કપ્તાન, વસંતરાવ (જ. 5 ફેબ્રુઆરી 1905, વડોદરા; અ. 25 સપ્ટેમ્બર 1974, વડોદરા) : આજીવન વ્યાયામપ્રવર્તક, વડોદરામાં ‘ગુજરાત ક્રીડામંડળ’ સંસ્થાના સ્થાપક અને સંચાલક તથા સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભ વિદ્યાનગર)ના પૂર્વ શારીરિક શિક્ષણ-નિયામક (1951-1963). જન્મ મહારાષ્ટ્રી કુટુંબમાં; પિતા બળવંતરાવ; માતા રાધિકાબાઈ. વડોદરામાં તાત્યાસાહેબ સહસ્રબુદ્ધેના શિષ્ય અને નારાયણ ગુરુની પરંપરાની કુસ્તીના તેઓ પારંગત હતા. તેમણે પુણેના ડેક્કન જિમખાનામાં તથા વડોદરાના હિન્દવિજય જિમખાનામાં કુસ્તીનાં દંગલોમાં ભાગ લઈ ભારે નામના મેળવી હતી.

તેમણે મોટી ઉંમરે અમેરિકાના સ્પ્રિંગફિલ્ડની શારીરિક શિક્ષણ કૉલેજમાં અભ્યાસ કરી અનુસ્નાતક કક્ષાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. વડોદરામાં તેમણે ‘ગુજરાત ક્રીડામંડળ’ નામની રમત-સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થાના રમતવીરોએ દેશી રમતોના ક્ષેત્રે દેશભરમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરેલી છે. તે ‘કપ્તાન’ નામનું માસિક પણ ચલાવતા હતા. અનેક પ્રતિકૂળ સંજોગોનો ઢ સંકલ્પબળે સામનો કરી 1936માં બર્લિન ખાતે, 1948માં લંડનમાં વેમ્બ્લી ખાતે તથા 1966માં મેક્સિકો ખાતે યોજાયેલી વિશ્વ ઑલિમ્પિક રમતો પ્રસંગે પહોંચી જઈ રમતોનું તલસ્પર્શી નિરીક્ષણ કરી ઘણી ઉપયોગી બાબતો અપનાવી હતી.

આજીવન અપરિણીત રહી, તેમણે દેશી વ્યાયામ અને રમતોના પ્રસાર અને વિકાસમાં બહુમૂલ્ય ફાળો નોંધાવ્યો છે. ભારતીય આદર્શ અનુસાર વ્યાયામ અને અધ્યાત્મનો તેમના જીવનમાં વિરલ સુમેળ હતો. તે રામાયણની સંગીતમય કથાની અત્યંત હૃદયંગમ રજૂઆત કરતા. તેમના અવસાન બાદ વડોદરા મહાનગરપાલિકાએ રાજમહેલ રોડથી પોલો ગ્રાઉન્ડ તરફ જતા માર્ગને ‘વસંતરાવ કપ્તાન માર્ગ’ નામ આપી તેમની સ્મૃતિ કાયમ રાખી છે.

ચિનુભાઈ શાહ