સ્તન અને સ્તન્યપાન (breast and breast feeding)

January, 2009

સ્તન અને સ્તન્યપાન (breast and breast feeding) : સ્ત્રીઓમાં સ્તન (breast) દૂધ બનાવતી અને સ્રવતી ગ્રંથિઓવાળો અવયવ છે તથા તેના દૂધને શિશુને ધાવણ કરાવવાને સ્તન્યપાન કહે છે. સ્તનને સ્તનગ્રંથિ (mammary gland) પણ કહે છે. પુરુષોમાં તે અવયવ ખાસ વિકસિત હોતો નથી. તે સ્ત્રીની છાતી પર ઉપરના ભાગે મધ્યરેખાની બંને બાજુએ અર્ધગોળ આકારે ઊપસી આવેલા ચરબી અને ગ્રંથિઓના બનેલા મૃદુ અવયવો છે. તેઓ છાતી પર આવેલા અને ખભાને હલાવતા વક્ષાગ્ર-મહત્તર સ્નાયુ (pectoralis major muscle) નામના સ્નાયુની આગળ આવેલા છે અને તેની સાથે તે  સંયોજીપેશી(connective tissue)ના એક પડથી જોડાયેલા હોય છે.

આકૃતિ 1 : (1) પાંસળી અને સ્નાયુઓનું બનેલું છાતીનું પાંજરું, (2) પેક્ટોરોલિસ સ્નાયુ, (3) દૂધની ગ્રંથિઓ, (4) ડિંટડી (ચૂચુક, nipple), (5) પરિચુચુક વિસ્તાર (areola), (6) નલિકાઓ, (7) ચરબી, (8) ચામડી નીચેની અવત્વકીય પેશી (subcutaneous tissue), (9) સ્તન.

તેની બહારની સપાટી પર વચ્ચે ઊપસી આવેલી ગાઢા રંગની ડીંટડી અથવા ચુચૂક (nipple) હોય છે અને તેની આસપાસ ગોળ ગાઢા રંગનો પરિચુચૂક વિસ્તાર (areola) આવેલો હોય છે. અંદરથી સ્તન 15થી 20 ખંડો(lobes)માં વહેંચાયેલું હોય છે. તે ખંડોની વચ્ચે તથા તેમની આસપાસ ચરબીવાળી મેદપેશી (adepose tissue) આવેલી છે, જે સ્તનોનાં ઘાટ તથા કદ નિશ્ચિત કરે છે. સ્તનના કદને તેની દૂધ ઉત્પાદનક્ષમતા સાથે કોઈ સંબંધ નથી. દરેક સ્તનખંડમાં થોડાક ઉપખંડો (lobules) આવેલા હોય છે, જેમાં સંયોજીપેશી તથા દૂધ સ્રવતા કોષોના સમૂહો આવેલા હોય છે. આ દૂધ સ્રવતા કોષસમૂહો વચ્ચે એક પોલાણ બનાવે તેમ ગોળ ફરતા ગોઠવાયેલા હોય છે. તેથી તેમને પુટિલ (alveolus) કહે છે. એક ઉપખંડમાં ઘણી પુટિલો (alveoli) હોય છે. પુટિલોનો સમૂહ દ્રાક્ષનાં ઝૂમખાં જેવા આકારે ગોઠવાયેલો હોય છે. દુગ્ધસ્રાવી (milk secreting) કોષોમાંનું દૂધ પુટિલમાંના પોલાણમાં સ્રવે છે, જ્યાંથી તે લઘુનલિકા (tubules) દ્વારા વહે છે. તેમાંથી દૂધ સ્તનનલિકાઓ(mammary ducts)માં જાય છે. સ્તનનલિકાઓ ચુચૂક (ડીંટડી) તરફ જાય છે ત્યારે તે પહોળી થઈને નાનું પોલાણ (વિવરિકા, sinusoid) બનાવે છે, જેને વિપુટ (ampula) કહે છે. વિપુટમાં દૂધ સંગ્રહાય છે. વિપુટમાંથી દુગ્ધવાહી નલિકાઓ (lactiferous ducts) નીકળે છે, જે ચુચૂક(ડીંટડી)માં છિદ્ર દ્વારા બહાર સપાટી પર ખૂલે છે. ડીંટડીની આસપાસનો પરિચુચૂક વિસ્તાર સહેજ ખરબચડો હોય તેવો લાગે છે. કેમ કે તેમાં ત્વક્તેલ ગ્રંથિઓ (sebaceous glands) આવેલી હોય છે. સ્તન પોતે પણ પરિવર્તિત ત્વક્તેલ ગ્રંથિ જ છે.

