરાવાય છે. ચેપ લાગતો રોકવા માટે ચુચૂક(ડીંટડી)ની સફાઈ અગત્યની ગણાય છે. ફક્ત ચુચૂક પર ચેપ લાગેલો હોય તો નિયોમાયસિનનો મલમ (ointment) લગાડાય છે.

અસ્તન્યપાની સપૂયસ્તનગડ (nonlactational breast abscess) : સ્તન્યપાન ન કરાવતી સ્ત્રીના સ્તનમાં ઘણી વખત વારંવાર થતું ગૂમડું ડીંટડીની આસપાસની પરિચુચૂક (areola) પેશીમાં થાય છે. તેમાં ઘણી વખત બૅક્ટેરોઇડ્ઝ, અજારક (anaerobic) સ્ટ્રેપ્ટૉકોકાઈ અને ઍન્ટેરોકોકાઇ નામના જીવાણુઓના મિશ્રસમૂહો કારણરૂપ હોય છે. તે 30થી 60 વર્ષની સ્ત્રીમાં નલિકાવિસ્ફારણ (duct ectasia) કે પરિનલિકાકીય સ્તનશોથ(periductal mastitis)ના વિકારલક્ષણ રૂપે જોવા મળે છે. દૂધની નલિકાઓ પહોળી થયેલી હોય તો તેને નલિકાવિસ્ફારણ કહે છે. જ્યારે નલિકાઓની આસપાસ ચેપજન્ય પીડાકારક સોજો (શોથ) થાય ત્યારે તેને પરિનલિકાકીય સ્તનશોથ કહે છે. આવો વિકાર પરિચુચૂક વિસ્તારમાં થોડીક સ્પર્શવેદના રૂપે શરૂ થાય છે. ઘણી વખત તે આપોઆપ શમે છે; પરંતુ તે વધે તો સ્પષ્ટ ગૂમડું કરે છે. ક્યારેક તે ફાટે અને પછી શમે તો ત્યાં ક્ષતાંકપેશી (રૂઝપેશી, scar tissue) થાય છે, જેને કારણે સ્તનની કુરૂપતા થઈ આવે છે. સારવારમાં પરુને શસ્ત્રક્રિયા દ્વારા કાઢીને જીવાણુઓની ઔષધવશ્યતા પ્રમાણે ઍન્ટિબાયૉટિક અપાય છે.

સ્તનસંયોગનળી (mammary fistula) : સ્તનનું ગૂમડું ફૂટે ત્યારે તે વિવરનળી (sinus) નામના કૃત્રિમ માર્ગ દ્વારા ચામડી પર પરુ કાઢે છે. જો આવી સ્થિતિ લાંબા સમયની થઈ જાય અને તે નળી રુઝાવાને બદલે વારંવાર અંદરના ગૂમડામાંથી પરુ બહાર કાઢતી રહે તો તેને સ્તનસંયોગનળી કહે છે. તેની સારવારમાં શસ્ત્રક્રિયા કરીને ગૂમડું તથા સ્તનસંયોગનળીના માર્ગને દૂર કરવો પડે છે. આ શસ્ત્રક્રિયાને સંયોગનળી-ઉચ્છેદન (fistulectomy) કહે છે.

સ્તનના અન્ય પ્રકારના ચેપ : સ્તનની શસ્ત્રક્રિયા પછી, નવજાત શિશુમાં કે ઉપદંશ (syphilis), ક્ષયરોગ વગેરે વિવિધ સ્થિતિઓ અને ચેપમાં પણ સ્તનમાં ગૂમડું થાય છે કે ચેપ લાગે છે. તે સમયે જે તે મૂળ વિકારની સારવાર ઍન્ટિબાયૉટિક અને/અથવા શસ્ત્રક્રિયા વડે કરાય છે.

શિલીન નં. શુક્લ