કપ્તાનની રસીદ (mates’ receipt) : દરિયાઈ માર્ગે માલનું પરિવહન કરતી વખતે તેની યોગ્યતા અને સ્વીકૃતિ દર્શાવતી વહાણના કપ્તાને આપેલી રસીદ. કસ્ટમને લગતી તમામ પ્રકારની કાર્યવિધિમાંથી પસાર કર્યા પછી માલને વહાણમાં ચઢાવવા-ગોઠવવા અંગેની કાર્યવહી શરૂ થાય છે.
વહાણના કપ્તાન સમક્ષ નિકાસકાર શિપિંગ ઑર્ડર અને શિપિંગ બિલ રજૂ કરે ત્યારે જ કપ્તાન માલને વહાણમાં ચઢાવવાની પરવાનગી આપે છે. વહાણમાં મૂકવા માટે મળેલ માલના પાર્સલ-પૅકિંગની ચકાસણી અને ગણતરી વહાણના કપ્તાન કે તેના મદદનીશ દ્વારા કરવામાં આવે છે. જો માલ વહાણમાં મૂકવા માટે સર્વ પ્રકારે યોગ્ય (એટલે કે સંખ્યા, વજન, કદ, પૅકિંગ, પ્રકાર, દરિયાઈ માર્ગે વહનક્ષમતા વગેરે ર્દષ્ટિએ માલની યોગ્યતા) હોય તો કપ્તાન આ માલની દરિયાઈ માર્ગે વહન અંગે યોગ્યતા દર્શાવતી તેમજ માલની સ્વીકૃતિ અંગેની રસીદ આપે છે. તેને કપ્તાનની રસીદ કહેવાય છે.
કપ્તાનની રસીદ બે પ્રકારની હોય છે : (ક) ચોખ્ખી રસીદ (clean receipt) અને (ખ) ખામીવાળી રસીદ (foul receipt). કપ્તાનની રસીદમાં માલની યોગ્યતાને લગતી બાબતો અંગે કોઈ પ્રતિકૂળ નોંધ ન હોય તો તેને ચોખ્ખી રસીદ કહેવાય છે. માલની વહનયોગ્યતાને લગતી બાબતો અંગે કોઈ પ્રતિકૂળ નોંધ હોય તો તેને ખામીવાળી રસીદ કહેવાય છે.
આ રીતે આપવામાં આવતી રસીદ અંશત: પરક્રામ્ય (semi negotiable) દસ્તાવેજ તરીકે સ્વીકારાય છે. માલ કે વસ્તુની માલિકી દર્શાવતા દસ્તાવેજ તરીકે પણ તે વ્યવહારમાં સ્વીકારાય છે.
કપ્તાનની રસીદમાં માલ મોકલનારનું નામ તથા સરનામું, માલ લેનારનું નામ તથા સરનામું, માલનું વજન, સંખ્યા, કદ, પૅકિંગનો પ્રકાર, ઓળખચિહન, વહાણમાં જે બંદરેથી માલ ચઢાવ્યો હોય તેનું નામ તથા જે બંદરે માલ ઉતારવાનો હોય તેનું નામ, તારીખ, કપ્તાનની સહી વગેરે બાબતો દર્શાવાય છે.
રોહિત ગાંધી