સ્તનના રોગ, ખાસ કરીને કૅન્સરના નિદાનમાં સ્તનચિત્રણ (mammography) ઉપયોગી નિદાનપદ્ધતિ છે. (જુઓ આકૃતિ).

આકૃતિ 2 : સ્તનચિત્રણ (mammography) : (અ) ચિત્રણ મેળવવાની ક્રિયા, (આ અને ઇ) સ્તનચિત્રણો (mammograms). (1) એક્સ-રેનું સ્રોતમૂળ (source), (2) દર્દી, (3) સ્તન, (4) ટૅકનિશિયન, (5) સ્તનચિત્રણો (આ  સામાન્ય સ્તન, ઇ  કૅન્સરની ગાંઠ).

જન્મ સમયે નર અને માદા શિશુમાં સ્તન અલ્પવિકસિત હોય છે અને છાતી પર રહેલ ઉપસાટ (elevation) દર્શાવે છે. યૌવનારંભ (puberty) થાય ત્યારે તે છોકરીઓમાં વિકસવા માંડે છે. ત્યારે તેમાંનું નલિકાતંત્ર (ductile system) પુખ્ત બને છે અને ચરબી જમા થવા માંડે છે. તે સાથે ચુચૂક અને પરિચુચૂક વિસ્તાર પણ વિકસે છે અને ગાઢા રંગના બને છે. તે સમયે તેના અંડાશય(અંડગ્રંથિ, ovary)માં ઇસ્ટ્રોજન નામના અંત:સ્રાવનું ઉત્પાદન વધે છે. અંડકોશ બનીને છૂટો પડવાની ક્રિયા (અંડકોશમોચન, ovulation) થાય તથા અંડાશયમાં પીતકાય (corpus luteum) બનવા માંડે ત્યારે સ્તનનો વધુ વિકાસ થાય છે. તરુણાવસ્થા (adolescence) સમયે પ્રોજેસ્ટીરોનનું ઉત્પાદન થાય છે જે સ્તનવિપુટોની સંખ્યાવૃદ્ધિ તથા કદવૃદ્ધિ કરે છે અને તેમાંથી દૂધ સ્રવવા માંડે છે. ચરબીની જમાવટ ચાલુ રહેતી હોવાથી સ્તનનું કદ વધતું રહે છે. સ્તનમાં આવતા આ ફેરફારો માટે અંડગ્રંથિના ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીરોન ઉપરાંત પીયૂષિકા ગ્રંથિ(pituitary gland)ના પુટિકા-ઉત્તેજક અંત:સ્રાવ (follicle stimulating hormone, FSH) અને અધશ્ચેતક(hypothalamus)ના અંડગ્રંથિ-પોષક-મોચન ઘટક (gonadotrophin releasing factor, GnRF) નામના અંત:સ્રાવો પણ મહત્વના છે.

સ્તનનું મુખ્ય કાર્ય દૂધ બનાવીને સ્રવવાનું તથા તેનો બહિ:ક્ષેપ (બહાર કાઢવાનું) કરવાનું છે. આ સમગ્ર ક્રિયાને દુગ્ધધારણ (lactation) કહે છે. દૂધના સ્રવણનું નિયંત્રણ અગ્ર પિયૂષિકા (anterior pituitory) ગ્રંથિનો દુગ્ધસ્રાવી અંત:સ્રાવ (prolactin) કરે છે, જ્યારે તેના બહિ:ક્ષેપનું નિયંત્રણ ઑક્સિટૉક્સિન નામનો અંત:સ્રાવ કરે છે. દૂધ સ્તનમાંથી બહાર આવે તે ક્રિયાને તેનો બહિ:ક્ષેપ (ejection) કહે છે.

દુગ્ધધારણ (lactation) એટલે કે સ્તનમાં દૂધનું સ્રવણ અને વહન (બહિ:ક્ષેપ) દુગ્ધસ્રાવી અંત:સ્રાવ (દુગ્ધસ્રાવક, prolactin) દ્વારા નિયંત્રિત છે. તે અગ્ર પિયૂષિકા ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે. તેના સ્રાવનું નિયંત્રિણ અધશ્ચેતક(hypothalamus)ના 2 ઘટકો (factors) કરે છે – દુગ્ધસ્રાવક વિમોચન ઘટક (prolactin releasing factor, PRF) અને દુગ્ધસ્રાવક નિગ્રહણ ઘટક (prolactin inhibiting factor, PIF). પ્રથમ ઘટક દુગ્ધસ્રાવક(prolactin)નો સ્રાવ વધારે છે, જ્યારે બીજો ઘટક તેને ઘટાડે છે. ઇસ્ટ્રૉજન અને પ્રોજેસ્ટીરોન PIFનું સ્તર વધારીને સગર્ભાવસ્થામાં સ્તન દ્વારા દૂધનું ઉત્પાદન અને બહિ:ક્ષેપ અટકાવે છે. પ્રસવ પછી ઇસ્ટ્રૉજન અને પ્રોજેસ્ટીરોનનું લોહીમાંનું પ્રમાણ ઘટે છે અને તેથી દુગ્ધધારણની ક્રિયા સંભવે છે. શિશુ માતાના સ્તનને ધાવીને દુગ્ધસ્રાવક(prolactin)ના ઉત્પાદન અને સ્રાવને ઉત્તેજિત કરે છે. ધાવવાથી ચુચૂકમાંની સંવેદનાઓ ચેતાઓ (nerves) દ્વારા અધશ્ચેતકમાં જાય છે જ્યાં PRFનું પ્રમાણ વધે છે અને PIFનું પ્રમાણ ઘટે છે. તેના કારણે સ્તનમાં દૂધનું ઉત્પાદન અને તેનો બહિ:ક્ષેપ થાય છે. ધાવવાની ક્રિયા વખતે ઉદભવતી સંવેદનાઓ પશ્ચ પીયૂષિકા ગ્રંથિ(posterior pituitary gland)માંથી ઑક્સિટૉક્સિન નામના અંત:સ્રાવનો સ્રાવ કરાવે છે, જે સ્તનપુટિલોની આસપાસની સંકોચનશીલ પેશીના કોષોને ઉત્તેજીને સ્તનપુટિલોમાંથી દૂધને સ્તન-વિપુટો તરફ ધકેલે છે, જ્યાંથી શિશુ ધાવવાની ક્રિયા દ્વારા તેને ચૂસે છે. ધાવવાની ક્રિયા વડે પોષણ મેળવવાની ક્રિયાને સ્તન્યપાન અથવા સ્તનપાન (breast feeding) કહે છે. દુગ્ધધારણ સમયે પીયૂષિકા ગ્રંથિના અંત:સ્રાવોમાં ઉદભવતા ફેરફારને કારણે અંડાશયમાંથી અંડકોષ છૂટો પડતો નથી અને તેથી તે સમયે ઋતુસ્રાવ ચક્રો તથા ગર્ભધારણ પણ અમુક અંશે થઈ શકતું નથી.

સગર્ભાવસ્થાના અંતમાં અને પ્રસવ પછી ત્રણેક દિવસ સ્તનમાંથી દૂધને બદલે પ્રાગ્દુગ્ધ (colostrum) નામનું પાતળું સફેદ પ્રવાહી નીકળે છે. તે દૂધ જેટલું પોષક નથી. તેમાં દુગ્ધશર્કરા (lactose) અને ચરબી (તૈલી દ્રવ્ય) હોતાં નથી; પરંતુ તેમાંનાં પ્રતિદ્રવ્યો (antibodies) શિશુને થોડાક મહિના માટે વિવિધ ચેપ(infection)થી રક્ષણ આપે છે. પ્રસવ પછી દુગ્ધસ્રાવક અંત:સ્રાવ (prolactin) ઘટે છે; પરંતુ શિશુના ધાવવાથી ઉદભવતી સંવેદનાઓ દુગ્ધસ્રાવક મોચન-ઘટક(PRF)નો સ્રાવ કરાવીને દુગ્ધધારણ ટકાવી રાખે છે, જે 7થી 9 મહિના કે વધુ સુધી ચાલુ રહે છે.

નવજાત શિશુ સ્તન્યપાન કરે તો તેના કેટલાક ફાયદા છે; જેમ કે તે માતા અને શિશુ વચ્ચેનો સંપર્ક વધારે છે તથા શિશુ તેને ભૂખ લાગે ત્યારે આહાર મેળવી શકે છે. તે મેળવવું સહેલું અને કુદરતી છે. વળી ગાયના દૂધ કરતાં માનવદૂધના એમીનોઍસિડનો ચયાપચય સરળ છે અને તેમાંનાં ચરબી અને લોહતત્ત્વને સહેલાઈથી શિશુનાં આંતરડાં અવશોષી શકે છે. વળી તેમાં સોડિયમનું પ્રમાણ પણ ઓછું છે. માતાનું દૂધ પ્રતિદ્રવ્યોનું વહન કરીને રોગો સામે પ્રતિરક્ષણ આપે છે; જેથી શ્વસનમાર્ગનો ચેપ લાગવાની સંભાવના ઘટે છે. ધાવવાની ક્રિયા શિશુનાં જડબાં અને ચહેરાના સ્નાયુઓનો વિકાસ કરે છે.

તે માતાના ગર્ભાશયનું નિર્વર્ધન (involution) કરીને તેને નાનું કરવામાં મદદરૂપ છે. અમુક અંશે તે ગર્ભનિરોધક છે. શિશુમાં મેદસ્વિતા (obesity) ઘટાડે છે. કૅલ્શિયમ અને સોડિયમનું સ્તર ઘટતું અટકાવે છે. અલ્પગલગ્રંથિતા (hypothyroidism), સામાન્ય રીતે તેની સામે આવતી અસહિષ્ણુતા (intolerance) શિશુમાં આકસ્મિક મૃત્યુની સંભાવના, મોટી ઉંમરે હૃદયરોગ કે આંતરડાનો શોથકારી (inflammatory) રોગ તથા માતામાં સ્તનકૅન્સરનું જોખમ – આ બધું ઘટાડે છે. માતાએ શિશુની આંખનું ઝડપી હલનચલન, હોઠ હલાવવા કે હાથ ધાવવા જેવી ક્રિયાઓનું નિરીક્ષણ કરીને તે રડે તે પહેલાં ધાવણ આપવું સલાહભર્યું ગણાય છે.

માનવદૂધ : માનવના નવજાત શિશુ માટે માનવ(માતાનું)દૂધ આદર્શ ગણાય છે. તેમાંનાં પોષક દ્રવ્યો, પ્રતિરક્ષક દ્રવ્યો અને અન્ય જૈવ સક્રિય (bioactive) દ્રવ્યો તેનું પોષણ કરે છે. વિષાણુ અને જીવાણુના ચેપથી રક્ષણ આપે છે તથા ગર્ભાશયની બહારની જિંદગી સાથે અનુકૂલન (adaptation) કરાવી આપે છે. શિશુને દરેક પ્રાશન(feed)ની શરૂઆતમાં ઓછી ચરબીવાળું અને અંતે વધુ ચરબીવાળું દૂધ મળે છે.

સારણી 1 : માતાના દૂધમાંના ચેપરોધી ઘટકો

ક્રમ      ઘટક           કાર્ય
 1. પ્રતિરક્ષાગ્લોબ્યુલિન-A

(IgA)

આંતરડાના પોલાણમાંનાં પ્રતિદ્રવ્યો-

(antigens)થી રક્ષણ

 2. દુગ્ધલોહીન (lactoferrin) જીવાણુ (bacteria) સાથે લોહતત્વ માટે

સ્પર્ધા કરે.

 3. વિલયનોત્સેચક

(lysozyme)

જીવાણુની કોષદીવાલનો નાશ કરે.
 4. અલ્પશર્કરા (oligosac-

charide)

દુગ્ધજીવાણુઓ(lactobacilli)નો

આંતરડાંમાં ઉછેર વધારે

 5. મહાભક્ષી કોષો

(macrophages)

જીવાણુ ભક્ષણ કરે.
 6. લસિકાકોષો

(lymphocytes)

પ્રતિરક્ષાદ્રવ્યો અને લસિકાકોષ ગતિકો-

(lymphokines)નું સ્રવણ કરે.

 7. પ્રતિરક્ષાપૂરક

(complement)

પ્રતિરક્ષામાં સહાયક
 8. ઇન્ટરફેરોન વિષાણુઓ સામે રક્ષણ
 9. B12  ફોલેટ બંધકો પ્રજીવક B12 અને ફોલેટનો જીવાણુઓ

ઉપયોગ ન કરે તેવું દ્રવ્ય

10. પ્રતિસ્ટેફાયલોકોકસ ઘટક તે સ્ટેફાયલોકોકસ જીવાણુના ચેપથી

રક્ષણ આપે.

પ્રાગ્દુગ્ધમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે (100 ગ્રા./લિટર), જ્યારે સામાન્ય માતાના દૂધમાં તે 10 ગ્રામ/લિટર જેટલું જ હોય છે. પ્રાગ્દુગ્ધમાંનું પ્રોટીન રક્ષણાત્મક હોય છે અને તેથી જઠર આંતરડાંને લાગતા શ્વસનમાર્ગના ચેપ ઘટે છે. માનવદૂધમાં વિવિધ પ્રકારના પ્રતિરક્ષાકારી (immunological) ઘટકો હોય છે.

પ્રાગ્દુગ્ધમાં દુગ્ધશર્કરા અને ચરબી ઓછી હોય છે, જ્યારે તેમાં ગાય કે ભેંસના દૂધ કરતાં અનુક્રમે 12 % અને 21 % વધુ હોય છે. તે મુખ્યત્વે લૅક્ટોગ્લોબ્યુલિન અને લૅક્ટોઆલ્બ્યુમિનના સ્વરૂપે હોય છે. તેમાં IgA પ્રકારનાં પ્રતિદ્રવ્યો પણ વધુ હોય છે. માતાના દૂધને સંગ્રહવા માટેની બૅન્ક પશ્ચિમી દેશોમાં હોય છે. તેનું પાશ્ચરીકરણ કરાતું નથી; પરંતુ તેને 72 કલાક માટે 4°થી 6° સે. તાપમાને સંગ્રહી શકાય છે. મુખમાર્ગે મેટોક્લોપ્રેમાઇડ આપવાથી દૂધનું પ્રમાણ વધારી શકાય છે. ધૂમ્રપાન કરતી સ્ત્રીમાં તેનું પ્રમાણ ઘટે છે. માનવ તથા પ્રાણીજ દૂધના ઘટકોને સારણી 2માં દર્શાવ્યા છે. સારણી 3માં સ્તન્યપાન વખતે પોષક ઘટકોનું કેટલું પ્રમાણ લેવાવું જોઈએ તે દર્શાવાયું છે.

સારણી 2 : વિવિધ પ્રકારના દૂધના ઘટકો

100 મિલિ કૅલરી (Kcal) પ્રોટીન (ગ્રામ) ચરબી (ગ્રામ) કાર્બોહાઇડ્રેટ (ગ્રામ)
બકરી 72 3.3 4.5 4.6
ગાય 67 3.2 4.1 4.4
ભેંસ 117 4.3 8.8 5.0
માનવ 65 1.1 3.4 7.4

સારણી 3 : સામાન્ય, સગર્ભા અને સ્તન્યપાની સ્ત્રીને જરૂરી કેટલાક પોષક
ઘટકોની
માત્રા (ઉંમર 20થી 35, 63 કિગ્રા. વજન, 163 સેમી. ઊંચાઈ)

પોષકઘટક માત્રાનો

સ્ત્રી

સામાન્ય સગર્ભા સ્તન્યપાની સ્ત્રી
એકમ/દિવસ બીજા 6 પ્રથમ 6
મહિના મહિના
પ્રોટીન ગ્રામ 50 60 65 62
વિટામિન માઇક્રોગ્રામ 800 800 1300 1200
મિ.ગ્રામ 8 10 12 11
કે માઇક્રોગ્રામ 65 65 65 65
સી મિ.ગ્રામ 60 70 95 90
ડી માઇક્રોગ્રામ 5 5 5 5
કૅલ્શિયમ મિ.ગ્રામ 1000 1000-1300 1000-1300 1000-1300
લોહ મિ.ગ્રામ 15 30 15 15
ફૉલિક ઍસિડ માઇક્રોગ્રામ 400 600 500 500
વિટામિન B12 માઇક્રોગ્રામ 2.4 2.6 2.8 2.8

માતાના સ્તનને ઈજા કે તેમાં ચેપ લાગે કે માતાને કોઈ ઉગ્ર ચેપનો રોગ થાય તો સ્તન્યપાનનો ટૂંકા સમય માટે નિષેધ કરાય છે; પરંતુ તેને તીવ્ર માનસિક કે શારીરિક વિકાર હોય તો સ્તન્યપાન લાંબા સમય સુધી કરવા દેવામાં આવતું નથી. નવજાતશિશુમાં જન્મજાત દુગ્ધશર્કરોત્સેચક(lactose)ની ઊણપ હોય તોપણ સ્તન્યપાનનો નિષેધ કરાય છે. માતા કયાં ઔષધો લે છે અને તેના દૂધમાં જાય છે કે નહિ તેની ચકાસણી કરાય છે. માતાને HIV કે યકૃતશોથ-બી(hepatitis-B)નો ચેપ હોય તો તે તેના દૂધ દ્વારા શિશુમાં ફેલાય છે.

શિલીન નં. શુક્લ